મેં 1978માં મેં આ કવિતા લખી હતી જે 'ગુજરાત મિત્ર' (સુરત)માં પ્રકટ થઈ હતી.
સોમવારની સવારે ડુમસના બીચ પર
રાત્રે દરિયો ડૂબી ગયો ક્ષિતિજની પાછળ
ખાબોચિયાં ચમક્યાં સૂરજના તડકામાં
સફેદ પક્ષીઓ અને કાળા માણસો
ફૉસ્ફરસ ચમકવાળી માછલી શોધી રહ્યા છે
કોઈએ ભીની રેતીમાં સાપનું માથું છૂંદી નાખ્યું છે
મરેલો સાપ પણ ખૂબસૂરત લાગે છે
સાંજે હજીરાની દીવાદાંડી પર ફરતી બત્તી
સફેદ થઈ રહેલા આકાશમાં ચમકતી નથી
બીચ પર કોઈ નથી
ફક્ત એક ગાંડો માણસ કાલનું છાપું વાંચી રહ્યો છે
જેમાં બાળકોએ ભૂસું ખાધું હતું
રવિવારની ચાંદનીમાં
લંગરના પાણીવાળી સ્ત્રી હજી આવી નથી
ઊંટવાળો પણ સૂઈ ગયો હશે
એનાં બંને ઊંટો સાથે
કાળીધોળી બકરીઓ ચરવા નીકળી ગઈ છે
તરોફાની કાચલીઓ, જાંબુના ઠળિયા, ચીકુનાં છીલકાં
આંબળાં, પાકી આંબલી, કાચી કેરીની ગોટલીઓ
'ગુજરાત મિત્ર'ની રવિવારની પૂર્તિ-
બકરીઓને મજા પડી ગઈ છે
ગઈ કાલના વેસ્પા અને રૉયલ એનફિલ્ડ
અને માર્ક-થ્રીનાં થરથરતાં શરીરો આજે નથી
આજે કાંટાદાર ડાંખળા કાળી રેતી પર પડ્યાં છે
જે ગઈ કાલે ગજી-સિલ્ક અને અમેરિકન જ્યોર્જેટ
અને રિપલની સાડીઓને પકડતાં હતાં
આજે બદબૂદાર મોઢાવાળો બકરો
નસકોરાં ફુલાવીને પણ એમને સૂંઘતો નથી
સોમવારની સવાર
સુલતાનાબાદ, સુલતાનાબાદ
7-45ની બસ ભીમપોરથી લંગર આવે છે
ફરીથી નાનપુરાની ક્ષિતિજ, ફરીથી ભાગળનો દરિયો
ફરીથી સફેદ પક્ષીઓ અને કાળા માણસો
ફરીથી ફૉસ્ફરસ ચમકવાળી માછલીની શોધ...
(સ્ટૉપર: 37-38)
No comments:
Post a Comment