પશ્ચિમની ધારા શરીરકેન્દ્રી છે, આપણે આત્માને પકડવામાં એક આખી જિંદગી આપણા જ શરીરનું લોહી પી જઈએ છીએ! સેક્સી બનવા માટે પશ્ચિમની સ્ત્રી એના પૂરા શરીર સાથે શું કરી શકે છે? આંખોની આસપાસની સૂજન અને કૂંડાળા કાઢવા માટે એ બ્લેફેરોપ્લાસ્ટી કરાવે છે. અથવા લેસર દ્વારા કરચલીઓ ઓછી કરાવે છે. નાકને સરસ આકાર આપવા, અને નસકોરાનાં "કરેક્શન" માટે એ રાઈનોપ્લાસ્ટી કરાવે છે. પૂરા ચહેરાને ફેસ-લિફ્ટ કરાવે છે. જો સ્તન વધારે ભરાવદાર હોય તો સપ્રમાણ કરવાનું ઑપરેશન થાય છે, અને સ્તનોને પુષ્ટ અને મસ્ત કરવા હોય તો સેલાઇનના ઇમ્પ્લાન્ટ મુકાવવામાં આવે છે. પેટ અંદર કરવા માટે "ટમી-ટક" થાય છે જે પેટને આકાર આપે છે. સાથળો અને નિતંબોમાં જામી ગયેલી વધારાની ચરબી ખેંચી લેવા માટે લિપોસક્શન કરવામાં આવે છે. સ્ત્રીના શરીરને સેક્સી બનાવવા એક વિરાટ સેક્સ-ઉદ્યોગ પૂરબહારમાં છે. સ્ત્રીનું શરીર બનાવનાર ભગવાનની ભૂલો સુધારવા માટે બ્યુટિશિયનોની પૂરી ફોજ ખડેપગે તૈયાર છે!
પશ્ચિમ પશ્ચિમ છે. પહેલાં શરીર, પછી આત્મા! સૌષ્ઠવથી માર્દવ સુધીના અનગિનત શબ્દો વિષે કોઈ દોષભાવ નથી. સપ્રમાણ, સુરેખ, સેક્સી શરીર એ લપેટેલી સાડીમાં ઢાંકવાની વસ્તુ નથી, શરીરનાં અંગો મજા કરવાનાં સૂત્રો અને કેન્દ્રો છે. પશ્ચિમમાં જાહેરખબરો આવતી રહે છે જેનું લક્ષ્ય પૈસા ખર્ચનારી સ્ત્રીઓ છે : તમારા ચિકનના ઈંડાં જેવા સ્તનોને શાહમૃગનાં ઈંડા જેવાં બનાવો! સેક્સ એ જબરદસ્ત મોટો ઉદ્યોગ છે.
(અભિયાન : મે 17, 2003)
(64 લેખો)
No comments:
Post a Comment