April 28, 2014

ખુરશી પરથી ઊતરવા વિષે : આપણા કૌરવો, એમના પાંડવો

ઇંગ્લંડ, ફ્રાન્સ, અમેરિકા મહાન દેશો એટલા માટે છે કે રાજકારણીઓ નીતિનાં ધોરણો સ્થાપે છે, સ્વચ્છતાની પ્રતિભા ઉપસાવે છે, વ્યક્તિગત ઈમાનદારીનાં કીર્તિમાન ઊચાં ચડાવતા રહે છે. રાજકારણીએ સ્વચ્છ અને જવાબદાર થવું એવું કોઈ દેશના સંવિધાનમાં લખવામાં આવતું નથી પણ સિંહાસન પર બેઠેલો માણસ સ્વેચ્છાએ એ કાર્ય કરે છે અને દેશને ગરિમા આપે છે. એ દેશના સર્વોચ્ચ નેતાઓ એક જ ક્ષણમાં જ સત્તાસ્થાનેથી ઊતરી જાય છે અને બીજી જ ક્ષણે સામાન્ય નાગરિક બની જઈ શકે છે. હિંદુસ્તાની રાજકારણીઓના માથાની પાછળની મિનિસ્ટરી આભા ખસતી નથી. હિંદુસ્તાની મંત્રી, નાનામાં નાનો મંત્રી સત્તા પર હોય કે ન હોય, સગવડ સુવિધા જિદ્દી હકથી ડિમાન્ડ કરતો થઈ જાય છે. મંત્રીઓમાંથી કેટલાય સાંસદો અને વિધાનસભ્યોમાંથી કેટલાય એમને આપેલા સરકારી નિવાસો છોડતા નથી, ઝઘડે છે, પાણીના ભાવે મળેલા વિરાટ આવાસોનું ભાડું ભરતા નથી, જળોની જેમ જાતજાતનાં બહાના કે કોર્ટકચેરીબાજી કરીને આવાસોમાં ચોંટી રહે છે. ભારતવર્ષની લોકશાહી આવા ઘટિયા અને બેજવાબદાર અને ભ્રષ્ટ શાસકોની સામે વૃદ્ધ નોકરડીની જેમ લાચાર થઈને ઊભી રહી જાય છે. કારણ કે શાસક હિંદુસ્તાનમાં સાફ સમજે છે કે એ કાનૂનની ઉપર છે. જ્યારે શાસક ઇંગ્લંડ કે ફ્રાંસ કે અમેરિકામાં સાફ સમજે છે કે એ કાનૂનની નીચે છે અને શાસક એટલે સામાન્ય ધારાસભ્ય કે સાંસદ નહીં, શાસક એટલે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા મિત્તરોં, શાસક એટલે અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ, શાસક એટલે ઇંગ્લંડની પ્રાઇમ મિનિસ્ટર માર્ગરેટ થેચર ! મિત્તરોં, કે થેચર એટલે છગ્ગુપંજુ રાજકારણીઓ નહીં, પણ વિશ્વના સૌથી શક્તિમાન દેશોના સૌથી શક્તિમાન રાજનીતિજ્ઞો, જે સિંહાસન પર હતા ત્યારે પૂરી પૃથ્વીને હલાવી નાંખતા હતા...! આપણા રાજકારણીઓ કેટલા નૈતિક છે? અને આ કેટલા નૈતિક હતા?

François Mitterrand, Margaret Thatcher and George Bush Senior

મે 1995માં ફ્રાંસમાં શાસકો બદલાયા, 62 વર્ષીય ઝાક શિરાક 7 વર્ષ માટે ફ્રાંસના નવા રાષ્ટ્રપતિ નિયુક્ત થયા, જે ત્રીજા પ્રયત્ને સફળ થયા હતા. રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા મિત્તરોં પણ ત્રીજા પ્રયત્ને સફળ થયા હતા. ફ્રાંસની રાજવ્યવસ્થા જ એ પ્રકારની છે કે ત્યાં અનુભવદગ્ધ રાજનીતિજ્ઞ જ રાષ્ટ્રપતિ થઈ શકે છે, ઇન્દિરાપુત્ર હોવાને લીધે કે રાજીવજીની વિધવા હોવાને લીધે ખુરશી વારસામાં મળતી નથી. 1981માં મિત્તરોં રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી ફરીથી બીજીવાર ચૂંટાયા અને 1995માં એમણે પદત્યાગ કર્યો. એમનું 14 વર્ષનું રાષ્ટ્રપતિત્વ એ ફ્રાંસના આધુનિક ઇતિહાસનો રેકર્ડ છે. આજે મિત્તરોં 78 વર્ષના છે, પ્રોસ્ટ્રેટ કૅન્સરના અસાધ્ય રોગમાં મરણોન્મુખ છે, પૂરા ફ્રાંસની હમદર્દી એમની સાથે છે. આ વિશ્વકક્ષાના મહાન ફ્રેંચ રાજનીતિજ્ઞ સત્તા છોડ્યા પછી તરત જ બહાર નીકળી ગયા. એ પેરિસમાં એફિલ ટાવર પાસે એક ફ્લૅટમાં રહેવા ચાલ્યા ગયા છે. એમની પાસે 4 માણસોનો સ્ટાફ છે, જે ફ્રેંચ સરકાર આપે છે, બે બોડીગાર્ડ અને બે ડ્રાઇવર. બસ. અને માસિક પેન્શન 40 હજાર ફ્રેંક એટલે કે 5000 પાઉંડનું! ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મિત્તરોંને સરકાર તરફથી માત્ર એક જ મોટરકાર મળે છે. જે માણસ 14 વર્ષ સુધી ફ્રાંસનો રાષ્ટ્રપતિ રહ્યો, એલિસી પૅલેસનાં પગથિયાં ઊતરીને એક જ મિનિટમાં સામાન્ય ફ્રેંચ નાગરિક બની ગયો! ફ્રેંચ પ્રજાની સાથે આપણને પણ ગાવાનું મન થઈ જાય એવી આ ઘટના છે: "વિવા લ ફ્રોંસ!" (ફ્રાંસ અમર રહે!)

ઇંગ્લંડની લોખંડી મહિલા માર્ગરેટ થેચર આ સદીમાં સૌથી લાંબા સમય સુધી ઇંગ્લંડની પ્રધાનમંત્રી રહેલી વ્યક્તિ છે. એમના ટોરી પક્ષના નિર્વાચનમાં બરાબર બહુમતી મળી નહીં (એ હારી ન હતી) માટે શ્રીમતી થેચરે નક્કી કર્યું કે પક્ષના નેતૃત્વ માટે હું હવે સંપૂર્ણત: યોગ્ય નથી. અને પ્રધાનમંત્રી શ્રીમતી થેચરે ત્યાગપત્ર આપી દીધું, સત્તાત્યાગ કરી દીધો. એ 11 વર્ષો સુધી ઇંગ્લંડની પ્રધાનમંત્રી રહી હતી. ત્યાગપત્ર આપ્યા પછી થોડા જ કલાકોમાં શ્રીમતી થેચરે પ્રધાનમંત્રીનું 10, ડાઉનિંગ સ્ટ્રીટનું નિવાસસ્થાન ખાલી કરી નાંખ્યું અને દક્ષિણ ઇંગ્લંડના પોતાના ઘરમાં આવી ગઈ અંગ્રેજ પ્રજાની સાથે, આપણને પણ ગાવાનું મન થઈ જાય એવી આ ઘટના છે: "રૂલ બ્રિટાનીઆ! રૂલ ધ વેવ્ઝ!" (બ્રિટાનીઆ! સમુદ્રોની સામ્રાજ્ઞી બન!)

અમેરિકામાં જ્યોર્જ બુશ રાષ્ટ્રપતિ હતા, વિશ્વના સૌથી રાક્ષસી સામર્થ્ય ધરાવતા મુલ્કના મહાનેતા. નિર્વાચનમાં એ બિલ ક્લિન્ટનથી પરાજિત થયા, અને થોડા જ કલાકોમાં એમણે વૉશિંગ્ટનનું રાષ્ટ્રપતિભવન છોડી દીધું. પછી એમનો ફોટો છપાયો, જાન્યુઆરી 22, 1993ના દૈનિક 'કોલમ્બસ ડિસ્પેચ"માં. વિશ્વની સૌથી શક્તિમાન મહાસત્તાનો એક સમયનો એટલે કે અઠવાડિયા પહેલાંનો સૌથી શક્તિમાન મહાનેતા એક સામાન્ય અમેરિકન નાગરિક બનીને હ્યુસ્ટનના પાર્ક લોરીએટ બિલ્ડિંગની લિફ્ટની લાઇનમાં સવારે 9 વાગે હાથમાં બે બેગો અને બગલમાં એક બ્રીફ-કેસ દબાવીને 67મે વર્ષે ઊભો છે, અને એણે ટાઈ વિના, એક સ્પૉર્ટ્સ કોટ પહેર્યો છે અને લિફ્ટની કતારમાં ઊભેલી નવમા માળની લૉ ફર્મમાં નોકરી કરતી ક્લર્ક રીની જેક્સન જ્યોર્જ ધ એલિવેટર (મને લાગે છે, લિફ્ટમાં ઘૂસવામાં જરા તકલીફ પડશે!) અમેરિકન પ્રજાની સાથે આપણને પણ ગાવાનું મન થઈ જાય એવી આ ઘટના છે: "ગૉડ્ઝ ઓન લેન્ડ!" (ઈશ્વરનો પોતાનો દેશ!)

ફ્રેંચ રાષ્ટ્રપતિ કલાકોમાં પોતાના પેરિસના નાના ફ્લૅટમાં ચાલ્યો જાય છે, ઈંગ્લિશ પ્રાઇમ મિનિસ્ટર કલાકોમાં પોતાના દક્ષિણ ઇંગ્લંડના કન્ટ્રી-હોમમાં ચાલી જાય છે, અમેરિકન રાષ્ટ્રપતિ કલાકોમાં પોતાના હ્યુસ્ટન પાસેના ટેંગલવુડ પરગણામાં ચાલ્યો જાય છે. આને શું કહીશું? સ્વચ્છતા? ઈમાનદારી? પ્રામાણિકતા? ધર્મના શબ્દો વાપરવાના આપણે ચૅમ્પિયનો છીએ. આ "અપરિગ્રહ" છે. આપણા સાધુબાવાઓ ધર્મની સીઝનમાં દિવસમાં દોઢસો વાર અપરિગ્રહ શબ્દ વાપરી નાંખે છે. ખુરશીનો, સિંહાસનનો, સત્તાનો, શક્તિનો પણ પરિગ્રહ નહીં. કાયદાની સર્વોપરિતાનું પાલન રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી પણ એક સામાન્ય નાગરિકની જેમ જ કરે છે. સર્વોચ્ચ શાસક પણ નીતિમત્તાનાં મૂલ્યો સ્થાપતો જાય છે. આપણા પરિવેશમાં પણ આ પ્રકારના પરિગ્રહી માણસો ઉચ્ચ સ્થાને હોય છે અને ગીતા કે મહાભારતનો એક શ્લોક બોલ્યા વિના એ લોકો શાંતિથી ખુરશી પરથી ઊતરી જાય છે. પણ આપણા રાજકારણીનું જે ચિત્ર જનમાનસમાં છે, અને આ પ્રકારની સ્થિતિઓમાં છે, એને માટે એક જ મરાઠી શબ્દ કદાચ અર્થપૂર્ણ બની જાય છે: લબાડ! આ મરાઠી શબ્દનો અર્થ થાય છે: જૂઠું બોલવાની ટેવવાળું.

ભ્રષ્ટતા એ કારણ નથી, ભ્રષ્ટતા એ પરિણામ છે. કારણ મનુષ્યની નિમ્ન કક્ષા છે. કારણ કેટલાક માણસોની જન્મજાત બેઈમાનવૃત્તિ છે. કારણ કેટલાક માણસોની જઘન્ય ક્વૉલિટી છે. ખુરશી પર બેઠેલો માણસ ખરાબ શા માટે થઈ જાય છે? પ્રલોભનો? અભાવ? અપસંસ્કાર? કદાચ શેક્સપિયરના "ઓથેલો" નાટકના પાત્ર ઇઆગો વિષે કવિ ટી.એસ. એલિયટે કહેલું કારણ ઉપયુક્ત છે: "Motiveless Malignity" (ધ્યેયહીન દુર્જનતા) અકારણ ધૂર્તતા, અકારણ હલકટાઈ, અકારણ ઘટિયાપણું, એ કારણ છે? 

(ગુજરાત સમાચાર: જૂન 18, 1995)

(ખુરશીકારણથી રાષ્ટ્રકારણ)

No comments:

Post a Comment