June 29, 2013

અમેરિકનોનો શોખ : આઈ વિલ સ્યૂ યૂ !

અમેરિકા જનારા ભણેલા ગુજરાતીઓ એક વાક્ય વારંવાર સાંભળતા રહેતા હોય છે : આઇ વિલ સ્યૂ યૂ! હું તારા પર કેસ કરી દઈશ! વાત વાતમાં કેસ કરી દેવાની ધમકી અમેરિકન જીવનની એક વિશેષતા છે. અને વકીલાતનો ધંધો અમેરિકામાં એક અત્યંત સમૃદ્ધ ધંધો છે. અને વકીલોની સંખ્યામાં પણ અમેરિકા વિશ્વના પ્રથમ દેશોની કક્ષામાં આવે છે. એક વાર એક વયસ્ક મહિલા પર મેકડોનલ્ડની કૉફી પડી ગઈ, એણે કેસ કરી દીધો, 29 લાખ ડૉલર આ મહિલાને આપવાનું કૉર્ટે નક્કી કર્યું, છેવટે 6,40,000 ડૉલર આપવાનું નક્કી થયું! પછી મેકડોનલ્ડના દરેક કૉફી કપ પર લખેલું હોય છે : ચેતવણી... આ કપમાં અત્યંત ગરમ પીણું છે!

અમેરિકામાં વ્યક્તિગત અધિકારો એક પાગલપણાની હદ સુધી આગળ વધી ગયા છે. રાષ્ટ્રપતિ બુશે ઑગસ્ટ 2001માં દર્દીઓના "બિલ ઑફ રાઇટ્સ"ને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં મૂકી દીધું છે અને આ બિલ દ્વારા દર્દી પોતાનો વીમો ઉતારનારને પણ "સ્યૂ" કરી શકે છે ! અમેરિકામાં મહાવિચિત્ર કાયદાઓ છે. જો મારા ઘરની બહાર બરફમાં કોઈ લપસી પડે તો એ મારા પર કેસ કરી શકે છે અને નુકસાની વસૂલ કરી શકે છે! મીશીગન રાજ્યમાં શિક્ષક જો કોઈ કારણસર વિદ્યાર્થીને અડી જાય તો એ ગેરકાયદેસર છે. એક પ્રાથમિક વિદ્યાર્થિનીને એની ફ્લ્યૂટ કે બંસીમાં આંગળીઓ બરાબર ગોઠવવામાં મદદ કરનાર સંગીતશિક્ષક પર "પેડોફીલીક સેક્સ્યુઅલ એસોલ્ટ"નો કેસ થઈ ગયો હતો. કેસ થઈ જવાનો જબરદસ્ત ડર છે. હૉસ્પિટલના દરવાજાથી 30 ફૂટ દૂર એક 15 વર્ષના છોકરાનું રક્તસ્ત્રાવને લીધે મૃત્યુ થઈ ગયું, પણ ઇમર્જન્સીના સ્ટાફને ચિંતા હતી કે જો બહાર જઈને ઘાયલ દર્દીને અંદર લાવીએ તો એ ગેરકાનૂની ગણાઈ શકે અને કેસ થઈ શકે. અમેરિકામાં જો જરાક પણ બીમારી આવે કે ઘાવ પડી જાય તો ડૉક્ટરો જાતજાતના પેથલૉજિકલ ટેસ્ટ કરાવી નાંખે છે કે જેથી ભવિષ્યમાં દર્દી કેસ કરે તો બચાવ થઈ શકે. દર્દીને ખર્ચ થાય છે કે બહુ ગૌણ વાત છે. અને ઇન્શ્યોરન્સનો ધંધો પરાકાષ્ઠા પર છે...! ઉત્પાદક કંપનીઓ આ "આઇ વિલ સ્યૂ યૂ"થી એટલી બધી ડરે છે કે બાળકોનાં રમકડાઓ ઉપર પણ લખ્યું હોય છે કે આ રમકડું મોઢામાં મૂકવું નહીં! બાળકને આ વાંચતાં આવડતું નથી એ બીજી વાત છે...

લૉ-કૉલેજમાં ભણતો હતો ત્યારે અમારે એક પેપર "ટોર્ટ"નો હતો. કાનૂનથી પર, પણ એક નૈતિક કાનૂન, સામાન્ય જિવાતા જીવન પર અસર કરતી બાબતો વિશે ન્યાય, એ "ટોર્ટ"નો વિષય હતો. ઈંગ્લંડમાં ટ્રામ કંપનીની એક ટ્રામ બરાબર ન હતી, એક ગર્ભવતી સ્ત્રી ઊતરી રહી હતી. કંપનીની બેદરકારીને કારણે અને મરમ્મત કરવી જોઈએ પણ કંપનીએ ન કરી હોવાથી, ટ્રામને એક ધમાકા સાથે અકસ્માત થયો, ફલત: એ ગર્ભવતી સ્ત્રીને ગર્ભસ્ત્રાવ થઈ ગયો. સ્ત્રીએ કંપની પર કેસ કરી દીધો, "ઇક્વિટી"ની દુનિયા હતી અને કાયદાની ભાષામાં "ઇન લૉ, ઍન્ડ લૉ ઇક્વિટી" એવો શબ્દપ્રયોગ વપરાવા લાગ્યો. "ટોર્ટ" આ દુનિયાની વાત છે અને અમેરિકામાં આવા ક્લેઇમ કરવાની એક "માસ-ટોર્ટ ઇન્ડસ્ટ્રી" ફાટી નીકળી છે, જેમાં એક જ વસ્તુ માટે સમાંતર ડઝનો ટોર્ટ-ક્લેઇમ આખા દેશમાંથી કરી નંખાય છે. ઘણીવાર નુકસાની ન આપનારી કંપનીઓ દેવાળું ફૂંકીને આ અદાલતી કારવાઈઓનો અંત લાવે છે.

અમેરિકામાં સ્તનો ભરેલાં અને પુષ્ટ કરવા માટે સ્ત્રીઓ "સિલિકોન બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ" કરાવે છે, અને આમાં "સિલિકોન જેલ" સ્તનોમાં ભરીને સ્તનોના ઉભારને ઇચ્છા પ્રમાણે સુરેખ અને ગુદાઝ બનાવી શકાય છે. લાખો સ્ત્રીઓએ આ સિલિકોન ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે. આજથી 24 વર્ષ પહેલાં એક મહિલાનું સ્તન ઇમ્પ્લાન્ટ ફાટી ગયું અને એના વકીલ રીચર્ડ મિથોફે કોર્ટને કહ્યું કે મારી અસીલને અત્યંત વેદના અને માનસિક ત્રાસ પડ્યો છે. કોર્ટમાં જ્યુરીએ આ સ્ત્રીને 1 લાખ 77 હજાર ડૉલર અપાવ્યા જે 1977માં બહુ મોટો આંકડો હતો !

અગિયાર વર્ષ પછી આ ટ્રાન્સપ્લાન્ટના ઉત્પાદક સામે એક સ્ત્રીએ કેસ કરી દીધો અને એના વકીલ રીક લેમીનેકે તર્ક કર્યો કે આ રીતે બ્રેસ્ટ-ટ્રાન્સપ્લાન્ટ જો સ્તનની અંદર જ ફાટી જાય તો "ઓટો ઇમ્યુન" રોગ થઈ શકે છે. એ વખતે કોર્નિંગના કાચનાં વાસણો બનાવનારી કોર્નિંગ કંપની "ડાઉ કોર્નિંગ" લેબલ નીચે સ્તન-ઇમ્પ્લાન્ટ બનાવતી હતી જે હજારો-લાખો મહિલાઓ વાપરતી હતી. કંપની પર હજારો કેસ થઈ ગયા અને કંપનીએ દેવાળું જાહેર કર્યું. આ હજારો કેસોથી "માસ-ટોર્ટ" ઉદ્યોગ અસ્તિત્વમાં આવ્યો. સ્તનમાં સિલિકોન ઇમ્પ્લાન્ટ જો ફાટે તો રોગ થઈ શકે છે એવી માન્યતાએ અમેરિકાની લાખો સ્ત્રીઓને ચોંકાવી દીધી, કંપનીઓ ઊઠવા માંડી અને વકીલો સમૃદ્ધ થતા ગયા. 1992માં પ્રથમ કેસ થયો હતો, બે વર્ષમાં કંપનીની સામે 20,000 કેસો ફાઇલ થઈ ચૂક્યા હતા. એક સ્થિતિ એવી આવી ગઈ કે 4,80,000 સ્ત્રી-અસીલોને સવાચાર બિલીઅન ડૉલર આપવાનું નક્કી થયું હતું. પછી કંપનીઓને લાગ્યું કે દેવાળું ફૂંકવું એ વધારે સારો માર્ગ છે!

અમેરિકામાં "આઇ વિલ સ્યૂ યૂ" પ્રવૃત્તિ કેમ આટલી રાક્ષસી ગતિથી વધી ગઈ છે અને ખાસ કરીને સ્તનોમાં ઇમ્પ્લાન્ટ વિષયક કેસો ફાટી નીકળ્યા છે એની પાછળ એક કારણ છે. પમેલા જૉન્સન નામની 45 વર્ષીય એક સ્ત્રીએ 29મે વર્ષે સ્તનોને પુષ્ટ કરવા માટે સિલિકોન ઇમ્પ્લાન્ટ કરાવ્યું હતું અને 40 પાર કર્યાં ત્યાં સુધી એને કોઈ તકલીફ ન હતી. પછી એનાં ઇમ્પ્લાન્ટ શરીરની અંદર જ ફાટી ગયાં, લીકેજને લીધે થકાવટ અને સાંધાના દુ:ખાવા થવા લાગ્યા. એ દિવસની 20 સિગારેટો પીતી હતી. 1992માં ટેક્ષાસમાં કેસ ચાલ્યો અને જ્યુરીએ પમેલાને 25 મિલીઅન ડૉલરની નુકસાની આપવાનું ઠરાવ્યું (પાછળથી આ સમજૂતી બહુ ઓછામાં થઈ હતી.), પણ આ 25 મિલીઅન ડૉલરનો આંકડો એવી હવા ઊભી કરી ગયો કે હજારો સ્ત્રીઓએ કેસ કરી દીધા. પછી તો ગર્ભનિરોધનાં ઉપકરણો બનાવનાર કંપનીઓ, પ્રસાધન કંપનીઓ બધા પર "ટોર્ટ"ના કેસ ફટકારી દેવાનો ઉદ્યોગ બહુ વિકસ્યો. ધીરેધીરે કંપનીઓ પણ આવી શક્યતાઓ વિશે સતર્ક થઈ ગઈ અને સંરક્ષણાત્મક પગલાં લેવા માંડી. એક સ્ત્રીએ તો પોતાના હાથે જ પોતાનું સ્તન-ટ્રાન્સપ્લાન્ટ ફાડીને કેસ કરી દીધો હતો, પણ પાછળથી સત્ય પ્રકાશમાં આવ્યું હતું. 

અમેરિકાએ પોતાની એક વિચિત્ર સંસ્કૃતિને જન્મ આપ્યો છે. એક તરવાના હોજમાં પડેલી સ્ત્રીને એ પાણી વિશે ભરપૂર શિકાયત હતી. પાણી અત્યંત સ્વચ્છ, ઉષ્ણતામાન બિલકુલ વ્યવસ્થિત, આસપાસનું બધું જ સાફ હતું. પાણી નિયમિત બદલાતું રહેતું હતું અને સ્વિમિંગ-પુલનું આયોજન કરનારી સંસ્થા પૂર્ણત: વ્યાવસાયિક હતી. પણ સ્ત્રીને શિકાયત હતી અને શિકાયત ઉચિત હતી : આ પાણીમાં મારી આંખો બળતી કેમ નથી? ક્લોરીન જરૂર ઓછું નાંખ્યું છે! 

(અભિયાન : ઑક્ટોબર 6, 2001) 

(રાજનીતિ અને અનીતિકારણ)

No comments:

Post a Comment