May 7, 2013

સ્વામી વિવેકાનંદ: સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ

1950ના દશકના આરંભના દિવસોથી, જ્યારથી સ્વામી વિવેકાનંદના સર્જનથી પરિચય શરૂ થયો હતો, ત્યારથી સ્વામી વિવેકાનંદ મારા હીરો રહ્યા છે. જુલાઈ 4, 2002ને દિવસે સ્વામી વિવેકાનંદના અવસાનને 100 વર્ષ પૂરાં થશે અને આ શતવાર્ષિકી કદાચ ગુજરાત જરૂર ઊજવશે. એમનો જન્મદિવસ જાન્યુઆરી 12, 1863 હતો, અને જાન્યુઆરી 12નો દિવસ નેશનલ યુથ ડે અથવા રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે સરકારે ઘોષિત કર્યો છે. સ્વામી વિવેકાનંદનું જીવન પૂરા આકાશને ઝળહળાવીને પસાર થઈ ગયેલા ધૂમકેતુ જેવુ ઓજસ્વી હતું. જન્મ જાન્યુઆરી 12, 1863, અને નિધન જુલાઈ 4, 1902! આયુષ્ય: 39 વર્ષ. સ્વામી વિવેકાનંદે 39 વર્ષમાં જીવનલીલા સમાપ્ત કરી અને અમેરિકાના શિકાગોમાં વર્લ્ડ્ઝ પાર્લમેન્ટ ઑફ રિલીજીઅન્સમાં સપ્ટેમ્બર 11, 1893ને દિવસે એમનું વિશ્વવિખ્યાત ઉદબોધન કર્યું... સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઑફ અમેરિકા! ઈટ ફિલ્સ માય હાર્ટ વિથ જોય અનસ્પીકેબલ... અને વિશ્વભરમાં સ્વામી વિવેકાનંદના આ સંબોધન અને ઉદબોધનના પડઘા પડ્યા ત્યારે એમની ઉંમર હતી 30 વર્ષ! એક વિચિત્ર આડવાત એ છે કે સપ્ટેમ્બર 11, 1893 એ દિવસ હતો જ્યારે હિંદુત્વનો વિશ્વમાં જયજયકાર થયો હતો સ્વામી વિવેકાનંદના પ્રવચન દ્વારા... અને સપ્ટેમ્બર 11 એ દિવસ છે જે અમેરિકા ક્યારેક ભૂલી નહીં શકે! યોગાનુયોગ એ જ સપ્ટેમ્બર 11ના દિવસે આતંકવાદીઓએ ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વૉશિંગ્ટનના પેન્ટાગોન પર હવાઈ હુમલો કરીને ઈતિહાસ ફેરવી નાંખ્યો. એ દિવસ સપ્ટેમ્બર 11 હતો અને વર્ષ 2001નું હતું.

શિકાગોની વર્લ્ડ્સ પાર્લામેન્ટ ઑફ રિલીજીઅન્સમાં સપ્ટેમ્બર 27, 1893ને દિવસે અંતિમ સત્રમાં સ્વામી વિવેકાનંદે અંતિમ પ્રવચન આપ્યું હતું. આ અંતિમ પ્રવચનની અંતિમ લીટીઓ આજે 109 વર્ષો પછી પણ એટલી જ સાંદર્ભિક અને સંબદ્ધ છે. સ્વામી વિવેકાનંદે એમના અંતિમ પ્રવચનનું સમાપન કરતાં કહ્યું હતું: જો કોઈ અન્ય ધર્મોના વિનાશનું અને માત્ર પોતાના જ ધર્મના અસ્તિત્વનું સ્વપ્ન જોતો હોય તો હું મારા હૃદયના અંતરતમ તલથી એના પર દયા કરું છું અને એને કહેવા માંગું છું કે દરેક ધર્મ પર ભવિષ્યમાં લખવામાં આવશે... "સહાય કરો, સંઘર્ષ નહીં", "મંડન કરો, ખંડન નહીં", "સંવાદ અને શાંતિ, વિસંવાદ નહીં" (હેલ્પ એન્ડ નોટ ફાઈટ... એસીમીલેશન એન્ડ નોટ ડીસ્ટ્રક્શન... હાર્મની એન્ડ પીન્સ એન્ડ ડીસ્સેન્શન) સન 2002ના મે મહિનાના છેલ્લા દિવસોમાં આજના ગુજરાતના 5 કરોડ ગુજરાતીઓ માટે સ્વામી વિવેકાનંદે 109 વર્ષ પહેલાં કહેલા શબ્દો શાંતિસંદેશ બની જાય છે!



વીસમી સદીના મહાન હિંદુ ધર્મપુરસ્કર્તાઓમાં હું બે નામોને પ્રથમ મૂકું છું. એક, સ્વામી વિવેકાનંદ અને બીજા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન. આ માત્ર ધર્મગુરુઓ ન હતા. ધર્મપ્રવર્તકોમાં ઓશો રજનીશ અનેજિદુ કૃષ્ણમૂર્તિ પ્રથમ કક્ષામાં આવે છે. આ સિવાય ધર્મજ્ઞોની ભરમાર છે, પણ લેસર-કિરણો જેવી કુશાગ્ર તેજસ્વિતા આ નામોમાં છે. ડૉ. રાધાકૃષ્ણનને સર્વ પ્રથમ 1959માં ભુવનેશ્વરની પી.ઈ.એન. કૉન્ફરન્સમાં સાંભળ્યા હતા. એ ખરેખર સારસ્વત હતા, એમની વાગ્ધારા અસ્ખલિત વહેતી રહેતી હતી. અવાજ અત્યંત મધુર પણ સ્ત્રૈણ નહીં, કર્ણપ્રિય પણ કર્કશ નહીં, શબ્દોનું ચયન ઉત્તમોત્તમ કક્ષાનું અને અંગ્રેજી પરનું પ્રભુત્વ ગજબનાક! એ પછી બે-ત્રણ વખત એમને સાંભળ્યા છે. અને વિધિની વક્રતા કેવી છે કે જે વ્યક્તિ આ કક્ષાની અદભુત વ્યાખ્યાતા હતી, એની જબાન મૃત્યુના થોડા દિવસો પહેલાં બંધ થઈ ગઈ હતી! રજનીશ અને કૃષ્ણમૂર્તિને પણ એમના શ્રેષ્ઠ દિવસોમાં સાંભળ્યા છે. સ્વામી વિવેકાનંદનો સ્વર સચવાય એવાં કોઈ વૈજ્ઞાનિક ઉપકરણો એ જમાનામાં હતાં નહીં. અને ત્રીસમે વર્ષે શરૂ થયેલું જાહેરજીવન 39મે વર્ષે સમાપ્ત થઈ ચૂક્યું હતું.

પણ સ્વામી વિવેકાનંદ એક દ્રષ્ટિએ કિસ્મતવાળા હતા. એમણે પ્રથમ પ્રવચન સપ્ટેમ્બર 11, 1893ને દિવસે આપ્યું, અને એમનું અવસાન જુલાઈ 4, 1902ને દિવસે થયું. આ 9 વર્ષના અત્યંત ટૂંકા સમયમાં એમણે એટલાં બધાં પ્રવચનો આપ્યાં છે કે ગ્રંથો ભરાઈ શકે. એમના એક જવાન અંગ્રેજ સેક્રેટરી હતા, નામ જે. જે. ગુડવીન. આ સેક્રેટરી ગુડવીન એમની સાથે 1896માં ઈંગ્લૅન્ડથી અમેરિકા જતાં રહ્યા હતા, અને 1897માં ઈંગ્લૅન્ડથી ઈંડિયા આવતાં પણ સાથે જ હતા. સ્વામી વિવેકાનંદને આ પ્રકારના શિષ્યો મળતા રહ્યા હતા, જે એમના પ્રવચનોનો રેકર્ડ રાખતા હતા. 1989માં ગુડવીન બીમાર પડ્યા અને જૂન 2, 1898ને દિવસે દક્ષિણના ઉટાકામંડમાં એમનો દેહાંત થયો. સ્વામી વિવેકાનંદના અભ્યાસીઓ એમ માને છે કે જો ગુડવીન જીવતા રહ્યા હોત તો 1899થી 1900 સુધી એમના કેલિફોર્નીઆના લોસ એંજેલીસ અને સાન ફ્રાન્સીસ્કો અને અન્યત્ર આપેલાં પ્રવચનોની એક અમૂલ્ય વિરાસત આપણને મળી હોત.

સ્વામી વિવેકાનંદે સ્વયં પણ ઘણું લખ્યું છે, અને લેખો દ્વારા અને પત્રો દ્વારા આપણને એ બધું મળ્યું છે. નવેમ્બર 2, 1893ને દિવસે શિકાગોથી "ડિયર આલાસિંગા"ને લખેલા પત્રમાં સ્વામી વિવેકાનંદે શિકાગોની એમની એ યાદગાર ધર્મસંસદમાં આપેલા યાદગાર પ્રવચન વિષે લખ્યું છે. એમના પોતાના શબ્દોમાં: કલ્પના કરો એક વિરાટ સભાખંડની, ઉપર ગેલેરી, નીચે છથી સાત હજાર સ્ત્રીપુરુષો, દેશના શ્રેષ્ઠ બુદ્ધિમંતો, મંચ પર પૃથ્વીના બધા જ દેશોના વિદ્વાનો. અને હું, જેણે જિંદગીમાં ક્યારેય પ્રવચન આપ્યું ન હતું. આ શ્રોતાઓને સંબોધન કરવાનો હતો! મારું હૃદય ધડકતું હતું, જીભ લગભગ સુકાઈ ગઈ હતી, હું એટલો નર્વસ થઈ ગયો હતો કે સવારે બોલવાની હિમ્મત જ થઈ ન હતી. મજુમદારે સરસ પ્રવચન આપ્યું, ચક્રવર્તીએ વધારે સારું પ્રવચન આપ્યું. ભરપૂર સ્વાગત થયું. એ બધા જ પ્રવચન તૈયાર કરીને લાવ્યા હતા. હું મૂર્ખ હતો અને મારી કોઈ તૈયારી ન હતી. પણ મેં દેવી સરસ્વતિને નમન કર્યાં અને મંચ પર આગળ વધ્યો. ડૉ. બરોઝે મારો પરિચય આપ્યો અને મેં પ્રવચન શરૂ કર્યું - "સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઑફ અમેરિકા"! અને બે મિનિટ સુધી કાન ફાડી નાંખે એવા તાળીઓના ગડગડાટ થઈ ગયા. પછી હું બોલતો ગયો. પૂરું થયું અને હું બેસી ગયો, ભાવવશ થઈને, થાકીને. બીજે દિવસે બધાં જ પત્રોએ જાહેર કર્યું કે મારું પ્રવચન "હિટ ઑફ ધ ડે" હતું અને હું આખા અમેરિકામાં મશહૂર થઈ ગયો. શ્રીધરે સાચું જ કહ્યું છે કે મૂકં કરોતિ વાચાલં... જે એક મૂક માણસને બોલતો કરે છે! અમેરિકન પત્રોએ લખ્યું: આ માણસ, ખૂબસૂરત ચહેરો, ચુંબકીય ઉપસ્થિતિ અને અદભુત વક્તૃત્વ શક્તિને લીધે સંસદનો સૌથી શ્રેષ્ઠ હસ્તી બની ગયો. તમારે ફક્ત એટલું જ જાણવું જોઈએ કે આ પહેલાં પૂર્વનો કોઈ માણસ અમેરિકન સમાજ પર આવી અસર કરી ગયો નથી.

માત્ર 39 વર્ષનું જીવન. માત્ર નવ જ વર્ષોનું જાહેરજીવન. 30મે વર્ષે પ્રથમ પ્રવચન. પૂરા વિશ્વને હલાવી નાંખનારો હિંદુત્વનો લલકાર. 1951માં 19મે વર્ષે સ્વામી વિવેકાનંદને પ્રથમ વાંચ્યા ત્યારથી એ મારા પણ હીરો હતા, છે, રહેશે.

જીવનને એનો પડછાયો હોય છે, મૃત્યુ. બંનેએ સાથે રહેવાનું છે. એ બંને વિરોધી નથી, બંનેના બે જુદાં અસ્તિત્વો નથી, પણ એક જ ઘટકનાં બે રૂપો છે. જીવન અને મૃત્યુ, દુ:ખ અને સુખ, સારું અને ખરાબ.

- સ્વામી વિવેકાનંદ
(સંદેશ: જૂન 9, 2002)

(પુસ્તક: આઝાદી પહેલાં)

No comments:

Post a Comment