September 12, 2014

બક્ષીજીની ચાર નવલકથાઓમાંથી શરાબ અંગેના વર્ણનો, સંવાદો

બક્ષીજીની કેટલીક નવલકથાઓમાંથી શરાબ અંગેના વર્ણનો, સંવાદો:

[1] દિશા-તરંગ:
હું બ્રાન્ડી સાથે જ રાખું છું અને એમાં કંઈ જ નાખતો નથી... ઓગાળેલી વીજળી પીતા હો એવી મજા આવે છે (પૃ. 119)

[2] હથેળી પર બાદબાકી:

પેટમાં વ્હિસ્કીના બે પેગ ગયા પછી દરેક માણસની ચામડીનો રંગ એક જ બની જાય છે! (પૃ. 54) 

[3] લીલી નસોમાં પાનખર:

ખૂણાના ટેબલ પર બોટલો ગોઠવેલી હતી : રેમી માર્ટીન કોન્યેક, બેલ્સ ઓલ્ડ સ્કોચ વ્હીસ્કી, ગાર્ડન્સ ડ્રાય જીન ! બ્લ્યુ મખમલના બટવામાંથી કાઢીને મૂકેલી રોયલ સેલ્યૂટની એક બોટલ પણ હતી. જે ગમે તે સ્વયં લઈ લેવાનું હતું. 

'તમે કાંઈ લેતાં નથી, કામનાબહેન?' મામીએ નવો પરિચય થયેલી કામનાને પૂછ્યું. મામીના હાથમાં 'માઈલ્ડ સેવન' સિગારેટ જલી રહી હતી.

'મને આમાં કંઈ સમજ પણ પડતી નથી....અને ઈચ્છા પણ થતી નથી.'

'આમાં સમજીને શરૂ કરવા જેવું નથી.' મામી હસ્યાં, 'શરૂ કરશો એટલે બધું સમજાઈ જશે. ચાલો મારી સાથે...હું તમને કંઈક માઈલ્ડ જ આપીશ.'

મામી કામનાને ટેબલ પાસે લઈ ગયાં. કામના આકર્ષક રંગબેરંગી વિવિધ આકારોની બોટલો જોતી રહી.

'તમે વાઈનથી શરૂઆત કરો... આ સ્પેનીશ વાઈન છે - વાંચો રીઓજા લાઈટ રેડ વાઈન!'

કામના લેબલ વાંચતી ગઈ. સ્પેનીશમાં લખ્યું હતું: હેરેદેરોસ દેલ માર્કવેસ દ રીસ્કાલ ! એ હસી ગઈ, 'આ તો રાસ્કલ જેવું વંચાય છે !'

મામીએ જ્ઞાની અવાજે સસ્મિત કહ્યું, 'બહુ માઈલ્ડ છે, કામનાબહેન ! પીધા પછી પણ સ્પેલિંગ એ જ વંચાશે-' (પૃ.33) 

---------------------------------------------------------------------------------------

ખાલી ગ્લાસ પિવડાવનારને ગળી જાય અને ભરેલો ગ્લાસ પીનારને ! (પૃ. 97) 

---------------------------------------------------------------------------------------

ક્લબમાં શરાબની, પૈસાની, છોકરીઓની વાતો થતી. માણસ હોશ ખોઈ નાંખે ત્યાં સુધી! અને ઘણાખરા જૂના પિયક્કડો હતા, જીભ લથડી જાય તો પણ સત્યને છુપાવી શકે એવા ઉસ્તાદ હતા. (પૃ. 127) 

---------------------------------------------------------------------------------------

હાથમાં વ્હિસ્કીનો ગ્લાસ લઈને માણસ અસત્ય નથી બોલી શકતો. (પૃ. 167) 


[4] મારું નામ, તારું નામ:

"બે એકલા માણસો વચ્ચે ડ્રિંક્સથી વધીને કોઈ બ્રિજ હોય છે?" તેજ જોતો રહ્યો.

"હોય છે! બિલકુલ હોય છે." વાગ્દેવીનો સ્વર ગંભીર થતો ગયો, "સંતાનો, ધર્મ, પૈસા, દરિયાકિનારે ફરવું, પહાડોમાં રખડવું..." પછી વાગ્દેવી મુસ્કુરાઈ, "કોઈની નિંદા કરવી. ગૉસિપ. વેલ, તારા વિષે મારા વિષે વાતો કરવાની કેવી મજા આવતી હશે?"  (પૃ. 6)

---------------------------------------------------------------------------------------


બિલે રેડ વાઈન મંગાવ્યો. "તું વાઈન પીશે? કે લિક્યોર?" બિલે પૂછ્યું.

"પીતી નથી, પણ...આજે લિક્યોર પણ પીશ !" બનાસ જરા મસ્તીમાં આવી ગઈ હતી. આ પ્રકારની સ્પષ્ટ ભાષા એણે સાંભળી ન હતી.

બિલે કોન્ત્રુ લિક્યોર મંગાવ્યો. બનાસે નાના ક્રિસ્ટલના ગ્લાસમાંથી એક ઘૂંટ લીધો, મજા આવી ગઈ.

"કેમ લાગે છે?" બિલે પૂછ્યું.

"સરસ લાગે છે !" બનાસે કહ્યું. "આ ખરેખર ખાનદાન ડ્રિંક છે. તમને ગબડાવી નાખતું નથી !"

બિલ હસવા લાગ્યો. પછી બોલ્યો, "ઈટ ડીપેન્ડ્ઝ !"

"એટલે?"

"એટલે શું?" બિલ ખડખડાટ હસી ગયો, "ડ્રિંક્સનું પરિણામ તો એક જ આવે છે... અંતે પથારીમાં ગબડવાનું છે ! જો સમજીને પીઓ છો તો તમારામાં એ વિવેકબુદ્ધિ રહે છે કે ક્યાં ગબડવું? તમારી પથારીમાં કે બીજાની?"

બનાસનું સ્મિત જરા ખૂલતું ગયું. એ બોલી, "ચાલ, તું જલ્દી ખતમ કર !" બિલના લિક્યોરના નાના ક્રિસ્ટલ ગ્લાસ તરફ જોઈને બનાસે કહ્યું, "મારા લિક્યોરની તારા પર આટલી બધી અસર થઈ જશે એ મને ખબર નહીં.... ! પીઉ છું હું અને ચડી રહ્યો છે તને !"

બંને ઊઠીને રેસ્તોરાંની બહાર નીકળ્યાં.  (પૃ. 139)

No comments:

Post a Comment