July 31, 2013

તમે ગરીબીરેખાની નીચે છો કે અમીરીરેખાની ઉપર છો?

તમે ગરીબ, મધ્યવર્ગીય કે અમીર છો એ તમારે નક્કી કરવાનું નથી. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, અર્થશાસ્ત્રીઓ, આંકડાનિષ્ણાતો, મંત્રીઓના તંત્રીઓ આ બધું નક્કી કરે છે. હિન્દુસ્તાનમાં સુખી મધ્યવર્ગીય અથવા અ-ગરીબ કોને કહેવો? એક આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાએ આ વિષે ખૂબ વિચાર કર્યો - અમેરિકા કે જાપાનમાં તો આ બહુ સહેલું હતું. જે પરિવારમાં બે મોટરો કે બે ટી.વી. સેટ હોય એને મધ્યવર્ગીય કહી શકાય. પણ ત્યાં મધ્યવર્ગીય અને અમીરમાં એવો કોઈ તાત્ત્વિક ફર્ક નથી. ભારતમાં, સારે જહાં સે અચ્છા હિંદોસ્તામાં, આ ગુલશનની બુલબુલોમાં અમીર કોણ? અમીરીની કસોટી કઈ? બધા જ પ્રકારના અભ્યાસો કર્યા પછી એ સંસ્થા નિષ્કર્ષ પર આવી કે હિંદુસ્તાનમાં જે કુટુમ્બ પાસે પોતાનો ખાનગી બાથરૂમ છે એ સુખી અમીર છે! તમારો બાથરૂમ હોય જેમાં તમે નાગા થઈને નાહી શકો તો તમે અમીર છો. ગરીબ માણસ નાગો થઈ શકતો નથી, એને સામાજિક ઈજ્જતનો ખ્યાલ રાખવો પડે છે. એને નાહતી વખતે પણ તન પર વસ્ત્ર રાખવું પડે છે, સ્નાન એને માટે જાહેર જીવનનો એક ભાગ છે, એ ગરીબ છે... ગરીબી અને અમીરી વચ્ચેની આર્થિક ભેદરેખા સમજવા માટે ભારતમાં બાથરૂમ એક અદભુત ટેસ્ટ છે ! પણ સરકારી ભાષામાં આવા સામાન્ય ટેસ્ટ ચાલે નહીં. અર્થશાસ્ત્રીઓ 'ગરીબીરેખા' જેવાં શબ્દનો પ્રયોગ કરે છે. સફેદ રાજકારણીઓ અને વિરોધકારણીઓ સંસદ કે વિધાનસભામાં એકબીજા સામે મુક્કા ઉછાળીને કે પાટલીઓ પર હથેળીઓ પછાડી પછાડીને ગરીબીરેખા નીચે કેટલી પ્રજા છે એના આંકડા આપે છે ! છાપાંવાળા તંત્રીલેખો છાપે છે. પણ ગરીબીરેખા કેવી રીતે નક્કી થાય છે? દસ વર્ષ પહેલાં 1977-78ના સરકારી આંકડાઓ પ્રમાણે પંજાબમાં 15 ટકા લોકો ગરીબીરેખા નીચે હતા, બિહાર અને મધ્ય પ્રદેશમાં 57 ટકા લોકો ગરીબીરેખા નીચે હતા, ઉત્તર પ્રદેશમાં 59 ટકા લોકો ગરીબીરેખા નીચે હતા! ઘણા દેશનેતાઓને ખબર નથી કે ગરીબીરેખા કઈ રીતે નક્કી થાય છે. ગરીબીરેખા ભૂગોળનાં વિષુવવૃત્તની જેમ કોઈ સ્થિર રેખા છે? કે સ્ત્રીના દેહ પર પહેરાતી સાડીની જેમ કદ અને વય પ્રમાણે ઊંચીનીચી થતી રહે છે?

ગરીબીની સૌની અલગ અલગ વ્યાખ્યા છે પણ અર્થશાસ્ત્રીઓએ એક કાલ્પનિક ગરીબીરેખાનું નિર્માણ કર્યું છે. એની નીચે છે એ ગરીબ, ઉપર છે એ અમીર ! ગરીબો વધારે છે, એ વોટ આપે છે. લોકશાહી સફળ બનાવવા માટે પણ ગરીબો જોઈએ છે! અને સરકારી નિષ્ણાતોની આંખોમાં ગરીબીરેખા વિના ગરીબો દેખાતા નથી.

સન 1980ની દસમી ડિસેમ્બરે લોકસભામાં અ-તારાંકિત પ્રશ્ન નંબર 3220ના ઉત્તરમાં કહેવામાં આવ્યું હતું : ભારતમાં સરકારી સૂત્રો ગરીબીરેખા નક્કી કરવા માટે વ્યક્તિગત ઉપભોગખર્ચ અને દૈનિક ખાદ્યાન્નોમાં વપરાતી કૅલરીઓ સંલગ્ન કરીને ભૂમિકા નક્કી કરે છે (સરકારી ભાષા છે!). આ બંનેની નીચે ઉપભોગ કરનારને ગરીબી રેખાની નીચે મૂકવામાં આવે છે.

ઉપભોગ ખર્ચ (કન્ઝમ્પ્શન એક્સ્પેન્ડિચર) નક્કી કરવા માટે આવક અને ખર્ચની માહિતી હોવી જોઈએ. 1979-80માં આ રેખા નક્કી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વ્યક્તિદીઠ માસિક 76 રૂપિયા ખર્ચ અથવા એથી ઓછા અને દૈનિક 2400 કૅલરી અન્ન અને નગર વિસ્તારોમાં વ્યક્તિદીઠ માસિક 88 રૂપિયા ખર્ચ અથવા એથી ઓછા અને દૈનિક 2100 કૅલરી અન્ન ! 

ગરીબીરેખા શબ્દ રોજ છાપામાં વાંચનારને આ આંકડાઓ જરા શૉક આપી જશે. જે ગ્રામીણ વ્યક્તિ મહિને 76 રૂપિયાથી વધારે ખર્ચ કરે છે એ ગરીબ નથી! અથવા દસ વર્ષ પહેલાં ન હતો ! અહીં એક આડવાત કરી લેવી જોઈએ - વસતિગણતરી થાય છે ત્યારે શિક્ષિત કે અશિક્ષિત એવાં બે ખાનાંઓ હોય છે. સરકારે શિક્ષિતની વ્યાખ્યા શું આપી છે? જે પોતાના હાથે પોતાની સહી કરી શકે એ શિક્ષિત ! એટલે હિંદુસ્તાનમાં અંગૂઠાછાપ એ અશિક્ષિત ગણાય છે અને સહીછાપ શિક્ષિત ગણાય છે....!

પુરુષને રોટી, કપડાં અને મકાન એ ક્રમમાં મળવાં જોઈએ, અને સ્ત્રીને કપડાં, રોટી અને મકાન એ ક્રમમાં મળવાં જોઈએ. અર્ધનગ્ન પુરુષ જાહેરમાં આવી શકે છે, અર્ધનગ્ન સ્ત્રી જાહેરમાં આવી શકતી નથી. સ્ત્રીને માટે વસ્ત્ર એ જીવનની પ્રાથમિકતા છે. ગરીબીરેખા નક્કી કરતી વખતે દૈનિક ઉપભોગ ખર્ચ અને સંલગ્ન ખાદ્યાન્ન કેલરીની સાથે ભારતીય માતાને તન ઢાંકવા માટે જોઈતા પાંચ વારના ટુકડાનો નૅશનલ સેમ્પલ સર્વેએ વિચાર કર્યો છે?

(અર્થશાસ્ત્ર)

(સમકાલીન, એપ્રિલ 1987)

પૂરક માહિતી માટે શતદલમાં 31, જુલાઈ 2013નાં રોજ પ્રકાશિત થયેલ ભવેન કચ્છીનો લેખ આ લિંક પર વાંચી શકાશે:

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/vividha8413

July 30, 2013

હું-કાર, અહંકાર અને અસ્તિત્વનો સંઘર્ષ (કાજલ ઓઝા વૈદ્ય)



૨૧ જુલાઇએ 'રંગ મંડળ’ અમદાવાદમાં નાટક 'હું, ચંદ્રકાન્ત બક્ષી’ ભજવાઇ ગયું. આ નાટકમાં એક અનોખી 'મજા પડે’ એવી કૈફિયત હતી. એરકન્ડીશન વગરના હોલમાં અમદાવાદના જેટલા 'હુઝ હુ’ કહી શકાય તેટલા બધા લોકો બક્ષીને યાદ કરવા, મમળાવવા... ફરી એક વાર એમને મળવા હાજર હતા. આ ખીચોખીચ ભરેલું ઓડિટોરિયમ અને તખ્તા પરથી બોલાતી એમની લાઇન્સ ફરી એક વાર પુરવાર કરી ગઇ કે એમણે એમના સમયથી ઘણું આગળ અને એમની પેનમાં ભરાયેલી શાહીથી ઘણું વધારે લખી નાખ્યું છે.

ચંદ્રકાન્ત બક્ષી - ગુજરાતી સાહિ‌ત્યના એ રિબેલ પાયોનિયર, માથાફરેલ, તુંડ મિજાજી વગેરે વગેરે કહેવાતા નામની આગળ એક અક્ષર લખાતો હતો, વગર લખ્યે પણ સંભળાતો હતો... 'હું’ નાટક પણ 'હું, ચંદ્રકાન્ત બક્ષી’ એ 'હું’ શિશિર રામાવતની સ્ક્રિ‌પ્ટમાં સતત સંભળાતો રહ્યો. 'હું’કાર બનીને નહીં, પણ 'હ’કાર બનીને પ્રતીક ગાંધીના ઉર્દૂ, અંગ્રેજી અને બંગાળી ઉચ્ચારો પર જો થોડું વધારે કામ થઇ શક્યું હોત તો કદાચ વધારે 'મજા પડી’ હોત મનોજ શાહે કહ્યું કે, 'અમે બક્ષીને કોપી કરવાનો પ્રયત્ન નથી કર્યો.’ વાત રસપ્રદ છે...

પરંતુ જો અભિનેતા પોતાની જાતને 'હું ચંદ્રકાન્ત બક્ષી’ કહેતો હોય, તો એટલું જરૂરી છે કે બક્ષીની સ્ટાઇલ અને એના સાચા પોઝીસ સમજીને એમની એકોક્તિમાં યોગ્ય રીતે વપરાય. સ્ટાઇલનો માણસ, મહેફિલનો માણસ... જેણે ગુજરાતી ભાષાને પ્રથમ વાર એક તહેઝીબ-અદબ અથવા એલિગન્સ, ક્લાસ કે ઇમ્પેકેબલ પર્સનાલિટીની ઓળખ આપી એ માણસને એના પછીની પેઢી એ જ રીતે ઓળખે એ જરૂરી નથી? કેટલાક માણસો ઇતિહાસ થઇને જીવી જાય છે અને કેટલાક માણસો ઇતિહાસ રચે છે. ચંદ્રકાન્ત બક્ષી એક એવું નામ હતું કે જેણે ઇતિહાસને રિ-રાઇટ કર્યો. એમની પેઢીના સેનાનીઓ અને સમ્રાટો વિદાય થઇ ચૂક્યા પછી આવા અને આટલી હૂંફથી યાદ નથી રહી શક્યા.

બક્ષી વિશે જેટલું લખવું હોય એટલું લખાય અને ન લખવું હોય તો પણ એક વાક્ય તો લખવું જ પડે કે, 'બક્ષી હતા, છે ને રહેવાના છે.’ જે લોકો પોતાના સમયની આગળ જીવે છે એ બધા સામાન્યત: એક વિચિત્ર પ્રકારના સંઘર્ષમાંથી પસાર થાય છે. એમનો સમય એમને સ્વીકારતો નથી અને એમને જે સમય દેખાય છે - એમના વિઝનમાં કે વિઝડમમાં જે વાત એમને સમજાય છે એ વાત પોતાના સમયને ગળે ઉતારી શકતા નથી. બેહદ તરફડાટ હોય છે, આવા લોકોની ભીતરમાં. એમને ખબર હોય છે કે એ સાચા છે. એમને એવી પણ ખબર હોય છે કે એ જે લખી રહ્યા છે, જે કહી રહ્યા છે કે જીવી રહ્યા છે એ બધું જ એક-દોઢ દાયકા પછી અહોભાવની કક્ષાએ મૂકાવાનું છે.

એમણે જે લખ્યું, જે કહ્યું એ બધું જ આવનારાં વર્ષોમાં, આવનારી પેઢીઓ માટે બ્રહ્મવાક્ય બની જવાનાં છે - એની એમને લખતી વખતે કે કહેતી વખતે ખબર હોય છે, પરંતુ સદભાગ્યે કે દુર્ભાગ્યે એમનો સમય આ બધાને એમનો 'અહંકાર’ માની લે છે. ખરેખર, એમના 'અહં’નો આકાર એટલો ધુમ્મસિયો હોય છે કે એમનું કામ 'સ્કલ્પટિંગ ઇન ટાઇમ’ જેવું પુરવાર થાય છે. ધુમ્મસ ઓગળે, ત્યારે જ એમના કામનું મૂલ્ય સમજાય છે. આવા લોકો 'હતા’ થઇ જાય, 'ધુમાડો’ થઇ જાય કે એમની વાસ પણ હવામાં ઓગળી જાય તેમ છતાં એમનો હું-કાર-અર્જુનના ગાંડીવના ટંકારની જેમ હવામાં સંભળાયા કરે છે. સૌથી મોટા અફસોસની વાત એ છે કે જે લેખકો વાચકનો આવો પ્રેમ નથી પામી શક્યા કે આવા વિશાળ વાચક વર્ગ સુધી પહોંચી નથી શક્યા એ સૌને આ જોઇએ છે... પરંતુ નહીં મળ્યાના અફસોસમાં આ પ્રસિદ્ધિ, સફળતા કે વાચકનો ભરપૂર સ્નેહ 'ખાટી દ્રાક્ષ’ની જેમ નકારીને એ બધા પોતાના 'સર્જન’નો મુગટ પહેરીને પોતાની જ આગવી દુનિયાના રાજા બનીને પ્રજા વગર રાજ કર્યાં કરે છે.

મોટા ભાગના લોકોને ખબર જ નથી કે દરેક હું-કાર અહંકાર નથી હોતો... દરેક અહંકાર તિરસ્કાર નથી હોતો... દરેક તિરસ્કાર વ્યાપાર નથી હોતો અને દરેક વ્યાપાર પ્રહાર નથી હોતો. અહંકારના પણ પ્રહાર હોય છે અને અહંકારનો પ્રહાર દરેક વખતે ઉઝરડા કરી જાય કે સામેનાનું સ્વમાન ઉતરડી નાખે એવો પણ નથી હોતો. બક્ષી કે બક્ષીની આસપાસ જીવેલા લોકો આ વાતને વધુ સારી રીતે સમજી શક્યા હતા 'ગીતા’માં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, 'સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ્ શરણં વ્રજ અહંત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શૂચ:’ ( સર્વ ધર્મ છોડીને તું મને એકને શરણે આવ. હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું શોક ન કર.) એ અહંકાર નહોતો. અહંકાર સામાન્યત: મિથ્યા હોય છે, એની પાસે પ્રમાણો નથી હોતાં, પાયો નથી હોતો અને સમય આવ્યે એને પુરવાર પણ નથી કરી શકાતો.

ફુગ્ગા અને વિમાનમાં ફેર છે. બંને ઊડે છે, પણ એક પાસે દિશા છે, જવાબદારી છે અને બીજા પાસે ઊડયા વગર કોઇ છુટકો નથી માણસને જ્યારે એવી ખબર હોય કે પોતે જે કહે છે એ સત્ય છે... એણે એને વારંવાર ચકાસ્યું હોય, જાણ્યું હોય, અનુભવ્યું હોય, સૂંઘ્યું હોય, ચાખ્યું હોય, ચગળ્યું હોય, ચાવીચાવીને જેને પેટમાં ઉતારી દીધું હોય અને પચાવ્યું હોય એવા માણસને જ આવો અબાધિત અધિકાર મળે છે કે બીજાને કહી શકે કે બધું છોડીને મારું સાંભળ... મારું માન, અથવા મારી વાત સમજવાનો પ્રયાસ કર. એ સિવાયના લોકો આવું કહી શકે છે,

પરંતુ કહ્યા પછી પોતાના જ શબ્દો પર એમને ભરોસો હોતો નથી. બે-ચાર આડાઅવળા સવાલો પૂછવામાં આવે અથવા સંદેહ કરવામાં આવે તો કદાચ આવા લોકો પોતાની જ વાતથી ફરી બેસે છે આપણે આવા માટીપગા - બેકબોન વિનાના, ઢીલાઢાલા કે શ્રી. લોંદેશની વાત નથી કરતા... આપણે વાત કરીએ છીએ એવા માણસોની, જેમણે પોતાના જીવનને ભરપૂર જીવ્યું હોય, જે જીવ્યા હોય એ વિશે અફસોસ વગર વાત કરી શકવાની એમની હેસિયત હોય જે પોતાની ભૂલો વિશે પણ સજાગ હોય, એને સ્વીકારે... એમાંથી નીપજેલાં પરિણામોને ભોગવીને એ માણસ એક નવા પાઠ સાથે, નવી દિશા તરફ જવાની તાકાત અને તૈયારી ધરાવતો હોય... જેણે પોતાની નબળાઇને ઓળખી હોય અને પોતાના ગુણોનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો હોય.

જે લડી શકે (ઝઘડી શકે એવા માણસની વાત નથી), જે સ્વસ્થતાથી સુખને માણી શકે અને સ્પષ્ટતાથી દુ:ખને જાણી શકે... જેને ખબર હોય કે પોતાની પાસે જે છે તે કેટલું મહત્ત્વનું છે અને એ આ ધરતી પર શું કરવા આવ્યો છે આ બધા પછી એક સૌથી અગત્યનો શબ્દ ઉમેરાય છે - સ્ત્રી આ બધું જો એક સ્ત્રી કરતી હોય તો તો ધરતી રસાતાળ જાય છે, અંગ્રેજીનો એક શબ્દપ્રયોગ 'ધ હેલ બ્રોક લુઝ’ (નર્ક તૂટી પડે) જેવું ખરેખર બને છે સંસ્કૃતિ, સભ્યતા, સમાજના નિયમો અને સુરુચિ જેવા શબ્દો પાયામાંથી હાલી જાય છે.

સ્ત્રીનું લખાણ સુષ્ઠુ અને સમાજે બનાવેલી કમ્પાઉન્ડ વોલની અંદર રહીને લખાવું જોઇએ, તો જ એને માન્યતા કે મોક્ષ મળી શકે એને માટે છાપેલી ગાઇડલાઇન ઉપલબ્ધ છે - 'ડુઝ’ અને 'ડોન્ટ્ઝ’ને ફોલો કર્યા વગર લખતી સ્ત્રી એના સમયથી પહેલાં લખે ત્યારે વાચક એને વધાવે છે, પરંતુ વિવેચન, એવોર્ડ કે સન્માનને માટે એણે પોતાના મૃત્યુની રાહ જોવી પડે છે આવા લોકો વારંવાર જન્મ નથી લેતા - આપણે માત્ર બક્ષીની વાત નથી કરતા... આપણે એવા માણસોની વાત કરીએ છીએ, જેમણે ચોઇસલેસ થવાને બદલે રિગ્રેટ્સ વગર ચુઝ કરવાનું પસંદ કર્યું, એટલે કે પસંદગી ન કરવાની નિર્વીયતા બતાવવાને બદલે પસંદ કરીને એના પરિણામ વિશે કોઇ અફસોસ રાખ્યા વગર પોતે કરેલી પસંદગી પર મુસ્તાક રહ્યા.

એવું નથી કે આવા લોકોને કંઇ નુકસાન નથી થયું. અંગત સંબંધોથી શરૂ કરીને સામાજિક પ્રતિષ્ઠા અને કંઇકેટલાય મળવા જોઇએ તેવા સન્માન અને સ્થાન એમણે ગુમાવ્યાં હોય, પરંતુ એમને આવા દુન્યવી નુકસાનનો બહુ અફસોસ નથી હોતો. એમના અસ્તિત્વની પહેલી શરત એ છે કે સ્વતંત્ર હવામાં શ્વાસ લેવો. બીજી શરત છે સ્વમાન અને સ્વત્વ... ત્રીજી શરત છે સ્વધર્મ અને ચોથી શરત એટલે સત્ય - પ્રામાણિકતા.

મજાની વાત એ છે કે એમની સ્વતંત્રતાને ઉચ્છૃંખલતા કે તોછડાઇમાં ખપાવી દેવામાં આવે છે, સ્વત્વ કે સ્વમાનને અહંકાર કહેવાય છે, સ્વધર્મને જીદ કે અણસમજુ હોવાનું લેબલ ચોંટાડવામાં આવે છે, એમના સત્યને નફટાઇ કે 'સુરુચિના ભંગ’ જેવા આક્ષેપો સાથે વધ:સ્તંભ સુધી લઇ જવામાં આવે છે. નિ:શંક વાત છે કે ભેદરેખા પાતળી છે, પરંતુ આ લેબલ, આક્ષેપો કે માન્યતાઓ વિશેનો નિર્ણય કોણ કરે? એ સમાજ, એ લોકો - જેમને જિંદગીના આ અગત્યનાં શબ્દો કે તત્ત્વો વિશે ખબર જ નથી.


(Source : http://www.divyabhaskar.co.in/article/MAG-i-ego-and-existence-of-the-conflict-4333824-NOR.html)

July 29, 2013

જનતા સમુદ્ર છે અને નેતા સમુદ્રે ફેંકેલું એક મોજું છે...

'રાજીવ પછી, કોણ' એ એક લોકરમતનું નામ છે. થોડાં થોડાં વર્ષે આ રમત રમાયા કરે છે. શરૂમાં આ રમતનું નામ હતું. 'નેહરુ પછી, કોણ?' વચ્ચે આ રમત 'ઈન્દિરા પછી, કોણ?' બની ગઈ હતી. રાજીવ ગાંધી એમની સમયમર્યાદાના અડધા માર્ગ સુધી પહોંચ્યા છે એટલે આ પ્રશ્ન અત્યારે બહુ સાંદર્ભિક નથી પણ આ રમત કે ગમ્મતમાં બધાને રસ છે જ. જ્યાં પ્રજાવાદ છે ત્યાં આનો ઉત્તર સ્પષ્ટ છે : પ્રજા જેને પસંદ કરે એ ! પણ હિન્દુસ્તાનનો પ્રજાવાદ એ પ્રકારનો છે જેવો જગતભરમાં ક્યાંય નથી. ચાલીસ વર્ષથી નાના, મમ્મી અને બેટો એમ એક જ વંશની વાંશિક પરિવારશાહી ચાલે છે અને એ જ ડેમોક્રસી કહેવાય છે ! માટે આ લોકગમ્મત : રાજીવ પછી, કોણ?

શ્રીમતી ગાંધીની હત્યા થઈ ત્યારે રાષ્ટ્રપતિ ઝૈલસિંઘે રાજીવ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે શપથ લેવડાવી દીધા હતા. આ પૂરી વિધિ અવૈધ હતી. પ્રથમ પ્રધાનમંત્રી નિમાયા અને પછી કોંગ્રેસ સાંસદીય પક્ષે રાજીવ ગાંધીને પક્ષના નેતા તરીકે ચૂંટ્યા ! ગાડીની સાથે ઘોડો જોડવાની ક્રિયા કરવાને બદલે આપણે પ્રથમ ઘોડો લઈ આવ્યા અને પછી એને ગાડી જોડી દીધી. લોકશાહીની પ્રણાલિકા એ છે કે પક્ષ નેતા ચૂંટે અને એ પક્ષ સંસદમાં બહુમતી ધરાવતો હોય માટે એ નેતાને રાષ્ટ્રપતિ મંત્રીમંડળ રચવા આમંત્રણ આપે. એ માણસ પ્રધાનમંત્રી બને. પણ પ્રધાનમંત્રી બનતાં પહેલાં એ માણસ બહુમતી પક્ષનો નેતા ચૂંટાય એ આવશ્યક હોય છે. અહીં ઊંધું થયું. 

ભારતની રાજનીતિ નેતાકેન્દ્રી છે જ્યાં જનતાએ ફર્જરૂપે નેતાના કહ્યા પ્રમાણે કરવાનું છે. નેતા હજી ઘેટાવાદમાં માને છે. એ પોતે કાયદાથી ઉપર છે અને એ ક્રૂર વાસ્તવ આપણે રોજ જોઈ રહ્યા છીએ. માઓ-ત્સે-તુંગનું વિધાન હતું કે, જનતા સમુદ્ર છે અને નેતા એ સમુદ્રમાંથી ઊઠેલું એક મોજું છે. આ મોજું સમુદ્રના ખળખળાટમાંથી જન્મે છે, ઊભરે છે, ઊંચાઈ પ્રાપ્ત કરે છે, કિનારા તરફ દોડે છે, આખા સમુદ્ર પર ક્ષિતિજથી ક્ષિતિજ સુધી છવાઈ જાય છે, પણ મોજાએ એક વાત ભૂલવાની નથી - એ સમુદ્રમાંથી જન્મ્યું છે, એણે કિનારાની રેતી પર પટકાવાનું છે, એની જે પણ ઊંચાઈ હોય એ સમુદ્રે એને આપી છે અને એની પાછળ બીજું નાનું મોજું જન્મી ચૂક્યું છે જે કાળક્રમે એ રીતે જ સમુદ્ર પર છવાઈને કિનારા પર પટકાવાનું છે. સમુદ્ર સનાતન છે, મોજું સામયિક છે. સમુદ્ર જીવે છે, મોજાએ મરવાનું છે. જનતા, જાગૃત અને ખળભળી ચૂકેલી જનતા, હંમેશા દરેક દેશમાં નેતા ફેંકતી રહેશે. જગતની દરેક પ્રજાને પોતાની જાગૃત કે અર્ધજાગૃત કે સુષુપ્ત અવસ્થા પ્રમાણે જ નેતા મળી રહે છે! લોકશાહી જો જનજાગૃતિની સજીવ, ચેતનવંત લોકશાહી હોય તો એ પોતાની જરૂર પ્રમાણે નેતા પસંદ કરી લે છે. આપણામાં કહેવત છે : 'ચોરો નિર્વંશ જતો નથી ! ચોરા પર બેસનારો મળી જ રહે છે.' બહુરત્ન વસુંધરા, પૃથ્વી રત્નો પેદા કરતી રહે છે, અને સમુદ્ર નેતાઓ ફેંકતો રહે છે.

માઓ-ત્સે-તુંગ કહે છે એમ સમુદ્ર એ જ અંતિમ સાતત્ય છે...

(અભિયાન, સપ્ટેમ્બર 21, 1987)

(રાજકારણ-1)

ધન અથવા સંપત્તિ વિશેના સંસ્કૃત સંદર્ભો

સંસ્કૃત સુભાષિતોમાં ધન અથવા સંપત્તિ વિશેના ઉલ્લેખો આજના સંદર્ભમાં જોવા જેવા છે. આ શ્લોકો સેંકડો કે સહસ્ત્રો વર્ષો પૂર્વે લખાયા હશે અને એ સમયે ધનનું મહત્ત્વ કે સાતત્ય આજ જેવું નહીં જ હોય ! આદાન-પ્રદાન કે દાન-અનુદાન પર આધારિત એક તત્કાલીન સમાજરચના હતી. આજની સમકાલીન કે સમસામયિક સમાજપ્રથા અર્થતંત્ર પર પૂર્ણત: અવલંબિત છે. પૈસાદાર નામનો શબ્દ એ કાળમાં ન હતો. છતાં પણ સંસ્કૃત શ્લોકો આજે પણ અત્યાધુનિક લાગે છે એ એમનું વૈશિષ્ટ્ય છે. 

એક શ્લોક છે - को न याति वशं लोके मुखे पिण्डेन पूरित... मृदंगो मुखलेपेन करोति मधुरध्वनिम...! આ શ્લોકનો અર્થ 1986માં પણ ભાષ્ય આપ્યા વિના સમજાય એવો સરળ છે. અર્થ થાય છે - મોઢામાં ખાવાનું ભરી દઈએ તો આ જગતમાં કોણ વશ થતું નથી? મૃદંગના મુખ પર લોટનો લેપ કરીએ તો એમાંથી પણ મધુર ધ્વનિ નીકળવા લાગે છે...

ધન વિષે આપણા પૂર્વજો આધુનિક હતા અને અત્યંત વ્યાવહારિક હતા એવું કેટલાંક સંસ્કૃત શ્લોકો પરથી ફલિત થાય છે. એક શ્લોકનો અર્થ છે - અતિથિ, બાળક, સ્ત્રીઓ, રાજા અને પાંચમો જમાઈ... આટલાને ધનનું શું મહત્ત્વ છે એ ખબર નથી. આજના કળિયુગના કાળાબજારિયાઓ માટે પણ ચાણક્યનીતિમાં એક શ્લોક આપેલો છે : આ શ્લોક આ પ્રમાણે છે - अन्यायोपार्जितं द्रव्यं दशवर्षाणि निष्ठति... प्राप्ते ऐकादशे वर्षे समूलं च विनश्यति ! આનો અર્થ સમજતાં પહેલાં એક વાત ધ્યાનાકર્ષક છે. કાળું નાણું એ યુગમાં પણ હતું ? હશે જ, નહીં તો ચાણક્ય આવી દૂરદર્શી વાત કેવી રીતે કરી શકે? વિચક્ષણ ચાણક્ય કહે છે કે અન્યાયથી ઉપાર્જન કરેલું ધન દશ વર્ષ સુધી રહે છે. અને અગિયારમું વર્ષ આવતાં એ ધન મૂળ સાથે વિનાશ પામે છે ! એટલે કાળા ધનિકોનો વિનાશ અને પ્રનાશ અને સર્વનાશ અવશ્યંભાવી છે ! માત્ર સંતોષનું એક જ કિરણ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. આજકાલ ફુગાવો વધી ગયો છે એટલે એ સમયનાં દસ વર્ષો એટલે આજનાં કેટલાં ગણવાનાં? વીસ કે પચ્ચીસ?

આદિ શંકરાચાર્યે 'ભજ ગોવિંદમ'માં વારંવાર કહ્યું છે - પુત્રાદપિ ધનભાજાં ભીતિં... સર્વત્રૈષા વિહિતા રીતિ: ! અર્થ થાય છે - ધનિકોને પોતાના પુત્રોનો પણ ભય લાગે છે. સર્વત્ર ધનની આ જ ગતિવિધિ છે.

આદિ શંકરાચાર્ય ધનવિરોધી છે. એ કહે છે - शुष्के नीरे क: कासार :....क्षीणे वित्ते क: परिवारो...! એમનું કહેવું છે કે જ્યારે પાણી ઊડી જાય છે ત્યારે સરોવરમાં શું રહી જાય છે? એકવાર ધન શેષ થઈ જાય છે પછી મનુષ્યનાં સગાંવહાલાં ક્યાં ચાલ્યા જાય છે? આદિ શંકરાચાર્ય સાધુ, સંન્યાસી, બાવા, જોગીઓને પણ આ ધનની લાકડીથી જ ફટકારે છે. એ કહે છે - जटिलो मुण्डी लुंछित कोश:... काषायम्बर बहुदतवेष:.... पश्यन्नपि च न पश्यति मूढो... ह्युदरनिमित्तं बहुकतवेष:...! એ કહે છે લાંબા ચોંટેલા વાળવાળા કે મુંડન કરેલા કે ખેંચી ખેંચીને વાળ તોડેલા કે ભગવાં કપડાંમાં રખડનારા આ મૂઢ કે મૂર્ખ જુએ છે પણ જોતા નથી. આ વેશ અન્ને આ બધાં પરિધાનો તો માત્ર પેટ ભરવાનાં નિમિત્ત કે બહાનાં છે.

ધન વિષે અને ભોગ્ય વસ્તુઓ વિષે સંસ્કૃતમાં ઘણા શ્લોકો ભિન્નભિન્ન પુસ્તકોમાં પડ્યા છે. વિદુરનીતિ કહે છે કે અત્યંત શ્રેષ્ઠ, અત્યંત શૂરવીર, બહુ જ  વ્રત-નિયમાદિનું પાલન કરનાર અને બુદ્ધિના ઘમંડમાં ચકચૂર મનુષ્ય પાસે લક્ષ્મી ભયને કારણે જતી નથી. 

અને એ જ વિદુર રાજા ધૃતરાષ્ટ્રને ઉદ્યોગપર્વના આઠમા અધ્યાયમાં સમજાવતાં કહે છે - 'यत पृणिव्यां व्रीहियवं हिरण्यं पशव: स्त्रीय:... नालमेकस्य तत सर्वमिति पश्यन्न मुह्यति...! અર્થ થાય છે - આ પૃથ્વી પર જે પણ ધાન્ય, જવ, સોનું, પશુઓ અને સ્ત્રીઓ છે એ બધાં જ એક પુરુષને માટે પણ પર્યાપ્ત નથી. આવો વિચાર કરવાવાળો મોહમાં ફસાતો નથી.

ધનને શી રીતે સમજવું જોઈએ? હિતોપદેશમાં જે આદેશ આપ્યો છે એ કદાચ સૌથી યથાર્થ છે. કથાકાર કહે છે - यद्दासि विशिष्टेभ्यो यच्चाश्नासि दिने दिने... तत्ते वित्तमहं मन्यी शेष: कस्यापि रक्षसि...! અર્થ થાય છે - જેટલું ધન તું પ્રતિદિવસ ભોગવે છે અથવા સુપાત્રને દાન આપે છે એટલું જ ધન તારું છે, બાકીનું ધન તો બીજા કોઈનું છે, જેની તું રક્ષા કરે છે. 

જે ભોગવવામાં આવે છે એ જ ધન આપણું છે. બાકીનું તો બીજાનું છે જે આપણે સાચવ્યા કરીએ છીએ. ઘણા ધનપતિઓ એટલા ઉત્સાહથી ધન ભેગું કરી રહ્યા છે કે બસો વર્ષ જીવવાના હોય ! કહેવાય છે કે લક્ષ્મી  નિર્વંશ હોય છે. 

સાઈકૉલૉજી અથવા માનસશાસ્ત્ર અર્વાચીન વિદ્યા છે પણ મનુષ્યસ્વભાવ પ્રાચીન છે. અને સંસ્કૃત સાહિત્યમાં મનુષ્યસ્વભાવનો ગહન અભ્યાસ છે. સંસ્કૃતાચાર્યોએ એ સુભાષિતોના ઉદધિમાંથી આધુનિક જીવનને સ્પર્શે એવા શ્લોકો કાઢવા જોઈએ. શ્લોકો એટલા બધા તાર્કિક હોય છે કે એમના પર કોઈ ટિપ્પણીનો અવકાશ રહેતો નથી. કોઈકે આ કર્મ કરવું જોઈએ - અને કર્મની પ્રકૃતિ કેવી છે? 

अज्ञ कर्माणि लिम्पन्ति तजज्ञं कर्म न लिम्पति,
लिप्यते रसनैवैका सर्पिषा करवद यथा - 

અર્થ થાય છે - અજ્ઞાનીને કર્મ ભારપૂર્વક ચોંટી જાય છે પણ જ્ઞાનીને કર્મનો ભાર લાગતો નથી. ઘી હથેળી પર ચોંટે છે પણ જીભને ચોંટતું નથી !

(સમકાલીન: મે 1986)

(અર્થશાસ્ત્ર : પૃ. 3 - 7)

પુરુષ અને પંડિત શબ્દોની વ્યુત્પત્તિ

સંસ્કૃત શ્લોકમાં લાઘવ સાથે લક્ષ્યવેધ હોય છે, જે સુરેખ કવિતાનું પ્રથમ લક્ષણ છે. શબ્દો બગાડ્યા વિના જે કહેવું એ સ્પષ્ટ અને વેધક રીતે કહેવાય છે. દરેક શબ્દની વ્યુત્પત્તિ હોય છે. 'પુરુષ' એટલે? ઉદ્યોગપર્વમાં પુરુષ શબ્દની વ્યાખ્યા સમજાવી છે: પૂરં વિષહતે યસ્માત્તસ્માત પુરુષ ઉચ્યતે ! અર્થ થાય છે - જે પ્રાણી પુર અથવા આવેશને સહન કરે છે એ પુરુષ કહેવાય છે....! કંઈક આ જ પ્રકારની એક વ્યાખ્યા પંડિત વિષેની છે. પંડિત વિષે અનગિનત વ્યાખ્યાઓ સંસ્કૃત સાહિત્યમાં વિખરાયેલી પડેલી છે. પણ મારી દ્રષ્ટિએ એક શ્લોકની બીજી અને અંતિમ લીટીમાં કદાચ પંડિત વિષેની યોગ્ય વ્યાખ્યા અપાઈ છે : આત્મશક્તિ સમં કોપં યો જાનાતિ સ પંડિત: ! અર્થ થાય છે - પોતાની શક્તિની સીમાની અંદર રહીને ક્રોધ કરવાનું સમજે છે એ જ પંડિત છે...

(અર્થશાસ્ત્ર, પૃ.2-3)

ના પાડવાના પ્રકાર

ક્યારેક ના પાડી દેવાથી ઘણી સમસ્યાઓ બહુ સરળતાથી પતી જાય છે. ઘણા ડાહ્યા માણસો ના પાડી શકવાની અશક્તિ કે અનિચ્છાને લીધે સ્વયં અથવા સપરિવાર  ત્રાસ ભોગવે છે. ડેલ કાર્નેગીએ સુખી થવાના જે માર્ગો બતાવ્યા છે એમાં એક માર્ગ છે: જીવનમાં ના કહેતાં શીખો ! એ કામ ડેલ કાર્નેગી ધારે છે એટલું સરળ નથી, કારણ કે આ ભારતીય સમાજ છે, જેમાં દંભની એક આખી ભાષા ઉત્પન્ન થઈ ચૂકી છે. કાળક્રમે અનુભવી માણસની જીભ પણ પ્રપંચ કરતાં શીખી જાય છે ! ના કેમ પાડવી? ખરાબ લાગશે ! અને હા પાદીશ  તો આપણને સંત્રાસ થશે. આપણે ના પાડી શકતા નથી માટે દુષ્ટ માણસો ક્યારેક આપણો દુરુપયોગ કરી જતા હોય છે...! અને પછી સતત કરતા રહે છે... 

શ્રેષ્ઠ માર્ગ છે સ્પષ્ટ સ્વરે કહીદેવું - ના! અને એ પ્રશ્ન ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. પણ વ્યાવહારિક માર્ગો સંસ્કૃતના શ્લોકોમાં છે. સંસ્કૃતનાં સુભાષિતોમાં ઘણી વાર આધુનિક સાઈકૉલૉજીની સમસામયિકતા જોઈ શકાય છે ! સંસ્કૃત અને સાઈકૉલૉજી (માનસશાસ્ત્ર)ને શું સંબંધ? સંસ્કૃતમાં એક વર્તણૂકશાસ્ત્ર (બિહેવરિઅરિઝમ) છે, નીતિશાસ્ત્ર (ઍથિક્સ) છે અને અલબત્ત માનસશાસ્ત્ર તો છે જ.

સંસ્કૃતના એક શ્લોકમાં ના પાડવાની છ રીતો બતાવી છે. શ્લોક છે:  मौन कप्ल विलम्बश्च प्रयाणं भूमिदर्शनम...भृकुट्यन्यमुखी वार्ता नकार: षडविथ: स्मृत: ! આમાં છ પ્રકારો વર્ણવ્યા છે : મૌન રાખવું અથવા બોલવું જ નહીં. ઉત્તર આપતાં સમયનો ગાળો રાખવો (મને...એમ કરોને ! આવતા ગુરુવારે ફોન કરશો?). ચાલ્યા જવું. (એક્સક્યુઝ મી. જરા સાહેબને મળવા જવું પડશે!). જમીન તરફ જોયા કરવું. ભવાં ખેંચીને બીજા તરફ જોઈને વાત કર્યા કરવી. અને છઠ્ઠો પ્રકાર - ના પાડી દેવી !

આ શ્લોક ભારતીય દેશકાળને અનુરૂપ છે અને સમય-અસમય આપણે આનો અનુભવ કરતા રહી છીએ (-અથવા કરાવતા રહીએ છીએ!).

(અર્થશાસ્ત્ર, પૃ.1-2)

July 10, 2013

જે તૂટતા નથી એ લોકો...

12 જુલાઈ 2013નાં રોજ ભારતીય દોડવીર મિલખાસિંઘના જીવન પર આધારિત ફિલ્મ "ભાગ મિલ્ખા ભાગ" રજૂ થઈ રહી છે ત્યારે બક્ષીબાબુએ દાયકાઓ પહેલાં જીવનની અંગત કરુણતાઓ છતાં ખુદ્દારીથી જીવનાર મિલખાસિંઘ સહિતની હસ્તીઓનાં વિશે લખેલો એક પ્રેરણાદાયક લેખ પ્રસ્તુત છે:

હું પાકિસ્તાનના લાયલપુર જિલ્લાના ગોવિંદપુરા ગામમાં જન્મ્યો હતો. મારા એક મોટાભાઈ સેનામાં હતા. હું પંદર વર્ષનો હતો ત્યારે જ આ ઘટના બની. હિંદુ-મુસ્લિમ હુલ્લડો થઈ ગયાં. મુસ્લિમોએ મારાં માતા, પિતા, ત્રણ ભાઈઓ, ત્રણ ભાભીઓ અને એમનાં સંતાનોને નિર્દોષ ઘેટાંઓની જેમ કતલ કરી નાંખ્યાં. હું કઈ રીતે જીવતો રહી ગયો અને ફેંકાતો ફેંકાતો હિન્દુસ્તાનમાં આવી ગયો એ મને ખબર નથી. લશ્કરમાંનો મારો મોટોભાઈ અને હું, અમે બે જ આ સંહારમાંથી જીવતા રહી શક્યા. હું તદ્દન તૂટી ગયો હતો. પૈસા બિલકુલ ન હતા, કંઈ કરવાની માનસિક સ્થિતિ પણ હતી નહીં - અને જિંદગી શરૂ થઈ.

મિલખા સિંઘ


આ શબ્દો છે ભારતના શ્રેષ્ઠ એથલીટ અથવા રમતવીર મિલખાસિંઘના ! મિલખાસિંઘની કક્ષાનો દોડવીર ભારતે આજ સુધી પેદા કર્યો નથી.

હવે બીજા એક માણસની વાત. 

એ માણસની વેદનાનો અંત ન હતો. જ્યારે મૂળ પ્રતની કોપી કરનારે પોતાના સાડા ત્રણ આના પ્રમાણે મહેનતાણું માંગ્યું (લગભગ વીસ પૈસા) ત્યારે એની પાસે એ પૈસા આપવાની સ્થિતિ ન હતી. એણે પોતે પોતાના હાથથી કોપીઓ કરી. એ જમાનામાં ઝેરોક્ષ કે ફોટો કોપી ન હતી. પણ એ માણસ તૂટવા માંગતો ન હતો. પછી વિધિના પ્રવાહ શરૂ થયા. 1947ના કલકત્તાનાં હિંદુ-મુસ્લિમ હુલ્લડોમાં એના મોટા પુત્રને કોઈ મુસ્લિમે છરો મારીને મારી નાંખ્યો. એનો નાનો પુત્ર એક લાંબા રોગમાં રિબાઈને જવાનીમાં જ મરણ પામ્યો. એની નાની પુત્રીએ લંડનમાં આત્મહત્યા કરી નાખી. એના બે જમાઈઓ જવાનીમાં મરી ગયા. પણ બૂઢો તૂટ્યો નહીં. એ એનું કામ કરતો રહ્યો.

સર જદુનાથ સરકાર

આ બૂઢો એટલે ભારતના શ્રેષ્ઠ ઈતિહાસકારોમાંનો એક : સર જદુનાથ સરકાર ! આજ સુધી ભારતમાં એની કક્ષાના બહુ જ ઓછા ઈતિહાસકારો પેદા થયા છે.

હવે ત્રીજા માણસની વાત.

એ માણસના મુકાબલાનો પત્રકાર આજે ભારતમાં નથી. એ લખે છે અને સિંહાસનો ડોલે છે. અચ્છા અચ્છાના રાજદંડો ધ્રુજી જાય છે. કૌભાંડોને પર્દાફાશ કરવાનો એ માહિર છે. એની ભાષા હલાલની છે. એ સંસદનું ત્રીજું ભવન છે, એની હિમ્મત આફરીન પોકારી જવાય એવી છે. એનું નામ છે - અરૂણ શોરી ! 'ઈન્ડિયન એક્સપ્રેસના' અરૂણ શોરીને કોણ ઓળખતું નથી? 

અરૂણ શૌરી

અરૂણ શોરીને એક જ પુત્ર છે. પુત્રનું નામ છે અદિત. પુત્ર વિકલાંગ છે. પેરીપ્લેજિક છે અને જીવનભર અવિકસિત રહેશે.

ઝિયા ઉલ હક

એ સરમુખ્તાર છે. બહુ કડક, ખયાલાતવાળો માણસ છે. એ એશિયાના સશક્ત શાસકોમાંનો એક છે. એનું નામ ઝિયા ઉલ હક, સદર-એ-પાકિસ્તાન ! જનરલ ઝિયાની એક જ પુત્રી છે અને એ બહેરી અને બોબડી છે. દર શુક્રવારની નમાઝમાં જનરલ ઝિયા પોતાની પુત્રીને બંદગી કરવા સાથે લઈ જાય છે.

અને હવે પાંચમી સ્ત્રીની વાત.

ઈટાલીયન અભિનેત્રી એના મેગ્નેની જેવી અભિનેત્રીઓ દુનિયાએ બહુ ઓછી જોઈ છે. કેટલાંકના મતે એ જગતની શ્રેષ્ઠ અભિનેત્રી હતી. હિસ્ટીરિકલ અથવા ઉત્તેજિત સ્ત્રીનો અભિનય જોઈને દર્શકો ચીસ પાડી ઊઠતા! 'રોઝ ટેટુ' ફિલ્મમાં એણે જે અભિનય કરેલો એ જોઈને હોલીવુડ સ્તબ્ધ થઈ ગયેલું. 'વોલ્કેનો' ફિલ્મમાં એણે લગભગ પાગલ થઈ ગયેલી સ્ત્રીનો દર્દનાક અભિનય કરેલો.

એના મેગ્નેની

એનો એક જ પુત્ર હતો. જવાન, મોટો, સરસ તબિયતવાળો, તગડો પુત્ર ! એ પુત્ર ગાંડો હતો અને પાગલખાનામાં હતો. એના મેગ્નેની પોતાના પાગલ પુત્રને મળવા પાગલખાનામાં નિયમિત જતી હતી.

મિલખાસિંઘ કે સર જદુનાથ સરકાર કે અરૂણ શોરી કે જનરલ ઝિયા કે એના મેગ્નેની જેવી મેધાવી વ્યક્તિઓમાં એક સમાન અનુભવ જોવા મળે છે - વ્યક્તિગત ટ્રેજેડીનો! પોતપોતાના ક્ષેત્રમાં શિખર પર પહોંચવા માટે આવી ભયંકર કરુણતા જીવનમાં જરૂરી હોય છે? આ કારમા જખમો આવા માણસોને આસમાનની ઊંચાઈ સુધી ફેંકે છે? શા માટે આ માણસો તૂટતા નથી અને ભયંકર સખ્ત થઈ જાય છે?

આવા કેટલાય કેસો છે.લેખક આર. કે. નારાયણની બે જોડિયા પુત્રીઓ છે અને બંને વિકલાંગ છે. નારાયણ અંગ્રેજીમાં લખતા ભારતીય લેખકોમાં શ્રેષ્ઠ મનાય છે.

જનતા સરકાર દરમિયાન સોલિસિટર જનરલ રહેલા સોલી સોરાબજીનો એક પુત્ર પણ વિકલાંગ છે.

ભારતીય સેનાના સર્વોચ્ચ સેનાપતિ જનરલ રેનાનો એકનો એક છોકરો, મોટર-સાઈકલ અકસ્માતમાં અવસાન પામ્યો હતો. 

રામનાથ ગોએન્કાના એકના એક પુત્રનું પણ બાપનાં જીવતાં જ અવસાન થયું હતું. ગોએન્કા 'ઈન્ડિયન એક્સપ્રેસ'ના માલિક છે.

અને ઈન્દિરા ગાંધીને કેમ ભૂલી શકાય? જે પુત્ર પર જીવનની બધી જ આશાઓનો મદાર બાંધ્યો હતો એ પુત્ર એક સવારે પ્લેન દુર્ઘટનામાં ખતમ થઈ ગયો. એનું શરીર ઘરમાં પાછું આવ્યું ! સંજયના મૌતનો જખમ સહન કરીને જવાબદારી નિભાવતા જવું એ મર્દાના કામ હતું. ઈન્દિરા ગાંધીની સખ્તાઈ માટે એ 'આયર્ન લેડી' તરીકે ઓળખાય છે.

કેટલાકને વ્યક્તિગત ટ્રેજેડી પોલાદની જેમ સખ્ત બનાવી દે છે. એમના કામમાં એ વધારે ઊંડા ઊતરી જાય છે. એમની લગન અને તમન્ના એક જ દિશામાં કામ કરવા લાગે છે. રડવાના સમયે એ રડી લે છે પણ પોતાના લક્ષ્યથી ચલિત થતા નથી.

પાકિસ્તાનના દોડવીર અબ્દુલ ખાલિકની સાથે રેસમાં ઊતરેલા મિલખાસિંઘે જ્યારે લાહોરના આંતરરાષ્ટ્રીય જંગમાં ખાલિકને હરાવ્યો ત્યારે કદાચ વેરનો એક ભયાનક આનંદ ભભૂકી ઊઠ્યો હશે ! બીજો માખનસિંઘ હતો, અને ચેમ્પિયન ખાલિક ત્રીજો હતો ! 

પ્રગતિ માટે જીવનમાં કેટલી કરુણતા જરૂરી હોય છે?

(સાહસ)

(વધુ જાણકારી માટે, મિલ્ખા સિંઘ વિશે ભવેન કચ્છીના 10 જુલાઈ 2013નાં લેખની લિંક: 
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/vividha-milkha) 

July 8, 2013

સેક્સ : વિજ્ઞાનની ટેસ્ટટ્યૂબ, કાનૂનનું ત્રાજવું

હંગેરીના વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને એક નિષ્કર્ષ કાઢ્યો છે કે મોબાઈલ ફોનનું રેડીએશન નરના પુરુષત્વ પર નકારાત્મક અસર કરી શકે છે. સંશોધકોએ પુરુષોના પેન્ટનાં ખિસ્સાંઓમાં હેન્ડસેટ મુકાવીને ટ્રાયલ લીધી તો પરિણામ એ મળ્યું કે અન્ય પુરુષો કરતાં પેન્ટના પોકેટમાં રાખેલા હેન્ડસેટવાળા પુરુષોના જીવંત સ્પર્મ અથવા વીર્યકણો 1/3 ઓછા હતા. ગરમી વીર્યોત્પત્તિ પર નેગેટિવ અસર કરે છે. અન્ય એક અભ્યાસ લેપ-ટોપ વિશે થયો. જે લેપટોપ 70 ડિગ્રી સેન્ટિગ્રેડ ગરમીમાં ચાલતાં હોય અને ગોઠણો પર રાખીને વપરાતાં હોય એનાથી સ્ક્રોટમ ગરમાતું રહે છે અને તેને લીધે વીર્યની ઉત્પત્તિ ઓછી થતી જાય છે. વિજ્ઞાનની નવી શોધો અને યંત્રોથી આપણે ચકાચૌંધ થઈ ગયા છીએ, પણ આ પ્રકારનાં સંશોધનો આપણે ત્યાં થતાં નથી, કદાચ આંતરરાષ્ટ્રીય મલ્ટિનેશનલ કંપનીઓ આવું બધું કરવા દેતી નથી કારણ કે એનાથી એમના વિરાટ માર્કેટ પર કુઅસર થાય છે. સંશોધન વિષેના આ સમાચાર લંડનના 'ટાઈમ્સ' દૈનિકની માર્ચ 5, 2005ની 'બોડી ઍન્ડ સોલ' (શરીર અને આત્મા) નામની અત્યંત માહિતીસભર પૂર્તિમાં છપાયા હતા. 

સ્ત્રીઓને ગર્ભ રહે એ માટે આહારથી આસનો સુધીની વિશદ ચર્ચા તજજ્ઞોએ કરી છે. આપણા સમાજમાં આટલું ખુલાપણું નથી, સેક્સ કે ગર્ભાધાન જેવા વિષયો અંધારું કરીને સંતાડવાના વિષયો છે. લંડનનું 'ટાઈમ્સ' દૈનિક ઈંગ્લંડનું કદાચ સૌથી રૂઢિચુસ્ત અને પ્રતિષ્ઠિત દૈનિક સમાચારપત્ર છે, પણ આવા વિષય પર એ વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપી શકે છે. ગર્ભાધાન થતાં પહેલાંની પ્રક્રિયા સર્જનહારની કમાલ બતાવે છે. એક સામાન્ય પુરુષ વીર્યપાત વખતે 5 એમ.એલ. એટલે કે એક ટી-સ્પુનફુલ વીર્ય છોડી શકે છે, જેમાં 10થી 30 કરોડ સ્પર્મ કે શુક્રાણુઓ હોય છે. આમાંથી 1 લાખથી ઓછા શુક્રાણી સર્વીક્ષ કે યોનિમુખ દ્વારા અંદર પ્રવેશ કરી શકે છે. ગર્ભાશયમાં ફેલોપીઅન ટ્યૂબ સુધી માત્ર 200 શુક્રાણુ પહોંચી શકે છે અને સ્ત્રીના રજ અથવા ઈંડાને એક જ શુક્રાણુ ભેદી શકે છે ! છોકરાઓ પ્યુબર્ટી કે વય: સંધિકાળમાં આવે છે ત્યારે એક સેકન્ડના 1500 શુક્રાણુઓ પૈદા થતા જાય છે. પ્રત્યેક શુક્રાણુ 72 કલાક સુધી જીવી શકે છે.

સ્ત્રીના શરીરમાં કઈ પ્રક્રિયા ચાલતી હોય છે? સ્ત્રી 30 લાખ ઈંડા કે એગ્ઝ સાથે જન્મે છે અને રજસ્વલા થાય છે ત્યારે લગભગ 4 લાખ ઈંડા રહ્યાં હોય છે. આમાંથી થોડાં જ ઈંડા વિકસિત થાય છે અને એક સ્ત્રી એના સર્જનાત્મક કાલખંડમાં 400 કે એથી ઓછાં ઈંડા છોડી શકે છે. ફેલોપીઅન ટ્યૂબોના બંને સિટાઓ પર બે ઓવરીઝમાં હજારો ઈંડાઓ રહેલાં હોય છે. દર મહિને લગભગ 20 ઈંડા છૂટવા માટે પ્રયત્નશીલ હોય છે, પણ એક જ સશક્ત ઈંડું પુખ્ત થઈને છૂટે છે, બાકીનાં સુકાઈ જાય છે અને નાશ પામે છે. આ પુખ્ત ઈંડાંની ગર્ભાશયની દીવાલ પર ચોંટી જવાની એક પૂરી પ્રક્રિયા છે. પુખ્ત ઈંડું એક જ શુક્રાણુને લઈ શકે છે. અને બાકીના બધા જ શુક્રાણુને રોકી શકે છે. કરોડો શુક્રાણુઓ અને લાખો ઈંડાંઓમાંથી માત્ર એક જ શુક્રાણુ અને એક જ ઈંડું આ જબરદસ્ત સર્જનલીલાને ચાલુ રાખે છે ! પ્રકૃતિમાં કેવી ભયાનક હિંસાલીલા છે, પ્રકૃતિ મૂલત: કેટલી વિનાશક છે એ સમજવા માટે ધર્મ નહીં પણ વિજ્ઞાન જ કામ આવે છે. સૌથી સશક્ત શુક્રાણુ જ ઈંડાંને ભેદે છે અને જ્યારે એ શુક્રાણુ ઈંડાંમાં પ્રવેશ કરે છે ત્યારે શુક્રાણુની પૂંછડી, જેને લીધે એ અહીં સુધી તરતું-વહેતું આવી શક્યું છે, બહાર રહી જાય છે, અને આપોઆપ ખરી પડે છે. એક દીવાલ ઊભી થઈ જાય છે જે બીજા કોઈ શુક્રાણુને પ્રવેશવા દેતી નથી.

પશ્ચિમી વિજ્ઞાનવેત્તાઓ સંભોગ જેવી એક સમાધિકેન્દ્રીય ક્રિયાને પણ ઠંડા આંકડાઓમાં ઢાળી શકે છે. યુડીશ મેક્કે એક વિશેષજ્ઞ છે, અને એણે એક પુસ્તક લખ્યું છે : 'એટલાસ ઓફ હ્યુમન સેક્સ્યુઅલ બિહેવિયર' અથવા મનુષ્યની જિન્સી વૃત્તિનો નક્શો! લેખિકા આ પુસ્તકમાં આંકડા આપે છે. પૃથ્વી પર મનુષ્યોમાં પ્રતિ દિવસ 12 કરોડ સંભોગ થાય છે, જેના પરિણામે 9 લાખ 10 હજાર ગર્ભાધાન ગર્ભાધાન થાય છે, અને 4 લાખ પ્રસવ થાય છે. ડૉક્ટર ટોમસ સ્ટટફોર્ડ મનુષ્ય નારીની યોનિની રચના સમજાવતાં લખે છે કે યોનિ એક સ્થિતિસ્થાપક અવયવ છે જે પ્રસવ થઈ રહેલા શિશુના માથાને બહાર આવવા દેવા માટે ખેંચાઈને ખૂલી શકે છે. ફળદ્રુપતાના પ્રાચીન ગ્રીક દેવતા પ્રિયેપસના શિશ્નનું ડાયામિટર પણ આટલું ન હતું. યોનિ અને શિશ્નના કદ વિશે બજારોમાં માત્ર અફવાઓ ચાલતી રહેતી હોય છે...

સેક્સના સંબંધોમાં પરિવર્તન આવતાં સૌથી પ્રથમ અને મૂલાધાર અસર સમાજ પર પડે છે. જે સરકારો સતર્ક છે એ આ પરિવર્તનને અનુરૂપ કાનૂની ફેરફારો કરતી રહે છે. પશ્ચિમમાં 'સનસેટ લોઝ' નામની કાનૂની લક્ષ્મણરેખા છે, એટલે કે અમુક સમય પછી એ કાયદો આથમી જાય છે અથવા એના પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે. જે ગઈકાલ સુધી ગૈરકાનૂની કે અવૈધ કે અનૈતિક હતું એ આજે બદલાયેલા સમાજ માટે અસ્વીકાર્ય રહ્યું નથી. લંડનના દૈનિક 'ટાઈમ્સ' પત્રના ઑક્ટૉબર 18, 2003માં આ વિશે રૂપરેખા આપવામાં આવી હતી. વિભિન્ન વિષયોના સેક્સ-કાયદાઓમાં પરિવર્તન લાવવાનો બ્રિટિશ સરકારે નિર્ણય લઈ લીધો હતો. એક જમાનામાં કરારનામાઓ અને કાનૂનપત્રોમાં 'હસબન્ડ' અને 'વાઈફ' શબ્દો વપરાતા હતા, પછી 'સ્પાઉઝ' શબ્દ વપરાતો થયો, આજે માત્ર 'કમ્પેનીઅન' શબ્દ વપરાય છે. કમ્પેનીઅન એટલે મિત્ર, સુહૃદ, સાથી. સ્ત્રી અને પુરુષ પતિપત્ની જ હોય એવું કાનૂનનું માનવું નથી, અને કાનૂન ત્યાં સુધી આવીને અટકી જાય છે. એક પુરુષ અને એક સ્ત્રીના વ્યક્તિગત સંબંધો પ્રકાશિત કરવા કાનૂનને માટે આવશ્યક નથી.

બ્રિટિશ પાર્લમેન્ટ બ્રિટનના સેક્સ કાયદાઓમાં ફેરફાર કરીને એમને આજના જિવાતા જીવન સાથે સુસંગત અને પ્રસ્તુત બનાવવા માગે છે. સેક્સ વિષયક કાયદાઓ 19મી સદીના છે, રાણી વિક્ટોરીઆના જમાનાના છે. નવું 'સેક્સ્યુઅલ ઓફેન્સીસ બિલ' ખાનગી જીવનોમાં ફોજદારી કાનૂનના હસ્તક્ષેપને સીમિત રાખવાનો પ્રયાસ છે. એક આશય બાળકો અને કિશોર-કિશોરીઓને રક્ષા આપવાનો છે.

રેપના કાનૂનમાં ફેરફાર કરીને અત્યાચારની વ્યાખ્યામાં મૌખિક પ્રવેશનો પણ સમાવેશ કરી લેવાયો છે. આ કાનૂનનામાં 13 વર્ષ કે નીચેનાં બાળકો સાથે યૌનાચાર માટે અધિકતમ સજા આજીવન કૈદની છે. કોઈપણ પ્રકારનો બળાત પ્રવેશ હવે ગુન્હાહિત પ્રવૃત્તિ ગણાય છે, અને એને માટે સજા આજીવન કૈદની છે. ઈનસેસ્ટ અત્યાર સુધી માત્ર ભાઈ તથા બહેન વચ્ચેના યૌન સંબંધ માટે વપરાતો શબ્દ હતો. હવે ઈનસેસ્ટને બદલે ફેમિલી સેક્સ-એબ્યુઝ શબ્દપ્રયોગ થાય છે અને એમાં બાળકોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. સજા 14 વર્ષની છે. લાશની સાથે યૌનસંબંધ રાખનાર માટે પણ બે વર્ષની સજા છે. જો કોઈ મકાનમાલિક પોતાના ભાડૂઆતને સંતાઈને કપડાં બદલતાં કે સમાગમ કરતાં જુએ અથવા કોઈ સ્ટોરમાં કપડાં બદલતી વ્યક્તિને આ રીતે 'પીપહોલ'માંથી જોયા કરે તો અધિકતમ બે વર્ષની સજાની વ્યવસ્થા નવા કાનૂનમાં છે. સૌથી મોટું પરિવર્તન 'ગે સેક્સ ક્રાઈમ્સ'ના ક્ષેત્રમાં લાવવામાં આવ્યું છે. અત્યાર સુધી પુરુષ અને પુરુષ વચ્ચેના લૈંગિક સંબંધો ગુનાના પરિઘમાં આવી જતા હતા અને સજાને પાત્ર હતા. હવે આ કાનૂન ઉઠાવી લેવાયો છે, અને બગરીથી ગે-સેક્સ સુધી ઘણીબધી તથાકથિત સમલિંગી હરકતોને મુક્ત કરવામાં આવી છે. કાનૂન હવે પુરુષ અને પુરુષ વચ્ચે અને સ્ત્રી અને સ્ત્રી વચ્ચે લગ્ન બાકાયદા સ્વીકારે છે અને આવાં લગ્નોને વૈધ મંજૂરી આપે છે.

એક મુક્ત સમાજ વધારે મુક્ત, સ્વતંત્ર કુટુંબ વધારે સ્વતંત્ર અને કેટલાકને ભય છે કે સ્વચ્છંદી વ્યક્તિ વધારે સ્વચ્છંદી બની જાય એવી કાનૂનરચના આકાર લઈ રહી છે. બીજી તરફ સ્પષ્ટ અભિગમ છે કે પેઢીઓ અને પરિવેશો બદલાઈ ગયા છે, ત્યારે વિક્ટોરીઅન જમાનાની જેમ જાજમની નીચે સરકાવીને મૂલ્યનિષ્ઠ નૈતિકતાને સંતાડવી હાનિકારક છે. સર્જનહારને પૃથ્વીના ભવિષ્યમાં શ્રદ્ધા હતી માટે એણે જીવસૃષ્ટિના અબજો જીવોમાં બે સેક્સોનું સર્જન કર્યું હશે...!

(યાર બાદશાહો...)

મેન ઑફ ધ મેચ : સટોડીઓ !

કાર્લ માર્ક્સે લખ્યું હતું કે, ધર્મ એ લોકોનું અફીણ છે ! હિન્દુસ્તાનનાં નગરોમાં ક્રિકેટ એ મધ્યવર્ગી મધ્યબુદ્ધિ અને નિમ્નવર્ગી નિમ્નબુદ્ધિ વયસ્કો અને સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ફેલ થતાં બચ્ચાંઓ જેટલો આઈ-ક્યુ ધરાવનારા મર્દો માટે નશો છે. ક્રિકેટ એ હિંદુસ્તાનમાં રમત નથી, એક ઉદ્યોગ છે. આખો દેશ એક પ્રચંડ જુગારખાનામાં ફેરવાઈ જાય છે, જે અવૈધ છે, ભૂગર્ભી ધંધો છે. સટોડિયા અને બુકી અને પન્ટર અને ટાઉટ જેવા શબ્દો છાપાઓનાં પાનાંઓ પર ઉછાળતા રહેવાની પ્રવૃત્તિ છે. સરકાર સિવાય આખા દેશના 8 વર્ષથી 88 વર્ષ સુધીના હિંદુસ્તાનીને ખબર છે કે ક્રિકેટની પાછળ મેચોનાં પરિણામો બેટ્સમેન અને બૉલર કે એમ્પાયર નક્કી કરતા નથી, એ પરિણામો શું, કેવાં, ક્યારે લાવવાં એ સટોડિયાઓની સિન્ડિકેટો નક્કી કરે છે. આપણું કામ દેશપ્રેમીઓ તરીકે તાળીઓ પાડતા રહેવાનું છે, અને ટીવીનો કેમેરા આપણા તરફ ફરી રહ્યો છે એવી ખબર પડે એટલે ઠેકડા અને ભૂસ્કા મારતા મારતા ચિચિયારીઓ પાડવાનું છે. ઘરમાં ટીવીની સામે પગ લંબાવીને બેઠેલી જાડી સ્ત્રીઓને ઊછળકૂદ કરતી જોવાની પણ યારો, એક મજા છે! એક ઓરતે ટેસ્ટમેચ ગંભીરતાથી જોઈ રહેલા મર્દોને સાંત્વન આપતાં કહ્યું : હજી તો ત્રીજી ઈનિંગ બાકી છે... ! જ્ઞાનપ્રાપ્તિ માટે આપણી કોઈ પણ ઉંમર નાની નથી હોતી.

જો સરકાર ક્રિકેટનો જુગાર રોકી ન શકતી હોય તો ક્રિકેટના જુગારને કાયદેસર બનાવી દેવો જોઈએ, જે રીતે ઘોડાની રેસ આ દેશમાં કાયદેસર છે. ઈંગ્લંડમાં રેસો દોડે છે. (ઘોડાની અને કૂતરાંની) અને તમે ફોન પર કે ટીવી પર જોતાં જોતાં દાવ લગાવીને રમી શકો છો. ઈંગ્લંડમાં ઘણી બધી બાબતો પર કાયદેસર બેટીંગ (Betting) કરી શકાય છે, અને એ માટે દુકાનો કે કંપનીની ઑફિસો હોય છે. બધું જ કાયદેસર છે અને સરકારને ભરપૂર કર મળતો રહે છે. માન્ચેસ્ટર યુનાઈટેડ વિરુદ્ધ એસી મિલાનની ફૂટબોલ મેચમાં કોણ જીતશે? આયરલેન્ડ વિરુદ્ધ ફ્રાંસની રગ્બીની મેચ છે, હાફ ટાઈમનું પરિણામ 15-6નું હતું, ફ્રાંસ જીતશે? ઈમ્પીરીયલ કપની બે માઈલ 1/2 ફર્લોંગની રેસમાં 'બોલ્ડ બિશપ' ઘોડા પર કે 'હોટ શોટ્સ' ઘોડા પર લગાવશો? માત્ર રમતોની જ નહીં, તમે ઘણા પ્રકારની બેટ રમી શકો છો. ઈંગ્લંડની જુગાર માટેની સૌથી પ્રસિદ્ધ કંપની લેડબ્રોક્સ ગણાય છે, જેની શાખાઓ દેશભરમાં છે. બીજી મોટી જુગાર કંપની વિલીઅમ હિલ છે. ફોન પર, વેબસાઈટ પર અથવા દુકાન પર જઈને તમે કાનૂનન જુગાર રમી શકો છો, અને લાખો માણસો રમે છે. લેડબ્રોક્સ પાસે જાતજાતની સેંકડો બીડ્ઝ આવી હતી : નવો પોપ કોણ થશે? (જે આ જુગાર કંપનીએ નૈતિક કારણોસર સ્વીકારી નહીં) હિલ્સ પાસે બીડ્ઝ આવે છે : લંડન ઓલિમ્પિક રમતો માટે પસંદ કરાશે? ઈંગ્લંડમાં ટોરી પક્ષને કેટલા ટકા સમર્થન મળશે? ફૂટબોલ ટીમનો અમુક મેનેજર કેટલો સમય ટકશે? અને આપણે માટે આશ્ચર્યની વાત એ છે કે ઈંગ્લંડમાં ક્રિકેટ માટે જુગાર પ્રમાણમાં ઘણો જ ઓછો રમાય છે ! વધારેમાં વધારે પાઉંડનો સટ્ટો ફૂટબોલ પર થાય છે.

ક્રિકેટપ્રેમીઓ નેગેટિવ તર્ક કરી શકે છે કે ક્રિકેટ રમતા કોઈ પ્રમુખ દેશમાં સટ્ટો કાયદેસર નથી, તો પછી હિંદુસ્તાનમાં શા માટે ક્રિકેટનો સટ્ટો કાનૂનન કરવો? જગતના ક્રિકેટ રમતા દેશોમાં ઈંડિયા જેટલો ક્રિકેટસટ્ટો ક્યાંય નથી. ઑસ્ટ્રેલિયા કે ઈંગ્લંડનો પ્લેયર, અને આ બાબતમાં વેસ્ટ ઈંડિઝ કે દક્ષિણ આફ્રિકાનો ખેલાડી (હાન્સી ક્રોન્યેના અપવાદને બાદ કરતાં), માત્ર પૈસા માટે દેશને હારવા દે એવું ભાગ્યે જ બને છે, અને અથવા બનતું નથી. ત્યાં મેચો આટલી નફ્ફટ રીતે 'ફિક્સ' થતી નથી. જેટલી હિંદુસ્તાનમાં ખુલ્લેઆમ થાય છે. આપણે ત્યાં મેચ-ફિક્સીંગ લગભગ દેશદ્રોહ અને નમકહરામીની નિમ્નતમ કક્ષાએ પહોંચી ગયું હતું એનો આપણને પર્યાપ્ત અનુભવ છે. સટોડીઆઓ જો રમતમાં પરિણામો નક્કી કરતા હોય અને કરોડોના સટ્ટા સતત ખેલાતા રહેતા હોય તો સટ્ટો કાયદેસરનો કરી નાખવો જોઈએ, અને ઈંગ્લંડની લેડબ્રોક્સ કે હિલ જેવી કંપનીઓની જેમ આપણે ત્યાં કંપનીઓને જુગારની બીડ લેવાનાં લાઈસન્સ આપી દેવાં જોઈએ, કે જેથી જનતાને જાહેરમાં ખબર પડે કે, કયા પક્ષનો શું ભાવ ચાલી રહ્યો છે. આમાં સટ્ટો પારદર્શક બનશે. 

ફૂટબોલમાં બદમાશી કરવાનો અવકાશ ઘણો ઓછો છે, ક્રિકેટમાં રમતને જે તરફ ગબડાવવી હોય તે તરફ ગબડાવવાનો અવકાશ ઘણો વધારે છે. વિશ્વનો શ્રેષ્ઠ ગણાતો બેટ્સમેન 98 રને પોતાની વિકેટ આપી શકે છે, અને ખુશ થતો થતો પેવેલિયન તરફ જઈ શકે છે. કેચ છોડી શકાય છે, આઉટ ન હોય છતાં પણ એલ.બી.ડબલ્યુ. આપી શકાય છે. જે બોલરને રમી શકાતો નથી એની પાસેથી એકાએક બોલિંગ લઈને બીજા કમજોર બોલરને બોલિંગ આપી શકાય છે. સટોડિયાઓને ઈશારે મેચને હરાવી, જિતાડી શકાય છે. મેચો એવી રીતે રમાડવામાં આવે છે કે, હિંદુસ્તાન અને પાકિસ્તાન બંને દેશોના ક્રિકેટપ્રેમીઓ ખુશ રહે, સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓને કરોડોનો ગલ્લો મળતો રહે, અને અમન અને ચમન બંનેને સંપૂર્ણ ન્યાય અપાય ! મારી દ્રષ્ટિએ દરેક વન-ડે મેચ પછી 'મેન ઓફ ધ મેચ'નો ચંદ્રક સટોડિયા ભાઈને પ્રદાન કરવો જોઈએ... સટોડિયા ભાઈઓએ ભારતીય ક્રિકેટને લોકપ્રિય બનાવવામાં જે યોગદાન આપ્યું છે એની નોંધ ન લઈને આપણે એમને ઘોર અન્યાય કર્યો છે.

ક્રિકેટની રમત બદલાઈ ગઈ છે, રમનારાઓમાં પરિવર્તન આવ્યું છે એમ જોનારાઓમાં પણ પરિવર્તન આવી ગયું છે. હવે ક્રિકેટની મેચ જોવી હોય તો હાથમાં મોબાઈલ-ફોન હોવો જોઈએ. એનાથી બેસવામાં, ઊભા રહેવામાં, ચાલવામાં ટેકો રહે છે અને ક્રિકેટ જોવાની હિમ્મત વધે છે. 'બેઢબ' બનારસીએ એક વાર લખ્યું હતું કે, મુશાયરામાં શાયરની ગઝલનો મિસરો સાંભળીને (કે સાંભળ્યા પહેલાં) વાહ... વાહ... મુકર્રર ઈર્શાદ... જેવા બુલંદ અવાજોને મિસરાનો અર્થ સમજવા સાથે નિસ્બત નથી, એવા અવાજો કરતા રહેવાથી શાયરની હૌંસલા અફઝાઈ થાય છે, શાયરની હિમ્મત વધે છે, અને ઉર્દૂ ગઝલની ખિદમત થાય છે. સ્ટેડિયમમાં પણ સટોડિયા જેવું મોઢું કરીને બાજુવાળા સાથે કાનાફૂસી કરતા કરતા, મોબાઈલ ફોનના નંબરો દબાવતા રહેવાથી ભારતીય ક્રિકેટની સેવા થાય છે. આજકાલ હવે ટીમો જીતતી નથી, ક્રિકેટ જીતે છે.

(પડાવ અને મંઝિલ)

July 7, 2013

ડૉ. જયંત ખત્રી

1963ની વિલેપાર્લેની ગુજરાતી સાહિત્ય પરિષદનો એક ગ્રૂપ ફોટો પડી રહ્યો હતો. ગ્રૂપ ફોટો પડી ગયા પછી મારાથી મારી પ્રકૃતિ પ્રમાણે બોલાઈ ગયું: 'ગ્રૂપ ફોટોની ત્યારે જ મજા છે જ્યારે આમાંથી એકાદ ન હોય! વિચાર્યા વિનાની આવી બ્લૅક-હ્યુમર આજથી 37 વર્ષ પહેલાં, જ્યારે મારી ઉંમર 31 વર્ષની હતી, મને ફાવતી હતી. આજે 2000ના વર્ષમાં જોઉં છું તો એ ગ્રૂપ ફોટો જીવંત થઈ ગયો છે કારણ કે એમાંથી ઘના ચહેરાઓ અદ્રશ્ય થઈ ગયા છે. એ ફોટામાં મોહમ્મદ માંકડ છે, ઘનશ્યામ દેસાઈ છે, શિવજી આશર છે, મધુ રાય છે, હું છું... અને જે નથી એ નામો: ડૉ. જયંત ખત્રી, હીરાલાલ ફોફલિઆ, સરોજ પાઠક, સારંગ બારોટ, જયંતીલાલ મહેતા, કાન્તિભાઈ પૂજારા...! માંકડ ગાંધીનગરામાં અને ઘનશ્યામ મુંબઈમાં અસ્વસ્થ રહે છે, મધુ રાય અમેરિકામાં અસ્થિર છે, આશર અમદાવાદમાં સ્થિર છે. ઈતના બરસા ટૂટ કે બાદલ, ભીગ ચલા મયખાના ભી...! પણ મયખાના ખાલી થઈ ગયું છે. હું પણ સાહિત્યકારોથી વધારે દૂર, સાહિત્યથી વધારે નજીક એવી સ્થિતિમાં છું. 69મ વર્ષના કિનારે ઊભો છું ત્યારે આ ઝાંખો ફોટો કીમતી બની રહ્યો છે.

ડૉ. જયંત ખત્રી સાથે કેવી રીતે પરિચય થયો એ આજે યાદ નથી. કદાચ શિવજી આશર દ્વારા, પછી હીરાલાલ ફોફલિઆ દ્વારા... પણ અમે પત્રવ્યવહાર શરૂ કર્યો. અમને બન્નેને ખબર પડી કે અમે બન્ને માર્ક્સિસ્ટ હતા, વામપક્ષી હતા, મૂર્તિભંજકો હતા. એમની વાર્તાઓ વાંચી. એ મારું સાહિત્ય વાંચતા ગયા. અમારો પત્રવ્યવહાર બહુ લાંબો અને અંગ્રેજીમાં થતો હતો, પાનાંઓ ભરી ભરીની લખવાનું થતું હતું. ડાયાલેક્ટિક્સથી સુરેશ જોષીના એકેન્દ્રિય સાહિત્યિક દંભને ફટકારવા સુધીની ચર્ચાઓ રહેતી. એમની એક વાર્તા વિષે મને યાદ છે અમારી 'ઈડીપસ-કૉમ્પ્લેક્ષ' અને 'ઈલેક્ટ્રા-કૉમ્પ્લેક્ષ' વિષે મતાંતર થયું હતું. 'ટાઈમ્સ'માં અદીબની સાહિત્યિક કૉલમ આવતી હતી. ડૉ. ખત્રી અદીબના આશિક હતા. એ જમાનામાં એમને એક કૉન્ફરન્સમાં જાપાન જવાનું આમંત્રણ આવ્યું હતું, ત્યારે કલકત્તામાં અમારી મુલાકાતોનો યોગ ઊભો થયો હતો. પછી એ ગયા નહીં અથવા જઈ શક્યા નહીં. આ પત્રો મારી પાસે રહ્યા નથી. ઘુમક્કડ જિંદગી, શહેરો બદલતા રહેવાનો સ્વભાવ. પત્રો ક્યાં ગયા ખબર નથી. મારું સંતાન જન્મ્યું, પુત્રી આવી ત્યારે ડૉ. જયંત ખત્રીએ લખેલું વાક્ય મને ખરેખર ગમ્યું હતું. 'પ્રથમ સંતાનના જન્મ સાથે જ એક પિતાનો જન્મ થઈ જાય છે!'

અમે પત્રોની દુનિયાના માણસો હતા, અને એ દિવસોમાં મારી સર્જનાત્મક ઊર્જા 200 ટકા હતી. એકાએક મળવાનો એક મૌકો આવી ગયો. મુંબઈના ઉપનગર વિલેપાર્લેમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન હતું, અને વર્ષ 1963નું હતું. 1961માં કલકત્તાના ભવાનીપુરમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મારા ઘર પાસે જ હતું, અને હું ગયો હતો અને નિરાશ થઈ ગયો હતો. મેં અને ડૉ. ખત્રીએ નક્કી કર્યું કે સાહિત્ય પરિષદને બહાને બન્નેએ મુંબઈ આવવું, અને મળવું. હું કલકત્તાથી આવ્યો, એ કચ્છથી આવ્યા, અમે લગભગ એક સપ્તાહ સાથે રહ્યા. એ અમારી પહેલી અને છેલ્લી મુલાકાત હતી. 

પરિષદના ઉતારાથી શિવજી આશરના ફ્લૅટ સુધી મહેફિલો જામતી રહી. મોહમ્મદ માંકદના ગળામાં ચાંદું પડ્યું હતું. ખત્રી ડૉક્ટર હતા, માટુંગામાં એમના એક ડૉક્ટરમિત્રને બતાવવા માંકડને આગ્રહ કરીને લઈ ગયા. હીરાલાલ ફોફલિઆ સાઈગલના અવાજમાં ગાવાના શોખીન કરતાં આગ્રહી વિશેષ હતાં. આંખો બંધ કરીને, છેલ્લી લાઈન ગંભીર અવાજે ધીરે ધીરે ગાઈ રહ્યા એટલે ડૉ. ખત્રીએ અત્યંત શાંત સ્વરે કહ્યું, હીરાભાઈ ! હવે બીજી બાજુ! અને એ 1960ના દશકના આરંભનાં વર્ષો ગ્રામોફોન રેકર્ડોનાં હતાં... 

ડૉ. ખત્રી સાથે કલાકો ગપ્પાં, ગોષ્ઠિ, જોક, મસ્તી થતી રહી. બકુલેશની વાતો થઈ. કચ્છ વિષે વાતો થવી લાઝમી હતી. ડૉ. ખત્રી વચ્ચે વચ્ચે મેડિકલ જગતની એકાદ નોન-વેજ જોક પણ સહજતાથી કરી શકતા અને કાફકાના 'કાસલ' કે સાર્ત્રના 'નોશીઆ' વિષે ચર્ચામાં સંગીન ભાગ પણ લઈ શકતા.

મુંબઈ પાછળ રહી ગયું, ફરીથી બે વિરુદ્ધ દિશાઓ, કચ્છની અને કલકત્તાની. કલકત્તા જઈને હું મારી પ્રવૃત્તિઓમાં અને વ્યવસાયમાં વ્યસ્ત થતો ગયો. પત્રવ્યવહાર અને અમારો બૌદ્ધિક ચર્ચાવ્યવહાર પૂર્વવત ચાલુ હતો. મારું લેખન તીવ્રગતિ ચાલી રહ્યું હતું. એ દિવસોમાં કદાચ 'એક અને એક' લખાઈ રહી હતી. આ કૃતિ મારી 'આકાર' પછીની અને 'પૅરૅલિસિસ' પહેલાંની કૃતિ છે અને એક દિવસ આશરનો પત્ર આવ્યો: પ્રિય બક્ષી ! અને... એ પત્રમાં સમાચાર હતા કે જયંત ખત્રીને કૅન્સર થયું છે...

મારી એ  ઉંમર પ્રગલ્ભ સમજદારીની ઉંમર ન હતી, અને તદ્દન ના-સમજીની ઉંમર પણ ન હતી. કૅન્સર શબ્દ જ ભયાવહ હતો અને એ 1960ના મધ્યદશકમાં વધારે ભયાવહ લાગતો હતો. જયંત ખત્રી મુમૂર્ષાના માણસ ન હતા. એ જિજીવિષાના માણસ હતા અને છતાં પણ એ કૅન્સર હતું, અને પ્રકાર પ્રકારના કુવિચારો આવી જાય એ સ્વાભાવિક હતું. મેં વિષાદી મૂડમાં લખ્યું હતું, તબિયત વિષે ચિંતા વ્યક્ત કરી, વ્યાવહારિક નહીં, હાર્દિક અને ખત્રીનો પત્ર આવ્યો : સર્જક છું. લખ્યું છે. અને જીવ્યો છું. એટલે હવે નો રિગ્રેટ્સ, ફરગેટ ઈટ !

થોડા દિવસો પછી સમાચાર મળ્યા : ડૉ. જયંત ખત્રીનો દેહાંત થઈ ગયો છે. બસ, તમામ શુદ. વાર્તાનો અંત. ઉપસંહાર. જાને ક્યા હૈ મૌત, ક્યા હૈ ઝિંદગી/ ચલતે ચલતે કૈસે થમ જાતી હૈ તસવીરે તમામ...! ખત્રી દોસ્ત હતા. આલા દોસ્ત. અવ્વલ દર્જાના દોસ્ત. ગ્રૂપ ફોટાને અર્થ આપે એવો દોસ્ત... 

1970ના દશકના આરંભનાં વર્ષોમાં કચ્છ-માંડવી જવાનું થયું. ડૉ. જયંત ખત્રીને ઘેર જવાનું થયું, થોડો વિષાદયોગ થઈ જાય એવી આબોહવા હતી. એ 1940-50નાં વર્ષોમાં, ગુજરાતી સાહિત્યના તત્કાલીન ખડ્ડુસો અને પ્રતિષ્ઠાવાદી ઝાપટિયાઓની દુનિયામાં આ માણસ, સામા પ્રવાહે, કેવી આધુનિક અને ક્રાન્તિકારક વાર્તાઓ લખી ગયો હતો, આ માંડવીના ઘરમાંથી...? સાહિત્યપુરુષ જયંત ખત્રી. દર્દનો રંગ બ્લ્યુ છે એવો પુરુષ, કાળા નિમકની વાસ આવતી હોય એવો પુરુષ, જન્મકુંડળી ફાડીને બહાર નીકળી ગયેલો પુરુષ, ઈમાનનો એતબાર કરી શકાય એવો પુરુષ. એ કચ્છનો લેખક હતો... 

(ટેલિસ્કોપ થ્રૂ ધ લૅન્સ ઑફ ચંદ્રકાંત બક્ષી)

આલ્બર્ટ આઈન્સ્ટાઈન

બાવીસ વર્ષથી એક વૃદ્ધ રોજ મર્સર સ્ટ્રીટના 112 નંબરના મકાનમાંથી નીકળીને પ્રિન્સટનના ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ તરફ ચાલતો જતો. એના મોઢામાં એક જૂની પાઈપ રહેતી, શરીર પર એક પહોળું સ્વેટર રહેતું, એનો પેન્ટ હંમેશા કોથળા જેવો પહોળો રહેતો. કોઈ વાત કરે તો એ વૃદ્ધ વાત કરતો, બાકી એની બદામી આંખોથી ભગવાનની દુનિયા જોતો જોતો એ ચાલ્યા કરતો.

1955ના એપ્રિલમાં એ વૃદ્ધને એક શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. શરીરની અંદર લોહીનું હેમરેજ થઈ રહ્યું અહ્તું. 18મી તારીખે મધ્યરાત્રિ પછી એ વૃદ્ધ જર્મનમાં કાંઈક બોલ્યો અને શાંત થઈ ગયો. રાતની નર્સ દોડતી આવી, પણ એ જર્મન ભાષા જાણતી ન હતી. વિશ્વના સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિકના અંતિમ શબ્દો હંમેશને માટે ખોવાઈ ગયા. રાત્રે 1 વાગીને 15 મિનિટે પ્રોફેસર આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું દેહાવસાન થયું. માણસજાતિએ પેદા કરેલા મહાન વૈજ્ઞાનિકો પાયથાગોરસ અને આર્કિમિડીસ અને કોપરનિક્સ અને ન્યુટનની શ્રેણીમાં આઈન્સ્ટાઈનનું નામ ઉમેરાઈ ગયું.



14 માર્ચ 1879ને દિવસે જન્મેલા આબ્લર્ટ આઈન્સ્ટાઈનના જન્મને સો વર્ષ* પૂરાં થયાં છે. વિજ્ઞાનના જગતમાં આઈન્સ્ટાઈનનું યોગદાન સાપેક્ષવાદ કહેવાય છે. ત્રણ પરિમાણોની સાથે સાથે આઈન્સ્ટાઈને ચોથું પરિમાણ ઉમેર્યું - સમય ! આજનું ટેલિવિઝન પણ આઈન્સ્ટાઈનના દિમાગના એક ખૂણામાંથી ઉદભવ્યું છે ! એટમબૉમ્બ અને અણુશક્તિનો એ પિતા હતો. વૈજ્ઞાનિકો આઈન્સ્ટાઈનની પછીના સમયને બીજો યુગ ગણે છે.

આઈન્સ્ટાઈન જર્મન યહૂદી હતો. ત્રણ વર્ષની વય સુધી એ બોલતાં શીખ્યો ન હતો. એના શિક્ષકે એને સ્કૂલમાં કહ્યું હતું કે તારાથી કંઈ થવાનું નથી. સ્વિટ્ઝરલેન્ડની ટેકનિકલ સ્કૂલની પ્રવેશપરીક્ષામાં એ ફેલ થયો હતો ! ત્યાંની હાઈસ્કૂલમાં થતાં લેક્ચરોમાંથી ગુટલી મારતો. એને આળસુ ગણવામાં આવતો. 1900માં ગોખણપટ્ટી કરીને એ પાસ થઈ ગયો હતો.

પ્રોફેસરોથી દુશ્મની હતી એટલે યુનિવર્સિટીમાં એને શિક્ષકની નોકરી મળી નહીં. એક ખગોળશાસ્ત્રીના આસિસ્ટન્ટ તરીકે એણે નોકરી કરી. 1905માં એણે જે પેપરો પ્રસિદ્ધ કર્યા એ પેપરો વિજ્ઞાનવિશ્વમાં ધરતીકંપ જેવા હતા. 1921માં નોબલ પુરસ્કાર મળ્યો. 1993માં જર્મનીમાં હિટલર આવ્યા પછી આઈન્સ્ટાઈને જર્મની છોડીને અમેરિકામાં વસવાટ કર્યો.

આઈન્સ્ટાઈન મહાન વૈજ્ઞાનિક તો હતા જ પણ મહાન માણસ હતા એ એટલું જ આશ્ચર્યકારક છે. એમના જીવનના બેશુમાર કિસ્સાઓ એમને સામાન્ય પ્રતિભાઓથી  જુદા પાડે છે. એમણે પ્રથમ પત્નીને તલાક આપ્યા પછી નોબેલ પુરસ્કારના 30,000 ડૉલર પ્રથમ પત્નીને આપી દીધા અને એમની પિતરાઈ બહેન એલ્ઝા વિધવા સાથે લગ્ન કરી લીધાં.

એક વાર આઈન્સ્ટાઈનને એક ગણિતજ્ઞે પૂછ્યું કે તમે નાહવા માટે અને દાઢી કરવા માટે એક જ સાબુ શા માટે વાપરો છો? દુનિયાના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકે ઉત્તર આપ્યો કે બે સાબુમાં હું ગુંચવાઈ જાઉં છું. આ વધારે સિમ્પલ છે ! 

એમણે બધું જ જર્મનમાં લખ્યું. અંત સુધી એમનું અંગ્રેજી સારું ન હતું. એમનાં યંત્રો બહુ સાદાં હતાં! એક કાગળનું પેડ અને પેન્સિલ. માથાની અંદર જ એમની લેબોરેટરી હતી. એ સરસ વાયોલિન વગાડતા હતાં. શેક્સપિયર, સોફોક્લેસ અને દોસ્તોવ્સ્કી એમના પ્રિય લેખક હતા. એમનો શોખ હતો ચાલવું, ચાલવું, ચાલવું ! નાની નાની રમતિયાળ કવિતાઓ કે જોડકણાં પણ ક્યારેય લખતા. જિંદગીને શક્ય એટલી સરળતાથી જીવતા - મહત્તાના વજન વિના! એ મોજાં પહેરતા નહીં. ઈશ્વરમાં માનતા નહીં. પણ કહેતા કે આ સૃષ્ટિ ચલાવનારો જુગારીની જેમ સૃષ્ટિ ચલાવતો નથી. એની પણ એક શિસ્ત છે. એક ઋતુ છે, એક પદ્ધત્તિ છે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ ડૉક્ટર વાઈઝમાનના અવસાન પછી  આઈન્સ્ટાઈનને ઈઝરાયલના રાષ્ટ્રપતિ બનવાની ઓફર આવી. એમણે શાંતિથી અસ્વીકાર કર્યો! એમનું ક્ષેત્ર વિજ્ઞાન હતું, રાષ્ટ્ર વિજ્ઞાન ન હતું. પોતાની યોગ્યતા નથી એ સમજવાની સમજદારી બહુ જ ઓછા મહાપુરુષોમાં હોય છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનમાં હતી... 

એક વાર એમણે પોતાના બે માળના મકાન માટે લિફ્ટ ખરીદી લીધી કારણ કે જે માણસ વેચવા આવ્યો હતો એને એ ના પાડી શક્યા નહીં! રમૂજના શોખીન હતા, ખડખડાટ હસી શકતા, પણ વૈજ્ઞાનિકો સાથે એમને બહુ મજા આવતી નહીં. જર્મની છોડ્યું ત્યારે બર્લિનમાં એ એકસો પરિવારોને ગુપ્ત સહાય કરી રહ્યા હતા. "મારી જિંદગી બહુ સાદીસીધી છે અને એમાં કોઈને રસ પડે નહીં." આઈન્સ્ટાઈન કહેતા. 

પૈસાનો એમને કંટાળો હતો. એક વાર 1500 ડૉલરનો ચેક એમણે એક બુક-માર્ક તરીકે વાંચેલા પુસ્તકમાં ફસાવીને પછી પુસ્તક ખોઈ નાંખ્યું હતું! એક વાર એક મોટી મહેફિલમાં માત્ર પાયજામો પહેરીને ઘૂમી આવ્યા હતા ! ભારતના પ્રોફેસર સત્યેન બોઝના એક વૈજ્ઞાનિક શોધપત્રનો જર્મનમાં અનુવાદ પણ કરી આપ્યો હતો. પ્રોફેસર બોઝને ડૉક્ટરની પદવી ન હોવાથી ઢાકા યુનિવર્સિટીમાં નોકરી મળતી ન હતી. એમણે આઈન્સ્ટાઈનને પત્ર લખ્યો. 1925માં બોઝે એમની સાથે કામ કર્યું. આઈન્સ્ટાઈનને બહુ આશ્ચર્ય થયું. એમણે એટલું જ કહ્યું, "ગુડ હેવન્સ ! આ લોકોએ તમારું કંઈ જ વાંચ્યું નથી?" 

હીરોશીમામાં અણુબૉમ્બ ફૂટ્યો - 1945ના ઓગસ્ટમાં! 1939માં આઈન્સ્ટાઈને અમેરિકાના રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટને પત્ર લખ્યો હતો કે આવી શક્યતા છે. અણુનુ વિભાજન કરી શકાય. એ પત્રના પરિણામસ્વરૂપ અમેરિકાએ સંશોધન કર્યું. પછી એટમ બૉમ્બ બન્યો અને ફૂટ્યો! આખી દુનિયા આ સંહાર જોઈને ધ્રૂજી ગઈ ! એટમ બૉમ્બના જનક આલ્બર્ટ આઈન્સ્ટાઈને આ સાંભળીને માથું હલાવ્યું, "ઓહ! દુનિયા હજી તૈયાર નથી આને માટે..."

આ મહામાનવ ગાંધી જેવો નિર્મળ અને સાફદિલ હતો. રોજ એ ધીરે ધીરે પ્રિન્સટનના પોતાના ઈન્સ્ટિટ્યુટ તરફ ચાલતો ચાલતો જતો. ત્યાંના બગીચાના માળીની એક નાની છોકરી ઝાડ નીચે બેસીને લેસન કરતી. ગણિતના દાખલા ગણતી! એને એક દિવસ વર્ગમાં એક દોસ્તે કહ્યું કે પેલો બુઢ્ઢો કાકો છે ને એ દાખલા બહુ સરસ ગણે છે. બસ, પછી નાની છોકરીએ એક દિવસ બુઢ્ઢા કાકાને રોક્યા, અને કહ્યું : અંકલ, મારું હોમવર્ક પૂરું  કરી આપો! પ્રોફેસર આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને માળીની બેબી ઝાડ નીચે બેસીને હોમ-વર્ક કરવા માંડ્યાં. બેબીને મજા પડી ગઈ અને દિવસો સુધી આ ચાલ્યું. દુનિયાનો શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી એક અદના માળીની છોકરીને ગણિતના દાખલા સમજાવીને કરાવી આપતો! કેટલાય દિવસો પછી માળીને ખબર પડી કે એની છોકરી અને પ્રોફેસર સાહેબ દોસ્તો છે... 

(માઈક્રોસ્કોપ થ્રૂ ધ લૅન્સ ઑફ ચંદ્રકાંત બક્ષી)

(*લેખ લખાયાનું સંભવિત વર્ષ: 1979)

July 6, 2013

સમય : ઘડિયાળ અને કૅલેન્ડરની બહાર...

વસ્તુઓ તરફ જોઈએ છીએ ત્યારે એ સીધી લાગે છે. પાણીમાં એ હોય છે ત્યારે વળેલી લાગે છે. આપણી અંદર જે વિસંવાદિતા છે એ પ્રકટ થાય છે, એવું ગ્રીક દાર્શનિક પ્લેટોએ અઢી હજાર વર્ષોપહેલાં કહ્યું હતું. આપણે પણ આ વિશે વિચાર્યું હતું અને વિશ્વને ‘માયા’ જેવો એક અદભૂત, અમૂર્ત શબ્દ આપ્યો હતો. આંખથી આપણે જોતા રહીએ છીએ અને ઠગાતા રહીએ છીએ. દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટ નથી, દુનિયા એના રંગોમાં જ આંખ જુએ છે. દુનિયા રંગીન છે, કદાચ આપણા પ્રતિભાવો બ્લેક એન્ડ વ્હાઇટ છે. બ્લેક એન્ડ વ્હાઇટ વસ્તુ એ કલ્પના છે, વાસ્તવ નથી. કાચની આરપાર જોઈ શકાય છે, પણ બીજી બાજુ ઢાંકી દો, અથવા પાણી ચડાવી દો, અથવા રંગ કરી દો તો આપણે આપણી જાતને જ જોઈ શકીએ છીએ. માર્ક ટ્વેઈને લખ્યું છે કે દરેક માણસ ચંદ્ર જેવો છે, એની ઊજળી બાજુ બતાવતો રહે છે, અને અંધારી બાજુ સંતાડી રાખતો હોય છે. દાંતનો એક્સ-રૅ લેવો હોય ત્યારે આપણને હસવાનું કહેવામાં આવે છે, અને જ્યારે એ એક્સ-રૅમાં આપણે આપણી ખોપરી અને મોઢું અને છૂટા છૂટા દાંત જોઈએ છીએ ત્યારે લાગે છે કે સૃષ્ટિનો આ સૌથી ભયાવહ, કંકાલ ચહેરો છે. આપણા ખૂબસૂરત ચહેરાના હાસ્યની પાછળ સંતાયેલું એ બદસૂરત કંકાલ આપણું પોતાનું છે. ચીનમાં ફિલસૂફ લાઓ-ત્ઝૂ કહી ગયો હતો : જે બોલે છે એ જાણતો નથી. જે બોલતો નથી એ જાણે છે. અને આપણા કેનોપનિષદમાં આ જ વાત કહી છે અને પ્લેટો અને લાઓ-ત્ઝૂથી કદાચ સેંકડો વર્ષો પહેલાં કહેવાઈ છે : અવિજ્ઞાનં વિજાનતાં, વિજ્ઞાતમ વિજાનતામ... જે જાણું છું એમ કહે છે એ એને નથી જાણતો, જે નથી જાણતો એમ કહે છે એ જ જાણે છે.

માણસની કદાચ સૌથી મોટી માયા કે ભ્રમ છે : સમય ! સનાતન અને શાશ્વતને હજી સુધી કોઈ ધર્મ વ્યાખ્યામાં બાંધી શક્યો નથી. અનાદિ અને અનંત કદાચ એવી અમૂર્ત કલ્પનાઓ છે જે મનુષ્યની વિચારશક્તિની બહાર છૂટી ગઈ છે. જૈનદર્શનમાં મૃત્યુને માટે 'કાલધર્મ પામ્યા' જેવી વિભાવના છે. કાલ શબ્દ બહુઅર્થી છે, અને કાલ શબ્દ સમયના અર્થમાં વપરાય છે. માણસ પાસે સમયને માપવા માટે માત્ર ગણિત છે અને માણસ સમયને સમજવા માટે માત્ર ઘડિયાળ અને કૅલેન્ડર જેવાં બે જ સાધનો શોધી શક્યો છે. સવારની આભા, બપોરનો ઉત્તાપ, સાંજનો અસ્ત ફિલ કરવા માટે ઘડિયાળ એક અત્યંત નિર્બળ સાધન છે, પણ માણસ પાસે જગતભરમાં સમયને સમજવા માટે એ એક જ ઉપાય છે અને દુનિયામાં સવારના 11 સર્વત્ર વાગતા નથી. પૃથ્વી ફરતી રહે છે, ટાઈમ-લેગ અને ટાઈમ-ઝોન જેવા કોષ્ટકો ગોઠવવા પડ્યાં છે.

હિન્દુસ્તાનમાં એક જ જડ ટાઈમ આસામથી ગુજરાત સુધી છે, રશિયામાં અગિયાર ટાઈમઝોન છે. પૂર્વમાં વ્લાદિવોસ્તોકમાં સૂર્યોદયનાં પ્રથમ કિરણોનો ઉજાસ ક્ષિતિજ પર દેખાય છે ત્યારે પશ્ચિમમાં સેન્ટ પિટર્સબર્ગમાં ક્ષિતિજ પર રાતનું અંધારું ઘેરાતું હોય છે.

સમય સાપેક્ષ કે રિલેટિવ હોય છે. પશુનો સમય અને મનુષ્યનો સમય બે જુદા સમયો છે. સ્કૂલી છોકરાનો છુટ્ટીનો દિવસ અને સ્કૂલે જેવાનો દિવસ, વૅકેશનના પહેલાંનો દિવસ અને વૅકેશન પતી ગયા પછીનો દિવસ, બધા જ જુદા જુદા હોય છે. જંગલમાં રવિવાર આવે કે ન આવે, શું ફર્ક પડે છે? સમયનું રહસ્ય જન્મથી મૃત્યુ સુધી સમજાતું નથી. અંગ્રેજી કહેવત છે : ટુ-ડેઝ હાર્ડ ટાઈમ્સ આર ટુમોરોઝ ગુડ ઑલ્ડ ડેઝ ! આજના સંઘર્ષના દિવસો આવતીકાલે સરસ મજાના ભૂતકાળના દિવસો બની જશે! નિવૃત્તિની નિષ્ક્રિય શાંતિ દિવસને 48 કલાકનો બનાવી દે છે, અને જવાનીની પ્રવૃત્ત મસ્ત હલચલ દિવસને 12 કલાકમાં સમાપ્ત કરી દે છે. ફક્ત સંગીત સમય પર છવાઈ શકે છે. મનનું ગમવું સમયની અવધિ નક્કી કરે છે. ત્રિકાલ અને મહાકાલ જેવા શબ્દો બેમાની બની જાય છે. ટોમસ માનની પ્રખ્યાત નવલકથા 'ધ મૅજિક માઉન્ટન' 1924ની કૃતિ છે, પણ એનો હીરો સમય છે. સમયનું રહસ્ય કોઈ સમજ્યું છે? 

માણસ પાસે સમય માપવાનું એક જ સાધન છે: ગણિત ! પૃથ્વી સૂર્યનું ભ્રમણ કરવામાં 365.242199 દિવસો લે છે, અને એ એક વર્ષ છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે તો એને એક પરિક્રમા કરતાં 24 કલાક લાગે છે, જેમાંથી માણસે અંધારા અને અજવાળાના 12-12 કલાકના બે ટુકડા પાડ્યા છે. માણસનું આયુષ્ય આ 365 દિવસના વર્ષ પરથી આપણે નક્કી કરીએ છીએ. હું 73 વર્ષનો છું, પણ પૃથ્વીને બદલે જો હું જ્યુપિટર કે નેપ્ચૂન પર હોત અને ત્યાંનું વર્ષ 800 કે 1200 દિવસોનું હોત તો મારી ઉંમર કદાચ 53 વર્ષ કે 33 વર્ષ હોત ! આયુષ્ય સમયનો જ એક અંશ છે અને આપણી પાસે બીજાં સાધનો કે ઉપકરણો નથી માટે આપણને વર્ષોના માપદંડનો જ સહારો લેવો પડે છે અને એક જ શરીરમાં અલગઅલગ ઉંમરો જીવતી હોય છે. મારો એક કાન 44 વર્ષ જેટલું સાંભળતો હોય અને બીજો કાન ફક્ત 64 વર્ષ જેટલું સાંભળતો હોય, એક આંખમાં માઈનસ-ફાઈવની દ્રષ્ટિ હોય, અને બીજી આંખમાં માઈનસ-એકની દ્રષ્ટિ હોઈ શકે છે. એક કિડની મરી ગઈ હોય, અને બીજી કિડની જીવતી હોય...! ઉંમર ફક્ત વર્ષોની લંબાઈનું શુષ્ક ગણિત બની જાય છે. ઉંમર એક જબરદસ્ત ભ્રમ છે, જે ભ્રમમાંથી આપણે જીવનભર છૂટી શકતા નથી. સ્ત્રી 38ની હોય છે અને 39ની થાય છે, અને 40 પર પહોંચે છે ત્યારે એ ફેરફાર એક વર્ષનો નથી, પણ જિંદગી પાંચ-પાંચ વર્ષ કૂદતી રહે છે. ઉંમર આરંભમાં શારીરિક હોય છે, અને ક્રમશ: માનસિક બનતી જાય છે.

ટાઈમ-પાસ હવે એક ગુજરાતી શબ્દ બની ગયો છે, અને સુખી, મધ્યમવર્ગીય, મધ્યવયસ્ક ગુજરાતી ગૃહિણીઓનો જીવનમંત્ર બની ગયો છે. આખો દિવસ શું કરવું? અંગ્રેજીમાં કહેવત છે કે સ્ત્રીનું કામ ક્યારેય પૂરું થતું નથી ! અને એ વાત સાચી પણ છે. દિવસના 12 કલાક ગૃહસ્થ સ્ત્રી માટે ઓછા પડે છે. સવારના ઊઠીને દૂધ લેવાથી માંડીને રાત્રે દહીં જમાવીને સૂઈ જવા સુધીનો અંતરાલ ગૃહિણીને માટે એક દિવસ કહેવાય છે અને આ એક દિવસ વર્ષો સુધી આવતો રહે છે, જતો રહે છે. ફક્ત ચહેરા પરની રેખાઓ, ઝુર્રીઓ, શિકનો બદલાતી જાય છે અને ડ્રેસિંગ ટેબલ પરની પ્રસાધનોની શીશીઓની કતાર લાંબી થતી જાય છે. સમય સ્થિર થતો જાય છે, થીજતો જાય છે, ઠંડો પડતો જાય છે.

ટાઈમપાસ થતો નથી. શું કરવું? બહારની દુનિયાનો અનુભવ નથી, અસલામતીનો ડર પણ છે, અને સમય ફેલાઈને વિકરાળ સ્વરૂપ લઈ લે છે. દિવસે સૂવું, રાત્રે ઊંઘ ન આવવી. ઘર વસ્તુઓથી ભરાતું જાય, મન ખાલી થતું જાય. આ ખૂણાની ધૂળ પેલા ખૂણા તરફ ઉડાડવી, પેલા ખૂણાની ધૂળ આ ખૂણા પર ઉડાડવી, એને સાફસફાઈ, ઘરકામ, પ્રવૃત્તિ કહેવાય છે. ફ્રિજમાં ધીરેધીરે વપરાયા વિનાની નકામી વસ્તુઓ જમા થતી જાય છે. ખરીદી કે શૉપિંગ શોખમાંથી આદત, આદતમાંથી વ્યસન, વ્યસનમાંથી એક ઍન્ટિ-ડીપ્રેસ્સન્ટ પલાયનવાદી ઈલાજ બની જાય છે. ટીવીની સિરિયલો છે, ધર્મ છે, મુરારિદાસ હરિયાણી છે, માસીની છોકરીનું લગ્ન છે, સ્ત્રીઓની પત્રિકાઓ કે પૂર્તિઓ છે જેમાં રસોઈ, પ્રસાધનો, સોફ્ટ-સેક્સ વિષયક સવાલો, 'મારો 6 વર્ષનો "બાબો" ખાતો નથી' જેવા વિષયો છે. રાત્રે સૂતા પહેલાં માળા ગણવાની છે, અને દિવસે નાહીને પૂજા કરવાની છે. સમય જ સમય છે, અને પસાર થઈ રહેલો મંદગતિ વર્તમાન શરીર પાસેથી કિંમત ચૂકવતો જાય છે. કામવાળીથી સાસુ સુધીનું વર્તુળ ચકરાતું રહે છે...

સમયનું પ્લાનિંગ બધાને તો નહીં પણ ઘણાને ફાવતું નથી. જીવનના દરેક તબક્કે પ્રાથમિકતાઓ પણ બદલાતી રહે છે. હવે 8 વર્ષની તન્વીને અને 11 વર્ષના તનયને મમ્મીની જરૂર દિવસમાં બે જ વખતે પડે છે, સ્કૂલે જતી વખતે, અને સ્કૂલથી આવીને. જે પતિને આકાશ જીતવું છે એની પૃથ્વી સંભાળી રાખવાની છે. સમયના ઢાંચામાં વ્યક્તિ ફિટ થતી જાય છે. કદાચ એને સુખ કહેતા હશે... 

(દિવ્ય ભાસ્કર : ડિસેમ્બર 19, 2004)

(35 લેખો)

ધર્મ : ભગવાનને ઑવરટાઈમ કરાવવામાં હું માનતો નથી

પશ્ચિમની પ્રગતિનું એક કારણ એ હતું કે ત્યાં રેનેસોંસ અથવા પુનર્જાગૃતિકાળ આવી ગયો જ્યારે સીધાસાદા બાલ્યસુલભ પ્રશ્નો પૂછવામાં આવ્યા : લોહી લાલ કેમ હોય છે? દરેક પાંદડું લીલું શા માટે હોય છે? આકાશ નીલુ કે બ્લ્યૂ શા માટે હોય છે? પાણીનો રંગ કયો છે? હાડકાં સફેદ જ શા માટે હોય છે? આ પ્રશ્નોના ઉત્તરો શોધવામાં વિજ્ઞાન કામે લાગી ગયું, સિદ્ધાંતો પ્રતિપાદિત થતા ગયા, નવી વસ્તુઓનો આવિર્ભાવ થતો ગયો, અને યુરોપ બાકી વિશ્વથી આગળ નીકળી ગયું. આપણા લગભગ બધા જ પ્રમુખ ધર્મગ્રંથો પ્રશ્નો અને એમના ઉત્તરો રૂપે, સંવાદ રૂપે, આપણી સમક્ષ આવ્યા છે. પણ પછી આપણાં પ્રશ્નોપનિષદો ભૂંસાઈ ગયાં. અનુસંધાનનું સ્થાન શ્રદ્ધા અને શ્રદ્ધાનું સ્થાન અંધવિશ્વાસે લઈ લીધું. આપણા મહાત્માઓની વાણી, આપણા પરમપૂજ્ય ધર્મધુરંધરોના ચાતુર્ય, આપણી મનના દ્વાર બંધ કરી દેવાની બીકણ સલામતીભાવના... અને પ્રશ્નો પૂછીને સત્ય પ્રાપ્ત કરવાની વૃત્તિનો લોપ થતો ગયો. ધર્મ હવે માત્ર શ્રવણ કરવાનો વ્યાયામ બનતો ગયો. કથા, ઉદાહરણ, દોહા, શેર-ઓ-શાયરી પણ સાધુમહાત્માઓ મધ્યબુદ્ધિ સાંભળનારાઓ પર ફેંકતા ગયા, સાંભળનારાઓને ગદગદ થવા માટે બહુ ઓછા સામાનની જરૂર હતી. દંભ પર નમ્રતાનું લેમિનેશન બહુ સરસ લાગે છે. પણ પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસાને ઘૂંટી નાંખવામાં આવી. જ્યારે આપણે પ્રશ્નો પૂછતા હતા ત્યારે ઉપનિષદોનો જન્મ થયો, જ્યારે પશ્ચિમે પ્રશ્નો પૂછવા શરૂ કર્યા ત્યારે રેનેસોંસ આવ્યો.

ધર્મ શું છે? પ્રશ્ન અત્યંત સરળ છે, અને અત્યંત કઠિન છે, અને માટે જ કોઈ સાધુબાવો આનો સંતર્પક ઉત્તર આપી શકતો નથી. ધર્મ શબ્દ બહુરૂપી, બહુઆયામી, બહુઅર્થી છે, મહાસમુદ્ર જેટલો વિશાળ છે, અને દરેક વ્યક્તિ પોતાનું વ્યક્તિગત અર્થઘટન કરી શકે એવો સમૃદ્ધ છે. વૃક્ષનો ધર્મ છે છાયા આપવી, સર્પનો ધર્મ છે દંશ મારવો, ગાયનો ધર્મ છે દૂધ આપવું, દુર્જનનો ધર્મ છે દગાબાજી કરવી. ધર્મનો વ્યાપ સ્વભાવ અને પ્રકૃતિથી શરૂ થાય છે અને આરોપિત સંદર્ભોના ધુમ્મસમાં ખોવાઈ જાય છે. સ્વધર્મે નિધનં શ્રેય... શ્રી ભગવાને ગીતામાં કહ્યું છે, બીજી તરફ અટલબિહારી વાજપેયી અને સુપ્રીમકોર્ટ ગુજરાતને રાજધર્મ આચરવાની સલાહ આપી દે છે, જે રાજધર્મની કોઈ વ્યાખ્યા સંવિધાનમાં નથી. મહાભારતમાં રાજધર્મ વિશે વિસ્તારથી ચર્ચા જરૂર છે, અને એ ચર્ચામાંથી ઘણાં અર્થઘટનો નીકળી શકે છે. પણ ધર્મ શું છે?

સ્ત્રીનો ધર્મ અને પુરુષનો ધર્મ જુદા છે, બાળકનો ધર્મ અને વૃદ્ધનો ધર્મ જુદા છે. સંસ્કૃત શબ્દ ધર્મની અનેક વ્યાખ્યાઓ અને અનેક ભાવાર્થો છે. ફરજ, જવાબદારી, સ્વભાવ, યોગ્યતા, દાયિત્વ જેવા ઘણા ભાવો ધર્મમાં આવી જાય છે. બૌદ્ધિક દ્રષ્ટિએ મને બૌદ્ધધર્મ કે બૌદ્ધવાદનું આકર્ષણ છે, વ્યવહારમાં મને ઈસ્લામનો યથાર્થ ગમે છે, હિંદુ ધર્મ એની સહસ્ત્રધારાઓમાં જીવનના દરેક ક્ષેત્રમાં વહેતો રહે છે, એ પ્રેરક છે અને ચાલક છે. જૈન ધર્મ પાસે શબ્દોનું જે બાહુલ્ય છે એ બહુ ઓછા ધર્મમાં છે. શીખ ધર્મ વીરત્વનો શ્વાસ લઈને આવે છે અને એ ધર્મમાં ઉપવાસ નથી! ખ્રિસ્તી ધર્મ લિબરલ છે. અનુકંપા અને અનુદાન પર ઊભો છે. હું ધર્મને અધ્યાત્મની હવાઈ ઊંચાઈ પર જોતો નથી, મારો ધર્મ મારા દૈનિક જીવનમાં પ્રતિધ્વનિત થવો જોઈએ. એ દ્રષ્ટિએ ઈસ્લામમાં શરીઅત માર્ગદર્શક બને છે, કેમ જીવવું, અન્યોની સાથે કેવો વ્યવહાર રાખવો, કેટલી ઈમાનદારી રાખવી, ભ્રાતૃત્વની કઈ કક્ષા રાખવી! 

હું ઘરમાંની કોઈ જૂની વસ્તુ વેચતો નથી, ચેરિટી કરી દઉં છું. જે જરૂરતમંદ છે, એને આપી દઉં છું. તદ્દન નવું ટીવી, જૂનું ફ્રિજ, ઘડિયાળો, બધું આ રીતે જ આપ્યું છે. બે વખત મેં મારા ઘરનું પૂરું ફર્નિચર આ રીતે આપી દીધું છે, અને એ વાતની પારાવાર ખુશી છે. જ્યાં તખતીઓ લગાવવી પડે છે એને હું ચેરિટી ગણતો નથી, ગુપ્ત દાન એ જ દાન હોય છે, જ્યાં ડાબા હાથને ખબર નથી કે જમણો હાથ શું કરી રહ્યો છે. દાન-અનુદાન શબ્દો પણ મને બહુ ગમતા નથી, અને સૌથી કનિષ્ઠ શબ્દ 'કન્યાદાન' છે, જેના પર પ્રતિબંધ મુકાવો જોઈએ. જો મારે કંઈ આપવું છે તો હું એવા માણસોને જ આપું છું જે મારું કામ કરે છે, જેમનો મને પરિચય છે, જે જરૂરતમંદ છે એની મને ખબર છે. એવી વસ્તુ આપવી જોઈએ જેનો ઉપયોગ થઈ શકે. મારા કબાટમાં એક નવું શર્ટ પ્રવેશ કરે ત્યારે એક જૂના શર્ટે બહાર જવું જ જોઈએ, જે કોઈકના બદન પર પહેરાવું જ જોઈએ. કુરાનની બેત્રણ હિદાયતો મેં સ્વીકારી લીધી છે. માણસના ખમીસ પરનો પસીનો સુકાઈ જાય એ પહેલાં એનું મહેનતાણું આપી દો. અને બીજી વાત : જો કોઈથી અબોલા થયા હોય તો આઠ કલાક સુધી અબોલા રહ્યા પછી તમે એ માણસ પાસે જાઓ, અને વાત કરો. કેટલાક નિયમોને મેં જીવનમાં ધર્મનું સ્વરૂપ આપી દીધું છે. કિશોરાવસ્થાનાં છોકરાછોકરીઓ, જે મારાં સગાં છે, એમને હું કુરિયર દ્વારા પુસ્તકો મોકલું છું. એ કિશોરકિશોરીને એના નામનું પાર્સલ મળે છે ત્યારે જે આનંદ થાય છે એ હું કલ્પી શકું છું. કોઈને ઘેર પહેલીવાર હું જમવા જાઉં તો એ ઘરનાં બાળકો માટે બિસ્કિટ, ચોકલેટ, ટોફી જેવું હું અચૂક લઈ જાઉં છું, હૉસ્પિટલમાં કોઈની ખબર પૂછવા જવાનું હોય ત્યારે હું ખાલી હાથે જતો નથી, હંમેશાં એક કિલો કે અડધો કિલો ફળો લઈ જાઉં છું. અથવા ગુલદસ્તો હોય છે, જે હવે ઘણી હૉસ્પિટલોમાં બહાર જ લઈ લે છે. બે વખત હૉસ્પિટલમાં મારે ગંભીર કારણોસર રહેવું પડ્યું હતું, પણ મારે તકલીફ પડી નથી, સામાન્ય માણસો સામાન્ય રીતે સારા જ હોય છે એવો મને વિશ્વાસ છે.

મારે ઘેર કામ કરવા આવનાર બાઈ કે અન્ય કર્મચારીને ફ્રેશ, કડકડતી નોટો આપવાનો હું આગ્રહી છું, અમદાવાદમાં રિક્ષાવાળાને હું પરચૂરણની તંગીના દિવસોમાં 30 રૂપિયા થયા હોય તો પરચૂરણ જ આપતો હતો, જે હું મુંબઈથી લઈ જતો હતો. જો 18 રૂપિયા થયા હોય તો 20 રૂપિયા આપી દેવા એ સામાન્ય સૌજન્ય છે, દુનિયાભરમાં આપણે ટીપ આપતા જ હોઈએ છીએ. ક્રીમ કે વેસેલીન કે તેલની મીનીએચર નાની બૉટલો હું ભેગી કરી રાખું છું અને બચ્ચાંઓને ભેટ આપતો રહું છું, એમને ખુશ જોઈને મને ખુશી થાય છે. નાની નાની વસ્તુઓથી જો ખુશી 'આપી' શકાતી હોય તો મને એ ગમે છે. આ ચેરિટી કે અનુદાન નથી, આ મને ગમે છે, માટે હું કરું છું. સુખી થવાની બાબતમાં, પ્રસન્નતાની બાબતમાં હું સ્વાર્થી છું. હું જે કરું એમાં મને આનંદ આવવો જોઈએ એ પ્રથમ શર્ત છે, બીજાને આવતો આનંદ આનુષંગિક છે.

ધર્મ શું છે? દૈનિક વ્યવહારમાં ઈમાનદારી, નિર્દંભતા, ખુશદિલી, મસ્તી... આ મારો 'ધર્મ' છે ! જિંદગી ખાલીખાલી લંબાવ્યે રાખવી, એ બેમતલબ છે. જો જીવનમાં લીધું છે ઓછું, અને આપ્યું છે વધારે, તો મૌતનું વજન પીંછા જેટલું લાગશે. ભગવાનને ઑવરટાઈમ કરાવવામાં હું માનતો નથી. ધર્મો રક્ષતિ રક્ષિત : ! 

(અભિયાન : જુલાઈ, 31, 2004) 

(વિવિધ ગુજરાત)