લોકશાહી શાંત બહુમતીની રમત છે. એક બહુ જ મોટી બહુમતી જેને અંગ્રેજીમાં 'ધ સાઈલન્ટ મેજોરિટી' કહેવાઈ છે, બધું જ જુએ છે, સમજે છે અને સમય આવે ત્યારે પરિવર્તન લાવે છે. આ મધ્ય વર્ગ છે અને આ મધ્ય વર્ગ, દંતકથાના ઍટલાસની જેમ, એના ખભા પર આકાશ લઈને ઊભો છે. લોકશાહીની સેંકડો વ્યાખ્યાઓ કાલક્રમે આવતી રહી છે, અને એમાં એબ્રહમ લિંકનની લોકો માટે, લોકો દ્વારા, લોકોની સરકાર... કદાચ સૌથી સુખ્યાત વ્યાખ્યા છે. પણ હું જ્યારે લોકશાહી વિષે વિચારું છું ત્યારે મારી વ્યાખ્યામાં એક આરબ કહેવત આવે છે. આરબોની કહેવત છે કે, કારવાંની ગતિ સૌથી ધીમે ચાલતો માણસ નક્કી કરે છે ! સૌથી ધીમે, ધીરે ચાલતો નાનો માણસ કારવાંમાં છેલ્લો હોય છે. એને હાથ પકડીને, ગતિ આપીને, એને સહાયક થઈને જ લોકશાહીનો કારવાં ગતિ તેજ કરી શકે છે અને ઝડપથી આગળ વધી શકે છે. જે માણસ અમીરે-કારવાં છે, કારવાંનો નેતા છે, એણે પાછળ જોતા રહેવું પડે છે. એને નાના માણસનો સતત ખ્યાલ રાખતા રહેવું પડે છે, આ લોકશાહી છે. મારી દ્રષ્ટિએ, અને નેતૃત્વની આ જ કસોટી છે.
(સંદેશ: જાન્યુઆરી 10, 1999)
(જીવન અને સફર, પૃ.4)
No comments:
Post a Comment