May 29, 2013

દર્દ અને દર્દી : તનોબળ કરતાં મનોબળ વધારે જરૂરી હોય છે !

1996માં ઈંગ્લંડના પત્ર 'ગાર્ડિઅન'માં યુરોપિયન મેડિકલ જર્નલે જાહેરખબરો પ્રકટ કરી હતી અને આ જાહેરખબરો ડૉક્ટર વર્નન કોલમેન નામના ડૉક્ટરે લખેલાં પુસ્તકો વિશે હતી. ડૉ. કોલમેન મેડિકલ વિજ્ઞાનને આપણી દ્રષ્ટિએ સ્થાપિત મૂલ્યોથી તદ્દન વિપરીત માને છે. એમનાં વિધાનો છે : 33થી 50 ટકા જેટલાં કૅન્સરો ખોટા પ્રકારના ખોરાકો ખાવાથી થાય છે... યોગ્ય અને શરીરને જરૂરી છે એ સાચો ખોરાક ખાઓ તો તબિયત બગડતી નથી અને સંતુલન રહે છે... હૃદયરોગ અને કૅન્સરની જેમ ડૉક્ટરો પણ બીમારીનું એક કારણ બને છે... મલ્ટિનેશનલ દવા કંપનીઓ, અબુદ્ધિ ડૉક્ટરો અને લાપરવાહ સરકારોની એક અદ્રશ્ય યુતિ ઊભરી રહી છે...! આ પુસ્તકો સામાન્ય માણસોને ફરીથી સામાન્ય બુદ્ધિ તરફ લઈ જવા માટે છે. ન સમજાય એવાં નામોવાળા રોગો અને ન સમજાય એવાં નામોવાળી દવાઓથી ચકાચૌંધ ન થવા વિષે ડૉ. કોલમેન સલાહ આપે છે.

ગુજરાતી ભાષામાં આ વિષયો પર ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતાએ ઘણું માર્ગદર્શક અને શિક્ષણાત્મક લખ્યું છે. વિદ્વત્તા સાથે સહજતાનું મિલન સામાન્યત: ડૉક્ટરોમાં અને એ પણ પ્રકાંડ સ્પેશાલિસ્ટ ડૉક્ટરોમાં કઠિન છે, પણ મનુભાઈ-લોપાબહેનનાં વિધાનો તથ્યપૂર્ણ હોય છે. ઍલોપથી શબ્દ 1882માં હોમિયોપથીના જનક હાનમાને પ્રસ્તુત કર્યો હતો અને એનો ભાવાર્થ હતો : થૅરપીનો એ પ્રકાર જે નવો રોગ પૈદા કરીને જૂનો રોગ મટાડી શકે છે! સામાન્ય દર્દી તરીકે આ અનુભવ ઘણા લોકોનો હોય છે. મેડિકલ સાયન્સ અથવા મૉડર્ન મેડસીન (એમ.એમ) પાસે ઘણા પ્રશ્નોના ઉત્તરો નથી. ચાળીસ વર્ષ સુધી ધૂમ્રપાન કરનારને ગળાનું કૅન્સર થાય છે, પણ ચોવીસ વર્ષની છોકરી જેણે જીવનમાં એક પણ સિગરેટ ફૂંકી નથી, એને શા માટે ગળાનું કૅન્સર થાય છે? ડાયાબિટીસ વિષે હજી સમવાક્યતા નથી. લોહીમાં કેટલી ચીની નૉર્મલ ગણાવી જોઈએ, અમેરિકન સંશોધકોએ બનાવેલા ચાર્ટ પ્રમાણે કે આપણા દેશકાળ, હવામાન, ખાનપાન પ્રમાણે? ઘણાંખરાં ઈન્ફેક્શન અથવા ચેપ માટે કોઈ ચિકિત્સાની જરૂર જ હોતી નથી, શરીરની સંરક્ષણાત્મક રચના જ એ પ્રકારની છે કે કાળક્રમે સ્વસ્થતા પુન: પ્રાપ્ત થઈ જાય છે. ઘણાં નિમ્નવર્ગનાં પશુઓ અને જીવોને મનુષ્યરોગો થતા જ નથી અને એનાં થોડાં દ્રષ્ટાંતો છે : કૉલેરા, શીતળા, પોલિઓ, સિફિલીસ વગેરે. મનુષ્ય માદાને ગર્ભવતી અવસ્થાના આરંભમાં ફેર આવવા કે જીવ ગભરાવવા જેવી ઘટનાઓ બનતી હોય છે જે પશુમાદામાં નથી. સામાન્ય તાવ ખાસ નુકસાન કરતો નથી, અને એમાં એન્ટીપાયરેટીક ડ્રગ્ઝની ખરેખર જરૂર હોતી જ નથી. આવી સ્થિતિઓમાં શરીરનું તાવ ઉતારવાનું અત્યંત જરૂરી બની જાય છે.

લોકોસ્ટ ફિચર સંસ્થા વડોદરાથી 'આપણું સ્વાસ્થ્ય' નામની પત્રિકા ખાનગી વિતરણ માટે પ્રકટ કરે છે, અને એમાં પ્રકટ થતા લેખો એ વિષયોના તજજ્ઞોએ લખેલા હોય છે અને જનમાનસમાં રૂઢ થઈ ગયેલી ભ્રમણાઓ દૂર કરવા માટે હોય છે. વાસ્તવમાં આ અત્યંત ઉચ્ચ કક્ષાની લોકસેવા છે. ડૉક્ટર કેતન ઝવેરી લખે છે : અમેરિકામાં થોડાં વર્ષો પહેલાં 'સેકેન્ડ ઓપિનિયન ટ્રાયલ'માં નીકળ્યું કે કોરોનરી એન્જિઓગ્રાફી નામની જોખમી મોંઘી તપાસની જેટલા દર્દીઓને સલાહ આપવામાં આવે છે એમાંથી માત્ર ત્રણ ટકા દર્દીને જ તપાસની ખરેખર જરૂર હોય છે! ગ્લુકોઝના એક બાટલામાંથી માત્ર પાંચ-દશ ચમચી ખાંડ ખાવા જેટલી જ શક્તિ મળે છે. ખરી શક્તિ તો ખોરાકમાંથી જ મળે છે. મોટા ભાગની એન્ટીબાયોટિક દવાની અસર બરાબર થાય છે કે નહીં એ અડતાલીસ કલાક પછી જ ખબર પડે છે. ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી બીમારીઓમાં રોગનાં કોઈ બાહ્ય લક્ષણ ન હોય તો પણ રોગને નિયંત્રણમાં રાખવા માટે કાયમી ધોરણે દવા લેવી જરૂરી હોય છે. સામાન્ય ઍસિડિટી માટે ઘણા દર્દીઓ સોનોગ્રાફી કરાવવાનો આગ્રહ રાખતા હોય છે. હકીકતમાં સોનોગ્રાફીની મદદથી ક્યારે પણ પેટમાં ઍસિડિટી કે અલ્સર છે કે નહીં એ જાણી શકાતું નથી. સોનોગ્રાફીનો રિપોર્ટ નૉર્મલ આવે એટલે દરદી પણ ખુશ અને ડૉક્ટર પણ ખુશ. ભૂખ લાગવા માટે, ઊંઘવા માટે, દુ:ખાવા માટે, કમજોરી માટે વગેરે માટે દવાની માગણી કરવી એ મૂર્ખાઈની નિશાની છે. કેટલાક પાણીજન્ય રોગો હિન્દુસ્તાની છે અને પશ્ચિમ પાસે એની ખાસ અકસીર દવાઓ નથી. કમળાનો રોગ હજી સમજાતો નથી અને લીવર ટકાવી રાખવા વિટામિન-બી કૉમ્પ્લેક્સનાં ઈંજેક્ષનો અપાતાં રહે છે. દેશી વૈદો આ રોગ ભૂકીઓ આપીને મટાડે છે. સ્લીપ્ડ ડિસ્કમાં નિતંબની નસને લાત મારીને હજી પણ સીધી કરાય છે, પણ ઍલોપથીમાં અઠવાડિયાંઓ સુધી, વજન બાંધીને, સીધા સૂઈ રહીને કે સુવડાવીને, અંગોને ખેંચીને પૂર્વવત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

દર્દી અને દવા અને ડૉક્ટર વચ્ચે કેવો સંબંધ હોય છે? સ્વાર્થ અને પરમાર્થ જેવા શબ્દો પણ આજના સંદર્ભમાં અસંબદ્ધ બની જાય છે. પણ મહત્ત્વની વાત એ છે કે દરદીના તનોબળ કરતાં મનોબળ વધારે મજબૂત હોવું જોઈએ ! અને મેડિકલ ભાષામાં કહીએ તો એ વસ્તુનો ખ્યાલ રાખવો  જોઈએ કે 'ડીઝીઝ' ચાલ્યું જાય પણ 'ન્યુરોસીસ' ન રહી જાય... 

ક્લોઝ અપ: 

પોસ્ટમૉર્ટેમ : રાંડ્યા પછીનું ડહાપણ....

(મુંબઈ સંધ્યા : જુલાઈ 30, 1998)

(પુસ્તક: દર્શન વિશ્વ)

1 comment:

  1. ન સમજાય એવાં નામોવાળા રોગો અને ન સમજાય એવાં નામોવાળી દવાઓથી ચકાચૌંધ ન થવા વિષે ડૉ. કોલમેન સલાહ આપે છે...
    ~ કેવું કે'વાય ડોકટર આવી પેટ છૂટી વાત કરે?
    સુપર્બ! :)

    ReplyDelete