આ વાક્યો બોલનારી વ્યક્તિઓ જીવનમાં રોજ અથડાયા કરે છે, જેમની પાસેથી આપણને સતત સાંભળવા મળે છે : ટાઈમ નથી... હું બહુ બિઝી છું, યુ સી... જે માણસ ઑફિસની દરેક ક્ષણ અને દિવસનો દરેક કલાક તેમજ વર્ષનો દરેક દિવસ બિઝી રહે છે એને કામ કરતાં આવડતું નથી. જે માણસ 24 કલાક "ટેન્સ" રહે છે, જેનું કામ ક્યારેય પૂરું થતું નથી એ માણસને "ટાઈમ-મેનેજેમેન્ટ" નામની વસ્તુની ખબર નથી. આજકાલ મેનેજમેન્ટના વિશ્વમાં ટાઈમ-મેનેજમેન્ટની વિભાવના પ્રમુખ બની રહી છે. અને આ વિભાવના જેટલી નવી છે એટલી જ જૂની છે. આપણી એક કહેવત હતી કે પાઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં! ઘાણીમાં તેલ કાઢનાર બળદ પણ ગોળગોળ ફરતો રહે છે, હંમેશા "બિઝી" હોય છે.
દરેકને માટે પોતાનો સમય એ જમીનની જેમ સીમિત છે, ધીરે ધીરે એ ઓછો થતો જશે અને એ વધારે મળવાનો નથી. સૂર્ય કાલે ઊગશે પણ 34મું વર્ષ પૂરું થયા પછી ફરીથી પાછું આવવાનું નથી, સામેના પીપળાના વૃક્ષ પર વસંતઋતુ આવશે અને નવાં લાલ પાંદડાં ફૂટશે પણ 46મા વર્ષે જે ઊર્જા અને કાર્યશક્તિ છે એ 47મે વર્ષે થોડી ઓછી જ થવાની છે, વધવાની નથી. મૉન્સૂનના વરસાદો આવતે વર્ષે પણ આવશે, એ જ તેજ ગતિથી, પણ 58મે વર્ષે જે દ્રષ્ટિ કે શ્રવણશક્તિ કે દંતશક્તિ કે સેક્સશક્તિ છે એ 59મે વર્ષ જરૂર થોડી ઓછી જ થવાની છે. સમય એ જ 24 કલાકના દિવસનો છે પણ એક એક મિનિટમાંથી કામ નિચોવી શકવાની તાકાત ક્રમશ: કમજોર થતી જાય છે. સામાન્ય જિદ્દી માણસ આ સ્વીકારવા માગતો નથી, અને એ એની દૈહિક નપુંસકતાનો આરંભ છે. જે વર્ષો જાય છે એ વાપસ આવવાનાં નથી માટે જ ટાઈમ-મેનેજમેન્ટ વિષેનું બ્રહ્મવાક્ય આપણી જનતાએ સેંકડો વર્ષો પહેલાં કહી દીધું હતું : કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ...! આધુનિક ટાઈમ-મેનેજમેન્ટ કે ટાઈમ-બજેટિંગનો આ પ્રથમ સ્વર્ણનિયમ છે.
મેં વર્ષો પહેલાં મારે માટે થોડા નિયમો બનાવ્યા હતા. જે કામ આપણને ગમતું નથી એ પહેલું કરવું ! જે કામ મુલતવી રાખીએ છીએ એ કામ દૂરથી મોટું લાગે છે અને જેમ જેમ એની અંતિમ ડેડલાઈન પાસે આવતી જાય છે એમ એમ વધુ ને વધુ મોટું બનતું જાય છે, છેવટે એ રાક્ષસી, જટિલ અને ભયાવહ બની જાય છે. રોગ અને રિપુની જેમ અપ્રિય કાર્ય પણ પહેલું જ ખતમ કરી નાખવું. મીઠીબાઈ કૉલેજમાં આખું વર્ષ મારા પ્રિન્સિપાલની મહેરબાનીથી મારે વર્ષમાં ત્રણ વખત ખૂબ જ પેપરો તપાસવાનાં આવતાં, જે સેંકડોને હિસાબે હતાં. આ જડ મજૂરીનું કામ મારે બીજાઓ કરતાં ત્રણ ગણું રહેતું. બીજાઓ છેલ્લા દિવસ સુધી કાર્યભાર વિષે કકળાટ કરતા રહેતા, હું પહેલા દિવસથી જ જે અને જ્યારે ટાઈમ મળે, પેપરો પતાવતો રહેતો અને દસબાર દિવસ પાગલની જેમ પાછળ પડીને એ ખતમ કરી નાખતો. નવો નવો હતો ત્યારે મેં એક વાર પ્રથમ સપ્તાહે જ પહેલા લૉટનું પરિણામપત્રક કૉલેજ-ઑફિસમાં આપી દીધું અને મારા પ્રિન્સિપાલે લુચ્ચું, ગંદું, ગાંધીવાદી અર્ધ સ્મિત કરતાં કહ્યું હતું : હં....અ....અ...! બક્ષી, તમે આટલા જલદી પેપરો કેવી રીતે તપાસી લીધાં? પછી હું શીખ્યો, કે પેપરો આપણા ટાઈમ-મેનેજમેન્ટ પ્રમાણે તપાસી લેવાં, પણ પરિણામપત્રક કૉલેજ-ઑફિસમાં ત્યારે જ આપવું જ્યારે બધા આપવાનું શરૂ કરે. કામચોર માણસોમાં અદેખાઈ એ રીતે ઊગતી હોય કે જેવી રીતે ઢોરને શિંગડાં ઊગી જાય છે અને એ વાત સમૂહમાં કામ કરતી વખતે ખ્યાલ રાખવી જોઈએ.
સમયનો પુનર્જન્મ થતો નથી, સમય રિ-સાઈકલ થતો નથી, આપણને બીજાનો સમય મળી શકતો નથી. "ટાઈમ ઈઝ મની" કહેનાર માણસે જડ અને બુદ્ધિહીન માણસોને સરળતાથી સમજાવવા માટે આ કહેવત શોધી હશે. સમયનો સદુપયોગ કેમ કરવો એનું એક શાસ્ત્ર વિકસ્યું છે. ડૉ. નગેન્દ્ર સિંહ યુરોપની હેગની આંતરરાષ્ટ્રીય કૉર્ટના જજ હતા અને ભારતના એકમાત્ર પ્રતિનિધિ હતા. એ વર્ષે-બે વર્ષે એક પુસ્તક પણ પ્રકટ કરી લેતા હતા. એક વાર એમને પૂછવામાં આવ્યું : સર! તમે આટલા બધા વ્યસ્ત રહો છો તો તમને અવકાશ મળે છે કેવી રીતે પુસ્તક લખવાનો? અને ડૉ. નગેન્દ્ર સિંહે શાંતિથી ઉત્તર આપ્યો : ચા પીતી વખતે તમે કેટલો સમય બગાડો છો? મેં એ સમયે ઓછામાં ઓછું એક પાનું રોજ લખવાનો નિર્ણય રાખ્યો છે. વર્ષમાં 365 પાનાં તો તમે લખી શકો છો! એટલે એક પુસ્તક જેટલી સામગ્રી તમે એક વર્ષમાં જરૂર જમા કરી શકો છો. કડક શિસ્ત હોવી જોઈએ, અને ધૈર્ય...
ટાઈમ-મેનેજમેન્ટમાં બીજાને કામ સોંપવાની, બીજા પાસે સહયોગી તરીકે કામ બાંટીને કરાવવાની બિરાદરાના ખેલદિલી પણ હોવી જોઈએ. જીવન એ દોડી રહેલા, પચાસ ઘોડાઓના રથ જેવું છે. બધી જ લગામો ખેંચી રાખવાનો આગ્રહ રાખનાર સ્વયં ખેંચાઈ જાય છે, ઘોડાઓ બધી જ દિશામાં દોડી જાય છે અને રથ સ્વયં છિન્નભિન્ન થઈ જાય છે. માણસ જેટલી લગામો ખેંચી શકે એટલી જ એણે પકડી રાખવી જોઈએ અને વય વધતી જાય એમ એમ એક લગામ છોડતાં જવું જોઈએ... જે થતું નથી! આ "અપરિગ્રહ" પણ ટાઈમ-મેનેજમેન્ટનો જ એક ભાગ છે.
દિવસ એટલે આંખો ખુલ્લી રહે એટલો જ સમય. જો 24માંથી 8 કલાક સૂવાના હોય તો દિવસ એટલે 16 કલાક અને એમાંથી પણ થોડા કલાકો નિત્યક્રમો લઈ લે છે. બાકી રહેલા કલાકોમાં પ્રવૃત્તિ કરવાની રહે છે. મને લાગે છે કે 16 વર્ષની વયે મેં જ્યારે રોજની ડાયરી કે વાસરિકા લખવી શરૂ કરી અને 8 વર્ષ સુધી રોજ રોજ લખી ત્યારે એ ડાયરીઓનાં 5000 પાનાંઓએ મને અનાયાસે જ ટાઈમ-મેનેજમેન્ટ શીખવી દીધું. રોજ ક્રમથી કમ એક પાનું ગમે તે વિષય પર લખવાનું જ, વહેલી સવારથી રાત્રે સૂતાં પહેલાં સુધીના સમયમાં ગમે ત્યારે. સમય મળતો નથી, સમય હંમેશાં કાઢવો જ પડે છે. સમયની સુવિધા પ્રમાણે કામનું વર્ગીકરણ કરી લેવું પડે છે. જરૂરી, અર્ધજરૂરી અને અજરૂરી કામો પણ કરતાં રહેવું પડે છે. જો શિસ્તબદ્ધ થવાની આદત પાડી છે, જો ટાઈમ આપીને સમયસર પહોંચવાની આદત પાડી છે, જો દરેક વસ્તુને વ્યવસ્થિત ગોઠવવાની આદત પાડી છે તો વહી રહેલા કન્વેયર બેલ્ટની જેમ કામો આવતાં રહે છે, થતાં રહે છે અને "ટેન્શન" નામનો શબ્દ વાપર્યા વિના, રમૂજ કરતાં કરતાં પણ, કામ થઈ શકે છે.
ક્લોઝ અપ:
ગુઝશ્ત આંચહે ગુઝશ્ત - ફારસી કહેવત (થઈ ગયું જે કંઈ એ થઈ ગયું.)
ગઈ ગુજરી સંભારવી નહીં - ગુજરાતી કહેવત
(સમકાલીન : ઑક્ટોબર 25, 1992)
(મેનેજમેન્ટ અને બિઝનેસ)
(મેનેજમેન્ટ અને બિઝનેસ)
No comments:
Post a Comment