વ્હીલચૅરમાં બેઠેલો સૈનિક 'અય મેરે વતન કે લોગો...' ગાતો હોય, અને આંખોમાંથી આંસુ ખેંચાઈ જાય, એને સંગીત કહે છે. ડી-હાઇડ્રેટેડ, લખેલા કાળા શબ્દોમાં ગાયકના ગળાની 98.4 ડિગ્રી ગરમી, ઉષ્મા ઉમેરાય ત્યારે સંગીત બને છે. મુંબઈના શેરીફ તરીકે કારગિલના ઘણા કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે બેસવા મળ્યું છે અને જનતાના મિજાજને સમજવાના મૌકા મળ્યા છે. સંગીત શું હોય છે? કોઈ આસ્વાદની જરૂર હોતી નથી, સ્વાદ સ્વયંભૂ હોય છે. આંખોમાંથી વહી જતાં આસું સ્વયંભૂ છે. આસ્વાદ રસાનુભૂતિ છે, કોઈ કરાવે છે, સ્વાદ સ્વયંનો અનુભવ છે. રોટીનો સ્વાદ હોય છે, વિટામિન આસ્વાદ છે. સ્વાદન અને આસ્વાદન વચ્ચે બુનિયાદી ફર્ક છે. વિષાદાનંદ એ કવિતાનું જ એક સ્વરૂપ છે, કારગિલ પછી. શામ ભી થી કુછ ધુઆં-ધુઆં/દિલ ભી થા કુછ ઉદાસ-ઉદાસ/ ઐસે મેંકુછ કહાનિયાં/ યાદ સી આ કે રહે ગયી...! ધુઆં-ધુઆં યાદો, શહાદતની, ગાલ ફાડીને ત્રણ દાંતો તોડી ગયેલી ગોળીની, નિતંબમાં ઘૂસી ગયેલા શાર્પનેલના ટુકડાઓની, જેને લીધે બેસી શકાતું નથી, સૂઈ શકાતું નથી, ઊભા રહી શકાતું નથી, કપાયેલા બે હાથોની, બુઝાઈ ગયેલી એક આંખની... અય વતન, અય વતન...
સંગીત. શું હોય છે સંગીત? એક સંવાદ મૌનનો, ગાયક અને ભાવકની વચ્ચે. સંગીત ઇલેક્ટ્રૉનિક થઈ ગયું છે, અત્યંત લાઉડ, ઇલેક્ટ્રૉનિક અવાજોએ નવી પેઢીને બહેરી કરી નાંખી છે. કોમલ ગાંધાર કે કોમલ ધૈવત આ બહેરા કાનોવાળી નવી પેઢી સમજી શકશે? આપણી પગની આંગળીઓ વાંદરાઓની પગની આંગળીઓની જેમ કામ કરી શકતી નથી, કદાચ એમ જ આવતી પેઢીના કાન કામ નહીં કરી શકે. ઑશો રજનીશનું કહેવું હતું કે ગીતો બજારોમાં વેચાતાં નથી, અને પક્ષીઓ ગાવાનું શીખવા કૉલેજોમાં જતાં નથી ! સંગીત શું છે? સંગીતની મજા એ છે કે સંગીત ટૉર્ચર કરે છે, તમને કબીરના શબ્દોમાં 'અનહદનો આનંદ' આપે છે, સંગીત 'મેસોકિસ્ટિક પ્લેઝર' આપે છે! સંગીતકાર એના અવાજ દ્વારા તમારા આત્માને સ્પર્શ કરે છે. સંગીતની કઈ ભાષા છે? અર્થ પ્રકટ કરવાની વાત નથી, ભાવ પ્રકટ કરવાની વાત છે. સંગીત દુશ્મનોને આંસુઓથી ભીંજાવી શકે છે...
કલા સર્વત્ર છે. મહાન સંગીતજ્ઞ પાવારોટ્ટી કહે છે, હું બાળકના રુદનને જોઉં છું. બાળક લયમાં રડે છે, રાતભર રડે છે, પણ સવારે એનું ગળું ખરાબ થતું નથી, કારણ કે એ લયમાં રડે છે! રુદનનું સંગીત? સવારનું વૃક્ષ પક્ષીઓના ચહચહાટથી ભરેલું હોય છે. કલા શું છે? તમે રડો છો એ આંસુઓનું નૃત્ય છે! પ્રકૃતિમાં સર્વત્ર કલા છે. અગ્નિ સ્થિર નથી, નાચે છે. ધુમાડો સ્થિર નથી, એ નૃત્ય કરતો રહે છે, ધુમાડો અંગડાઈઓ લેતો ઉપર ઊઠતો રહ્યો છે, એ એનો સ્વભાવ છે, ધર્મ છે, એનું નૃત્ય છે. અગ્નિ, વરાળ, ધુમાડો સતત નાચતા રહે છે. હું લખું છું ત્યારે કાગળ પર કાળા અક્ષરો નાચે છે ! સંગીત શું છે? રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે : સંગીત વિનાનાં મારાં ગીત, પાંખો વિનાનાં પતંગિયાં જેવાં છે...
સંગીત શું છે? મને શું ગમે છે એ હું સમજું છું. પુરુષના અવાજની ખરજ, સ્ત્રીના સ્વરની મુલાયમિયત, ભાવવિભોર થવાની આધ્યાત્મિકતા, પીળું રેશમ ગાલ પરથી સરકતું હોય એ સંગીતની કુમાશ, મૌસીકીમાંથી આવતો તૂટનનો આસાર, નસોમાં ધબકતા રક્તનો તાલ. સંગીત શું છે? સંગીત ખૂનને વેગ આપે છે, નર્વ્ઝને અડી જાય છે, એક આકાશ બાંધી આપે છે, ઝિલમિલ રૂમાનિયતનો એહસાસ કરાવે છે. દુ:ખ એ મજાની પરાકાષ્ઠા બની જાય એ સંગીતનું યોગદાન છે, ઉલ્લાસની વેદના અસહ્ય બની જાય છે. સંગીત એક કશિશ બની જાય છે. મુસ્કાનોની રૂમાનિયત એક તરફ રહી જાય છે, કંઈ જ સમજાતું નથી, બધું જ સમજાઈ જાય છે. સોનેરી રંગની વરાળ, ધીમે ધીમે નિચોવી નાંખતું સુખ, મદ્ધિમ પ્રકાશ, અવાજની એક અપનિયત, વિષાદની મસ્તી, અને રડવાના પહેલાની અને પછીની એક ભાષા.
સંગીત પ્રતિભાવની ભીખ પર જીવતું નથી, સંગીત ભાવના-અહેસાસ પર બુલંદ થતું જાય છે. પ્રકૃતિમાં પાણી વહે છે ત્યારે એ ક્યારેય શાંતિથી વહેતું નથી, પત્થરો પર, ખડકો પર, શિલાઓ પર, ચટ્ટાનો પર એ પાણી પછડાય છે, પટકાય છે, ખળખળ અવાજ આવે છે, એ વહેતા પાણીનું નૃત્યસંગીત છે. એક આરોહ-અવરોહ હોય છે, વહેતા પાણીનો, ફૂંકાતી હવાનો, વરસતા વરસાદનો, પક્ષીના અવાજનો. અને માણસનું બોલવું એ પણ સંગીતના નિયમોને આધારિત છે, બોલવામાં ખામોશી, ગતિ, ઊંચાઈ, ગહરાઈ... સેંકડો આયામો માણસના ગળામાંથી પ્રકટ થાય છે. ગળામાંથી સેક્સ ફેંકતા પુરુષનું આક્રમક સંગીત. ફાટતું, માંસલ, હસ્કી, સેક્સી, છલોછલ, તરબતર સ્ત્રીનું રેશમી મખમલી સંગીત.
સંગીત શું છે? બાળકને બોલતાં અને ચાલતાં આવડે, પછી ગાતાં અને નાચતાં શીખવવું પડે છે? રક્તને ધબકતું રાખવા માટે રિયાઝ કરવો પડે છે? વેદનાને ગળામાંથી ફાટવા માટે આલાપ અને અસ્થાયી અને અંતરા અને વિલંબિત તીન તાલના વ્યાકરણના અને ગણિતના નિયમોની રજા લેવાની હોય છે? ધોરી નસમાં ફેંકાતા લાલ લોહીના ફાટતા, ફેંકાતા ધબકારને માલકૌંસ કે કાફી-સિંધુમાં દબાવી શકાશે? એક નવી પેઢીઓનું સંગીત છે, ચાબુકના ફટકાર જેવી તેજલયથી હવાને થર્રાવી દેતું, અસહ્ય મસ્તીથી સરાબોર, લાંબી સાંજો યાદ આવી જાય એવું કાળું સંગીત, સફેદ સફેદ દાંતોવાળું, છલોછલ વાસનાથી ટપકતું, પસીનાની વાસવાળું, પ્રકૃતિના બુનિયાદી ભડકતા રંગોની ઝિલમિલાહટવાળું સંગીત, 'સોલ મ્યુઝિક', આત્મામાંથી ઊઠતી વરાળ જેવું સંગીત...! બસ, ઝૂમવાનું હોય છે. અને ઝૂમનાર ખબરદાર હોતો નથી, હોઈ શકતો નથી...
સંગીત શું છે? એ સમજવાની વસ્તુ છે? સંગીતમાં તરતા રહેવું જોઈએ કે સંગીતમાં ડૂબી જવું જોઈએ? દુનિયાભરમાંથી ખરીદેલી કૅસેટોની એક સલ્તનત મારી પાસે છે, અને એમાં એક અવાજ પાકિસ્તાનની ગાયિકા મુન્ની બેગમનો છે, દબાયેલો પણ સાફ ઔરતાના અવાજ : રંગો-નિકહત સે મિલો/ એશો-ઇશરત સે મિલો/ શૌક સે સબસે મિલો/ સબસે ફૂર્સત સે મિલો/ સબસે મિલ આઓ તો... એક બાર મેરે દિલ સે મિલો...!
સંગીત વક્તગુઝારી માટે નથી. દરેક ગાયિકાના દર્દનો બ્લ્યૂ રંગ જુદો છે. અને ઔરતના બ્લ્યૂ દર્દનો સ્વર પુરુષના પડછાયાને હલાવી જાય છે. અવાજની કંપન રક્તચાપને રોકી શકે છે, પણ વેદના મૌજથી છલકે છે. સાઝ અને આવાઝ બંને દિલનવાઝ હોય ત્યારે, શામે-હમદર્દમાં, કોની પાસે વિચારવાનો સમય છે? સંગીત શું છે.... એ પણ વિચારવાનો સમય ક્યાં છે?
(અભિયાન: ઑગસ્ટ 21, 1999)
(સાહિત્ય અને સર્જન)
No comments:
Post a Comment