September 2, 2013

દોસ્તીમાં પહેલા પેગની, બીજી સ્ત્રીની, ત્રીજા ગિયરની મજા છે

દોસ્તી અઢી અક્ષરનો એક શબ્દ છે...અને શતરંજના મેદાન પર અઢી ઘરની ચાલ ચાલતા ઘોડાની મસ્તી આ શબ્દમાં છે. શતરંજનો હાથી, સીધો ચાલે છે, ઊંટ ત્રાંસો ચાલે છે પણ ઘોડો અઢી ઘર કૂદે છે. બે ઘોડામાં એક વઝીરની તાકાત હોય છે એમ શતરંજના ખેલાડીઓ કહે છે. દોસ્તી આ અઢી ઘરની ચાલ છે, એમાં હિંમત છે, ધસી જવાની વાત છે, બંધનો તોડવાની વાત છે, ખુવાર થઈ જવાની-શહીદ થઈ જવાની વાત છે. દોસ્તીનો વિરોધી શબ્દ દુશ્મની નથી, પણ દગાબાજી છે. દોસ્ત અને દુશ્મન બંનેના ધર્મો વિષે આપણે સતર્ક અને આગાહ હોઈએ છીએ, પણ દગાબાજ સમજાતો નથી. દોસ્તી જિંદગીના હોરમોન્સ બદલી નાખે છે.

મને હંમેશાં લાગ્યું છે કે દોસ્ત તરીકે મુસ્લિમ વધારે સરળ, વધારે વિશ્વસનીય, વધારે ખુલ્લો હોય છે. એ વહી શકે છે, વહી જાય છે. વ્યવહારરૂપે નહીં પણ નિભાવવા માટે એ દોસ્ત બને છે. શરૂથી મુસ્લિમ દોસ્તીનો એક સિલસિલો મારી જિંદગીમાં રહ્યો છું (દુશ્મનીની બાબતમાં પણ હું બહુ જ ખુશકિસ્મત રહ્યો છું. દોસ્તી-દુશ્મની શબ્દોમાં મને એટલી બધી વિરોધિતા પણ દેખાતી નથી. બંને દિલથી થવી જોઈએ. મહોબ્બત કે હિકારત, જે પણ હોય, પણ દિલથી થવી જોઈએ. મહત્ત્વની વસ્તુ છે : દિલ!). દોસ્તોએ બેહિસાબ પ્યાર કર્યો છે. હું આપું એનાથી ઘણું વધારે એમણે મને આપ્યું છે, ખુદા પાસે જઈ કહેવું પડે એવું છે : મેરી ખતાયેં શુમાર કર લે, મેરી સઝા કા હિસાબ કર દે...!

જે દોસ્તીમાં વ્યવહાર અને ફાયદા-ગેરફાયદાનું ગણિત છે ત્યાં ભીની દોસ્તી બનતી નથી, કોરા સંબંધો બને છે. દોસ્તીમાં બે પલ્લાં સરખાં જ હોવાં જરૂરી નથી, તમે વધારે આપો છો અને ઓછું પ્રાપ્ત કરો છો અને ખુશ છો. એક લસ્સી પાઈ હોય તો સામે એક લસ્સી જ મેળવવાની અપેક્ષા નથી. દોસ્તી મુઠ્ઠીઓ બંધ કરીને થતી નથી, હથેળીઓ ખુલ્લી રાખવી પડે છે. વ્યાજખાધનો હિસાબ એમાં ચાલતો નથી. દોસ્ત એ માણસ છે જેની બધી જ ખરાબીઓ અને બધી જ સારાઈઓ તમારી છે. તમે એની પાસે ઊભા છો, બાજુમાં છો, અમદાવાદીઓ કહે છે એમ 'જોડે' છો, અને કાઠિયાવાડીઓ કહે છે એમ 'પડખે' છો! અને અમદાવાદી અને કાઠિયાવાડી દોસ્તીની દોસ્તીમાત્રમાં પણ ફર્ક હોવાનો સંભવ છે.


મિત્રદ્રોહ કે મિત્રઘાત હું ધારું છું જગતનો સૌથી મોટો દોષ હોવો જોઈએ. બેવફાઈ દોસ્તીનું સૌથી મોટું દૂષણ છે. મિત્રદ્રોહથી લગભગ મળતો એક અંગ્રેજી શબ્દ છે : ટ્રેચરી અથવા વિશ્વાસઘાત ! કેટલીક વસ્તુઓ કરવામાં આવતી નથી. જેની સાથે રોટી તોડી હોય, જેના બાળકને પ્યાર કર્યો હોય, જેના દુ:ખમાં એને ખભો આપ્યો હોય, જેનો વિશ્વાસ કર્યો હોય એ માણસ ચાલબાજી કે દગલબાજી કરે તો? કંસનો નાશ કરવો પડે, અર્જુનને જ ઉપદેશ આપી શકાય. એ માણસ મારી જિંદગીમાં પણ આવ્યો હતો - કુત્તા જે વેશ્યા જેવા શબ્દો હું નહીં વાપરું કારણ કે કુત્તાને વફાદારી હોય છે અને વેશ્યાને વિશ્વાસ હોય છે, એ બંને પોતાની નિયત કે ઉદ્દેશ વિષે પક્કા હોય છે - પણ આ માણસ આદર્શ ગર્ભદંભી ગાંધીવાદી ગુજરાતી શિક્ષક હતો, દગાબાજનાં બંને લક્ષણો, કાયરતા અને બેવફાઈ, એનામાં છલોછલ હતાં. કાયર માણસ લુચ્ચા હોવા જોઈએ, આ હતો. જેને જાહેરમાં દેવતા કહ્યો હતો એ માણસે ચારિત્ર્યહનનથી રિશ્વતથી અક્ષમતા સુધીના 42 આરોપો મારી સામે મૂક્યા હતા, સહી કરી હતી, પછી કૉર્ટમાં કહ્યું હતું કે આ સહી જ મારી નથી! અને કૉર્ટે આ બધું જ ફેંકી દીધું, એની બદમાશીની આરપાર જોઈ લીધું, મને નિર્દોષ ગણીને મુક્તિ આપી. દોસ્તી વિષેનો એક બહુ જ મોંઘો સબક તન, મન અને ધન ખુવાર કરી હું શીખી ગયો: ગુજરાતી શુદ્ધમિત્ર બે આંખની શરમ હંમેશા નિભાવે છે. તમે જ્યારે એની સામે ભાવવશ ઝૂકો છો ત્યારે જ એ તમારી પીઠમાં છરો મારે છે. એને બે આંખની શરમ છે.

અને દોસ્તો સાથે કેટલો બધો આનંદ આવ્યો છે? ખુલીખુલી દોસ્તીમાં પહેલા પેગની, બીજી સ્ત્રીની, ત્રીજા ગિયરની મસ્તી છે. મજા છે, દોસ્તી પ્રયત્ન કરવાથી ક્યારેય થતી નથી. દોસ્તી સ્વયંભૂ થાય છે, ચટ્ટાનોની વચ્ચેથી ફૂટેલા જલસ્ત્રોતોની જેમ અને કબરો ફાડીને ઊગેલા જંગલી ફૂલની જેમ એ વહે છે અને વધે છે. દોસ્તીનું વ્યાકરણ કે કોષ્ટક નથી, જગતનો સૌથી હોંશિયાર પુરુષ કે સૌથી સ્વરૂપવાન સ્ત્રી આપણી ઘનિષ્ઠતમ મિત્ર નથી. મારા જેટલો જ મૂર્ખ, ખરાબ, હિંમતવાન કે બેહિંમત, દિલદાર કે બેદિલ, ખુશહાલ કે મનહૂસ માણસ જ મારો મિત્ર બની શકે - અને રેશનિંગની ઑફિસની બહાર લાગેલી કતાર જેટલી મારા મિત્રોની સંખ્યા હોવી જોઈએ એવું હું માનતો નથી. જગતના કરોડો માણસોમાંથી પંદર હજાર કિલોમિટર દૂરના એક નગરના એક માર્ગ પરના એક મકાનમાં રહેતો એક અપરિચિત એકાએક એવી રીતે જીવનભરનો મિત્ર બની જાય છે એ કોઈ રહસ્યવેત્તા સમજાવી શકતો નથી. જીવનમાં મિત્ર અને શત્રુની જો બે અંતિમવાદી સ્થિતિઓનો સ્વીકાર કરી લઈએ તો અમિત્ર કઈ કક્ષામાં આવી શકે છે? અને 'અમિત્ર' નામના શબ્દની પણ, સફેદ અને કાળા વચ્ચેના કરોડો ગ્રે કે એશ કે ભૂખરા સુરમઈ કે સ્લેટીઆ કે રાખોડી રંગની જેમ, પારાવાર રંગછાયાઓ છે...

દોસ્તીને માટે આધુનિક સમાજશાસ્ત્ર એક પ્રયોગ કરે છે : 'પીઆર-ગ્રુપ' અથવા સમવયસ્કો! ભાષા ન બોલનારાં સવા-દોઢ વર્ષનાં બાળકો એકબીજાને ટગરટગર જોઈને અથવા સાથે રડીને મિત્રતા કે હમદમી વ્યક્ત કરે છે. સમ-અનુભવીઓ, સમદુ:ખીઓ, સમસુખીઓ અને સમભોગીઓ જલદી મિત્ર બની શકે છે. સાથે ભણનારા, સાથે ધંધો કરનારા, સાથે સેવા કે બદમાશી કરનારા મિત્રો બની જાય છે એ સ્વાભાવિક છે કારણ કે એ પીઅર છે, હમઉમ્ર છે. એક જ સેક્સવાળી બે વ્યક્તિઓની મૈત્રીનો પ્રકાર બે ભિન્ન સેક્સવાળી વ્યક્તિઓની પૂરક મૈત્રી કરતાં જુદો હોય છે. શ્રીમતી માર્ગારેટ થૅચર અને શ્રીમતી ઈન્દિરા ગાંધી બે સ્ત્રી-પ્રધાનમંત્રીઓ હતી, બંને લોખંડી સ્ત્રીઓ હતી અને બંનેની મૈત્રી પરાકાષ્ઠાએ હતી ત્યારે શ્રીમતી ગાંધીની હત્યા થઈ. એ અરસામાં શ્રીમતી થૅચરે એક વાક્ય લખ્યું હતું : શ્રીમતી ગાંધી સાથે મારી મૈત્રી હતી... વાળ છૂટા કરીને બેસીને નિરાંતે વાતો કરી શકાય એવી એ મિત્ર હતી...

આ પુરુષની ભાષા નથી, પુરુષની અનુભૂતિ નથી. વાળમાંથી પીનો કાઢીને માથું હલાવીને વાળ છૂટા કરીને તડકામાં બેસીને વાતો કરવી એ મૈત્રીની કઈ ચરમસીમા છે એ પુરુષ નહીં સમજે. બે પુરુષોની મૈત્રી શતરંજના બોર્ડ પર આગળ વધતા બે ઘોડાઓની દોસ્તી છે - બંને ઘોડાઓ અઢી ઘરનાં બે વર્તુળોમાં રાજાને શહ આપી શકે છે. એ મૈત્રી રાજાને માત કરી શકે છે.

બે લેખકો વચ્ચે મૈત્રી હોઈ શકે? કઠિન છે કારણ કે પારસ્પરિક વાહવાહના સેતુ પર મૈત્રી કેટલી ટકી શકે? અને લેખક પોતાના મિત્ર પાસેથી પણ પ્રશંશાનો તગાદો કરી લેતો હોય એટલો મોહાંધ હોય છે. એ મોહભંગ ત્યારે જ થાય છે જ્યારે એ સમજે છે કે પ્રશંસા એક એવો પંખો છે જે ફરે છે, રેગ્યુલેટર ફુલ પર છે પણ પાંખો નથી એટલે હવા આવતી નથી! સુજ્ઞ વાચક અને અજ્ઞ લેખક વચ્ચે પણ ગુજરાતી સાહિત્યમાં મૈત્રી જામતી નથી, કારણ? ઘણા ઈનામ-વિજેતા ગુજરાતી લેખકોને વાચકો બુદ્ધિશાળી બની રહ્યાનો ભય રહી રહીને સતાવી રહ્યો છે! ભયથી પ્રીતિ થતી હશે, મૈત્રી થતી નથી. અને વાચક-લેખકનો સંબંધ અદ્રશ્ય મૈત્રી છે, તજુર્બાની સાઝેદારી છે, એક દીર્ઘકાલીન દોસ્તાના છે.

દાંત અને જીભની પણ દોસ્તી હોય છે અને ઢાલ અને તરવારની પણ દોસ્તી હોય છે. અને આંગળી અને નખની પણ દોસ્તી હોય છે. દેશકાળ અને સ્થિતિની પણ માત્રાઓ બદલાય છે. અને એક દોસ્તી છે એસિંહની, અને સિંહના ખુલ્લાં મોઢામાં દાંત વચ્ચે ફસાયેલા માંસની કરચો ચાંચથી ચૂંટી ચૂંટીને પેટ ભરનાર અને સિંહના દાંત સાફ કરી આપનાર પક્ષીની! ક્યાંય દેશ-કાળ અને સ્થિતિની સાથે જરૂરિયાતનું તત્ત્વ પણ દોસ્તીના રસાયણમાં ઉમેરાય છે.

દોસ્તી માટે કહેવતો છે: દોસ્ત વિના દુનિયા અકારી. બીજી એક કહેવત છે : દોસ્ત વગર દિશાઓ સૂની. પોર્ટુગીઝ ભાષામાં દોસ્તી વિશેની કહેવત વધારે સાફ છે - દોસ્ત વિના જીવન જ હોતું નથી! દોસ્તનો હિસાબ દિલમાં હોય છે. અંગ્રેજી કહેવત છે કે દોસ્તી આનંદનો ગુણાકાર કરે છે અને વેદનાનો ભાગાકાર કરે છે. દોસ્તીમાં વિષ પણ ચાખવું પડે છે એવું એક કહેવત કહે છે. ઉત્તર ભારતની એક કહેવત દોસ્તીને માથાના વાળ સાથે સરખાવે છે. એને કાપો, કાપતા રહો, પણ એ જડ છોડતા નથી, એ વધતા જ રહે છે. ચાસણી જેવો મીઠો સ્વભાવ એ દોસ્તીનો ધર્મ નથી, દોસ્તી ખટમિઠ્ઠી હોય છે...

રાજકારણીઓની દોસ્તીમાં કોઈ જ સનાતન મિત્ર કે શત્રુ હોતો નથી. આજનો મિત્ર કાલનો શત્રુ બની શકે છે અને પરમ દિવસે પુનર્મિત્ર પણ બની શકે છે. મૅકીઆવીલીથી બિસ્માર્ક સુધી ઘણા વિચક્ષણ વિચારકોએ કહ્યું છે કે શત્રુનો શત્રુ એ સાચો મિત્ર છે! કારણ કે બંનેનું ધ્યેય એક જ છે, અને મિત્રો સમાનધ્યેયી હોય તો એકસૂત્રી મિત્રતા સરળતાથી જામી શકે છે. જરૂરતમંદ છે એ મિત્ર છે, એવું એક વિધાન છે. અને આનાથી વિપરીત પણ જરા ઉપહાસમાં કહેવાયું છે એમ જે જરૂરતમંદ છે એ મારો મિત્ર નથી! જેને મારી પાસેથી કંઈ પણ લેવું છે એ મિત્રથી દૂર રહેવાનું. પ્રશ્ન પ્રાથમિકતાનો, અને પછી મનુષ્યધર્મનો છે. સિંહાસન પર આસીન, અને ખુરશીના વ્યસનીને દોસ્ત હોય નહીં. બીજા માણસને તરત જ સમજી જનાર બહુ હોશિયાર માણસને દોસ્ત હોય નહીં. જીવનમાં દોસ્ત મેળવવા માટે એ દોસ્ત જેટલા મૂર્ખ, નિર્દોષ, નિષ્પાપ, બેવકૂફ, બેહિસાબી, ખેલદિલ થવું પડે છે, દાવપેચ વિનાનું ખડખડાટ હસવું પડે છે અને કુર્તાના ખિસ્સામાંની બંધ મુઠ્ઠીઓ બહાર કાઢીને હથેળીઓ ખોલવી પડે છે. દોસ્તી ખુલ્લી હથેળીઓની રમત છે.

અને હથેળીઓ સંતાડીને રમનારાઓને એ ફાવતી નથી.

ક્લોઝ અપ:

અગાઉ મુસ્લિમ હુકૂમતમાં નિર્જન મંદિરના અવશેષોમાંથી મસ્જિદ બંધાયાના દાખલા બન્યા છે. એક પ્રસંગ એવો વાંચવામાં આવ્યો છે કે મસ્જિદ બંધાઈ રહી છે. સુલતાન એનું નિરીક્ષણ કરવા જાય છે. સાથે એના અધિકારીઓ છે જેમાં એક પંડિત છે. સુલતાન પંડિતને રૂપાંતરિત મસ્જિદ બતાવે છે. પંડિત ઠંડે કલેજે જડબેસલાક જવાબ આપે છે:

બબીં કરામતે બુત્ખાનએ મરા અય શેખ
કિ ચૂં ખરાબ શવદ ખાન એ ખુદા ગરદદ

(હે શેખ! મારા મંદિરની કરામત જો કે એ બરબાદ થાય ત્યારે ખુદાનું ઘર બને છે)

શૂન્ય પાલનપુરી, મુંબઈ સમાચાર : 4 માર્ચ 1986

(સમકાલીન જુન 28, 1987)

(જ્ઞાન-વિજ્ઞાન: ભાગ-1)

4 comments:

  1. અને હથેળીઓ સંતાડીને રમનારાઓને એ ફાવતી નથી. વાહ....
    કીતની ભી તારીફ કરૂં.. રૂકતી નહીં જુબાં..

    ReplyDelete
  2. Super!!!

    . બીજા માણસને તરત જ સમજી જનાર બહુ હોશિયાર માણસને દોસ્ત હોય નહીં. જીવનમાં દોસ્ત મેળવવા માટે એ દોસ્ત જેટલા મૂર્ખ, નિર્દોષ, નિષ્પાપ, બેવકૂફ, બેહિસાબી, ખેલદિલ થવું પડે છે,

    ReplyDelete
  3. નેહલભાઇને બક્ષીબાબુના બ્લોગનું સર્જન કરવા બદલ ખોબલે ખોબલે અભિનંદન. પણ એક નાનકડી વિનંતી છે. આર્ટિકલમાં બની શકે તો અન્ડરલાઇન, બોલ્ડ કે ઇટાલિક કરવાનું ટાળો. આર્ટિકલની કન્ટિન્યુટી તૂટે છે. બક્ષીબાબુએ એક એક શબ્દ એસિડમાં બોળીને લખેલો હોય છે. એટલે બધા શબ્દો આપણા જેવા બક્ષીબાબુના ચાહકો માટે એકસમાન છે.

    આભાર...

    ReplyDelete