May 10, 2013

ગુજરાત અને ગુજરાતી: સર્વકાલીન 40 નામો...

ગુજરાત એક મશાલ છે અને ગુજરાતી એ મશાલની જ્વાલા છે. પણ એ બન્ને શબ્દો ક્યાંથી આવ્યા, ક્યારે આવ્યા એ ઈતિહાસ કરતાં અનુમાનનો વિષય છે. ગુજરાતી ભાષા કદાચ 1000 વર્ષ જૂની છે. વિદ્વાનો માને છે કે ગુજરાતી શબ્દ 'ગૂરૈચિ' ધાતુ પરથી આવ્યો છે, અને અર્થ થાય છે ગુર્જરોને પાળનાર એટલે કે ગુજરાત દેશ, ગુજરાત નામ ગુર્જરોએ આપ્યું અને એ ક્યારે આવ્યા એ વિશે કોઈ સ્પષ્ટતા નથી. એ પહેલા પશ્ચિમમાં સૌરાષ્ટ્ર હતું અને રાજધાની દ્વારકા હતી. દક્ષિણમાં લાટદેશ હતો અને રાજધાની કોટિવર્ષપુર હતી. ઉત્તરના પ્રદેશને આનર્ત કહેતા હતા. સાતમી સદી પહેલાંના ગ્રંથોમાં ગુજરાતનું નામ મળતું નથી.

કદાચ લેબલ મુંબઈને આપ્યું. 1671માં અંગ્રેજ ઓન્જીઅર શિવાજીથી બચવા માટે મુંબઈના ટાપુને વસાવવા આવ્યો. સાથે વ્યાપારીઓ, ઈંટ બનાવનારા અને મજદૂરો ગયા એમ કનૈયાલાલ મુનશી લખે છે. પછી મુનશી લખે છે: ગુજરાતી ભંગી આવીને મુંબઈમાં વસ્યા. 18મી સદીમાં ખંભાતથી વાણિયા અને કાઠિયાવાડથી કપોળ આવ્યા. 1803ના દુકાળથી બચવા જૈનો, ખોજાઓ, મેમણો અને વોરાઓ ગુજરાત છોડી મુંબઈ વસ્યા. ભાટિયા અને લુહાણા ત્યારે આવ્યા. 

ગુજરાતીભાષીઓના મુંબઈ આગમનમાં જાતિઓના ક્રમ વિશે હું મુનશી સાથે સહમત નથી. પણ ગુજરાતના ભિન્નભિન્ન પ્રદેશોથી જુદી જુદી જાતિઓ મુંબઈ આવી સ્થિર થઈ, મુંબઈના વિકાસમાં અમિટ યોગદાન આપ્યું. મુંબઈએ આ પ્રજાઓને લેબલ આપ્યું: ગુજરાતી! મુંબઈના રાજબાઈ ટાવર પર જે મૂર્તિઓ પોરબંદરના પથ્થરમાં તરાશની ઊભી કરવામાં આવી છે એમાં કપોળથી કાઠિયાવાડી સુધી ઘણા છે, પણ એક પણ મૂર્તિની નીચે 'ગુજરાતી' લખ્યું નથી! 

ગુજરાતની તારીફ કવિઓએ ગાઈ છે. નર્મદે લખ્યું: 
કોની કોની છે ગુજરાત?
પછી હોય ગમે તે જાત
તેની તેની છે ગુજરાત! 

ટેલરે ગુજરાતી ભાષાને હિન્દુસ્તાનની ઈટાલિયન ભાષા કહી છે. જૂની રંગભૂમિમાં ગીતો ગવાતાં હતાં: 'ગુજરાત જોવા જોગ છે!"... અને 'વસંત કે આ ગુર્જરીની રસિકતા વરી!" 

કવિ ખબરદારે ગુજરાતીઓને દરિયાપાર જવા માટે એક મંત્ર આયો, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ન્હાનાલાલે ગુજરાતને 'કૃષ્ણચંદ્રની કૌમુદી' કહી. 'ગુણવંતી ગુજરાત' શબ્દો પેઢીઓને અતિક્રમી ગયા. 

ઉમાશંકર જોષીએ 'ગુર્જર ભારતવાસી'ની દ્રષ્ટિ આપી અને કનૈયાલાલ મુનશી 'ગુજરાતની અસ્મિતા' શબ્દો દરેક ગુજરાતીના ઘરમાં લઈ આવ્યા. મને જે શબ્દો ગમે છે એ છે 'ગુજરાતની પ્રભુતા' અને 'મહાજાતિ ગુજરાતી'... અને 'ગુજ્જુ' શબ્દને હું 20મી સદીનાં અંતના દિવસોમાં વર્ચસ્વ અને વન-અપમેનશિપના આધુનિક પર્યાયરૂપે બાકાયદા, બાઈઝ્ઝત પ્રસ્તુત કરું છું..."આયમ અ બ્લડી ગુજ્જુ" એટલે હું સવાઈ-હિન્દુસ્તાની છું! બસ, આ મારું મર્મઘટન છે. 

ગુજરાત એ કઈ કશિશનું નામ છે? દરેક સાહિત્યકારે પોતાનાં સ્પંદનોના સિસ્મોગ્રાફથી ગુજરાતનો લગાવ માપ્યો છે. ચંદ્રવદન સી. મહેતાએ ગાયું છે:
નથી, ઘણું નથી, પરંતુ ગુજરાતના નામથી 
સદા સળવળે દિલે, ઝણઝણે ઊંડા ભાવથી
સ્ફુરે અજબ ભક્તિની અચલ દીપરેખા, અરે 
લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં!

ગુજરાતી ઈથોસ અથવા ગુજરાતીમાં વિરોધાભાસો છે. કનૈયાલાલ મુનશી લખે છે કે ગુજરાતી માતૃભાષા સેવનારે આખા દેશ માટે પૈસો વેર્યો છે, માત્ર ગુજરાત માટે નહીં... પ્રાંતેપ્રાંતમાં એક પણ એવું પુણ્યનું કાર્ય નહીં હોય જેમાં ગુજરાતીઓએ પૈસો ન આપ્યો હોય....! અને મુનશી જગડુશાથી વિમલશાહ સુધીનાં ઉદાહરણો આપે છે. બીજી તરફ રમણલાલ દેસાઈએ કટાક્ષ કર્યો છે: ગુજરાત પાસે ધન નથી એમ કહી શકાય નહીં. કાળાંધોળાં બધાંય ગુજરાતીઓ હાથ કરી શકે છે...

ખબરદારે ગાયું: ગુણવંતી ગુજરાત ! ન્હાનાલાલે ગાયું : અમારો ગુણિયલ ગુર્જર દેશ! મનહરરામે ગાયું: જાય ગાઓ, જય ગાઓ, ગુર્જર ગિરાનો જય ગાઓ! ઉમાશંકરે ગાયું: ગુજરાત મોરી મોરી રે! નર્મદે ગાયું: જય જય ગરવી ગુજરાત! દલપતરામે ગાયું: ગુજરાત મારું ગામ ઠરવા તણું તે ઠામ! નવલરામે ગાયું: રમીએ ગુજરાત! બહેરામજી મલબારીએ ગયું: હું ગુર્જર ગુંજકર ! સુન્દરમે ગાયું: ગુર્જરીની ગૃહકુંજે ! ગોકળદાસ રાયચૂરાએ ગાયું: ધન્ય ભૂમિ ગુજરાત માત...! બચુભાઈ રાવતે ગાયું: વંદન જય ગુજરાત!

સુન્દરમે લખ્યું: 
આંખ અમારી ખૂલી અહીં પહેલી 
પગલી ભરી અહીં પહેલી 
અહીં અમારાં યૌવન કેરી 
વાદળીઓ વરસેલી...! 

અને અંતે સુન્દરમે લખ્યું: 
અમે અહીં રોયા કલ્લોલ્યા 
અહીં ઊઠ્યા પછડાયા 
જીવનજંગે જગત ભમ્યા પણ
વિસરી નહીં ગૃહમાયા...!

ઉમાશંકર જોષીએ 'ગુજરાત મોરી મોરી રે'માં ગુજરાતની પૂરી ભૂગોળની ગરિમા ગાઈ છે. સાબર અને રેવા નદી, એક સમુદ્ર, ગિરનાર અને ઈડર અને પાવાગઢ, ચરોતર અને ચોરવાડ... અને 'નમણી પનિહારીને ભીને અંબોડલે' કવિને મળી જાય છે: મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત ! આજથી બસ્સો વરસ પહેલાં પ્રેમાનંદના પુત્ર (?) વલ્લભે ગાયું હતું: 
દયાવાન, દાનવાન, માનપાન ધાનવાન
વિદ્યાવાન હતા ગયા, એવો ગુજરાત આ 
ભામોને ભરતખંડ, ભમી ભમી ભલી ભાતે
ગુજરાત કેરા ગુણ, વારું તો વિખ્યાત આ...!

ગુજરાત શબ્દને અને ગુજરાતી ચેતનાને શક્તિ આપી છે ગુજરાતના સંસ્કાર-સ્વામીઓએ અને સરસ્વતી ઉપાસકોએ. નરસિંહરાવ દિવેટીઆને 1933માં 75 વર્ષ થયાં ત્યારે મુંબઈમાં ખારની સાહિત્યસભાએ સમારોહ કર્યો હતો. એ પ્રસંગે નરસિંહરાવ દિવેટીઆએ કહ્યું હતું: મુનશીએ એક પ્રસંગે મ્હને ગુજરાતી સાહિત્યનો ભીષ્મપિતામહ કહ્યો હતો... એ નામને હું યોગ્ય હોઉં કે ન હોઉં, પણ આ પ્રસંગ પૂરતું કહું છું કે કોઈ અર્જુન બાણાવણી બાણશય્યા રચશે તો તે પર સૂઈ જવા હું તૈયાર છું. માત્ર ઉત્તરાયણની રાહ જોતો રહીશ....!

ગુજરાતને દરેક યુગે બાણશય્યાઓ પર સૂઈ જનારા ભીષ્મો મળતા રહ્યા છે.

અને ગુજરાતની અનાગત ભાવિ પેઢીઓ અશ્રદ્ધાના ચૌરાહા પર ઊભી રહી જાય એવી વિષમતાઓ પણ ગુજરાતની પ્રજાએ ઊભી કરી છે. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ અનુભવ્યું કે ગુજરાતી પ્રજામાં શુષ્ક ઈતિહાસનાં પુસ્તકોની માંગ નથી, એટલે 'રૂલર્સ ઑફ ઈન્ડિયા સિરીઝ'ના ભાષાંતરનું કામ સન 1895માં બંધ કરવું પડ્યું હતું. પણ ઐતિહાસિક નવલકથાઓ 1989થી દર વર્ષે ભેટ અપાતી રહી. શું શા પૈસા ચાર જેવા તકિયાકલામ ગુજરાતીઓને  સતત સંભળાવવામાં આવતા હતા. રૂપિયાનું અવમૂલ્યન થઈ ગયા પછી હવે શું શાં પૈસા બેનો ભાવ ચાલી રહ્યો છે. ન્હાનાલાલ ગુજરાતી સ્ત્રીના ચિત્રદર્શનમાં દિલ ખોલીને વરસી ગયા છે. એક જમાનામાં એમની મશહૂર કાવ્યકૃતિની મશહૂર લીટીઓ ગુજરાતી ઘરઘરમાં મુખસ્થ હતી: 

ચોળી, ચણિયો, પાટલીનો ઘેર
સેંથલે સાળુની સોનલ સેર 
છેડલે આચ્છાદી ઉરભાવ
લલિત લજ્જાનો વદન જમાવ...! 

ન્હાનાલાલ અંતિમ નિષ્કર્ષ પર આવે છે. ગુજરાતી સ્ત્રી કેવી છે? આર્યસુન્દરી! નથી અવનીમાં... તુજ રૂપગુણની જોડ...! 

ગુજરાતી સાહિત્યકારો કેટલા સ્પષ્ટવક્તા રહી શક્યા છે? મર્દાઈ આજે નથી, એ જમાનાઓમાં હતી. એ પૂર્વજો ખરેખર મહાન હતા. નર્મદ માર્ચ 19, 1869ને દિવસે 'પ્રેમાળ ભાઈ લક્ષ્મીરામ'ને પત્ર લખે છે, અને એ પત્રને અંતે: કોઈ વંદો કોઈ નિંદો. હું મારું કામ મારી બુદ્ધિ પ્રમાણે ને શુદ્ધ અંત:કરણથી કર્યે જ જાઉં છું - મને મારી સરસ્વતીની રક્ષા છે ને તેથી હું દુર્જનની થોડી જ દરકાર કરું છઉં? સન 1886માં આત્મકથા 'મારી હકીકત'ની પ્રસ્તાવનામાં નર્મદ એનો જીવનમંત્ર મૂકી દે છે:... પણ જે જે લખીશ તે તો મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારું સારું હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો!

ગુજરાત શબ્દના જન્મ પહેલાં આ ધરતીની એક ભૂગોળ હતી અને ગુજરાતી શબ્દના જન્મ પહેલાં આ પ્રજાનો એક ઈતિહાસ હતો. આ ધરતી અને આ પ્રજાએ કેવી પ્રતિભાઓને પ્રકટ કરી છે? સૃષ્ટિના જન્મથી 1947 સુધી, ગુજરાત અને હિન્દુસ્તાન સ્વતંત્ર થયાં એ કટ-ઑફ વર્ષ કે છેદતિથિ સુધી, જો આપણે માત્ર 40 જ સર્વકાલીન, સમસામયિક મહાનતમ ગુજરાતીઓનાં નામોની સૂચિ બનાવવી હોય તો કયાં ચાળીસ નામો આવે? પશ્ચિમમાં 'હોલ ઑફ ફેમ' પ્રકારની એક વિભાવના છે, 'ઑલ ટાઈમ ગ્રેટ' પ્રકારની મૂલ્યવત્તા છે, આપણે ત્યાં આ પ્રકારનો મનોવ્યાયામ કરવાની પરંપરા નથી. અને મહાનતમ કે શ્રેષ્ઠતમ કે સર્વોત્તમ એટલે શું એ વિશે પણ સંપૂર્ણ મતાંતર રહેશે. એનો માપદંડ નથી. મારી પાસે એક જ કીર્તમાન છે: એ નામ જેણે ગુજરાત અને ગુજરાતી શબ્દોને ગરિમા આપી છે! સ્થળ અને કાળના કોઈક મિલનબિંદુ પર આ નામે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એ નામો પર ગુજરાતનો હક છે, કારણ કે એમનો સંબંધ ગુજરાતીતા સાથે છે. મારી સમજના વ્યાપની મર્યાદા વિશે હું સંપૂર્ણ રીતે સભાન છું, મને ફક્ત એટલી જ ખબર છે કે પ્રથમ નામ શ્રીકૃષ્ણ છે, અને અંતિમ નામ મોહનદાસ કરમચંદ ગાંધીનું છે, અને એ બેની વચ્ચે મારે 38 અન્ય ગુજરાતી નામોની સૂચિ ગોઠવવાની છે. કોઈપણ વ્યક્તિ પોતાના મૂડમિજાજ, રસરુચિ, મતિબુદ્ધિ પ્રમાણે જ સર્વકાલીન મહાન નામો પસંદ કરવાનું સાહસ કરી શકે છે. આપણે ગાંધીજી પાસે અટકવાનું છે, કારણ કે હું સરદાર વલ્લભભાઈ પટેલ, મહમ્મદ અલી જિન્નાહ કે કનૈયાલાલ મુનશી જેવાં ઘણાં નામોને મહાન ગુજરાતીઓની સૂચિમાં મૂકી શકું છું પણ 1947ની લક્ષ્મણરેખા મેં સ્વીકારી છે. જો કોઈને ચીમનભાઈ પટેલ કે હર્ષદ મહેતા કે ટાઈગર મેમણ કે પ્રબોધ રાવળને 1947 પછીના મહાન ગુજરાતીઓની સૂચિમાં સ્થાન આપવું હોય તો એ એની મુન્સફીની વાત છે, મારો કોઈ વિરોધ નથી, કોઈ વિરોધ હોઈ શકે નહીં. અને મહાનતા માપવાની સૌની પોતાની ફૂટપટ્ટી છે.

સર્વકાલીન 40 મહાન ગુજરાતી નામો, મારી દ્રષ્ટિએ:

(1) શ્રીકૃષ્ણ: એવું મનાય છે કે ઈ.સ પૂર્વે 3101માં મહાભારતનું યુદ્ધ થયું ત્યારે શ્રીકૃષ્ણ 84 વર્ષના હતા. એમણે 24મે વર્ષે મથુરા છોડ્યું અને દ્વારકામાં સ્થિર થયા. એવું મનાય છે કે 119 કે 125 વર્ષે એમનો દેહાંત થયો. શ્રીકૃષ્ણ પ્રથમ ગુજરાતી હતા.

(2) અને (3) ભૃગુ અને વસિષ્ઠ: આ બે ઋષિઓનાં તપોવનો ગુજરાતમાં હતાં. કવિ ન્હાનાલાલના 'ગુજરાત' કાવ્યમાંથી:

આર્યનું સાગરતીર્થ પુરાણ 
તપોવન ભૃગુ વસિષ્ઠના ભાણ
ગીતાના ગાનારા મહારાજ
પાર્થના સારથિના જ્યહાં રાજ્ય...! 

(4) સુકન્યા: પ્રથમ ગુજરાતી સ્ત્રી. ભગવાન મનુના પુત્ર શર્યાતિની પુત્રી સુકન્યા.

(5) ચ્યવન ઋષિ: યુવા સુકન્યા વૃદ્ધ ચ્યવન ઋષિને પરણાવવામાં આવી હતી, જેમને ચિરયુવાનીનો આશીર્વાદ હતો. આજે આયુર્વેદિક ઔષધિ 'ચ્યવનપ્રાશ'ને આપણે ઓળખીએ છીએ.

(6) સત્યભામા: શ્રીકૃષ્ણની બીજી પત્ની, સત્રાજિતની પુત્રી.

(7) સુભદ્રા: શ્રીકૃષ્ણની બહેન, અર્જુનની પત્ની.

(8) ઊષા અથવા ઓખા: શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની પત્ની. એ નર્તકી હતી. એવું મનાય છે કે ગુજરાતી 'ગરબા' નૃત્યપ્રણાલી ઊષા અથવા ઓખાએ શરૂ કરી હતી.

(9) નેમિનાથ: જૈનોના 22મા તીર્થંકર. એ શ્રીકૃષ્ણના માતામહ ઉગ્રસેનની પુત્રી રાજીમતિને પરણ્યા હતા. પછી ગિરનાર પર્વત પર એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું.

(10)  માઘ: સંસ્કૃત કવિ. એમનું નાટક 'શીશુપાલવધ' સંસ્કૃતની મહાકૃતિઓમાં સ્થાન પામે છે.

(11) ભિક્ષુ ધર્મગુપ્ત: લાટ પ્રદેશના ગુજરાતી. 25મે વર્ષે ભિક્ષુ થયા. તુખાર, બદક્ષાન, કારગર, ચીની, તુર્કસ્તાન, તુર્ફાન, ચાંગ પ્રદેશોમાં જીવનભર ભ્રમણ કરીને, ચીની ભાષાનો અભ્યાસ કરીને, સંસ્કૃતમાંથી ચીનીમાં અનુવાદો કર્યા. ચીનમાં 29 વર્ષ રહીને આ ગુજરાતી બૌદ્ધ ભિક્ષુ ધર્મગુપ્ત સન 617 કે 619માં ચીનના લોયોક નગરમાં અવસાન પામ્યા.

(12) વાત્સ્યાયન: કામસૂત્રના અમર સર્જક દક્ષિણ ગુજરાતના હતા.

(13) સિદ્ધરાજ જયસિંહ: ઉત્તર ગુજરાતના પાલનપુરમાં જન્મેલા, સાહિત્યમાં સજીવ થઈ ગયેલા ગુજરાતના રાજવી જયસિંહદેવ સિદ્ધરાજ.

(14) કુમારપાળ: ગુજરાતના યશસ્વી જૈન રાજા.

(15) હેમચંદ્રાચાર્ય: પ્રકાંડ જૈન વિદ્વાન, જેમને 'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ લગાવવામાં આવે છે. 84મે વર્ષે એ પાટણમાં કાલધર્મ પામ્યા હતા.

(16) મીરાંબાઈ: હિન્દુસ્તાનના ભક્તિયુગની શ્રેષ્ઠ કવયિત્રી, જે રાજસ્થાન છોડીને ગુજરાતમાં સ્થિર થઈ હતી.

(17) નરસિંહ મહેતા: વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે! ગુજરાતી ભાષાના પ્રથમ કવિ (જૈનો માને છે કે નરસિંહ મહેતાના પહેલાં ઘણા જૈન ગુજરાતી કવિઓ થઈ ગયા છે.) એ ભાવનગર પાસેના તળાજાના હતા.

(18) જેશિંગભાઈ: અમદાવાદના જેશિંગભાઈએ વિચિત્ર વીણા વાદ્યનું સર્જન કર્યું હતું.

(19) બૈજુ બાવરા: ચાંપાનેરનો બૈજુ બાવરા સંગીતકાર તાનસેનનો સમકાલીન હતો, દીપક રાગ ગાતાં પાગલ થઈ ગયો હતો.

(20) તાનારીરી: તાના અને રીરી બે બહેનો હતી, અથવા એક જ સ્ત્રી હતી. પાગલ બૈજુ બાવરાને મલ્હાર રાગ ગાઈને ફરીથી સ્વસ્થ્ય કર્યો હતો, તાનારીરી વડનગરની હતી.

(21) દાદુ દયાલ: ધુનિયાં જાતિના દાદુ દયાલ અમદાવાદમાં જન્મ્યા હતા અને એમનો દેહાંત રાજસ્થાનના નરાણા ગામમાં થયો હતો. ભક્તિયુગના પ્રમુખ કવિ.

(22) રાણકદેવી: ગુજરાતના ઈતિહાસનું રોમાંચક પ્રિય પાત્ર, જૂનાગઢના રા' ખેંગારની રાણી, જેના બે પુત્રોને એની સામે કતલ કરવામાં આવ્યા હતા. સિદ્ધરાજ રાણકને બંદી કરીને પાટણ લઈ જઈ રહ્યો હતો, પણ સુરેન્દ્રનગર પાસે ભોગાવો નદીને કિનારે રાણકદેવી સતી થઈ ગઈ.

(23) મુંજાલ મહેતા: ગુજરાતના ઈતિહાસ અને નવલકથાઓના કલ્પનાવિશ્વના મહાઅમાત્ય 'ગુજરાતનો નાથ' કૃતિમાં અમર થઈ ગયા છે. ચાણક્યનીતિ સામે સુખ્યાત રાજનીતિજ્ઞ.

(24) લલ્લુજીલાલ: હિન્દી સાહિત્યનો આરંભ કરનાર પ્રથમ લેખક, જે ગુજરાતી ઔદિચ્ય બ્રાહ્મણ હતા. 'હિન્દી ગદ્ય પિતા' લલ્લુજીલાલ 1764માં આગ્રામાં જન્મ્યા, 1826માં અવસાન પામ્યા, મૂળ આગ્રાના હતા અને કલકત્તાની ફોર્ટ વિલિયમ કોલેજમાં નોકરી કરતા હતા.

(25) વલી ગુજરાતી: ઉર્દૂ સાહિત્યનો પ્રારંભ 'વલી'થી થયો છે, જે અમદાવાદના ગુજરાતી હતા (વલી પહેલાં શુજાઉદ્દીન નામના ગુજરાતી કવિનો ઉલ્લેખ મળે છે.) વલીને 'બાબા-એ'-રેખ્તા' કહેતા હતા. હિજરી 1118માં વલીનું અમદાવાદમાં અવસાન થયું અને અમદાવાદમાં જ એ દફન થયા છે.

(26) સ્વામી સહજાનંદ: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદનો જન્મ 1781માં, દેહોત્સર્ગ 1830માં, આયુષ્ય 49 વર્ષનું, ધર્મધુરા 1802માં માત્ર 21મે વર્ષે સંભાળી. આજે એ ભગવાન શ્રી સ્વામિનારાયણના પર્યાયવાચી બની ગયા છે.

(27) કાનજી માલમ: કચ્છી સાગરખેડુ, જેમણે વાસ્કો ડા' ગામાનાં વહાણોને મોન્સુની પવનોથી બચાવીને દક્ષિણ-પૂર્વ આફ્રિકાથી ભારતવર્ષના સાગરતટનો સમુદ્રીમાર્ગ બતાવ્યો, અને એ વહાણોને પાયલટ કર્યાં.

(28) દયાનંદ સરસ્વતી: આર્યસમાજના સ્થાપક, પ્રખર હિન્દુ પુરસ્કર્તા, મૂળ મોરબીના ટંકારામાં જન્મ, અને એ સમયે નામ મુન્શીરામ. અંતે એક મહારાજાની મુસ્લિમ રખાતે દૂધમાં કાચનો ભૂકો નખાવીને દગાબાજીથી હત્યા કરી હતી. હિન્દુ ધર્મના સર્વકાલીન મહાપુરુષ.

(29) રૂપજી ધનજી: 1692માં કાઠિયાવાડના દીવ બંદરથી નીકળીને મુંબઈના ટાપુ પર ઊતરનાર પ્રથમ ગુજરાતી.

(30) નર્મદ: ગુજરાતી ભાષાના વિપ્લવી કવિ-સુધારક, જે અર્વાચીનોમાં આદ્ય અને આદ્યોમાં અર્વાચીન ગણાય છે.

(31) ગોવર્ધનરામ ત્રિપાઠી: 'સરસ્વતીચંદ્ર'ના સર્જક, ગુજરાતીના નવલકથાકારોના પિતામહ.

(32) પ્રેમચંદ રાયચંદ: સુરતના જૈન શાહ સૌદાગર અને ગઈ સદીના સટ્ટાબજાર સમ્રાટ, જેમણે મુંબઈનો રાજબાઈ ટાવર બંધાવ્યો. મુંબઈ મહાનગરના પૂરા રેક્લેમેશન પાછળ પ્રેમચંદ રાયચંદની દ્રષ્ટિ અને સખાવતો છે.

(33) શ્યામજી કૃષ્ણવર્મા: હિન્દુસ્તાનના ક્રાન્તિકારોના આદિ પુરુષ અને પ્રેરણાસ્રોત, શ્યામજી કૃષ્ણવર્મા કચ્છના ભણસાળી પરિવારમાં જન્મ્યા હતા અને સ્વિટઝર્લેન્ડના જિનીવામાં અવસાન પામ્યા હતા.

(34) રણજી: જામ રણજિતસિંહજી ઑફ નવાનગર ક્રિકેટના બેતાજ નહીં પણ તાજદાર બાદશાહ.

(35) સયાજીરાવ ગાયકવાડ: ગુજરાતીની બુદ્ધિમતાને ધારદાર કરનાર વડોદરાનરેશ, જેમનું આપણા ઉપર અસીમ ઋણ છે.

(36) શ્રીમદ રાજચંદ્ર: 33મે વર્ષે જીવન સમાપ્ત કરનાર જૈન ધર્મધુરંધર, અને ગાંધીજીના ગુરુઓમાંના એક. આધુનિક યુગમાં શ્રીમદની કક્ષાના જૈન ચિંતકો રહ્યા નથી.

(37) પંડિત સુખલાલજી: લગભગ જીવનભર અંધ રહેલા પ્રજ્ઞાચક્ષુ સુખલાલજી જૈન વિદ્વત્પરંપરાના અંતિમ ધ્રુવતારક હતા.

(38) કવિ ન્હાનાલાલ: ગુજરાતે જીવનભર અન્યાય કર્યો, અને એમણે ગુજરાતને જીવનભર પ્રેમ કર્યો, આપણી પ્રજાકીય ટ્રેજેડીના પ્રતિઘોષરૂપે કવિ ન્હાનાલાલ મહાકવિ દલપતરામના યશસ્વી ચોથા પુત્ર હતા. એ 79 વર્ષ જીવ્યા (1877 - 1946), 45 વર્ષો સુધી લખ્યું.

(39) જમશેદજી નસરવાનજી ટાટા: ટાટા ઉદ્યોગોના પિતા.

(40) મોહનદાસ કરમચંદ ગાંધી: મોહનદાસ કરમચંદ ગાંધી.


ગુજરાત શું છે?  ગુજરાતી શું છે? ગુજરાતીતાની કશિશ શું છે? શ્રીકૃષ્ણથી તમારા અને મારા સુધીના અનગિનત જીવોએ આ શબ્દોને આકાર આપ્યો છે.

'મહાજાતિ ગુજરાતી' નામના મારા પુસ્તકમાં મેં પ્રથમ પ્રકરણને અંતે લખ્યું છે: કદાચ 'દાઝ' જેવો શબ્દ આ ભાષા જ આપી શકે. દાઝ એટલે લાગણી, અનુકંપા, પ્રેમ, ચીડ, ગુસ્સો, દ્વેષ, વેર બધું જ! માનસશાસ્ત્રનાં 'લવ-હેટ' જેવું કંઈક. ગુજરાત માટે મને દાઝ છે... અને એ ઉપરના બધા જ અર્થોમાં.

ગુજરાત એક મશાલ છે અને ગુજરાતી એ મશાલની જ્વાલા છે. 

(અભિયાન: દિવાળી 1994)

(પુસ્તક: અસ્મિતા ગુજરાતની)

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. વાહ સુંદર લેખ ..ખૂબ જાણવા મળ્યું

      Delete