October 22, 2014

પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (6)

પશ્ચિમ વિશે, પશ્ચિમના જીવન વિશે, પશ્ચિમની લાઈફસ્ટાઈલ વિશે લખનારા આપણે ત્યાં ગ્રોસને હિસાબે બજારમાં મળે છે. પશ્ચિમના સાહિત્ય અને નાટક વિશે લખનારા ડઝનોને હિસાબે મળે છે. પણ ખરેખર ગોરા લોકો સાથે જીવ્યા હોય એવા લોકો પ્રમાણમાં ઓછા મળે છે. પૂર્વ સારું છે અને પશ્ચિમ ખરાબ છે, એવું નથી. દરેક પ્રજાની જીવનરીત એની ભૂગોળ, એના ઇતિહાસ, અને આબોહવા, એના રક્ત મિશ્રણ પર આધારિત છે - આપણે જ શુદ્ધ, પવિત્ર, સંસ્કારી છીએ અને બીજા બધા મ્લેચ્છ કે યવન કે અનાસ (નાક વગરના. આર્યો અનાર્યોને "અનાસ" કહેતા હતા) છે એ તર્ક આપણી ક્ષતિઓ ઢાંકવા માટે અને થોડો આત્મવિશ્વાસ પ્રકટાવવા માટે ઠીક છે. બીજા ભિન્ન છે, નિમ્ન હોવા જરૂરી નથી. અને બીજા દેવતા છે અને આપણે દાનવો છીએ એવું પણ નથી. ગરીબી અને નિરક્ષરતા પણ જનચારિત્ર્યને ઘડવામાં બહુ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. પૃથ્વી પર માણસ અને માણસ વચ્ચેનું રંગવૈવિધ્ય, વિચારવૈવિધ્ય, જીવનવૈવિધ્ય બહુ રસનો વિષય છે. આપણે એકબીજા વિશે શીખીએ છીએ. અને ચોપડાં વાંચીને કોઈનું જીવન જોવું અને સાથે જીવીને એ જીવનને અનુભવવું, એ બેમાં ફર્ક છે.

મને ગોરી ચામડીવાળાં સ્ત્રીપુરુષોની મહેમાનગીરી અનુભવવાનો મોકો મળ્યો છે અને ગોરી ચામડીવાળાં સ્ત્રીપુરુષો મહેમાન થઈને મારે ત્યાં રહી પણ ગયાં છે. આપણી જૂની ગુજરાતી કહેવત, સોનું જોઈએ કસીને અને માણસ જોઈએ વસીને, તદ્દન સાચી છે. સાથે વસીને માણસની જે કસોટી થાય છે એ ખરેખર તલસ્પર્શી હોય છે. પૂર્વ અને પશ્ચિમના માણસોનાં જીવન કેટલાં જુદાં છે એ મને સમજાયું છે. એ માટે મેહમાની અને મેઝબાની બંને અનુભવો જરૂરી છે.

દિવસના આરંભથી આપણું જીવન અને પશ્ચિમી જીવન જુદું પડે છે. આપણી સવાર દાતણથી શરૂ થાય છે. બ્રશ અથવા મંજન અને પછી ઊલ ઉતારવી. પશ્ચિમી જીવનમાં ઊલ ઉતારવાનું નથી. ફક્ત બ્રશ કરવામાં આવે છે. અને બ્રશ કરવું પણ જરૂરી નથી. સવારે ઊઠીને મોઢું ધોવું પણ જરૂરી નથી! આપણે આને ગંદકી ગણીએ તો ગંદકી સમજવી પણ સવારે ઊઠીને મોઢું ધોવું, બ્રશ કરવું, ઊલ ઉતારવી અને એ વખતે ગળામાંથી જાતજાતના દર્દનાક અવાજો કરવા એ વિધિ પશ્ચિમમાં નથી. બ્રશ કરવું એ એક અત્યંત શાંત વિધિ છે. બધા દાતણ કરતા નથી એવું કહેવાનો આશય નથી પણ બ્રશ કરવું એ વ્યક્તિગત ઇચ્છા પર નિર્ભર છે.

આપણી ચા ખૂબ મીઠી અને ખૂબ દૂધવાળી એમને લાગે છે. ચાનું પાણી, ખાંડ અને દૂધ જુદાં હોય અને એ ચા જ્યારે બનાવીને પિવાય છે ત્યારે આપણે માટે એ ચા લાગતી જ નથી! આપણે ટી-ઈન પૉટની ચા પણ "સ્પેશ્યલ" ચા જેવી ઘટ્ટ બનાવીએ છીએ. એમની ચામાં ચાની ફ્લેવર-ખુશ્બૂ પર વધારે આગ્રહ છે. ચીનાઓની મિન્ટ-ટીમાં પણ આ ખુશ્બૂનું જ મહત્ત્વ છે. ચીનાની ચા ગોલ્ડન રંગની હોય છે, "માઉથ-વોશ" માટે બરાબર છે એમ ચીના કહે છે. હિન્દુસ્તાનમાં બેડ-ટી, મિલ્ક-ટી, લાઈટ-ટી, પ્લેઈન-ટી, ટી-ઈન પૉટ, ટ્રે-ટી અને એટલા બધા પ્રકારની ચા મળે છે કે વિદેશી મહેમાન આશ્ચર્ય પામે છે. એ જ રીતે ઈંડાની વસ્તુઓનું વૈવિધ્ય અહીં ઘણું છે. પણ આપણા કોર્ન-ફ્લેક્સ એમને બહુ જ નીચી કક્ષાના લાગે છે. પશ્ચિમમાં કોર્ન-ફ્લેક્સ એક પોષક ખોરાક તરીકે નિયમિત લેવાનો રિવાજ છે. આપણા જીવનમાં દરેક જાતિ પાસે સવારે ખાવાનું એક વિભિન્ન નાસ્તાશાસ્ત્ર છે. પશ્ચિમમાં લગભગ સર્વત્ર નાશ્તો એક જ પ્રકારનો છે.

નાહવાનું હિન્દુઓમાં ધાર્મિક છે. આપણે માટે સવારે પાંચ વાગ્યાની ટ્રેન પકડવાની હોય તો પણ વહેલા ઊઠીને નાહીને જ સ્ટેશને જવું સ્વાભાવિક છે. બાળમંદિર કે કે.જી.માં જે બાળકો સવારે પહોંચાડવામાં આવ્યાં હોય એ લગભગ બધાંને નવડાવીને જ મોકલવામાં આવે છે. આ વાત કરી ત્યારે પશ્ચિમની સ્ત્રીને ખરેખર આશ્ચર્ય થયું હતું. એમને ત્યાં નાહવાનું બહુ જ ઓછું છે. જો કંઈ હોય તો પણ "વૉશ" છે, બાથ નથી. આખું શરીર પલાળી નાખવાવાળું નાહવું વિદેશીને ગમતું નથી, જરૂરી પણ લાગતું નથી. એ જરા વૉશ કરી લે છે, જો કરવું હોય તો. પછી કપડાં પહેરી લે છે. વાળની ટાપટીપ કરવી, મેક-અપ ચીતરવો અને ચીતર્યા કરવો, વાળ ઓળઓળ કર્યા જ કરવા, કપડાંના મૅચિંગ માટે કબાટની સામે ઊભા ઊભા વિચાર કર્યા કરવો, આ વાત એમનામાં નથી અને એ એમના શ્રેષ્ઠ ગુણો છે એવું મને લાગ્યું છે. મેં 21 વર્ષની છોકરી અને 55 વર્ષની સ્ત્રી બંનેમાં આ એક સામાન્ય લક્ષણ જોયું છે. વાળમાં તેલ નહીં નાખવાનું, વાળ ઓળવાના નહીં, કપડાં ઈસ્ત્રી-ટાઈટ અને ચમચમાટ હોય કે ન હોય એની ચિંતા નહીં કરવાની, ફિટિંગ ગમે તે હોય એ ચાલે. કપડાં કે વસ્ત્રો તન ઢાંકવા (કે ન ઢાંકવા કે અર્ધપ્રદર્શન કરવા) માટે છે! મેક-અપ આપણે લોકો આપણી કાળી-બદામી ચામડી પર વાપરી વાપરીને ચામડી રુક્ષ કરી મૂકીએ છીએ. પશ્ચિમની સ્ત્રી મેક-અપનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. એક વાર જ્યારે મેં પૂછ્યું કે લિપસ્ટિક શા માટે છે? ત્યારે ઉત્તર મળ્યો કે આજે ટ્રેનમાં પ્રવાસ કરવો છે અને હોઠ ફાટી ન જાય એ માટે લિપસ્ટિક લગાવી છે ત્યારે મને લિપસ્ટિકની મેડિકલ ઉપયોગિતા વિશે સમજ મળી! આપણી ગુજરાતી મનોવૃત્તિ ફિટિંગ, પ્રસાધનો, કેશવિન્યાસ પાછળ બહુ જ વધારે સભાન હોય છે.

રસ્તામાં કે બસમાં વાળ ઓળવાનું પશ્ચિમમાં નથી. હોટેલમાં જો તમે તમારા બાળકના પણ વાળ ઓળો તો કોઈ કહી શકે છે: મેડમ રેસ્ટરૂમમાં જાઓ. અહીં વાળ ઓળવાનો નિયમ નથી. ખાવામાં વાળ ન પડે એ માટે એ લોકો સખ્ત આગ્રહી હોય છે. લિફ્ટમાં ચડતી વખતે એ લોકો આયનામાં પણ જોતા નથી એ મેં સ્વયં જોયું છે. આપણા ગુજરાતી-ભારતીય જીવનમાં આયનાને આપણે જીવનનો એક અવિભિન્ન ભાગ બનાવી દીધો છે.

ટ્રેન કે બસમાં ભીડ હોય તો પણ માણસ માણસને અડીને ઊભો રહેતો નથી, અડીને બેસતો નથી. જરા અડી જવાય તો "સૉરી" કે "એક્સક્યુઝ મી" કહેવું જ પડે છે. ક્યારેય માણસ માણસને અડેલો મેં જોયો નથી. એ બધી બાબતોમાં એ લોકો બહુ જ વ્યવસ્થિત છે. દરવાજો ખોલીને પ્રવેશવા વિશે એક વાત ધ્યાન રાખવા જેવી છે. આપણે ત્યાં બંધ દરવાજો હોય તો એક માણસ એ ખોલે ત્યારે બીજો અપરિચિત તરત ઉંદરની જેમ પેસી જાય છે, અને દરવાજો ખોલનારો ઊભો રહી જાય છે. આપણે ત્યાં આ તદ્દન સ્વાભાવિક છે અને આપણે રોજ જોતા હોઈએ છીએ. પશ્ચિમમાં આ વસ્તુને બહુ ગંભીરતાથી લેવામાં આવે છે. એક વ્યક્તિ જો દરવાજો ખોલે અને બીજો પેસી જાય તો એ વ્યક્તિ ખરેખર ભડકી ઊઠે છે કારણ કે આ વસ્તુ બહુ ખરાબ મેનર્સ ગણાય છે. જે દરવાજો ખોલે એ જ પ્રવેશે, બીજો નહીં. બસની સીટમાં પાછળથી ત્રિભંગ કરીને ઝડપથી બેસી જવાની ચતુરાઈ ત્યાં જોવા મળતી નથી. દરેક વ્યક્તિ પોતાના નાનામાં નાના હક વિશે સતર્ક છે, અને જો એના પર કોઈ તરાપ મારે તો એ વાતનો ઝૂકીને સ્વીકાર કરવાનું પશ્ચિમી ખૂનમાં નથી.

આપણે ત્યાં મહેમાન જો ચાર દિવસ રહે તો પૂરું ઘર થાકી જાય છે. સવારના ગરમ નાસ્તાથી રાત્રે પથારીઓ કરવા સુધી ગૃહિણી અથવા ઘરની સ્ત્રીઓ સતત વ્યસ્ત રહે છે. આપણો મહેમાન ખરેખર મહેમાન છે. પશ્ચિમી મહેમાનને કપડાં ધોવાની ખટપટ હોતી નથી. પોતાનાં નાનાં કપડાં પોતે સ્વયં ધોઈ લે છે, અને એ એમની તાલીમ છે. પોતાનો સામાન પોતે સ્વયં ઉપાડી લે છે. સૌ પોતપોતાની વસ્તુઓ પોતાની સાથે જ રાખે છે, એકબીજા પર નિર્ભર રહેવાનું ઓછું હોય છે. સૌ પોતાનું પૅકિંગ કરે છે. આપણને આશ્ચર્ય થાય એ રીતે મા અને દીકરી પણ પોતપોતાના પૈસા ખર્ચે છે. આત્મનિર્ભરતા અને સ્વાતંત્ર્ય એ હદ સુધી હોય છે કે દરેક પોતાના પૈસાની સિગારેટ ખરીદીને પીતો રહે છે, કોઈ બીજાને એની વ્યક્તિગત આદતો માટે ડાંટતો નથી. આપણા સંસ્કારોથી આ તદ્દન વિપરીત છે.

પણ વિદેશી મહેમાનનો ભાર લાગતો નથી. એને ગરમ ગરમ ખાવાનો શોખ નથી કારણ કે એમના જીવનમાં તવા પરથી ઊતરતી રોટલી નથી અને એ ઉતારી આપનારી ફુલ ટાઈમ "ભોજનેષુ માતા" બ્રાન્ડ પત્ની કે નવરી મોટી બહેન નથી. આપણા ગુજરાતી મહેમાનની અપેક્ષા ગરમ ગરમ ખોરાકની છે અને ગુજરાતી ભાણામાં જ્યાં સુધી પોણો ડઝન વ્યંજનો મૂક્યાં ન હોય ત્યાં સુધી આતિથ્ય અપૂર્ણ રહે છે. વિદેશીઓનો ખોરાક પ્રમાણમાં વધારે છે અને વૈવિધ્ય ઓછું છે. એમનું ધ્યાન રાખવાનો ભાર લાગતો નથી.

રાત્રે સૂતી વખતે આપણે માટે આપણા ઘરમાં પણ પૂરું શરીર ઢાંકીને સૂવું એ સંસ્કાર છે. અહીં પશ્ચિમી અને આપણી સંસ્કૃતિમાં એક બહુ મોટો ફર્ક જોવા મળ્યો છે. પશ્ચિમમાં રાત્રે સૂવું એટલે શરીર પર શક્ય એટલાં ઓછાં કપડાં પહેરીને સૂવું. પ્રવાસમાં પણ બહુ જ ઓછાં કપડાં સાથે લઈને સફર કરવાનો રિવાજ છે. એક વાર ટ્રેનમાં માત્ર ડ્રોઅર્સ (જાંઘિયા) પહેરીને બ્લેન્કેટો ઓઢીને સખ્ત ઠંડીમાં સૂતા પ્રવાસીઓ જોયા ત્યારે થોડી સમજ પડી. ભારતમાં જાહેરની વાત તો દૂરની છે પણ ઘરમાં પણ સૂતી વખતનો એક "ડ્રેસ" હોય છે.

બહુ પૈસાદારોનું જીવન જુદું હશે પણ સામાન્ય વિદેશી માણસો મહેમાનો તરીકે ભારે પડતા નથી. આ બાબતમાં આપણો આપણા મહેમાનોનો અનુભવ લગભગ સરખો છે. પ્રવાસમાં પણ આપણે ઘણાંબધાં કપડાં ધોતા રહીએ છીએ, કોઈ જ તકલીફ ન પડે એ માટે બધી જ નાનીમોટી વસ્તુઓ સાથે ઊંચકી ઊંચકીને ફર્યા કરીએ છીએ. ખાવાપીવામાં પણ આપણને બધી જ સગવડો જોઈએ છે. દિવસભર નાહવાની ઇચ્છા ન થતી હોય એ માટે પશ્ચિમનો ઠંડી અને હવા બરફનો અનુભવ જવાબદાર હશે. જમ્યા પછી હાથ ન ધોવા કે પાણી ન પીવું કે કુલ્લા ન કરવા કે શૌચાલયમાં ટૉઈલેટ-પેપર વાપરવો, આ લક્ષણો દરેક પશ્ચિમી વ્યક્તિમાં સામાન્ય છે. આપણે પાણીનો ઘણો વધારે ઉપયોગ કરીએ છીએ. પશ્ચિમમાં પાણીનો ઉપયોગ ઓછામાં ઓછો છે.

બે જુદી દુનિયાઓ છે. પરંપરાઓનો ફર્ક છે, દહીં ઘરમાં જમાવી શકાય એનું પશ્ચિમીને આશ્ચર્ય છે, ત્યાંની હવામાં એ જામતું નથી. એ ચોંટાડેલો વરખ (સિલ્વર પેપર) હાથથી ઉખાડવાની કોશિશ કરે છે! ખાવાનું જમણા હાથથી જ હોય છે એ એને માટે ગમ્મતનો વિષય છે. હોટેલમાં જમતી વખતે પ્યાજની પ્લેટ મફત મળે એ એને સમજાતું નથી. અને એક વાર હિંદુસ્તાની ખોરાકના છ સ્વાદો જીભ પર ચડી ગયા પછી એને એનો પશ્ચિમી ખોરાક પણ "બ્લૅન્ડ" અથવા તદ્દન ફિક્કો લાગવા માંડે છે...!

(સમકાલીન: એપ્રિલ 1988)

(વિદેશ)

પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (5)

ગુજરાતી સાહિત્ય પરિષદ 1920ના એપ્રિલમાં ભરાવાની હતી અને ગાંધીજીએ 27 માર્ચ 1920ના "નવજીવન"માં એની નોંધ લીધી હતી: "સર રવીન્દ્રનાથ ટાગોર પોતાની હાજરીથી પરિષદને દીપાવશે એવા ખબર મળી ગયા છે...ભાઈ એંડ્રુસ પોતે એક કવિ છે ને તે માને છે કે તેમની જોડી આજે યુરોપમાં પણ નથી." ગાંધીજીનું ગુજરાતી આજે જરા કૉમિક લાગે એવું છે: પણ સ્પષ્ટ છે. આ નોંધમાં ગાંધીજી આગળ લખે છે. "...આપણે રસ્તા શણગારીએ તો તેમાંય પશ્ચિમતા નહીં પણ પૂર્વતા હોવી જોઈએ." ગુજરાતી વિદ્વજ્જનોનાં વિશ્લેષણોમાં પાશ્ચાત્ય અને પૌર્વાત્ય જેવા શબ્દો આવે છે પણ આવા સરળ અને અર્થસ્પર્શી શબ્દો શા માટે વપરાયા નથી? ગાંધીજીએ વાપરેલા શબ્દો પશ્ચિમતા અને પૂર્વતા લેખકોને પણ કેમ સૂઝતા નથી?

પશ્ચિમની વાતો કરવી જરૂરી છે કારણ કે ઘણાં ક્ષેત્રોમાં એમની પ્રગતિ ચકાચૌંધ કરી મૂકે એવી છે. પણ પશ્ચિમતા અને પૂર્વતાનો ભેદ સમજ્યા વિના માત્ર પશ્ચિમતાના પક્ષધર થવાથી આપણા પ્રશ્નોના હલ મળતા નથી પણ ક્યારેક પ્રશ્નો વધારે જટિલ થઈ જાય છે. પ્રજામાનસ અને દેશકાળને સમજ્યા વિના કરાયેલો પ્રયાસ ક્યારેક માત્ર પ્રયોગિતા બનીને રહી જાય છે.

મુંબઈ શહેરમાં એક બેડરૂમ, કિચન હૉલ કેટલી સાઈઝના મળે છે? એક રૂમ, કિચનની એક જ સ્ટાન્ડર્ડ સાઈઝ શા માટે નથી? ટુ બેડરૂમ, કિચન હૉલની કોઈ નિયત ચોરસ ફીટ મર્યાદા છે? એક બેડરૂમ, કિચન હૉલવાળો ફ્લૅટ સાડા ચારસોથી સાડા સાતસો ચોરસ ફીટ સુધી સેંકડો સાઈઝોમાં મુંબઈમાં બિલ્ડરો બનાવે છે અને મન ફાવે તેમ કાર્પેટ એરીઆ, બિલ્ટઅપ એરિઆ અને સુપર બિલ્ટઅપ એરીઆ ગણીને વેચે છે! રશિયામાં દરેક ફ્લેટ એક સ્ટાન્ડર્ડ સાઈઝની મર્યાદા પ્રમાણે જ બની શકે છે. અન્યત્ર પણ આવું છે. મુંબઈમાં કેમ નથી? એક બેડરૂમ, કિચન, હૉલવાળા ફ્લેટોની એક જ સાઈઝ હોવી જોઈએ એવું પ્રશાસન ન કરી શકે? કરવું નથી, દ્રષ્ટિ નથી, દાનત નથી, કદાચ બિલ્ડરો સાથે એક અપવિત્ર સાઝેદારી છે. શાસકોની ભ્રષ્ટતા એ આપણી પૂર્વતા છે. મધ્યવર્ગને સતત લૂંટતા રહેવાની ઠગવૃત્તિનો ઘરની તલાશમાં નીકળેલા દરેક મુંબઈગરા પરિવારને અનુભવ થતો રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમનો આ ફર્ક બહુ જ ધ્યાનાકર્ષક છે.

ઘરની જેમ કપડાં અને રોટીની બાબતમાં પણ જુદાઈઓ છે. હિંદુસ્તાનમાં પૈસાદારો અને ગરીબોના વસ્ત્ર-પરિધાનમાં ભેદ છે. અહીં ગરીબો સુતરાઉ કપડાં પહેરે છે. વિદેશોમાં એ અમીરોનો ડ્રેસ છે. કોટનનાં કપડાં ત્યાં બહુ મોંઘા હોય છે. અહીં ઈમ્પોર્ટેડ સિન્થેટિક માટે પડાપડી છે. વિદેશમાં પૈસાદારો સફેદ પોશાક પહેરી શકે છે. ભારતમાં તો મિસ્ત્રી-મજદૂર-કારીગર પણ સફેદ અને પાતળાં કપડાં પહેરીને કામ પર આવે છે! પશ્ચિમમાં મહેનતકશનાં કપડાં જાડાં અને રંગીન હોય છે. અમેરિકામાં સફેદ મોટરકાર પ્રમાણમાં સસ્તી હોય છે કારણ કે એ મેલી થઈ જાય છે. કાર વૉશમાં વધારે મોકલવી પડે છે. અહીં સફેદ કારવાળો શેઠિયો ગણાય છે. સફેદ કાર પદનો અહસાસ (સ્ટેટસ સિમ્બલ) કરાવે છે. આપણે ત્યાં શોકમાં સફેદ વસ્ત્રો પહેરવાનો ધારો છે જ્યારે વિદેશમાં શોક માટેનો રંગ કાળો છે. મૃત્યુ પછી ચર્ચ કે કબ્રસ્તાન તરફ જતી ગાડીઓના જૂલૂસમાં પણ અમેરિકામાં કાળી ગાડીઓ જ વધારે જોવા મળે છે. પશ્ચિમતા અને પૂર્વતા એ બે જુદી વસ્તુઓ થઈ જાય છે.

ગાંધીજીએ પશ્ચિમતાના વિરોધમાં પૂર્વતાનો પક્ષ લીધો હતો અને પૂર્વતાના પૂર્વની એક બીજી પણ સ્થિતિ છે: પૂર્વગ્રહતા!

(સમકાલીન: મે 1987)

(વિદેશ)

પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (4)

રાજ્યપાલોની બે ક્વોલિટી છે - એક પ્રશાસક છે, જેમણે જીવનભર શાસન કર્યું છે અને બહુ હોશિયાર છે. બીજી ક્વોલિટી છે - અશાસક, જે બહુ હોશિયાર નથી! પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી બી.ડી. પાંડે લોકમાન્ય પ્રશાસક છે, બુદ્ધિજીવી પણ છે. એમણે કલકત્તામાં એક પ્રવચન આપતાં એક પ્રસંગ કહ્યો: અમેરિકામાં બાળકોની "આઈ ક્યુ" (બૌદ્ધિક સ્તર) માપવા માટે ઘરમાં વપરાતી કેટલીક વસ્તુઓનાં ચિત્રો બતાવવામાં આવે છે. બાળકોએ આ ચિત્રો ઓળખવાનાં! હવે ભારતમાં આદિવાસી બાળકોની બુદ્ધિનું માપ કાઢવા આ જ ચિત્રો વપરાતાં હતાં! ગવર્નર પાંડેની વાત સાચી હતી. આ પ્રકારનો અભ્યાસ કે સંશોધન અર્થ વગરનાં છે કારણ કે ભારતના આદિવાસી બાળકને વેક્યુમ-ક્લીનર કે વેનીશીઅન બ્લાઈન્ડ્ઝ બતાવીને બુદ્ધિ માપવા બેસનાર, આપણા દેશી ગુજરાતી ભાષામાં, ભણેલો હશે પણ ગણેલો નહીં હોય...

અમેરિકન પદ્ધત્તિઓનું આંધળું અને એકેન્દ્રિય અનુકરણ ભારતીય દેશકાળ અને મિજાજને હંમેશાં અનુરૂપ હોય એવું બનતું નથી. આપણે ઉચ્ચ શિક્ષણમાં "સિમેસ્ટર સિસ્ટમ" ઉપાડી લાવ્યા. "ઓબ્જેક્ટીવ-ટેસ્ટ" લઈ આવ્યા, "હાયર મેથેમેટીક્સ" લઈ આવ્યા અને બધું ગોટાળે ચડી ગયું! અમેરિકાથી સાસુઓ વિષેની જોક્સ પણ ચોરી લાવ્યા અને છાપવા માંડ્યા, જે અમેરિકામાં મધર-ઈન-લૉ જોક્સ કહેવાય છે. પણ બહુ હસવું આવ્યું નહીં. કારણ સામાજિક છે. ભારતમાં મા-બાપ પુત્ર તથા પુત્રવધૂની સાથે રહે છે, અને પતિ માટે સાસુ એટલી ખરાબ હોતી નથી! અમેરિકામાં છોકરો બાપને રાખે, છોકરી સામાન્ય રીતે માતાને રાખતી હોય છે માટે જમાઈને માટે સાસુ ઉપર પડતી છે! જ્યાં કંઈક પણ પરિવાર રહ્યો છે ત્યાં આ સ્થિતિ છે. બાકી જૂની પેઢી આપણે ત્યાં તો દીકરીના ઘરનું પાણી પણ પીતી ન હતી! આપણે ત્યાં મધ્યવર્ગીય સંસ્કારી પરિવારોમાં સાસુ અને જમાઈને બનતું હોય છે, અને પુત્રવધૂ તથા સાસરાના ઝગડા ભાગ્યે જ હોય છે. કહેવત પણ છે ને: વાંકો ચૂકો, પણ વહુનો રોટલો?

અમેરિકામાં શિયાળો બહુ સખ્ત અને બર્ફીલો હોય છે જ્યારે ઉનાળામાં ધરતી પ્રફુલ્લિત થઈ ઊઠે છે. લોકો બહાર ફરતા થાય છે, સૂર્ય પ્રકાશનો આનંદ લુંટે છે. શિયાળો મનહુસ સફેદ મોસમ છે જ્યારે ઉનાળો રંગબેરંગી અને સહન કરી શકાય એવો હોય છે. "વિન્ટર ઑફ ડીસ્કોન્ટેન્ટ" નામનો શબ્દપ્રયોગ પણ વપરાય છે. હવે આપણા પત્રકારો અને લેખકો, જે શહેરોમાં રહીને ઋતુઓના ફેરફારો ભુલી ગયા છે અને અમેરિકન સાપ્તાહિકોમાંથી તરજુમા કરી એમની ફાઉન્ટન પેનોની ટાંક ઘસાઈ ગઈ છે, અમેરિકન શબ્દો ભારતીય સંદર્ભમાં વાપરે છે ત્યારે હાસ્યાસ્પદ લાગે છે! ઉનાળો ભારતમાં અસહ્ય છે, લૂ ફુંકાય છે. અમેરિકામાં લૂ નથી, શિયાળાનો ભયંકર બરફ છે, આપણે ત્યાં શિયાળો બહુ મજાનો છે - કસરત કરવાની, સરસ તાજાં શાકભાજી ખાવાની, સરસ પીણાની, ભૂખ લાગવાની, મજા કરવાની સિઝન છે! અમેરિકામાં શિયાળો ખરાબ છે, આપણે ત્યાં સરસ છે. અમેરિકામાં ઉનાળો સરસ છે, આપણો ઉનાળો અસહ્ય છે. અને ત્યાં "ફૉલ"ની મૌસમનું મહત્ત્વ છે, (જેમ રશિયામાં "થો" એટલે બરફ ઓગાળવાની મૌસમનું મહત્ત્વ છે), આપણે ત્યાં ચોમાસું કે વર્ષા છે જે બીજે નથી! અમેરિકન વાતો કે વર્ણનો કે શબ્દપ્રયોગો વાપરતા પહેલાં આ વિચારવું જરૂરી છે.

ક્યારેક હાસ્યાસ્પદ જાહેરખબરો જોવા મળે છે જે અમેરિકામાં પેદા થઈ છે. એવાં મકાનો અમે બાંધીએ છીએ જ્યાં કપડાં સૂકવવા તમારે "ડ્રાયર"ની જરૂર નહીં પડે, સૂર્યના તડકાથી જ કપડાં સૂકાશે! આ જાહેર ખબર અમેરિકા માટે બરાબર હશે. ત્યાં એ નવીનતા પણ હશે. ભારતમાં કપડાં તડકામાં જ સૂકવાય છે - પચીસ માળના મકાનમાં પણ! એક જાહેર ખબર જોઈ હતી: અમે "પેપર શ્રેડર" (કાગળને તદ્દન ઝીણી ઝીણી કરચોમાં કાપી નાંખતું મશીન, જે અમેરિકાની બધી જ મોટી ઑફિસો વાપરતી હોય છે) બનાવીએ છીએ. જરૂરી કાગળો ભારતમાં બાળી નાખવામાં આવે છે, શ્રેડર કોઈ વસાવતું નથી. અને બિનજરૂરી કાગળ માટે આપણે ત્યાં મહાન રદ્દી ઉદ્યોગ છે જ! અહીં જૂના કાગળો, છાપાં વગેરે વેચાય છે અને બહુ જ ઓછાં છાપાં "વેસ્ટ" થાય છે એ જોતાં એક અમેરિકન પાગલ થઈ ગયેલો! એણે કહેલું કે અમે તો આ "રીસાયક્લીંગ" (વાપરી લીધેલી વસ્તુને ફરી ઉપયોગી બનાવવી) માટે હમણાં હમણાં સતર્ક થયા છે જ્યારે તમે તો વર્ષોથી રીસાયક્લીંગ કરો છો! અમેરિકામાં રીસાયક્લીંગ એ લેટેસ્ટ વસ્તુ છે.

ભારતમાં હવે વેક્યુમ ક્લીનર બજારમાં આવ્યાં છે. અહીં એવું વેક્યુમ-ક્લીનર (કચરો ખેંચાઈને સાફ થાય એવું મશીન) જોયું જે હેર-ડ્રાયર કે વાળ સૂકવવાનું કામ પણ કરે છે. એક વાર એક ગુજરાતી શેઠનું ઢીલું ધોતિયું વેક્યુમ ક્લીનરમાં ખેંચાઈ ગયું હતું એવું પણ સાંભળ્યું છે - આ હકીકત છે કે જોક છે એ ખબર નથી, પણ વિજ્ઞાનની પ્રગતિ સાથે સાથે ભયસ્થાનો જ પેદા કરે જ છે...

અમેરિકન વિચારધારાને ભારતમાં ફીટ કરતાં જરા વિચારવું પડે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક અમેરિકન સૈનિક કલકત્તા આવેલો અને થોડો સમય રહીને બ્રહ્મદેશના મોરચા પર લડવા ચાલ્યો ગયો હતો. એ અમેરિકા ગયો ત્યારે એને પૂછવામાં આવ્યું: તને હિન્દુસ્તાન કેવું લાગ્યું? લોકો કેવા છે?

લોકો બહુ પૈસાદાર છે, અમેરિકન સૈનિકે કહ્યું. તમને કલ્પના નહીં આવે કે હિન્દુસ્તાનમાં સામાન્ય માણસ કેટલો પૈસાદાર છે! ત્યાં ગરીબમાં ગરીબ માણસ એકવાર ટુથબ્રશ વાપરીને ફેંકી દે છે! રોજ નવું ટુથબ્રશ.

અમેરિકન સૈનિક ભારતીયોને બાવળના દાતણથી રોજ સવારે દાંત સાફ કરતા જોઈ ગયો હતો!...

(વિદેશ)

પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (3)

દ્રષ્ટિકોણ નામની એક વસ્તુ છે. ચોગમ પછી એક સંવાદદાતા-પરિષદમાં શ્રીમતી ગાંધીએ એક વિદેશી પત્રકારને કહ્યું એમ લેબેનોન તમારે માટે "મિડલ-ઈસ્ટ" છે, પણ અમારે માટે "વેસ્ટ એશિયા" છે! પશ્ચિમ માટે જે મધ્ય-પૂર્વ છે એ આપણે માટે પશ્ચિમ એશિયા છે. પણ જગ્યા એક જ છે. જે જાપાનને માટે પશ્ચિમ "ફાર-ઈસ્ટ" અથવા દૂર-પૂર્વ વાપરે છે એ આપણે માટે માત્ર પૂર્વ છે. ભારત-બાંગ્લાદેશ વિસ્તારો અમેરિકન વિશ્વવિદ્યાલયમાં "સાઉથ એશિયા"ના શીર્ષક નીચે ભણાવાય છે. ભારતનો મુસ્લિમ, પાકિસ્તાનનો મુસ્લિમ, ઈરાનનો મુસ્લિમ પશ્ચિમ તરફ મક્કાની દિશામાં મોઢું કરીને નમાઝ પઢે છે...પણ ટ્યુનીસીઆનો મુસ્લિમ, લિબિયાનો મુસ્લિમ, ઈજિપ્તનો મુસ્લિમ પૂર્વ તરફ મોઢું કરીને નમાઝ પઢે છે કારણ કે એને માટે મક્કા પૂર્વમાં છે! અને ઉત્તરમાં રહે તો મુસ્લિમ કઈ દિશામાં મોઢું કરતો હશે?

દ્રષ્ટિકોણ નામની એક વસ્તુ છે. ફક્ત અંતરિક્ષમાં ફરતા કે ચંદ્રતલ પર કદમ ભરીને ચાલતા મનુષ્યે અવકાશમાં ફરતી, ચકરાતી પૃથ્વી જોઈ ત્યારે એને ખબર પડી નહીં કે પૂર્વ કયું અને પશ્ચિમ કયું? ચંદ્ર પરથી દેખાતી પૃથ્વીને પૂર્વ કે પશ્ચિમ નથી ત્યાંથી જોનારો માણસ માત્ર પૃથ્વી જ જોઈ રહ્યો છે...એક જ પૃથ્વી!

રાજ કપુરની ફિલ્મ "જિસ દેશ મેં ગંગા બહતી હૈ!"માં એક સંવાદ હતો. ભિખારી ભીખ માંગવા આવે છે અને આપણા દેશમાં "માફ કરો" કહેવાનો રિવાજ છે. રાજ કપૂર કહે છે કે આ એક જ દેશ એવો છે જ્યાં ભીખ માંગવા આવનારને આપણે કહીએ છીએ, ભાઈ, મારી પાસે તને આપવાના પૈસા નથી, મને માફ કર! આ પણ કદાચ એક દ્રષ્ટિકોણ છે.

(વિદેશ: પૃ. 47થી 50)

ભારતીય ભાષાઓમાં લખેલાં નાટકોનાં અંગ્રેજીકરણ વિષે

ભારતની ભાષાઓમાં લખેલાં નાટકોનું અંગ્રેજીકરણ શા માટે હંમેશાં જૂઠ્ઠું અને ફિક્કું લાગે છે? હિન્દુસ્તાનમાં બધાં જ મહાનગરોમાં અંગ્રેજી નાટકો ચાલતાં નથી! અને દોઢસો વર્ષો સુધી મિડલ સ્કૂલ, હાઈસ્કૂલ, કૉલેજ અને યુનિવર્સિટીમાં લગભગ દર વર્ષે શેક્સપિયર ભણાવાયા પછી આ હાલત છે! અંગ્રેજી નાટક આપણને ગળથૂથીમાં જ પાવામાં આવ્યું છે, આપણે ગુજરાતી, મરાઠી, બંગાળી, મળયાળમ, હિન્દી, કન્નડ નાટકો ભજવીએ છીએ અને જોઈએ છીએ. પૈસા ન હોય તો ટી.વી. પર જોઈએ છીએ. પણ અંગ્રેજી નાટક કેમ જોતા નથી? ભારતીય ભાષામાંથી અંગ્રેજીમાં રૂપાંતરિત થયેલાં નાટકો પણ કેમ જોતા નથી?

કારણ છે: દ્રષ્ટિકોણ! ભારતીય જીવન અને અંગ્રેજી દ્રષ્ટિકોણ સાથે ચાલી શકતા નથી કારણ કે નાટકને જીવાતા જીવન સાથે સંબંધ છે (આ જ કારણસર અંગ્રેજીમાં લખતા ભારતીય નવલકથાકારો બનાવટી અને જૂઠ્ઠા લાગે છે.) અંગ્રેજીમાં ભારતીય જીવન વિશે શબ્દો નથી. ક્યારેક બળજબરી કરીને શબ્દો વપરાય છે જે અનર્થ અથવા અર્થહીનતા પેદા કરે છે!

આપણે જ્યારે "કેમ છો?" પૂછીએ છીએ ત્યારે એનું અંગ્રેજી "હાઉ આર યૂ?"નથી! આપણે જ્યારે "કેમ છો" પૂછીએત્યારે એમાં એ વ્યક્તિ, એની પત્ની, બાળકો, બહેન, માતા-પિતા, ઘરગૃહસ્થી બધાની તબિયતના સમાચાર પૂછાય છે! એમાં માત્ર તબિયત જ નથી, દૈહિક સ્વસ્થતા જ નથી, એમાં સર્વના સુખ વિષે "ખબર-અંતર" પૂછાય છે. એક જ વ્યક્તિને ભોંકાયેલો એક તીક્ષ્ણ પ્રશ્ન નથી, સમગ્ર પરિવારને આવરી લેતી ઈન્ક્વાયરી છે. અંગ્રેજી નાટકમાં આ "કેમ છો" મૂકી શકાતું નથી...

આપણે મમ્મીના ભાઈને મામા અને પપ્પાના ભાઈને કાકા કહીએ છીએ! અને સાથે સાથે એક કહેવત પણ કહી શકીએ છીએ: મામા કોઈકના ખરાબ, કાકા કોઈકના સારા! કાકા કુટુમ્બ સંપત્તિના ભાગીદાર છે, મામા મુઠ્ઠીઓ ખોલીને આપે છે. આ બે પાત્રો જુદાં છે. મામાનો છોકરો મિત્ર છે, કાકાનો છોકરો થોડો અમિત્ર છે - કાલે ભાગ માંગવાનો છે! અરબીમાં તો ફોઈના છોકરા માટે "રકીબ" શબ્દ છે, એટલે કે એક જ પ્રિયા માટેનો આપણો હરીફ, દુશ્મન, જે 'રફીક' નથી! આવા આવા શબ્દોની મોટી સૂચિ બની શકે.

મામા અને કાકા માટે અંગ્રેજીમાં કેવો ફ્લેટ શબ્દ છે: અંકલ! અને રકીબ માટે છે કઝિન! ભારતીય જીવનમાં, પરિવારમાં કુટુમ્બમાં અંકલો અને આન્ટીઓ નથી...અહીં તો કૌરવો છે, પાંડવો છે, ઘરઘરમાં મીની-મહાભારત ખેલાતું હોય છે...

અંગ્રેજી ભાષાની નવલકથા કે નાટકમાં આપણું જીવન ન મૂકી શકાય.

(ગુજરાત સમાચાર: 1983)

(વિદેશ: પૃ. 50થી 52)

સાસુ-સસરા : સુખમાં સૌથી દૂર અને દુ:ખમાં સૌથી પાસે !

થોડાં વર્ષો પહેલાં એક વિદ્યાર્થી મળી ગયો. એ પરણવાનો હતો. કૉલેજમાં હતો ત્યારે પણ એ સ્માર્ટ હતો, હવે બીઝનેસમાં હોંશિયાર થઈ ગયો હોય એવું લાગતું હતું. એણે વાતો કરી - એની વાગ્દત્તાની, એની ફીઆંસીની...બધું, સરસ હતું પણ છોકરીનાં મમ્મી-પપ્પા સાથે બનતું ન હતું. વિદ્યાર્થી, જે સિંધી હતો, એણે કહ્યું: સર, તમે મધર-ઈન-લૉ વિષેની જોક્સ તો વાંચી જ હશે.

પશ્ચિમમાં, એટલે કે ખાસ કરીને અમેરિકામાં, મધર-ઈન-લૉ અથવા સાસુ બહુ, પ્રિય પાત્ર નથી, એ જમાઈને ઘરે આવે એટલે જમાઈને ગમે નહીં. આપણે ત્યાં પણ કોન્વેન્ટમાં ભણેલા અને સાસુ વિષેની જોક્સ વાંચીને "સ્નાતક" થયેલા (સ્નાતકનો મૂળ સંસ્કૃત અર્થ થાય સ્નાન કરેલા) એટલે કે "નાહી નાખેલા" ગ્રેજ્યુએટો અમેરિકન દ્રષ્ટિકોણથી જોતા હશે! સિંધી વિદ્યાર્થીને એના સાસુ-સસરા વિશે મજબૂત થઈ ચૂકેલો પૂર્વગ્રહ હતો.

કોઈપણ પ્રકારના અભિગ્રહ કે આગ્રહ વિના મેં કહ્યું કે તમારાં સાસુ-સસરાને હું ઓળખતો નથી, પણ એમને એમની પુત્રી માટે પ્યાર તો જરૂર હશે જ. સાસુની સંસ્થાને આપણે પશ્ચિમની રમૂજી દ્રષ્ટિએ જોઈએ એ પણ સારું છે પણ ભારતીય દ્રષ્ટિકોણ અને સામાજિક પરિવેશ જુદાં છે. સાસુને માટે ઉર્દૂમાં કયો શબ્દ છે? સાસુ એટલે "ખુશદામન"! જેની ખુશી જમાઈ પર હંમેશાં વરસતી રહે છે...! કદાચ ભારતની કોઈ ભાષામાં સાસુ માટે આવો મધુર શબ્દ નહીં હોય (અને બંગાળી જેવી મધુર ભાષામાં સાસુ માટેનો શબ્દ છે: સાસુડી!)

સાસુ સસરા પારાયણ કદાચ લાંબું ચાલતું પણ એનું સ્ટૉપ આવી ગયું. પણ એ દરમ્યાન મારી વાત હું કહી શક્યો. સાસુ-સસરા એટલે એવી વ્યક્તિઓ જે પોતાની પુત્રીને ચાહે છે અને એનું સુખ ઇચ્છે છે. એ સુખી થાય એ માટે મદદગાર થાય છે.સાસુ-સસરા તમારા સુખમાં સૌથી દૂર હોય છે. અને તમારા દુ:ખમાં સૌથી પાસે હોય છે. જ્યારે તમે હૉસ્પિટલમાં બેહોશ પડ્યા હો છો ત્યારે ઈમર્જન્સી વૉર્ડમાં સૌથી પહેલાં એ પહોંચી ગયા હોય છે અને તમે આંખો ખોલો છો ત્યારે માથા પર જે હાથ હોય છે એ કદાચ તમારી ખુશદામનનો હોય છે! મધર-ઈન-લૉ ત્યાં અમેરિકામાં કદાચ ઘેરે આવી ચડતી હશે અને જમાઈના મોઢાનો સ્વાદ ખરાબ થઈ જતો હશે, પણ આપણું તો એ ભારતવર્ષ છે જ્યાં ગઈ પેઢી સુધી સાસુ-સસરા એમની બેટીના ઘરનું પાણી પણ પીતા ન હતા...

(ગુજરાત સમાચાર, 1983)
 
(વિદેશ, પૃ. 47-48)

પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (2)

અંગ્રેજ કવિ રડયાર્ડ કિપલિંગે લખ્યું હતું કે પૂર્વ એ પૂર્વ છે અને પશ્ચિમ એ પશ્ચિમ છે, અને બંને ક્યારેય ભેગાં નહીં થઈ શકે. વર્ષોથી આ વાક્ય પર ચર્ચા થતી રહી છે. વિશ્વમનુષ્ય એક જ છે, આપણે એક જ વિશ્વમાં રહેવું છે. હવે તો જાપાન પણ પશ્ચિમના દેશો સાથે ગણાય છે. સોવિયત રશિયા યુરોપિયન છે. આપણાં મહાનગરોમાં પ્રજા પૅન્ટ પહેરતી થઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક જ છે એવું નેતાઓ કહે છે... અને આપણે પણ કહીએ છીએ. ચામડીને નીચે માણસનું હૃદય એક છે. અને લીલી નસોમાં એક જ લાલ રક્ત વહે છે. ભગવાનનાં નામ જુદાં છે. પણ ભગવાન એક જ છે... અને એવું બધું!...

પણ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓ અને સંસ્કાર અને ઇતિહાસ અને જીવનયાપન અને મૂલ્યો અને વ્યવહાર અને માપદંડ જુદાં છે. નાની નાની વાતોમાં એ ફર્ક સ્પષ્ટ દેખાય છે. પશ્ચિમ પાસે પોતાનાં ધોરણો છે. જે કદાચ આપણે માટે અર્થહીન કે નકામાં છે. પશ્ચિમમાં જઈ આવેલો માણસ એક જમાનામાં આપણો માર્ગદર્શક હતો. જ્યારે આપણી ગુલામી ગ્રંથિ છલોછલ હતી. હવે તો જગત ખૂલી ગયું છે અને આપણે આપણી રીતે તટસ્થ વિચાર કરી શકીએ છીએ. રડયાર્ડ કિપલિંગના વિધાનનો પહેલો ભાગ- પૂર્વ પૂર્વ છે, અને પશ્ચિમ પશ્ચિમ છે - સ્વીકારવો પડશે...અને બીજો ભાગ - એ ક્યારેય ભેગાં નહીં થઈ શકે - વિષે જ મતાંતર હોઈ શકે.

માઉન્ટ એવરેસ્ટ પર ચડી આવેલા હિલેરીએ કહ્યું કે મેં એવરેસ્ટને જીતી લીધો! તેન્ઝીંગે શિખર પર ચડીને ઘૂંટણિયે પડીને ફૂલો મૂક્યાં અને પૂજા કરી. હિમાલય જિતાતો નથી, હિમાલયની પૂજા કરવાની હોય છે. બે સંસ્કૃતિનો ભેદ છે. ઈંગ્લૅન્ડમાં લેટરમાં યુનિવર્સિટીમાં ભણતી સાધના મટાણીએ કહ્યું કે અમારા વર્ગમાં એશ-ટ્રે મૂકી હોય છે પણ "ફૂડ ઍન્ડ ડ્રિન્ક્સ" એલાઉડ નથી ત્યારે એમના પિતા ચંદુભાઈને પણ આશ્ચર્ય થયું હતું. ક્લાસમાં એશ-ટ્રે પડી હોય અને વિદ્યાર્થિની સિગારેટ પીતી રહેતી હોય એ આપણા સંસ્કાર નથી. ખરાબ કે સારાની વાત નથી, પાંચ હજાર વર્ષની પરંપરાની વાત છે.

ઈંગ્લૅંડના ભીખુભાઈ શાહના પુત્રની વેલિંગ બોરો ક્રોયલેન્ડ કાઉન્ટી ઈન્ફન્ટ સ્કૂલની હેડમિસ્ટ્રેસે "ડિયર પેરન્ટ્સ" સંબોધન કરીને પત્ર લખ્યો હતો: "આવતું સત્ર મંગળવાર 2 સપ્ટેમ્બરથી આરંભ થાય છે. તમારું બાળક હવે જુનિયર કૉલેજમાં જશે અને મને વિશ્વાસ છે કે એને તરત જ ફાવવા માંડશે.... તમે કૃપયા નોંધ લેશો કે આગામી રજાઓમાં હું ફરીથી પરણી રહી છું અને મારું નવું નામ થશે - કપુર! બેસ્ટ વીશીઝ, યૉર્સ સિન્સિઅરલી, મેરીએન ઈ. પીઅર્સ, હેડમિસ્ટ્રેસ."

આપણા બાળકની સ્કૂલની હેડમિસ્ટ્રેસ આ વૅકેશનમાં ફરીથી પરણવાની હોય અને પોતાનું નવું નામ આપણને લખે એવું આપણે ત્યાં ન જ બને એવું નથી...પણ નથી બનતું! એવું બને તો એ સ્કૂલના ચારિત્ર્યને ધક્કો લાગી જાય...અને મેનેજમેન્ટના બધા જ સેફારી-સુટ શેઠિયા માટે ગૃહક્લેશની નોબત આવી જાય!

ધોરણોનો ફર્ક બહુ મોટો છે. અમેરિકામાં સ્ત્રીઓ હાથમાં સુંવાળું ગલૂડિયું-કૂતરું હોય અને છોકરું પાછળ પાછળ ઘસડાતું હોય. આપણે આપણાં બાળકોને પ્રેમ કરીએ જ છીએ એવું કહી ન શકાય પણ આપણાં સંતાન અને આપણા શ્વાન વચ્ચે આપણા સંતાનને વધારે પ્રેમ આપીએ છીએ એવું જરૂર કહી શકાય.

મુંબઈમાં કેળાં ફ્રીજમાં રાખીએ તો બગડી જાય. લંડનમાં પશ્ચિમ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડીઝથી કેળાં આવે છે અને ફ્રીજની બહાર રાખે તો બગડી જાય. આપણે ત્યાં વરસાદ અન્યાય થયેલા જવાન માણસના રોષની જેમ વીંઝાય છે. ઈંગ્લેન્ડમાં વરસાદ કૂતરાના પેશાબની જેમ થોડો, વારંવાર દૂષિત પડી જાય છે. આપણો તડકો તાકાત આપે છે, ઈંગ્લિશ તડકો ચામડી પર કરડે છે.

અમેરિકામાં ફોન આવે - ન્યુયૉર્ક ટાઈમ્સમાંથી - અને પૂછે કે તમારે અમારું છાપું બંધાવવું છે? પેન્સિલવેનિયાના ફિનિક્સવીલ વિસ્તારમાં મર્સીડીઝ ગાડીમાં બેસીને છાપાવાળો એક એક બંગલાના એક એક પોસ્ટ બૉક્સમાં છાપુ નાખતો જતો હતો એ જોઈને આશ્ચર્ય થયું હતું. મર્સીડીઝ ગાડીમાં બેસીને છાપું નાખનારા અમેરિકન માણસને "ફેરિયાભાઈ" કહીશું? આપણો પૈસાદાર આપણે ત્યાં પીંછાં લગાવીને બે ઇંચ અદ્ધર ઉડતો હોય છે પણ એ બિચારો-બાપડો "ફોરેઈન" જાય છે ત્યારે નાક ઉપર ઘી ચોંટાડી દીધેલા બિલાડીના બચ્ચાની જેમ ખૂણામાં બેઠો બેઠો પોતાનું પૂંછડું અમળાવ્યા કરે છે, અને ઘીની ખુશ્બૂ ક્યાંથી આવે છે એ શોધવા મૂછો ફફડાવ્યા કરે છે. ન્યુયૉર્કની પાસે એવો એક અતિધનિક વિસ્તાર છે કે ત્યાં પોતાની પુલિસ છે, કોઈ ચાલતો દેખાય તો સિક્યુરિટી ગાર્ડ પૂછે છે કે કેમ ચાલો છો? કદાચ કોઈને ચાલવું પડે તો ઝડપથી જ ચાલવું પડે, અને તમે ધીરે ચાલવાના અધિકારી ત્યારે જ બનો જ્યારે તમે તમારા કૂતરાને ફેરવવા નીકળ્યા હો! પૂર્વ અને પશ્ચિમમાં ફર્ક છે. જે માણસ આપણે ત્યાં પોતાની જાતને પૈસાદાર સમજે છે એ અમેરિકામાં કડકો (આપણી ભાષામાં) ગણાતો હોય છે. આ એવી વાત છે કે મુંબઈમાં ફોર્ટમાં જવું હોય તો ફૅશનમાં આપણે કહીએ છીએ કે હું "ડાઉનટાઉન" જઉં છું! પણ ન્યુયૉર્કમાં, જ્યાંથી ડાઉનટાઉન શબ્દ આવ્યો છે, ત્યાં એ સૌથી ગંદો અને ઘટિયા વિસ્તાર છે...!

સોવિયેત રશિયામાં સ્ત્રીઓના પોશાકની વાત ચાલતી હતી. સ્વાભાવિક રીતે જ, વાત સાડી વિષે નીકળી. આપણે સાડીને સૌમ્ય અને ઈજ્જતદાર પોશાક કે પહેરવેશ સમજીએ છીએ. એક રશિયન સ્ત્રીમિત્રે કહ્યું: "સાડી સૌથી ખુલ્લો ડ્રેસ છે...એ સેક્સી કે બીભત્સ શબ્દ વાપર્યા વિના એ જ અર્થમાં કહેવા માગતી હતી) એમાં પેટ અને કમર ખુલ્લાં હોય છે. જગતમાં કેટલી સ્ત્રીઓ પેટ અને કમર ખુલ્લાં રાખીને કપડાં પહેરે છે?" રશિયન મિત્રે કોઈ દુરાશયથી કહ્યું ન હતું પણ એક તર્કશુદ્ધ વાત કરી હતી! આપણે તો સેંકડો વર્ષોથી માનતા આવ્યા છીએ કે સાડી એ મર્યાદાની ચરમસીમા છે! પણ પેટ અને કમર ખુલ્લાં રહે એવા જગતના કેટલા ડ્રેસ છે? પછી એક લગ્નમાં સારી જગ્યાએ બેસીને મેં સેંકડો સ્ત્રીઓનાં પેટ અને કમરનું વાઈડ એન્ગલ નિરીક્ષણ કર્યું, મિત્રની વાત કડવી લાગે એવી પણ સાચી હતી. વિરાટ પેટો અને વિપુલ કમરો બાદ કરી દઈએ તો પણ દર્શનીય, કમનીય, મનનીય અને અલબત્ત, પ્રદર્શનીય પણ ઘણું હતું...! સાડી જેવી નિર્દોષ પરિધાન વસ્તુમાં પણ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે કેટલો દ્રષ્ટિભેદ હોઈ શકે છે?

આવી જ એક ઘટના ફ્રાન્સમાં બની. આપણી ઝોંપડપટ્ટીઓ ભયંકર ગંદી છે એ આખું જગત જાણે છે અને આપણે પણ કબૂલ કરીએ છીએ. એક ફ્રેન્ચ સ્ત્રી મુંબઈના બાંદરાની ઝોંપડપટ્ટીમાં સેવા કરવા આવી હતી. એણે કહ્યું: તમારે ત્યાં કેટલી બધી સ્વચ્છતાની ભાવના છે? મેં બાંદરાની ઝોંપડપટ્ટીમાં જોયું છે. રોજ સવારે માતા પાણી લઈ આવે છે, બાળકને પોતે નવડાવે છે, પાઉડર લગાવીને, સ્કૂલનો યુનિફૉર્મ પહેરાવીને સ્વચ્છ કરીને સ્કૂલે મોકલે છે. યુનિફૉર્મ પણ પોતે ધૂએ છે, બાળકના વાળમાં તેલ નાખીને વાળ ઓળે છે! ફ્રાન્સમાં કોઈ માતા આટલું બધું કરે નહીં - પાણી ઊંચકીને લાવવું, નવડાવવું...અને સ્કૂલોમાં અમારે ત્યાં યુનિફૉર્મ પણ નથી...

આપણા હિન્દુસ્તાની દિમાગ માટે આ એક નવો આયામ છે. ફ્રેન્ચ સ્ત્રી કહે છે કે આપણા ઝૂંપડામાં કેટલી બધી સ્વચ્છતાની ભાવના છે! આપણી આંખોએ ઝૂંપડાની માતાની આ સ્વચ્છતાની ભાવના તો જોઈ જ ન હતી! એક વાર મુંબઈ ટીવી માટે સાન્ટાક્રુઝની ગોલીબાર ઝોંપડપટ્ટીની એક ટીવી ફિલ્મ ઉતારવાનો મોકો મળ્યો હતો ત્યારે મેં એક વસ્તુ જોઈ હતી. દરેક ઝુંપડામાં એક ખૂણામાં ભગવાન કે ખુદા કે જિઝસ હતા, એ ખૂણામાં ધાર્મિક કેલેન્ડરો હતાં, એ ખૂણામાં ધૂપ-બત્તી હતાં, એ ખૂણો અત્યંત સ્વચ્છ હતો. અને આ સત્ય દરેક ઝૂંપડાને લાગુ પડતું હતું. દરેક ઝૂંપડાનો એક ખૂણો પવિત્ર હતો...

અમેરિકન પરિવારમાં કમાતી છોકરી પોતાના હિસ્સાનો કુટુંબખર્ચ આપી દે, જે "કીપિંગ-મની" કહેવાય છે. એ પછી એની જવાબદારી નહીં. ઘરમાં બોલાતી ભાષામાં બાપ અને બેટી "માય મની" અને "યોર મની" શબ્દો છૂટથી અને બેરોકટોક વાપરે. જરા આગળ વધે તો માતાને "ઓલ્ડ કાઉ" (બૂઢ્ઢી ગાય) અને પિતાને "ઓલ્ડ મૅન" કહે! પૂર્વ અને પશ્ચિમનો ફર્ક "માતૃદેવો ભવ" અને "ઓલ્ડ કાઉ"નો ફર્ક છે.

પૂર્વ પૂર્વ છે અને પશ્ચિમ પશ્ચિમ છે. આપણે છોકરાં ઉપાડીએ છીએ, પશ્ચિમમાં "પ્રેમ" અથવા પેરામ્બ્યુલેટર અથવા બાબાગાડીનો વપરાશ છે. આપણે શાકભાજી ઉપાડી લાવીએ છીએ, થેલા ઊંચકીએ છીએ, પશ્ચિમમાં કાર્ટ કે ટ્રૉલીમાં ભરીને ખેંચી લાવવાની પ્રથા છે. પશ્ચિમ જ્યાં પણ જરૂર હોય ત્યાં પૈડાંનો ઉપયોગ કરે છે. પાણી ઓળંગવા માટે હોવરક્રાફ્ટ વપરાય છે, ઊતરવા-ચડવા માટે એસ્કેલેટર છે. મશીનને માણસની સગવડ માટે વાપરવામાં આવે છે. ભારતવર્ષ બદલાવામાં માનતું નથી. આટલો મોટો દરિયો છે પણ આપણે સમુદ્રમાર્ગ નામની વસ્તુમાં સમજ્યા નથી. ઈંગ્લિશ ચેનલ પણ હોવરક્રાફ્ટમાં ઓળંગાય છે અને હવે તો ચેનલની નીચેથી ભૂગર્ભ માર્ગ બનાવ્યા છે. લેનિનગ્રાદથી પેત્રોદ્વરિત્ઝ (પીટરનો મહેલ) હાઈડ્રોફ્રોઈલમાં ગયો ત્યારે મને સમજ પડી કે આ કેવું જરૂરી સમુદ્રી વાહન છે. પણ અહીં સરકાર કરી શકવાની નથી અને બીજાને કરવા દેવાની નથી. અને આપણાં હોડકાં શું ખોટાં છે?

ન્યુયૉર્કમાં હેમાંગ પટેલને પૂછ્યું: 'તમારી પાસે નેઈલકટર છે?'

એમણે પૂછ્યું: કયું આપું? હાથનું કે પગનું?

એટલે પગના નખ માટે જુદું હોય છે...હેવી હોય છે! આંગળીઓનું લાઈટ હોય છે - હેમાંગ પટેલે કહ્યું.

પશ્ચિમ દરેક નવી સ્થિતિ માટે નવી વસ્તુ પેદા કરતું રહે છે. વૉશિંગ મશીનમાં સ્નીકર્સ (કૅનવાસના બૂટ) પણ નાખીને ધોઈ નાખે છે અને પગના નખ માટે જુદું નેઈલ કટર પણ બજારમાં મૂકી દે છે. આપણી વાત જુદી છે...આપણે બ્લેડ કે કાતરથી પણ નખ કાપી શકીએ છીએ...

(સમકાલીન: ઓગસ્ટ 1986)

(વિદેશ)

પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (1)

લંડનની એક સભામાં પ્રવચનને અંતે એક શ્રોતા મિત્રે વિવાદ કર્યો: પશ્ચિમનાં ધોરણો પ્રમાણે-

મારાથી પ્રતિપ્રશ્ન થઈ ગયો: પહેલાં આપણે નક્કી કરી લઈએ કે પશ્ચિમી ધોરણ એટલે શું? અને જો એવું કોઈ ધોરણ હોય તો પણ મારે શા માટે એ ધોરણ માનવું જોઈએ?

આપણે ત્યાં અર્ધબુદ્ધિઓ વારંવાર પશ્ચિમની વાતો કરતા રહે છે. કેટલીક વાર એ સાંદર્ભિક હોય છે પણ ઘણી વાર પશ્ચિમી ધોરણ સાથે આપણે કોઈ સંદર્ભ કે સંબંધ હોતો નથી. ઈંગ્લૅંડમાં કે યુરોપમાં કે અમેરિકામાં એમના દેશકાળ, હવામાન, સ્વભાવ-સંસ્કાર પ્રમાણે એમના ગૃહીતો અને સત્યો નક્કી થાય છે. આપણા દેશકાળ, હવામાન, સ્વભાવ-સંસ્કાર પ્રમાણે એમના ગૃહીતો અને સત્યો નક્કી થાય છે. આપણા દેશકાળ, હવામાન, સ્વભાવ-સંસ્કારના જીવનવિધાન એ ગૃહીતો અને સત્યો કદાચ તદ્દન નકામાં અથવા વિપરીત હોઈ શકે છે. આ વાતનું જ્ઞાન અથવા અભિજ્ઞાન ઈંગ્લેંડ-ફ્રાંસ-અમેરિકાના 1986ના જુલાઈ-ઑગસ્ટ પ્રવાસ દરમિયાન થયું! અને જેમ જેમ હું વિચાર કરતો ગયો એમ એમ આ વિષય વધુ રસિક બનતો ગયો...

ઈંગ્લૅંડમાં બી.બી.સી.ના ટેલિવિઝન પર "ધ આફ્રિકન્સ" નામની એક શ્રેણી આવતી હતી. એમાંથી એક અંશ જોવા મળ્યો. મોમ્બાસાના અલી મઝુરી નામના વિદ્વાને આ શ્રેણી પ્રસ્તુત કરી છે. ખૂબ સરસ છે. એમણે આ મુદ્દો ઉઠાવતાં એક વાત કરી: પશ્ચિમ અને આફ્રિકાના અનુભવો જુદા છે, નિષ્કર્ષો જુદા છે. ઈંગ્લેંડમાં વર્ડ્ઝવર્થ અને કોલરીજે કહ્યું હતું કે કવિએ સામાન્ય મનુષ્યની ભાષામાં લખવું જોઈએ! આફ્રિકામાં એમ કહેવાય છે અને મનાય છે કે સામાન્ય મનુષ્યે કવિની ભાષાની ઊંચાઈ પ્રાપ્ત કરવી જોઈએ! આ વાત બે ભિન્ન સંસ્કૃતિઓના વિચારભેદની છે, સંસ્કારભેદની છે. ક્યારેક બે વિચારોમાં પૂર્વ અને પશ્ચિમ જેટલો ફર્ક છે.

આપણાં અને પશ્ચિમનાં ધોરણો જુદાં છે. દર વખતે પશ્ચિમનું ધોરણ આપણે માટે માપદંડ બની શકે નહીં. ભારતના આંગ્લવાદીઓ અને અંગ્રેજી છાપાંઓમાં લખનારા અને ઈંગ્લિશ ટેસ્ટટ્યુબોમાં પેદા થયેલાં ઈંગ્લિશ માનસસંતાનો આ સમજવા માટે મંદબુદ્ધિ છે. એમને માટે જે સ્વાભાવિક કે આવશ્યક હોય એ આપણે માટે પણ હોવું જરૂરી નથી.

પાણી જેવી એક તદ્દન સામાન્ય વસ્તુને લઈએ. આપણા સંસ્કારમાં પાણી અને શરીરને પાંચ હજાર વર્ષોથી સંબંધ છે. મુએં-જો-ડેરો ખોદીને આપણે જોયું કે પાંચ હજાર વર્ષ પહેલાં નગરસંસ્કૃતિ પાસે સ્નાનાગાર હતાં, એક અદભુત ડ્રેઈનેજ સિસ્ટમ હતી જેમાં ગંદું પાણી વહાવીને લઈ જવાની લગભગ યાંત્રિક વ્યવસ્થા હતી. નદી કે કૂવા પર જઈને નાહવું એ આપણા સંસ્કાર છે. શૌચ શબ્દ પણ શુચિ પરથી આવ્યો છે. આપણે આજે પણ રાત્રે ત્રણ વાગ્યે બસ પકડવી હોય તો એક વાગ્યે ઊઠીને નાહીને જ આપણી ગતિવિધિ શરૂ કરીએ છીએ.

ફ્રાંસમાં એક એવી સ્ત્રી જોઈ જેનાં બે ફ્લૅટો પેરિસમાં અને એક દેશમાં (કન્ટ્રી) હતો. આ ખૂબસૂરત સ્ત્રી છ માસથી નાહી ન હતી. ટીપટોપ કહી શકાય એવી આધુનિક સ્ત્રી ટુવાલનો પંજો અથવા હાથમોજા જેવી એક વસ્તુથી સાબુનું ફીણ બનાવીને શરીર ઘસી નાખે અને પછી એ જ પંજાને ગરમ પાણીમાં બોળીને સાબુ સાફ કરી નાખે! ફ્રાંસમાં આ પ્રકારના "સ્નાન"ને "ડુશ" કહે છે. ફ્રેન્ચો ડુશ લેતા હોય છે. શરીરમાંથી વાસ ન આવે એ માટે પરફ્યુમ કે "પારફૂમ" છાંટ્યા કરે! ફ્રેન્ચ પ્રજામાં પરફ્યુમનો અમર્યાદ શોખ છે એની પાછળનું કારણ આ છે! નાહો નહીં એટલે પરફ્યુમ છાંટ છાંટ કરવું પડે. આપણી ઈમ્પૉર્ટેડ વસ્તુઓની શોખીન લલનાઓને કદાચ આ વાતની ખબર નહીં હોય. પેરિસનાં ઘણાં મકાનોમાં બાથરૂમ નથી- લગભગ અડધાં મકાનોમાં અને શનિ-રવિવારે પબ્લિક ડુશમાં લાઈનો લાગે. ભાવ સાડા ત્રણથી ચાર ફ્રૅન્ક (સાડા પાંચથી સાડા છ રૂપિયા) આપવો પડે-

પશ્ચિમમાં પાણી શરીરને ઓછામાં ઓછું અડાડવાનો રિવાજ છે. શૌચ પછી પાણી વપરાતું નથી, પણ ટૉઈલેટ પેપર વપરાય છે (એક ચરોતરી પટલાણી એમના બાબાને લઈને અમેરિકાથી ટૉઈલેટ-પેપરનાં બંડલો ભરીને ભારતવર્ષની ધરતી પર દર બે વર્ષે ઊતરે છે. એમનો અભિપ્રાય "મારા બાબાને ઈન્ડિયન ટૉઈલેટ-પેપર ફાવતા નથી, યુ સી!" પશ્ચિમમાં ક્યાંય જમ્યા પછી પાણી પીવાનો રિવાજ નથી. બ્રિટિશ એરવેઝમાં આ વખતે લંચની ટ્રેમાં મિનરલ વૉટર ફ્રૉમ હાઈલૅન્ડ્ઝ"ની પ્લાસ્ટિક વાટકી પણ મૂકી હતી, કારણ કે પ્લેન મુંબઈ હૉંગકૉંગ જતું હતું અને પ્રવાસીઓ ભારતીય અને ચીના હતા! જમ્યા પછી પાણીથી મોઢું ધોવાતું નથી કે કોગળા કરતો નથી. અર્થ એ કે આપણે જ કરીએ છીએ એનાથી બધું જ ઊંધું એ લોકો કરે છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અંગ્રેજો બસો વર્ષ પહેલાં પણ પાણીથી એટલા ગભરાતા હતા કે એમણે વ્હીસ્કીમાં હિન્દુસ્તાની પાણી નહીં પણ સોડા (એરેટેડ-વૉટરને) નાખીને પીવો શરૂ કર્યો! આજે પણ એમની ક્રિકેટ ટીમો એમના મિનરલ વૉટરની બૉટલો લઈને પૂરું હિન્દુસ્તાન ફરે છે અને અંગ્રેજો પણ આપણને જોઈ જોઈને નહાતાં શીખ્યા - એ પહેલાં એમને ખબર ન હતી કે નિયમિત નાહવું જોઈએ.

પૂર્વ અને પશ્ચિમ શબ્દો પણ ક્યારેક તદ્દન ભ્રામક હોય છે. પાકિસ્તાનમાં એક સવારે મેં એક મિત્રને પૂછ્યું: તમે અહીં કારને રોજ ધોતા નથી? મિત્રે નીચે ઊભેલી મોટરકાર તરફ જોતાં સસ્મિત કહ્યું: અમે અહીં માણસને પણ રોજ ધોતા નથી!....અઠવાડિયે એક વાર ધોઈએ છીએ...!

આ જ રીતે પશ્ચિમમાં પણ પશ્ચિમનાં ધોરણો નથી. અમેરિકાના એક કૅન્ડી સ્ટોરના માલિકે ગોરાઓનાં ધોરણોનો તાત્ત્વિક ભેદ સમજાવ્યો. કોકાકોલા કે પેપ્સી કોલાના એલ્યુમિનિયમનાં ડબલાં મળે છે. આ ડબલાંમાં પણ વૈવિધ્ય હોય છે - કોક, ડાયટ-કોક (જેમાં ચીની ઓછી હોય છે), ક્લાસિક-કોક (એટલે?) વગેરે! આ સિવાય કોક અથવા કોકા-કોલા બોટલમાં પણ મળે છે. અમેરિકામાં પણ જાતિઓમાં કેવા સંસ્કારભેદ છે એ લોકોની આદતોથી સમજાય છે. ધોળિયા (ગૌરવર્ણી) લોકો ખાંડનું પ્રમાણ ઓછું હોય એવા ડાયટ-કોક ડબલામાંથી પીવાનું પસંદ કરે છે, જ્યારે કાળિયા (શ્યામવર્ણ) ખાંડના વધારે પ્રમાણવાળી કોક બોટલમાંથી પીવાનું પસંદ કરે છે! પ્રમાણમાં ગરીબ પણ ગૌરવર્ણ સ્પેનીઆ (હિસ્પેનિક પ્રજા) પાછા કાળિયાની જેમ બોટલો પસંદ કરે છે અને એમને ડાયાબિટીઝની ચિંતા નથી! એશિયન પાકિસ્તાની રોજ નાહતો નથી પણ એશિયન હિન્દુસ્તાની રોજ નાહે છે એ પ્રકારની આ વાત છે. એટલે પશ્ચિમમાં પણ એક જ ધોરણ કે એકવાક્યતા હંમેશાં હોય એવું બનતું નથી.

પશ્ચિમમાં મનુષ્યના શરીરને પાણી ઓછું અડાડવામાં આવે છે એનું એક કારણ એમનું બંધ જીવન અને એમની ઠંડી હશે. આપણે ખુલ્લા તડકાના દેશવાસીઓ છીએ અને પાણી આપણે માટે જીવનસ્રોત છે. પણ આપણી અંગ્રેજિયત એટલી બહેકી ગઈ છે કે ગંગાને સ્વચ્છ કરવા માટે પણ આપણે અંગ્રેજ એક્સપર્ટોને પકડી લાવીએ છીએ. અને જો અંગ્રેજોને નદીઓ શુદ્ધ કરતાં આવડતી હોત તો થેમ્સ નદી આટલી ગંદી ન હોત! મારી જિંદગીમાં મેં થેમ્સ જેવી ગંદી નદી જોઈ નથી. એ ઈંગ્લેન્ડની મોટામાં મોટી નદી છે અને હિન્દુસ્તાનની નાનામાં નાની નદી કરતાં નાની લાગે છે. વરસાદના દિવસોમાં અમારા પાલનપુર પાસે લડબી નદીમાં પણ વધારે પાણી આવતું હતું! પણ અંગ્રેજી ગોરા ચામડાની હજી નવી દિલ્હીની લૉબીઓમાં કિંમત ઊપજે છે...એ માનવું પડશે.

પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો ભેદ મોટો છે. પશ્ચિમના ધોરણો એટલે? આપણે માથામાં તેલ નાખીએ છીએ, કેશગુંફન અને કેશવિન્યાસ કરીએ છીએ, વાળ ઓળીએ છીએ. ફ્રાંસ, ઈંગ્લૅંડ, અમેરિકા, પશ્ચિમના દેશોમાં યુવા પેઢીમાં કોઈ માથામાં તેલ નાખતું નથી. દરેકના વાળ લુખ્ખા, ભુખરા, બરછટ, ચકલીના માળા જેવા, ઊડાઊડ કરતા હોય છે. ટૂંકમાં ભૂત જેવા હોય છે....! વાત ફૅશનની નથી, રિવાજની છે, સંસ્કારની છે.

કદાચ વધારે અને વધારે ફરવાથી હિન્દુસ્તાન વધારે સમજાય છે!

(સમકાલીન : ઓગસ્ટ 1986)

('વિદેશ'માંથી)