October 24, 2013

ફરીથી સાહિત્યનાં ઈનામો: લેવાં, ન લેવાં, લઈને આશ્ચર્યથી જોવાં

ગુજરાતીમાં ઈનામો હમેશાં ચર્ચાઓ જન્માવે છે. ફરીથી એ જ પ્રશ્ન આવે છે: સાહિત્યનાં ઈનામો લેવાં જોઈએ કે ન લેવાં જોઈએ?

મેં લીધા નથી, હું લેવામાં માનતો નથી. હવે કોઈ આપતું પણ નથી. પણ ગુજરાતની કોલેજના વિદ્યાર્થીઓ, પત્રકારત્વના સંમાનનીય અભ્યાસીઓની કોઈ કમિટી, કોઈ વરિષ્ઠ સાહિત્યિક સંસ્થા જો મને પુરસ્કૃત કરે તો હું જરૂર એ સ્વીકારીશ. માત્ર કૃતિને નહીં પણ લેખકના સમસ્ત જીવનના કૃતિત્વને પુરસ્કૃત કરવું જોઈએ, કારણ કે જીવનભર લખી લીધા પછી તમારું દરેક છપાયેલું પાનું પ્રજાની વિરાસત બની જાય છે. તમારી સમગ્ર ફિલસૂફીનું પ્રજા અભિવાદન કરે તો એ ગર્વ લેવાની વાત છે, કારણ કે એ સમયે તમે ઈનામ-અકરામની લાલસાથી પર થઈ ગયા હો છો. જેમણે જીવન ન્યોછાવર કર્યું છે, જાતને ઘસી નાખી છે એમને સલામ કરીએ છીએ ત્યારે આપણે કૃતકૃત્યતા અનુભવીએ છીએ. ભગવતીકુમાર શર્મા અને લાભશંકર ઠાકરને આપણે એક્સપોર્ટ પ્રમોશનમાં સૌથી વધુ એક્સપોર્ટ કરવા માટે કે વર્ગમાં શ્રેષ્ઠ વર્તણૂક માટે ચાંદ આપ્યો નથી, એમણે આપણી ભાષાને ગરિમા આપી છે માટે આપણે એમનો પુરસ્કાર કર્યો છે.

અને અહીં જ વિસંવાદ, વિરોધિતા, વિસંગતિ પેદા થાય છે. ગુજરાતી ભાષાનાં ઈનામવિતરકો સાચા પડ્યા છે એના કરતાં ખોટા વધારે પડ્યા છે. દર વર્ષે ઈનામોની લહાણી કરવામાં આવી છે અને શિવકુમાર જોષી કે રંભા ગાંધી જેવાને ઈનામો સતત અપાતાં રહ્યાં છે. દિલ્હીની સાહિત્ય અકાદમીએ કાયદાઓ તોડીને, વાળીને, મચડીને, ગેરકાયદે રીતે 1962માં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને, 1964માં ડોલરરાય માંકડને, 1968માં સુંદરમને, 1974માં અનંતરાય રાવળને, 1978માં હરીન્દ્ર દવેને ઈનામો આપ્યાં છે, જે વિશે મેં એકથી વધારે વાર લખ્યું છે અને હજી સુધી મને આ વિષે કોઈએ ઉત્તર આપ્યો નથી, પ્રતિવાદ કર્યો નથી કે મારો આરોપ ખોટો છે. 1979માં જગદીશ રામકૃષ્ણ જોશી જેવા તદ્દન સામાન્ય સ્તરના લખનારને મરણોત્તર ઈનામ અપાવવામાં આવે છે ત્યારે ઈનામોની બંદોબસ્તનીતિ માટે પુરસ્કાર નહીં પણ તિરસ્કાર થઈ જાય છે. આ મુખ્ય કારણ છે કે ઈનામદાર કલાકાર આવાં ઈનામો સ્વીકારવાની ના પાડે છે, ખુરશી પર બેઠેલાને શત્રુ બનાવે છે. પૈસા ન મેળવીને આર્થિક નુકસાન કરે છે અને ગુજરાતી પ્રજાનાં ચરણોમાં માથું ટેકવી દે છે.

ઈનામો કે સન્માન એમ જ પાછાં આપ્યાં છે એવું નથી. આ મહાન ગુજરાતી સાહિત્યમાં અમારા વીર્યવાન પૂર્વજોએ ઈનામો ઠુકરાવી દીધાં છે. નવલરામે સન 1863માં અઢીસો પાનાંની કવિતા લખી હતી અને સાડા સાત મહિના પછી જ્યારે અડધું ઈનામ આવ્યું ત્યારે એમણે એ કબૂલ કર્યું નહીં અને કવિતા પાછી મગાવી લીધી હતી. એ પછી એક સુદીર્ઘ પરંપરા રહી છે ગુજરાતી યોદ્ધા-લેખકની! નાનાલાલે અસ્વીકાર કર્યો હતો. ધૂમકેતુએ 1935માં રણજિતરામ સુવર્ણચંદ્રકનો સ્વીકાર કર્યો હતો. 1958માં રશિયા જવા માટે મળેલા આમંત્રણનો પણ ધૂમકેતુએ સવિનય અસ્વીકાર કર્યો હાતો. ગુજરાતી સાહિત્યે સંભવામિ યુગે યુગેની જેમ હમેશાં પોતાની જ ધરી પર ફરતા ધૂમકેતુઓ પેદા કર્યા છે... અને ઉપગ્રહો તો છે જ, અને આપણા સાહિત્યમાં જે રોશની છે એ ઝળઝળીને ક્ષિતિજો ફાડીને ડૂબી ગયેલા ધૂમકેતુઓની છે, ઉપગ્રહો અને ઉપ-ઉપગ્રહોની નથી. આસપાસ છલાંગો મારતાં રહેતા હૂપ-હૂપગ્રહોની પણ નથી.

ઈનામ પ્રોત્સાહન આપે છે જ્યારે લેખક નવો હોય છે. મને જોસેફ મેકવાન માટે દિલી હમદર્દી એટલા માટે છે કે કેટલા બધા તીનપાટિયા લેખકો એમની હાજરીમાં મહાન મુરબ્બીઓ હોય એવો વર્તાવ રાખે છે! ઈનામ તમને એક સ્થાન આપે છે. આજકાલ તો ગુજરાતી વાચક લેખકનો બની ગયો છે. એ સમજે છે, એ ક્ષીરનીરવિવેક જાણે છે, અને મર્દો અને મસાણિયાઓ વચ્ચેનો ફર્ક ખબર છે એ બતાવવા માટે માત્ર એક સ્મિત જ કરવું પડે છે. વાચકની ત્રીજી આંખ જુએ છે કે ગુજરાતી સાહિત્યના સ્થાનિક ગઠિયાઓ અને ગલ્લાવાળાઓની હાજરીમાં કોઈ નટબોલ્ટ બનાવનારા શેઠિયાના હાથે જાહેરમાં શાલ ઓઢાડી દો અને નાળિયેર પકડાવી દો એ સન્માન ન કહેવાય. એ તો મહાનટ શેઠિયાભાઈઓની સાંજની એક્સ્ટ્રા-કરિક્યુલર એક્ટિવિટી કે ઈતર પ્રવૃત્તિ છે. જ્ઞાનપીઠના એવોર્ડ અપાતા હતા ત્યારે આરંભના એક સમારંભમાં ઈન્ડો-એંગ્લીઅન લેખક નીરદ ચૌધરીને બોલાવવામાં આવ્યા હતા. નીરદબાબુનો બોલવાનો વારો આવ્યો ત્યારે એમણે કહ્યું: આ જ્ઞાનપીઠ પુરસ્કાર તો સાહુ-જૈન સિમેન્ટ ફેક્ટરીની બાય પ્રોડક્ટ છે! એ પછી નીરદ ચૌધરી ક્યારેય દેખાયા નહીં... જો કે નીરદબાબુ એમની કર્કશ જીભ માટે હમેશાં કુખ્યાત રહ્યા છે.

મુંબઈના મહાન શેઠ લોકો કે ગુજરાત અથવા દિલ્હીના સરકારી કમિટીવાળા લેખકોનું આપણને ઈનામ આપવાનું ગજું કેટલું? હમણાં દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરના ગુજરાતીઓએ પંડિત નરદેવભાઈ વેદાલંકારને 75 વર્ષની સમાપ્તિ પર એક સમારોહ કરીને ભાવપૂર્વક 23 નવેમ્બર 1988ને દિવસે જાહેરમાં સન્માન કરીને એક થેલી આપી. નરદેવભાઈએ પૂરી જિંદગી દક્ષિણ આફ્રિકામાં હિંદુત્વનો ધ્વજ ઊંચો રાખ્યો છે. એ વિદ્વાન લેખક, શિક્ષક, ચિંતક છે. એમણે ગ્રંથો લખ્યા છે. ડરબનના ગુજરાતીઓએ એમનાં 75 વર્ષો સમાપ્ત થવા પર એમને 75000 રાન્ડ આપ્યા. ગુજરાતી કવિતાકાર ભાઈઓને ગુણાકાર કરવાની તકલીફ ન પડે એ માટે રૂપિયામાં આ કિંમત લખું છું: 4,50,000 (રૂપિયા ચાર લાખ પચાસ હજાર પૂરા). મુંબઈ નગરીમાં તો આપણે જ બધું ગોઠવવું પડે, ષષ્ટિપૂર્તિ હોય કે અમૃતમહોત્સવ હોય કે સિલ્વર જ્યુબિલી હોય કે વિમોચન હોય, આપણે જ બધો બંદોબસ્ત કરવો પડે. આપણે જ ટર્નર બનવું પડે, આપણે જ ફિટર બનવું પડે, આપણે જ લેથ ઑપરેટર બનવું પડે. જરૂર પડે તો તાળીઓ પાડનારા પણ સપ્લાય કરવા પડે.

અમે કેટલાકે ઈનામો-ચાંદો-અકરામોને લાતો મારી છે માટે ઈનામો-ચાંદો-અકરામોની ઈજ્જત વધી છે. માટે હવે યોગ્ય વ્યક્તિઓ પસંદ કરવી પડે છે, ન છૂટકે પસંદ કરવી પડે છે. માટે ટેબલ નીચી બેઠેલા બિલાડાઓને શું ગુ... કરીને કાઢી મૂકવા પડ્યા છે. માટે સાચા કલાકારોને પાસે ખુરશી પર બેસાડવા પડ્યા છે. 1925માં બર્નાર્ડ શોને સાહિત્ય માટે નોબેલ પારિતોષિક અપાયું ત્યારે બર્નાર્ડ શોએ રોયલ સ્વીડિશ એકેડમીને પત્ર લખ્યો હતો: (તમારું ઈનામ) એ લાઈફબોટ જેવું છે જે તરનાર તરફ ફેંકવામાં આવ્યું છે પણ તરનાર તો કિનારે પહોંચી ચૂક્યો છે! તેહરાન વિશ્વવિદ્યાલયે જ્યારે ડૉ.રાધાકૃષ્ણનને ડી.લીટ.ની ડિગ્રીથી વિભૂષિત કર્યા ત્યારે ડૉ.રાધાકૃષ્ણને એમના જીવનભરના અભ્યાસના પરિપાકરૂપે લખેલાં પુસ્તકો (હું ધારું છું 36 હતાં) તેહરાન યુનિવર્સિટીને ભેટ આપ્યાં. એ વખતે તેહરાન યુનિવર્સિટીના વિદ્વાન ઉપકુલપતિએ લગભગ ભાવુક થઈને કહ્યું: કોણે કોને આપ્યું છે? અમે ડૉ. રાધાકૃષ્ણનને વિભૂષિત કર્યા નથી, એમણે આવા મહાન ગ્રંથો આપીને અમને વિભૂષિત કર્યા છે!

ઈનામો લેવાં જોઈએ કે ન લેવાં જોઈએ? 1981માં પાકિસ્તાનમાં હું મૌલાના એધીને મળેલો અને એમના વિશે વિસ્તારથી લખેલું. ઔલિયો માણસ છે, ખુદાનો સાચો બંદો છે, ચોવીસ કલાક જનતાનો ખિદમતગાર છે. આપણે ફરીથી ઈન્સાનિયતમાં યકીન કરવા લાગીએ એવો માણસ છે. એમને આંતરરાષ્ટ્રીય મેગસાયસાય એવોર્ડ મળ્યો. એક જમાનામાં મૌલાના એધીએ એમની સંસ્થા માટે સદર ઝિયાએ મોકલેલા પાંચ લાખ રૂપિયા પણ પાછા મોકલ્યા હતા, મારો ખુદા મને પૂરી મદદ કરતો રહી છે એમ કહીને! એમણે મેગસાયસાસ એવૉર્ડ સ્વીકાયો, કહ્યું: આ સ્વીકારું છું એટલા માટે કે પૂરી દુનિયાને પાકિસ્તાન વિષે ખબર પડે. મારા દેશનું નામ રોશન થાય છે. હું એમાં નિમિત્ત બનું છું. બસ.

મૌલાના એધીની વાત પછી મને લાગે છે કે મારા પૂરા કૃતિત્વ માટે કોઈ મને પુરસ્કાર આપશે તો હું સ્વીકારીશ. ડરબનના ગુજરાતીઓ જેટલું તો ગજું ન હોય, પણ મુંબઈના શેઠિયાનું જેટલું ગજું હોય એટલું. એ બિચારા પણ પોતાની યથાશક્તિ આપે જ છે. બાકી, ઓડિયન્સ ભેગું કરવા માટે કેટરર્સ તો મળી રહેશે...

ક્લોઝ-અપ:

હવે તો સરકાર તરફથી સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ છે. 'ભારતીય સાહિત્ય પરિષદ' કે 'ભારત ભારતી' એવું દેશી નામ રાખવાને બદલે 'સાહિત્ય અકાદમી' એવું ભૂંડું નામ સરકારને કારણે એને ધારણ કરવું પડ્યું. સંસ્થા ગમે તેવી સારી અને કાયદાથી સ્વાયત્ત હોય તોય સરકારના વણાછામાં કોણ જાણે એ તેજસ્વી બનતી જ નથી. સંપત્તિ, સત્તા અને પ્રતિષ્ઠા સરકારના હાથમાં... એક તરફથી એનાથી દૂર રહેવું પોસાય નહીં અને બીજી તરફથી પોતાના ત્રિવિધ પ્રભાવથી એ સરકાર આપણને ખાઈ જાય, એ પણ પોસાય નહીં. એમાંથી વચલો માર્ગ કાઢવો એ તો યોગીની કરામત જેવું અગમ્ય, કષ્ટસાધ્ય અને અદભુત કામ છે.

                                                                                                                             - કાકા કાલેલકર (1959)

હમણાં લાભશંકર ઠાકરે 1982 માટેનો રણજિતરામ ચંદ્રક પાછો ઠેલીને ચકચાર જગાવી...ઠાકરે ફોડ પાડીને સમજાવ્યું છે કે મારી સાહિત્યપ્રવૃત્તિ કેવળ નિજાનંદ અર્થે છે, મારું સર્જન મારું અંગત કાર્ય છે, હું એમાં લીન છું. ચંદ્રક સ્પર્ધામૂલક છે અને હું સ્પર્ધા માટે કવિતા લખતો નથી. મારે માટે એ જરૂરી નથી.

- 'સમકાલીન' (15 જાન્યુઆરી 1984) તંત્રીલેખમાંથી

(સમકાલીન: જાન્યુઆરી 4, 1989)

(વિવિધા ભાગ-2)

No comments:

Post a Comment