April 26, 2013

શબ્દ એટલે...

હર હર મહાદેવમાં હર એટલે શું? હર એટલે શંકર એવો અર્થ જોડણીકોશ આપે છે. શંકર શબ્દ શમ+કરનો બનેલો છે અને શમ એટલે કલ્યાણ. શંકર એટલે કલ્યાણ કરનાર. કૃષ્ણ એટલે આકર્ષણ કરનારો, પોતાના તરફ ખેંચનારો. સીતા શબ્દ સીત પરથી આવે છે, હળના અગ્રભાગને સીત કહેતા હતા. સીતા ધરતીપુત્રી હતી. અર્જુન શબ્દ ઋજુ પરથી આવે છે, સરળ સ્વભાવનો. યુધિષ્ઠિર એટલે જે યુદ્ધમાં સ્થિર હતા. દુર્યોધન એટલે જેને જીતવો મુશ્કેલ છે. દુ:શાસન એટલે જેના પર શાસન કરવું કઠિન છે. દ્રોણ એટલે ડોલ, બાલટી, પાત્ર. હરિ એટલે બધી જ માયાઓનું હરણ કરનારો, દુ:ખદોષોનું હરણ કરનારો, વિનોબાએ શિવનો અર્થ આપ્યો છે: કલ્યાણ, મંગળ. અને પ્રભુ એટલે પ્રભાવશાળી.

વશિષ્ઠ એટલે જેણે ઈન્દ્રિયોને વશમાં રાખી છે. દશરથ દસ ઈન્દ્રિયોરૂપી ઘોડાઓને કાબૂમાં રાખતા હતા. વિશ્વામિત્ર વિશ્વના મિત્ર હતા. કર્ણનો અર્થ કાન છે. અભિમન્યુનો શું અર્થ છે? યજુર્વેદમાં મન્યુ એટલે અન્યાય ન સહન કરનાર ક્રોધ. આ શબ્દાર્થ સાથે અભિમન્યુને સંબંધ હોઈ શકે છે. શાન્તનુ નામ એટલા માટે પડ્યું હતું કે એ અંકુશિત વાસનાઓનું સંતાન હતો. વિદુર એટલે વધારે જાણનાર અથવા જ્ઞાની. વ્યાસનો અર્થ થાય છે, સંયોજન કે ગોઠવનાર. કેશવને કાકા કાલેકકરે આ રીતે સમજાવ્યું છે: 'ક' એટલે પાણી, 'કે' એટલે પાણીમાં પડેલું અને શવ એટલે લાશ. પ્રલય સમયે શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં શવની જેમ નિશ્ચેતન સૂતા છે એ પરથી કેશવનો અર્થ કરવામાં આવ્યો છે.

પુરુષ શબ્દની વ્યુત્પત્તિ શું છે? જે પ્રાણી શરીરરૂપી પુર કે નગરમાં રહે છે અથવા આવેશને સહન કરે છે એ પુરુષ કહેવાય છે. સૂર્ય શું છે? સરતિ આકાશે ઈતિ સૂર્ય: જે આકાશમાં સરે છે, સરકે છે એ સૂર્ય છે. પૃથ્વી શબ્દ પૃથુ પરથી આવ્યો છે. પૃથુ એટલે વિશાળ, વિસ્તીર્ણ. પ્રાર્થના એટલે ઈશ્વર પાસે પહોંચવાની ઈચ્છા એવો અર્થ વિનોબાએ કર્યો છે. ઉપવાસનો અર્થ સ્પષ્ટ છે, વાસ એટલે રહેવું. ઈશ્વરની પાસે રહેવું એવું અર્થઘટન થયું છે. મંદિરનો અર્થ પ્રમુખસ્વામીના મર્મઘટન પ્રમાણે સ્થિર મન. જે મનને સ્થિર કરે છે એ મંદિર. ભક્તિ શબ્દ સેંકડો વાર આપણે વાપરીએ છીએ પણ એનો અર્થ પંડિત કે. કા. શાસ્ત્રીના પુસ્તકમાં મળ્યો. ભક્તિ એટલે એક જ વસ્તુને આશરે જઈને રહેવું.

દરેક શબ્દની પાછળ એક કારણ હોય છે અને કારણ કે હેતુ, મૂળ કે ધાતુ શોધવી એ વ્યુત્પત્તિનું કામ છે. ઘણી વાર એ મળી જવાથી એ સમયના સમાજશાસ્ત્રથી ઈતિહાસ સુધીની ઘણી માહિતી મળી શકે છે અને આપણે શું બોલીએ કે લખીએ છીએ એ વિષે સ્પષ્ટતા થઈ જાય છે. પણ વ્યુત્પત્તિ વિષે એક પણ પુસ્તક ગુજરાતીમાં જોવામાં આવ્યું નથી એટલે ખોદીખોદીને એકએક શબ્દની ઉત્પત્તિ શોધવી પડે છે. ગુજરાતની સાહિત્ય અકાદમી, કલાસંસ્કૃતિના રખેવાળો, વિશ્વવિદ્યાલયો, ગુજરાતીના અધ્યાપકો ગમે તે આ કામ શરૂ કરી શકે છે કારણ કે ગુજરાતી શબ્દનું ગોત્ર શોધવાની પ્રવૃત્તિ માટે લાઈસન્સ લેવાની જરૂર નથી. માણસ ઘરમાં બેસીને પણ એ કાર્ય શરૂ કરી શકે છે. જરૂર છે માત્ર કાર્યાર્થીઓની.

ડૉ. આંબેડકરે આર્ય શબ્દ વિષે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટતા આપી હતી. બે શબ્દો છે: અર્ય અને આર્ય. એમના વિધાન પ્રમાણે અર્ય શબ્દ ઋગ્વેદમાં 88 વાર વપરાયો છે, જ્યારે આર્ય શબ્દ 31 વાર વપરાયો છે. પણ આ શબ્દ જાતિના અર્થમાં વપરાયો નથી, અર્ય કે આર્ય એક પણ નહીં. આ પ્રકારનાં આશ્ચર્યો શબ્દશોધકોને સતત મળતાં રહે છે. કુરઆનમાં ખુદા શબ્દ ક્યાંય વપરાયો નથી જેનું મુસ્લિમોને કદાચ આશ્ચર્ય થઈ શકે છે પણ ભાષાશાસ્ત્રી માટે એ રહસ્ય નથી. કુરઆન અરબી ભાષામાં છે, અને અરબી શબ્દ અલ્લાહ છે. ખુદા એ ફારસી શબ્દ છે માટે કુરઆનમાં નથી. આ જ રીતે એક વાત ઉમાશંકર જોષીએ એમના શાકુન્તલના અનુવાદની પ્રસ્તાવનામાં નોંધી છે. કાલિદાસે પૂરા શાકુન્તલમાં પ્રેમ શબ્દ વાપર્યો નથી. આ શબ્દ આપણે ત્યાં યુરોપીય અસર નીચે આવ્યો છે. કાલિદાસે દુષ્યન્ત અને શકુંતલાના સંબંધ માટે જુદા જુદા શબ્દો વાપર્યા છે: અભિલાષ, મન્મથ, રતિ, અભિનિવેષ, અનુરાગ, મનોરથ આદિ. ઓશો રજનીશ માને છે કે લવ શબ્દ સંસ્કૃત લુભ (લોભ) પરથી આવ્યો છે (લવમાં કેટલા ટકા લોભ હોય છે?).

શૃંગારમાં શૃં એટલે શિખર અને ગાર એટલે ચડવું, અર્થ ઉન્નત શિખર પર ચડવું એવો થાય છે. શ્રદ્ધાથી થતી વસ્તુ શ્રાદ્ધ કહેવાય છે. રામનો અર્થ બધાના હૃદયમાં રમનારો એવો અર્થ વિનોબાએ કર્યો છે. માનદ એટલે? માનદ એટલે જે બીજાને માન આપે છે એ! એનો વિરોધી શબ્દ પણ વિષ્ણુસહસ્ત્રનામમાં છે, અમાની, અને એનો અર્થ થાય છે જે પોતાને માટે માન માગતો નથી! (ગુજરાતી ભાષામાં આ શબ્દ સજીવન કરવો જોઈએ!) નારાયણનો અર્થ નરસમૂહ કરવામાં આવ્યો છે. નર અને દોરી જનારો અથવા નેતા. નેતા શબ્દ ઉપનિષદમાં સમજાવ્યો છે. અશિત એટલે ખાધેલો ખોરાક અને એને લઈ જનાર કે દોરી જનાર એ પાણી છે જેને માટે અશનાયા શબ્દ વપરાયો છે. પાણી એ ખોરાકનો નેતા છે. અશન એટલે ભક્ષણ, અશના એટલે ભૂખ. હવે એકાસણુંથી અનશન સુધીના શબ્દો ખૂલી જાય છે. દેવ શબ્દ દિવ એટલે પ્રકાશવું પરથી આવે છે. દાનવો અને દૈત્યો વિષે વ્યુત્પત્તિ જરા જુદી છે. દિતિના સંતાનો દૈત્ય કહેવાયાં અને દનુનાં સંતાનો દાનવ કહેવાયાં. મૃતકના અગ્નિદાહ વિષે એક વાત વાંચી હતી. હિંદુ શરીરનું દહન થાય છે, અને એની રક્ષા (જેના પરથી રાખ શબ્દ આવે છે) થાય છે! આ શબ્દ વિદ્વાનોનું થોડું વિશ્લેષણ માગી લે છે. ચિતા પરથી ચૈત્ય આવે છે, સ્થૂળ અર્થમાં જે ચાર દીવાલોથી ઘેરાયેલું છે એ ચૈત્ય છે, જે ખુલ્લામાં છે એ સ્તુપ છે.

કેટલાક શબ્દો આપણે વારંવાર વાપરતા હોઈએ છીએ પણ મૂળ ધાતુની સમજ પડે છે ત્યારે કંઈક નવો બૌદ્ધિક પ્રકાશ થઈ જાય છે. વેદમાં યુદ્ધને માટે એક શબ્દપ્રયોગ છે: મમ સત્યમ (હું કહું છું એ જ સાચું છે!). પ્રારબ્ધમનો શાબ્દિક અર્થ નસીબ થતો નથી પણ શરૂ કરેલું એવો થાય છે! કલા શબ્દની વ્યાખ્યા શુક્રનીતિમાં જરા વિચિત્ર આપી છે: મૂંગો માણસ પણ જેમાં ફાવી શકે છે એ કલા છે. નમ્રનો અર્થ નીચો નમેલો એવો કરવામાં આવ્યો છે. ક્ષિતિજ શબ્દ વધારે સારી રીતે સમજાશે જો એટલી ખબર હોય કે ક્ષિતિ એટલે પૃથ્વી. અને વામા એટલે પુરુષની ડાબી તરફ બેઠેલી એટલે કે સ્ત્રી એવું આપણે સમજતા હતા. કેશવ હર્ષદ ધ્રુવે ગીતગોવિંદના અનુવાદમાં વામાનો જુદો અર્થ આપ્યો છે: પતિથી રિસાયેલી સ્ત્રી! પ્રેમકુમારો માટે બીજા બેત્રણ શબ્દો: વિલોલ એટલે ચુંબન કરવા માટે આતુર. લલના એટલે આનંદ આપનારી સ્ત્રી. અરસપરસમાં પરસ એટલે અંગનો સ્પર્શ, આલિંગન (અને આલિંગન એટલે જેમાં લિંગને લિંગ સ્પર્શ કરે એ)... અને શૈવોએ ઈશ્વરને 'આત્મલિંગ' નામ આપ્યું છે. 

ઈતિ. પણ અરસ એટલે?

ક્લોઝ અપ: 
શપ્યતે આહૂયતે વસ્તુ અનેન ઈતિ શબ્દ:
                                                            - શ્રી વિનયવિજય ઉપાધ્યાય: નયદર્શન: પૃષ્ઠ 64) 

અર્થ: જેનાથી વસ્તુ બોલાય છે એ શબ્દ છે. 

(અભિયાન: ફેબ્રુઆરી 1, 1993)

(પુસ્તક: ધર્મ અને દર્શન)

1 comment: