September 12, 2014

તારું શહેર મારું શહેર - 1970માં બક્ષીબાબુએ લખેલી કવિતા

1970ના દશકના આરંભમાં બક્ષીબાબુએ એક કવિતા લખી હતી. 'તારું શહેર મારું શહેર' જે 'કવિતા'માં પ્રકટ થઈ હતી.

મુંબઈ-

રાતે ખોવાઈ જતા તારાઓ અને ઑફિસ ટાઈમે આવતી દરિયાની ભરતી
દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની.
અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
હવે લોહી નીકળતું નથી, લેસ્બીઅનોના વિશ્વમાં 
ઓમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમ દેશમાં
રાતો વપરાતી નથી અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે

કોંક્રીટ ચાવતા મશીનો અને 
અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
કૅસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે-
હાડકાંઓના અક્ષાંસ-રેખાંશ માપતા સફળ માણસો
તમારા ઍરકન્ડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ?

નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો
ઈમ્પોર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમીઅમ-પ્લેટેડ પ્રેમ
ચુંબનોનો પુનર્જન્મ, શૅરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ
સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં
રેડિયો કંપનીના નીઓન વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
ખુલ્લા સ્મશાન પર અને ઝોંપડપટ્ટીના દેશ પર
જે ફિયેટની દરવાજાની બહાર શરૂ થાય છે.

આજે આ શહેર મારું છે
કાગડાના માળામાં હું પણ ઈંડાં મૂકતાં શીખી ગયો છું
હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે
મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી
કારણ કે ટી.વી.ની સ્ક્રીન પર મેં મારો ચહેરો જોઈ લીધો છે
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું
ઉપરની રેસમાં 
હું છેલ્લો છું અને... મારી આગળ કોઈ નથી.

(સ્ટૉપર: પૃ.18-20)

No comments:

Post a Comment