લતા મંગેશકરનો સ્વભાવ બહુ મિલનસાર છે. અમારે ત્યાં આવે ત્યારે, લંડનની પાસેના લેસ્ટરના મિત્ર ચંદુભાઈ મટાણી કહી રહ્યા હતા, લતાબહેન રસોડામાં જઈને રોટલી વણાવવા લાગે. બહુ જ સાદાઈ છે. વર્ષો પહેલાં એક ઈન્ટરવ્યુમાં લતા મંગેશકરે કહ્યું હતું: હા, અમારા ઘરમાં બધા જ માંસાહારી છે, મારી માતા અને મારા ભાઈ સિવાય. પ્રશ્નકર્તાએ પ્રશ્ન પૂછ્યો હતો: તમે રસોઈ ક્યાં શીખ્યાં હતાં? લતા મંગેશકરનો ઉત્તર: ઘરમાં. હું ક્યારેય ક્યાંય જમવા જાઉં અને એકાદ વાનગી ગમી ગઈ હોય તો, નિસ્સંકોચ પૂછી લઉં કે આ કેવી રીતે બનાવી? દ્રષ્ટાંત રૂપે, મજરૂહ સુલતાનપુરીના ઘરમાં શ્રેષ્ઠ યુ.પી. ખોરાક પકાવવામાં આવે છે. એમની પત્નીએ મને કેટલીક વાનગીઓ શીખવી છે. લગભગ બધા જ શાસ્ત્રીય ગાયકો શ્રેષ્ઠ રસોઈયાઓ હતા. સાઈગલસાહેબ બહુ જ સરસ રસોઈ બનાવતા. બડે ગુલામ અલી પણ બહુ સરસ રસોઈ બનાવતા. મને મરાઠી ખોરાક બનાવવાનો શોખ છે... હું મારા ગળા માટે ખાસ કોઈ જ તકેદારી રાખતી નથી. હું ખૂબ જ આઈસ્ક્રીમ ખાઉં છું અને ગરમ મરચાં ખાઉં છું. મને લાગે છે કે મરચાંને લીધે મારો અવાજ વધારે સારો લાગે છે (હસે છે). જો કે, મુંબઈનું હવામાન એવું છે કે હું મુંબઈમાં ઠંડું પાણી પીતી નથી.
દરેક કલાકાર એક વિરોધિતાને જીવનમાં રાખીને જીવે છે. લતા મંગેશકર એક જીવંત દંતકથા છે. રાજકપૂર કે સત્યજિત રાય કે લતા મંગેશકર કે સુનીલ ગાવસ્કર કે રવિશંકર કે રાધાકૃષ્ણન જેવાં નામો એક પેઢી કે એક જાતિ કે એક કાલખંડમાં બંધ રહી શકતાં નથી, એ સમસ્ત પ્રજાની વિરાસત છે અને એ નામો દૂર રહેતાં હોય છે, દૂરતા માણસના માથાની પાછળ એક આભા પ્રકટાવે છે. અને આ "હેલો" અથવા આભામાંથી દંતકથા જન્મે છે. નાના ટુકડાઓમાંથી એ વ્યક્તિનું વ્યક્તિત્વ ઊભરે છે. હરીશ ભીમાણી જે લતાજીના સંગીતના સાથી અને સાક્ષી રહ્યા છે, લખે છે કે મંચ પર ગાતી વખતે લતા મંગેશકર ચપ્પલ પહેરતાં નથી. ગુલઝાર જણાવે છે કે લતાજી જ્યારે ગાતાં હોય ત્યારે કે રેકૉર્ડિંગ વખતે કોઈનું સાહસ હોતું નથી કે સિગારેટ પીએ. દીદી આવે છે એ સમાચાર સાથે જ સિગારેટો બુઝાવા માંડે છે.
દંતકથાઓને સમજવી અઘરી છે. ઈન્ડિયા ટુડેના દસ વર્ષ પૂર્વના એક લતા મંગેશકર વિષેના લેખમાં લખ્યું હતું: "લતા મંગેશકર સ્તબ્ધ કરી મૂકે એવી સરળતાથી બધું કરે છે. ઘણાં ખરાં ગીતો એ રિહર્સલ વિના ગાય છે અને ફિલ્મની સાઉન્ડ-ટ્રેકમાં સીધું જ ગાઈ નાખે છે અને રિ-ટેક થતો નથી. 1977માં દીર્ઘ વિદેશપ્રવાસમાંથી સીધા આવીને રાજ કપૂરના સત્યમ શિવમ સુન્દરમ માટે થીમ-સોંગ ગાઈ નાખ્યું હતું. ફક્ત દસ મિનિટ લક્ષ્મીકાંત-પ્યારેલાલની વાત સાંભળી અને સીધા જ રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં. અને ધૂન બે વર્ષ સુધી શીર્ષસ્થ રહી હતી."
ગુલઝાર જુદી વાત લખે છે: "રેકોર્ડિંગ માઈકની સામે પ્રસ્તુત થતાં પહેલાં (લતાજી)એ ગીત પૂરેપૂરું પોતાના હસ્તાક્ષરોમાં હિન્દીમાં લખે છે.... હાંસિયામાં પોતાની નોંધો ટપકાવે છે. ક્યાં ઉતારચઢાવ કરવો કે આરોહઅવરોહ લાવવો એ વિષે નિશાનો કરે છે. એ રિહર્સલોમાં માને છે. રેકૉર્ડિંગ વખતે એ બિલકુલ પ્રોફેશનલ હોય છે. કોઈ જ લાસરિયાપણું ચલાવી લેતાં નથી. છેલ્લા ટેઈકને સાંભળી લીધા પછી તરત જ એ એમની ફિયેટકારમાં બેસીને નીકળી જાય છે."
હા, આ બંને વાતો, વિરોધી વાતો, એ પાત્રની છે, જેને "જીયા બેકરાર હૈ..." ગીત માટે 200 રૂપિયા મળ્યા હતા. એ "બરસાત" ફિલ્મનું ગીત દેશભરમાં મશહૂર થયું હતું. વર્ષો સુધી લતા મંગેશકરના ગીતનો ભાવ 400 રૂપિયા હતો. આજે લતા મંગેશકરનો ભાવ, કમાણી, કિંમત પ્રતિ કલાક ગણાય છે, પ્રતિ મિનિટ ગણાય છે. વિશ્વમાં, ભારતવર્ષમાં, રેકર્ડોમાં, રોયલ્ટીમાં, કોઈને ખબર નથી લતા મંગેશકરની કમાણી શું છે? અને કોઈને ખબર નથી એ રૂપિયા ક્યાં, કેવી રીતે ખર્ચાય છે. એક અફવા એવી છે કે આ દંતકથા અત્યંત કંજૂસ છે. બીજી દંતકથા એવી છે કે ગુપ્તદાનોમાં આ ધનરાશિ વપરાય છે.
પણ આ અવાજ વીસમી સદીના સૌથી કર્ણપ્રિય અવાજોમાંનો એક છે. કરાંચીની હોટેલમાં ગુંજ્યો છે. ડરબનના ડ્રોઈંગરૂમમાં સાંભળ્યો છે. મૉસ્કોના કિચનમાંથી આવ્યો છે. લંડનમાં રેડિયોમાંથી નીકળ્યો છે. મેનહટનથી લૉંગ આયલેંડ જતાં ન્યુયૉર્કની કારમાંથી આ અવાજ ખૂલતો ગયો છે. અગિયાર હજાર ફીટ ઉપર, બદરીનાથના મંદિર પાસે, નર અને નારાયણ પર્વતોની તળેટીમાં આ અવાજ પડઘાયો છે. ગોવાની મંડોવી નદીમાંથી પસાર થતી બોટમાં આ અવાજ મળ્યો છે અને ગોવામાં મંગેશી મંદિર પાસે મંગેશકરોના જૂના આદિઘર પાસે ઊભા રહીને મેં વિચાર કર્યો છે: "આ નાદ, આ સ્વર, આ અવાજ, આ હલક, ગળાનો આ જાદુ અહીંથી સ્ફૂટ થઈને વિશ્વમાં ફેલાયો છે. પેરિસનું મે-થોઈલ, ઈંગ્લૅન્ડનો સાઉથ હોલ, પ્રિટોરીઆનું લોડીઅમ, લોસ એન્જેલસનું ગાર્ડન ગ્રોવ... જગતભરમાં લતા શબ્દનો એક જ અર્થ થાય છે: હિન્દુસ્તાન, હિન્દુસ્તાન, અપનિયત, અપનિયત, હમઝુબાની, હમઝુબાની. મને લાગતું નથી કે હું મહાન ગાયિકા છું, લતા મંગેશકર કહે છે. હું કદાચ સર્વોચ્ચ શિખર પર છું તો એ ઈશ્વરની કૃપા છે જેણે મને આ માનને યોગ્ય ગણી છે....
28 ભાષાઓમાં ગીતો ગાઈ ચૂકેલાં લતા મંગેશકરના પ્રિય ગાયક કોણ છે? ઉત્તર: સાઈગલ. કે. એલ. સાઈગલ. હું મારી આંગળી પર એક નવરત્ન વીંટી હંમેશાં પહેરી રાખું છું જે સાઈગલની હતી. એમના બેટાએ મને ભેટ આપી છે. હું ક્યારેય એમને મળી નથી. પણ મને લાગે છે કે એ પ્રથમ વ્યક્તિ હતા જેઓ ગાવામાં ભાવ લાવ્યા.
આ એ જ છોકરી છે જે ગ્રાન્ટ રોડ સ્ટેશનથી ટ્રેનના થર્ડ ક્લાસના ડબ્બામાં ચડીને દાદર, અંધેરી, ગોરેગાંવ, મલાડ જતી હતી. એક વાર નૌશાદ નામના એક સંગીતકારે દિલીપકુમાર નામના એક ઍક્ટર સાથે થર્ડ ક્લાસના ડબ્બામાં લતા મંગેશકર નામની એક ગાયિકાની ઓળખાણ કરાવી. એ લતા મંગેશકર પ્રતિ સપ્તાહ મહાલક્ષ્મીના મંદિરમાં જાય છે. આજે ન્યુયૉર્કના મેડિસન સ્ક્વૅર ગાર્ડનના ફેલ્ટ ફોરમ ઓડિટેરીઅમની 8500 સીટો લતા મંગેશકરના નામથી ભરાઈ જાય છે. લંડનના પેલેડીએમ થિયેટરમાં સંગીત સમારોહ થયો હતો ત્યારે જે રેકર્ડ બની હતી એ પાંચ જ અઠવાડિયામાં 25000 રેકર્ડો વેચાઈ ગઈ હતી. પ્રત્યેક રેકર્ડની કિંમત હતી: 100 રૂપિયા. એ સમય હતો ડિસેમ્બર 1980.
લતા મંગેશકર કહે છે: "પ્રથમ ગીત હતું: 'આપ કી સેવા મેં'... હું મારી રેકર્ડો સાંભળતી નથી. હું રાજકારણ વિષે બોલતી નથી, ફક્ત જે વસ્તુ જાણું છું એ વિષે જ બોલું છું. એ છે સંગીત. મને રાગ ભોપાલી, માલકૌંસ, જયજયવન્તી ગમે છે. બેગમ અખ્તર, ગુલામ અલી, મેંહદી હસન ગમે છે." પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો: નવા ગાયકોને શીખવવાની કોઈ યોજના...? ઉત્તર: હું સ્વયં જ્યારે સંગીતની વિદ્યાર્થીની છું તો હું કોઈને કેવી રીતે શીખવી શકું?
અને આ દંતકથા વિચિત્ર છે. સાત માસ પહેલાં હરીશ ભીમાણીની માતાને ફોન પર નમસ્તે ન કહેવા માટે લતાજી સાત માસ પછી ક્ષમા માગી શકે છે. દિલ્હીના પત્રકાર વિજય દત્ત એમના ઈન્ટરવ્યુ માટે હોટેલથી ફોન કરે છે ત્યારે લતાજી કહી શકે છે કે તમે દિલ્હીથી અહીં આવવાનું કષ્ટ કર્યું છે માટે હું જ હોટેલ પર આવી જઈશ. લંડનના આલ્બર્ટ હૉલ કે દિલ્હીના નેહરુ સ્ટેડિયમ કે ન્યુયૉર્કના મેડિસન પાર્ક કે પેરિસના લા ઝેનિથ ઓડિટોરીઅમમાં કાર્યક્રમો આપનારી ગાયિકાની આ નમ્રતા છે કે બીજું કાંઈક? દંતકથા એક રહસ્ય રહેવી જોઈએ, દંતકથા દંતકથા રહે એ માટે પણ...
લોકો જાણવા માગે છે કે તમે શા માટે લગ્ન કર્યા નથી, એક પ્રશ્ન થયો. એમણે ઉત્તર આપ્યો: મને લાગે છે કે ત્રણ ઘટનાઓ એવી હોય છે જેના પર મનુષ્યનો અંકુશ નથી - જન્મ, મૃત્યુ અને લગ્ન. જ્યારે એ ઘટના ઘટવાની છે ત્યારે કોઈ એ રોકી શકતું નથી.
અને એક પ્રશ્ન, સતત પૂછાતો રહેતો એક પ્રશ્ન, કે તમે નવી ગાયિકાઓને ઉપર આવતાં રોકી છે. બહુ જ મોઘમ રીતે. પણ તમારો અદ્રશ્ય હાથ કેટલાંક લોકો જોઈ રહ્યા છે. નવી ગાયિકાઓ વાણી જયરામ, રુના લૈલા, સુલક્ષણા પંડિત, પ્રીતિ સાગર, હેમલતા... આ પ્રશ્ન 1981માં ગરમાગરમ હતો. એ જ અરસામાં ફિલ્મ બજારમાં એક રમૂજ પણ ચાલતી હતી કે લતાબાઈને ડબલ પૈસા આપો તો એ હીરો અને હીરોઈન બંને માટે ગાઈ આપશે! લતા મંગેશકરે આ પ્રશ્નનો ઉત્તર ટુકડે ટુકડે આપ્યો છે, અમે દરેકે....મુકેશભૈયા, રફી, આશા, હું...અમે બધાંએ સંઘર્ષ કર્યો છે, મજૂરી કરી છે. જ્યારે હું આ ક્ષેત્રમાં આવી ત્યારે મારે સુરૈયા, ઝોહરાબાઈ, અમીરબાઈ (કર્ણાટકી) અને શમશાદ બેગમ સામે ઝઝૂમવું પડ્યું હતું અને કોઈ મને રોકી શક્યું નહીં: મને કોઈ કારણ દેખાતું નથી કોઈને કેવી રીતે રોકી શકાય.
આ એ લતા મંગેશકર છે જે મરાઠી ફિલ્મ "પહિલી"માં માસિક 60 રૂપિયાના પગારથી સ્ટાફ આર્ટિસ્ટ તરીકે જોડાયા હતાં. 1947માં માસ્ટર વિનાયકનું અવસાન થયું ત્યારે એનો પગાર 350 રૂપિયા હતો. લતા મંગેશકરના પોતાના જ સ્વરમાં આ વાત: હું 1945માં મુંબઈ આવી, માસ્ટર વિનાયકની ફિલ્મ કંપની સાથે. એ વખતે મને મહિને 200 રૂપિયા મળતા હતા: "ચલે જાના નહી"...થી "મેરા સાયા સાથ હોગા" સુધી "આયેગા આને વાલા...."
ક્લોઝ અપ:
પ્રશ્ન: તમે ફિલ્મસ્ટારો અને ઍક્ટરોને મળતાં નથી?
લતા મંગેશકર: લગભગ ક્યારેય નહીં.
(સમકાલીન: ઑક્ટૉબર 11, 1989)
("શિક્ષણ"માંથી)