September 12, 2014

ઍટમબૉમ્બ : એક કાવ્ય

રાજસ્થાનના પોખરણમાં મે 18, 1974ના દિવસે હિન્દુસ્તાનના પ્રથમ 'ઍટમબૉમ્બ' (એટૉમિક 'ઈમ્પ્લોઝન') વિસ્ફોટ પછી મેં એક કવિતા લખી હતી. એ કવિતા:

શાંત જંગલોમાં
ખોવાયેલી સરસ્વતીને કિનારે
વેદના મંત્રોચ્ચારો થતા હતા
અહિંસા પરમો ધર્મની, ધરતી પર
આજે વિસ્ફોટનું સંગીત છે
વરુણદેવ!
પ્લુટોનિયમનો 
ફોલ-આઉટ નહીં થાય
હું ધરતીકંપની 
રમત રમું છું, ફક્ત-
મેં પાતાળ ફાડવાનો
પહેલો પ્રયોગ કર્યો છે
હવે હું ભૂગોળ બદલતાં
શીખી ગયો છું.
સદીઓનો અપમાનબોધ
મેં દાટી દીધો છે,
રાજસ્થાનના નવા ડુંગર નીચે
હું અગ્નિપૂજક હતો,
પાંચ હજાર વર્ષોથી
પૈદા થતો રહ્યો છું
ધોળી જાતિઓ! પીળી જાતિઓ!
શ્વેત જાતિઓ! પ્રેત જાતિઓ!
ગુલામીના ચાબુકથી હું
વિજ્ઞાનના વ્યાકરણ
સુધી આવ્યો છું
લાતોનો ઈતિહાસ ઓળંગીને
બોલન અને ખૈબરના
દર્રાઓ રૌંદનારાઓ!
મારા રક્ષક પિતૃઓ અને
આવતી કાલનાં ફરજંદો!
સવારે અમે કરાલની
મહાક્ષણ જોઈ હતી-
સર્જન અને પ્રનાશના તાંડવમાં
પરમાણુના પેટમાં,
દસ હજાર સૂર્યોના પ્રકાશમાં
કલિયુગના વિશ્વરૂપ દર્શનયોગમાં
હે નટરાજ! કાળા માણસો
પૃથ્વીને કેવી હસાવી શકે છે!
હવે
સુજલામ સુફલામના
ઘાયલ દિવસો નથી
હવે,
પૂરબ પશ્ચિમ આસે,
તવ સિંહાસન પાસે
દુશ્મનની ઔલાદો!
મારો શક્તિયુગ
શરૂ થઈ ચૂક્યો છે.

(સ્ટૉપર: પૃ.120-121)

No comments:

Post a Comment