May 7, 2013

વિવેકાનંદ અને શંકરાચાર્ય : સમાંતર અને સ્ફોટક

સ્વામી વિવેકાનંદ 1890થી 1893 સુધી હિંદુસ્તાનમાં ફર્યા, ત્યારે નામ નરેન્દ્ર હતું. નરોમાં ઈન્દ્ર, પુરુષ શ્રેષ્ઠ અને એ નામ એમને ગમતું ન હતું. રામાનાડના રાજાએ સૂચન કર્યું કે, વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મ સંસદમાં હાજરી આપવી જોઈએ. 1893ની આ વર્લ્ડ્ઝ પાર્લમેન્ટ ઑફ રિલિજન્સમાં એ ઑફિશિઅલ પ્રતિનિધિ પણ ન હતા કે એમને આમંત્રણ પણ ન હતું. મે 1893માં મુંબઈથી સ્ટીમરમાં બેસીને વિવેકાનંદ કોલમ્બો, પેનાંગ, સિંગાપુર, હૉંગકૉંગ, જાપાન, વેનકુંવર અને કૅનેડા થઈને શિકાગો પહોંચ્યા. એ જુલાઈ 1893માં શિકાગો આવ્યો ત્યારે સંસદ સપ્ટેમ્બર સુધી મુલતવી રહી હતી. દરમિયાન વિવેકાનંદ પાસે કમિટીનું ઍડ્રેસ ખોવાઈ ગયું હતું. એ સ્ટેશનના યાર્ડમાં એક ખાલી વૅગનમાં રાત્રે સૂઈ ગયા. બીજે દિવસે લેક મિશીગનના કિનારે ફરતા હતા અને મિસિસ જ્યોર્જ હેલએ ભગવા વસ્ત્રધારી હિંદુ સ્વામીને જોયા. અને એમને પોતાને ઘરે 541, ડિયર બોર્ન ઍવન્યૂ, શિકાગો લઈ આવી. અને શિકાગોની સંસદ શરૂ થવાની હતી.

સપ્ટેમ્બર 11, 1893ને દિવસે શિકાગોની વિશ્વ ધર્મ સંસદ શરૂ થઈ, જેમાં વિશ્વભરમાંથી ધર્મગુરુઓ અને ધર્મતજજ્ઞો આવ્યા હતા. વાસ્તવમાં ડાઉનટાઉન શિકાગોના ડિયર બોર્ન ઍવન્યૂમાં ભારતવર્ષની મહાન દંતકથાનો જન્મ થયો, અને એ દંતકથાનું નામ નરેન્દ્રનાથ ન હતું, એ નામ હતું - સ્વામી વિવેકાનંદ ! પ્રથમ પ્રવચનના પ્રથમ શબ્દો 'સિસ્ટર્સ ઍન્ડ બ્રધર્સ ઑફ અમેરિકા!' હિંદુસ્તાનના ઈતિહાસમાં અમર થઈ ગયા છે. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં એ સંસદમાં એકથી વધારે પ્રવચનો આપ્યાં છે. અને એમણે અંતિમ પ્રવચન સપ્ટેમ્બર 27, 1893ને દિવસે છેલ્લા સત્રમાં આપ્યું હતું. સપ્ટેમ્બર 11, 1893એ સ્વામી વિવેકાનંદે જાહેરમાં પ્રથમ પ્રવચન આપ્યું અને જુલાઈ 4, 1902ને દિવસે એમનો દેહાંત થયો. એમનું કુલ જાહેર જીવન માત્ર 9 વર્ષનું છે. શિકાગોમાં પ્રથમ પ્રવચન આપ્યું ત્યારે સ્વામી વિવેકાનંદની ઉંમર હતી 30 વર્ષ અને એમનું અવસાન 39મે વર્ષે થઈ ગયું. માત્ર નવ જ વર્ષોમાં સ્વામી વિવેકાનંદ હિંદુસ્તાનના અને હિંદુત્વના આકાશમાં એક ઝળહળતા ધૂમકેતુની જેમ આવ્યા અને અદ્રશ્ય થઈ ગયા. 19મી-20મી સદીમાં સ્વામી વિવેકાનંદ હિંદુસ્તના પુરસ્કર્તાઓ અને પ્રવર્તકોમાં સર્વશ્રેષ્ઠ હતા અને છે એવું હું માનું છું. 

સ્વામી વિવેકાનંદ પારદર્શક નિર્દંભથી પ્રકાંડ વિદ્વતા સુધી લગભગ દરેક દુન્યવી અને આધ્યાત્મિક વિષયમાં આજના બાવાઓની પલટનથી જુદા પડી જાય છે. એમની મેધા, આભા કે પ્રતિભાની નજીક એક પણ બાવો આવી શકતો નથી. (અહીં ઑશો રજનીશ કે કૃષ્ણમૂર્તિ કે રમણ મહર્ષિની કક્ષાના ચિંતકો-વિચારકોની આપણે વાત કરતા નથી.) પણ મેધા, આભા, પ્રતિભા એક તરફ રાખીએ તોપણ માણસના જીવનના રોજના પ્રશ્નો વિષે સ્વામી વિવેકાનંદની પારદર્શિતા અને નિર્દંભતા ખરેખર અદભુત છે! 

હું એ ઈશ્વરમાં માનતો નથી જે અહીં રોટી આપી શકતો નથી, એ સ્વર્ગમાં મને પરમ સુખ આપશે! આત્માને સેક્સ, ધર્મ, જાતિ નથી. હિંદુ સ્ત્રીઓ કરતાં અમેરિકન સ્ત્રીઓ ઘણી જ વધારે શિક્ષિત છે. આપણને શા માટે એ શિક્ષણ ન મળે? આપણે મેળવવું જ પડશે! અમેરિકામાં મેમ્ફિસની લા સાલ્સેટ અકાદમીમાં વિવેકાનંદ અમેરિકનો સાથે વાત કરતા હતા. એ દિવસ જાન્યુઆરી 21, 1894 નોંધાયો છે. રિપોર્ટમાં છે કે વાત દરમિયાન વિવેકાનંદે સિગાર ખંખેરી અને એમાંથી રાખ પડી. (કમ્પ્લીટ વર્ક્સ ઑફ સ્વામી વિવેકાનંદ: ખંડ 7: પૃષ્ઠ 282) સ્વામી વિવેકાનંદ ધૂમ્રપાન કરતા હતા? 

એક સ્ત્રીએ વિવેકાનંદને શિકાયત કરી કે એનો પતિ બહુ શરાબી હતો. વિવેકાનંદે ઉત્તર આપ્યો: મૅડમ! તમારાં જેવી બે કરોડ સ્ત્રીઓ હોય તો બધા જ પતિઓ શરાબી બની જાય! પછી વિવેકાનંદ લખે છે: મને ખાતરી છે કે, શરાબીઓનો એક બહુ મોટો ભાગ એમની પત્નીઓને લીધે શરાબી બની જાય છે. મારો ધર્મ સત્ય કહેવાનો છે, કોઈની ખોટી પ્રશંસા કરવાનો નથી (સંપૂર્ણ સર્જન: ખંડ 5: પૃષ્ઠ 244).

સ્ત્રીના સૌંદર્ય વિષે પણ વિવેકાનંદે અભિપ્રાય આપ્યો છે. એપ્રિલ 1, 1894ના ટ્રિબ્યુનલના રિપોર્ટ પ્રમાણે વિવેકાનંદ કહે છે કે, ખુલ્લા ખેતરમાં છોકરીને જોવી, અટકી જવું, વિચારવું અને આશ્ચર્ય પામવું કે ઈશ્વર આટલું અદભુત સૌંદર્ય સર્જી શકે છે! શુદ્ધ હિંદુ સ્ત્રી, જે નિષ્કલુપ છે અને સ્વચ્છ છે, એની ચામડીનો રંગ કેવો હોવો જોઈએ? કપાયેલી આંગળીઓમાંથી દૂધના ગ્લાસમાં લોહીનાં થોડાં ટીપાં પડે અને જે રંગ થાય એ હિંદુઓનો સ્વચ્છતમ રંગ છે. (ડેટ્રોઈટ ફ્રી પ્રેસ, અમેરિકા : માર્ચ 25, 1894: ખંડ 3, પૃષ્ઠ 507) વિવેકાનંદના સૌંદર્યના અભિગમની પાછળ પણ લાલ ટપકતા લોહીની વાત છે. એમની સ્ત્રી સૌંદર્યની વિભાવના પણ હિંસક છે.

વિવેકાનંદ માંસાહારના તરફદાર છે અને આહારની બાબતમાં એમના વિચારોમાં સ્ફોટક મૌલિકતા છે. હિંદુ શાસ્ત્રોએ પ્યાજ અને લસણનો ખોરાકમાં નિષેધ કર્યો, જેમાં એક કારણ હતું કે, પ્યાજ અને લસણમાં બહુ તીવ્ર વાસ હતી. હિંદુઓએ આ બંને બંધ કર્યા પણ એના પૂરક તરીકે હિંગનો ઉપયોગ શરૂ કર્યો. જેમાં બંને કરતાં વધારે તીવ્ર વાસ આવતી હતી. (સંપૂર્ણ સર્જન: ખંડ 5, પૃષ્ઠ: 495) આ હિંગ આજે પણ અફઘાનિસ્તાન અને સરહદના પ્રાંત તરફથી આવે છે, અને દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાં હિંદુસ્તાનનાં શહેરોમાં પઠાણો વેચવા નીકળતા હતા. હિંગમાં કેટલું વેજિટેરિઅન છે એ અભ્યાસનો વિષય છે.

વિવેકાનંદ માંસાહારના સમર્થક હતા. એપ્રિલ 24, 1897ને દિવસે એમણે 'ભારતી' પત્રિકાની તંત્રી શ્રીમતી સરલા ઘોસાલને એક લેખ મોકલ્યો હતો, જેનું શીર્ષક હતું શિક્ષણ, જે ભારત માટે આવશ્યક છે! એ લેખને અંતે એમણે લખ્યું હતું: કોઈનું પણ જીવન લેવુ, એ બેશક પાપ છે. પણ જ્યાં સુધી રસાયણશાસ્ત્ર મનુષ્યની જરૂરિયાત પ્રમાણે વેજિટેરીઅન અન્ન પેદા કરી શક્યું નથી ત્યાં સુધી માંસાહાર સિવાય વિકલ્પ નથી. આજના સંજોગો નીચે મનુષ્યને જ્યાં સુધી રાજસિક (પ્રવૃત્ત) જીવન જીવવું પડે છે ત્યાં સુધી માંસાહાર સિવાય બીજો માર્ગ નથી. જેમને દિવસરાત મજદૂરી કરીને રોટી કમાવી પડે છે એમના પર શાકાહાર થોપી દેવો એ પણ આપણું સ્વાતંત્ર્ય ખોવાનું એક કારણ હતુ. સ્વાસ્થ્યપ્રદ અને પોષક આહાર શું કરી શકે છે એનું જાપાન એક પ્રમાણ છે. (સંપૂર્ણ સર્જન: ખંડ 4, પૃષ્ઠ: 487) 

મહાત્મા ગાંધીએ દરિદ્રનારાયણ શબ્દ સ્વામી વિવેકાનંદ પાસેથી લીધો હતો. હિંદુ ધર્મના સર્વકાલીન મહાનતમ નામોમાં વિવેકાનંદ આવે છે. આઠમી-નવમી સદીના પરિવ્રાજક શંકરાચાર્યની જેમ એ ઓગણીસમી-વીસમી સદીના અવતારી શંકરાચાર્ય હતા. હિંદુત્વના પ્રવર્તન માટે જે કામ પરિભ્રમણ કરતા રહેતા સ્વામી વિવેકાનંદે એમના ફક્ત નવ વર્ષના પ્રવૃત્ત જીવનમાં, 30થી 39 વર્ષો સુધીમાં કર્યું છે એવું કામ કદાચ કોઈએ કર્યું નથી. એ દ્રષ્ટિએ બેમિસાલ છે, દ્વિતીયો નાસ્તિ છે અને આદ્ય શંકરાચાર્યનો દેહાંત 33મે વર્ષે થયો હતો. સ્વામી વિવેકાનંદનો દેહાંત 39મે વર્ષે થયો હતો. 'વિવેકાનંદ અર્વાચીન શંકરાચાર્ય હતા.'

(સંદેશ: જાન્યુઆરી 17, 1999)

(પુસ્તક: આઝાદી પહેલાં)

No comments:

Post a Comment