નવલકથા લખવાની મને હમેશાં મજા આવી છે. માટે જ મારાં ચોપન પુસ્તકોમાં એકવીસ નવલકથાઓ છે. પહેલાં વાર્તાઓ લખવાની મજા આવતી હતી. સવા બસો-અઢીસો જેટલી લખી. 1951થી આજ સુધીમાં - દેશભરની ભાષાઓમાં છપાઈ. પછી નેપાલી, ઉર્દૂ, પૂર્વ યુરોપની ભાષાઓમાં છપાઈ. ગમ્યું. અને ગુજરાત સરકારે કેસ ઠોકી દીધો એટલે મેં વાર્તા લખવી બંધ કરી દીધી. એમાં પૈસા મળતા નથી, સરકાર ઈનામો પણ આપતી નથી. વાચકો વાંચીને ભૂલી જાય છે અને સરકાર પુલિસ કેસ કરીને ભૂલી જાય છે...અંતે એમાં ખુવાર થવાનું છે.
ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા મરી ગઈ છે એનું હવે દુ:ખ રહ્યું નથી.
નવલકથા જુદી વસ્તુ છે. વાચકોએ જબરદસ્ત પ્રેમ કર્યો છે. પ્રકાશક ખુશ છે, તંત્રી ખુશ છે, હું પણ ખુશ છું. હું ધારાવાહિક નવલકથાઓનો લેખક છું. મારી છેલ્લી તેર નવલકથાઓ ધારાવાહિક છપાઈ છે. દર રવિવારે લગભગ 3 લાખ પરિવારોમાં પહોંચતું સમાચારપત્ર અંદાજે 30 લાખ વાચકો સુધી પહોંચે છે, એટલે કે દર રવિવારે મારી નવલકથા જગતના દસ ટકા ગુજરાતીઓ સુધી પહોંચી શકે છે.
'લીલી નસોમાં પાનખર' છપાઈ રહી હતી ત્યારે 25 માર્ચ 1984ના રવિવારના અંકમાં 20મા પ્રકરણની સાથે 19મું પણ ફરીથી બીજી વાર પૂરું છાપવું પડ્યું કારણ કે અમદાવાદમાં ફેરિયાઓની હડતાળ પડવાથી ગુજરાતના વાચકોને એ હફ્તો મળ્યો ન હતો! કોઈ પણ વર્તમાનપત્રને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ રવિવારે એક આખું પાનું ભરીને જાહેરખબરો ન છાપવી પોષાય નહીં...પણ ગુજરાતી નવલકથાના પ્રકરણ માટે હજારો રૂપિયાની જાહેર ખબરો ખસેડાય છે એ વસ્તુની નોંધ લેવી જોઈએ!
ગુજરાતી નવલકથાના ઈતિહાસમાં આ ઘટના કદાચ પહેલી વાર બની છે.
વાચકો વિના કોઈ નવલકથા હોતી નથી. આજે ગુજરાતી નવલકથાકારોમાં સરસ મજા પડે એવું ગંભીર લખનારા નવલકથાકારો ઓછા છે. ઘણાખરા શેઠાશ્રયી, સરકારાશ્રયી, પરિષદાશ્રયી, પ્રતિષ્ઠાનાશ્રયી નવલકથાકારો છે. ખોખલા છે અંદરથી. જ્યારે ગુજરાતીના તથાકથિત મહાન નવલકથાકારોનો વિચાર કરું છું ત્યારે મને 'પંચ'માં જોયેલું એક કાર્ટુન રહી રહીને યાદ આવ્યા કરે છે: એક મંચ પર આઠ લગભગ નગ્ન 'કેન-કેન' નર્તકીઓ પગ ઉછાળીને એક કતારમાં નાચતી હતી. એક નગ્નિકા બીજી નગ્નિકાને પૂછે છે: તને એવી 'હોરીબલ ફીલિંગ' થતી નથી કે કોઈ તારી સામે જોતું નથી?...લોકો જેમને વાંચતા નથી એ મહાન ઈનામવિજેતા નવલકથાકારોની 'હોરીબલ ફીલિંગ' હું સમજી શકું છું! તમે નાગા થઈને પગ ઉછાળવા માંડો માટે જ દર્શક તમને જુએ એવું બનતું નથી...નવલકથામાં ખાસ !
લેખક નવલકથાનો પાઈલટ છે, વાચક એનો નેવીગેટર છે. નેવીગેટરના ખોળામાં પૂરા આસમાનનો નક્શો ખુલ્લો પડ્યો છે. એક ચાલક છે, બીજો માર્ગદર્શક છે, રહનુમા છે. વાચક લઈ જાય છે એ ઊંચાઈએ કથાકાર પહોંચી શકે છે. કોકપીટમાં એ પણ તમારી સાથે બેઠો છે, એનું મુકદ્દર પણ તમારી સાથે જોડાયેલું છે. નવલકથા અંશત: વાચકની કલાવિદ્યા છે...
કવિ પોતાના રોદણાં રડી શકે છે એકલો એકલો. સેક્સની ભાષામાં કહીએ તો રતિ કર્યા કરે, ક્રીડા ન કરે, અથવા ન કરી શકે. એક આખી પ્રજાની વેદનાને વાચા આપનારો ગુજરાતી કવિ આવતી પેઢીમાં કદાચ પૈદા થશે. ગુજરાતી કવિને ત્રણ કરોડ ગુજરાતી પ્રજાના સુખદુ:ખ સાથે એવો કયો સંબંધ છે?
નવલકથા જુદી વસ્તુ છે. એ મર્દાઈનો ખેલ છે. નવલકથાકાર ફૂલને પીંછીથી રંગી શકે છે, ફૂલનો અર્ક ટપકાવી શકે છે, ફૂલનો એક્સ-રે લઈ શકે છે, ફૂલને બાળીને એમાંથી અત્તર કાઢી શકે છે, અને ફૂલને સ્પર્શની પણ હિંસા કર્યા વિના એને સૂંઘી પણ શકે છે. એ ગરૂડની જેમ એક પગ પર એકલો ઊભો રહી શકે છે, એ વાંદરાની હથેળીની રેખાઓ જોઈને ભવિષ્ય કહી શકે છે, એ વિલમ્બિત તીન તાલમાં હસી શકે છે, એ શ્વાસ અને વિશ્વાસના 'નો મૅન્સ લૅન્ડ'માં જાગતો રહી શકે છે, એ શબ્દોના લેન્સ બદલીને મંથરાની આંખે રામાયણ જોઈ શકે છે, એ ઘાસની કૂંપળને ફૂટતી સાંભળી શકે છે, એ બૂઝાતી આંખોમાંથી છટકી જતી જિંદગીને બંધ આંખોમાં કેદ કરી શકે છે! દરેક વ્યક્તિના શરીરમાં એક 'સિમ્પેથેટિક નર્વસ સિસ્ટીમ' હોય છે પણ નવલકથાકારની સિમ્પેથેટિક નર્વ્ઝ વધારે આર્દ્ર હોય છે. કારણ કે અન્ય કલાકારો કરતાં નવલકથાનો લેખક જીવાતા જીવનની વધુ નિકટ હોય છે...એને રહેવું જ પડે છે, જીવનને જોવું, અનુભવવું, સહન કરવું પડે છે, જીવનની વાર્તા કહેતાં શીખવું પડે છે.
ગુજરાતી નવલકથા અ-બ્રાહ્મણ રહી છે, જ્યારે કવિતા પર બ્રાહ્મણોનો કબજો રહ્યો છે. અને માટે જ એક અત્યંત વલ્ગર વિધાન ગુજરાતી ભાષામાં કરવામાં આવે છે: વાર્તા કવિતાની ઊંચાઈએ પહોંચી છે! કુમારના ચંદ્રકોથી સાહિત્ય અકાદમીની સોગાદો સુધી જુઓ - ડઝનો ઈનામો અકરામો અપાય છે. એમાં કવિઓ કેટલા બધા છે? કવિતાઓમાંથી વટલાઈને નવલકથાકાર બનેલા કેટલા છે? અને માત્ર નવલકથાનું ત્રિશૂળ ઉપાડીને બલિ થઈ ગયેલા નવલકથાકારો કેટલા છે? પંદરમી સદીના યુરોપીય જીવનમાં કેથલિક ધર્મગુરુઓ જે રીતે મનમાની કરતા હતા એમ જ ગુજરાતી સાહિત્યમાં નબળા કવિઓ ઘણાખરા લાભ ઉઠાવી ગયા છે. નવલકથાની એક સશક્ત કલાસ્વરૂપ તરીકે ગુજરાતનાં પ્રતિષ્ઠાનોએ ક્યારેય ઈજ્જત કરી નથી. નવલકથાને એક શૂદ્ર પ્રવૃત્તિ તરીકે જોવામાં આવી છે પણ નવલકથા એના ધર્મ પ્રમાણે આખા સાહિત્યનું સમુદ્રતલ ફાડીને, 35000 ફીટના મહાસાગરની જલરાશિ ચીરીને, જ્વાલામુખીની જેમ પાણીની સતહ ઉપર આવીને ફાટે છે અને આગ ફેંકી શકે છે...સૂર્યની દિશામાં!
ગુજરાતી નવલકથાને ગુજરાતી પ્રજાએ છાતીથી લગાવી છે. હિંદી કે બંગાળીમાં ધારાવાહિક નવલકથા આ હદે સફળ થઈ શકી નથી! છે, પણ ગુજરાતી જેવી નહીં. મરાઠીમાં ધારાવાહિક નવલ નથી. દક્ષિણની મલયાલમ, તામિલ, કન્નડામાં છે. કદાચ ગુજરાતીમાં ધારાવાહિક નવલ સૌથી સફળ પ્રકાર છે. સાપ્તાહિક રવિવારની દરેક પૂર્તિ ધારાવાહિક છાપે છે. મારા અંદાજ પ્રમાણે આપણી એક ડઝન રવિવારીય પૂર્તિઓ અને અડધો ડઝન સાપ્તાહિકના નવલકથાકારો ભૂજથી મુંબઈ સુધી દર સપ્તાહે દોઢથી બે કરોડ ગુજરાતી વાચકો સુધી પહોંચે છે! સાહિત્યની દુનિયામાં આનાથી વધુ સફળ, સશક્ત અને લોકપ્રિય સાહિત્યપ્રકાર બીજો કયો છે?
પણ બુદ્ધિજીવી પ્રોફેસરો અને દુર્બુદ્ધિજીવી વિવેચકોને આ વાતની હજી સુધી ખબર પડી નથી!
નવલકથા બે પ્રકારની લખાતી હોય છે. એક જે લોકો વાંચે છે, અને બીજી જે લોકો નથી વાંચતા. લોકો એટલે? ગુજરાતી ભાષાનાં અડધો ડઝન સાપ્તાહિકો અને એક ડઝન છાપાં ખરીદીને વાંચતા ગુજરાતીઓ! લોકો એટલે જેમણે મને 1951થી 1984 સુધી એકવીસ નવલકથાઓ સુધી જીવતો રાખ્યો છે એ ત્રણ ગુજરાતી ભાષી પેઢીઓ! લોકો એટલે પર્સમાં પૈસા લઈને શાક લેવા જતી મધ્યવર્ગીય ગૃહિણી, જે મનપસંદ વાચનસામગ્રી ખરીદી શકે છે, જે બપોરે સૂતી સૂતી વાંચી શકે છે! લોકો એટલે એ ગુજરાતી માતા અને પત્ની અને એનો પરિવાર...! લોકો એટલે વિવેચનો નથી વાંચતા એ લોકો!
દરેક નવા વાચકની સાથે લેખકનો પણ પુનર્જન્મ થતો હોય છે.
1954-55માં હું મારી પ્રથમ નવલકથા 'પડઘા ડૂબી ગયા' શરૂ કરતો હતો, 1984માં મેં મારી એકવીસમી નવલકથા 'લીલી નસોમાં પાનખર' પૂરી કરી છે. મેં લખવું શરૂ કર્યું ત્યારે કનૈયાલાલ મુનશી હતા, રમણલાલ દેસાઈ હતા, ધૂમકેતુ હતા. ત્રીસ વર્ષ પહેલાં એમની રિયાસત હતી. પછી ઘણાં નામો આવ્યાં, આવતાં ગયાં. ચુનીલાલ મડિયા અને પન્નાલાલ પટેલની જાનપદી કથાઓ આવી, બીજા આવ્યા, અમે આવ્યા, અમારા પછી બીજા આવ્યા, મુઘલ દરબારમાં નવાજેશ થતી હતી એમ ઘણાને સિર-ઓ-પા (શિરપાવ) આપીને લાદી દેવામાં આવ્યા અને એ નવલકથાકારો એમાં જ દફન થઈ ગયા. ગુજરાતી નવલકથા ફિનીક્સ પક્ષીની જેમ પોતાની જેમ જ ખાકમાંથી જન્મીને ઊઠતી રહી. નવલકથામાં એ જ જીવ્યા જેમને લોકોએ સ્વીકાર્યા. નવલકથાકાર સરકારને ખોળે બેસવાથી જીવતો રહી શકતો નથી. એ જિંદગીભર 'ફેરેક્સ બેબી'ની જેમ જીવી શકે નહીં, સિંહના બચ્ચાની જેમ એણે પોતાનો શિકાર શોધવા નીકળવું પડે છે, પોતાના જખમ પોતે ચાટતા રહેવું પડે છે. નવલકથાકાર સરકારી રાજ્યસભાનો માણસ નથી, એ લોકોની લોકસભાનો પ્રતિનિધિ છે...
બહુ જ અઘરું હોય છે એ કહેવું કે નવલકથા કેવી રીતે જન્મે છે? કઈ નવલકથા પ્રિય, કઈ શ્રેષ્ઠ? શબ્દ સાથે કેવો સંઘર્ષ કર્યો? અનુભવ કેટલો જરૂરી? શૈલીનું કેટલું મહત્વ? નવલકથા લેખનમાં યોજના કે આયોજન કેવી રીતે કરો છો? અંગ્રેજીમાં કહે છે એ 'રાઈટર્સ બ્લૉક'નો અનુભવ કર્યો છે? થાક લાગ્યો છે? કોઈ સંદેશ, રૂપક, પ્રતીક, બિમ્બ ક્યાંય વાપર્યું છે? લેખન સાહજિક હોય છે? વાંચો છો. મથામણ થઈ છે, મનોમંથન થયું છે? પાત્રો જીવંત હોય છે? સફળતાની કોઈ ફૉર્મ્યુલા છે? કેવી રીતે લખો છો?...
આવા બેશુમાર પ્રશ્નો પૂછી શકાય અને ન સમજાય એવી દીર્ઘસૂત્રી ભાષામાં ઉત્તરો પણ આપી શકાય. પણ કલાકાર પોતે જ પોતાની સર્જનપ્રક્રિયા સમજાવવા બેસે એ બીજાઓને ફાવતું હશે, મને બહુ ફાવતું નથી. પોતાના હાથે જ પોતાનું સ્તન દબાવ્યા કરતી સ્ત્રીને કયો આનંદ મળતો હશે? એ અનૈસર્ગિક છે, અવૈજ્ઞાનિક છે. કલાકાર તરીકે અને નવલકથાકાર તરીકે હું માનું છું કે જીવનને ભોગવવું પડે છે, પછડાવું પડે છે, માર ખાવો પડે છે, માનહાનિમાંથી ગુજરવું પડે છે, જેમને પ્રેમ કર્યો છે એમને માટે ખુવાર થવું પડે છે, પસાર થયેલાં વર્ષોના જખમો સાચવવા પડે છે, મૃત્યુની સાથે શતરંજ રમી લેવી પડે છે, હસવું પડે છે...અને એકલા બેસીને લખવું પડે છે. ખૂબ લખવું પડે છે, ખૂબ ખૂબ ખૂબ લખવું પડે છે. કિસ્મત હોય તો થોડી સફળતા મળે છે. અને થોડી સફળતા મળે એને હું ખુશકિસ્મતી કહું છું.
મારી નવલકથાઓ મારી કલકતાની દુકાનના કાઉન્ટર પર લખાઈ હતી. હું વ્યવસ્થિત ગુજરાતી પણ ભણ્યો નથી. મારો જીવનનો અનુભવ સુખી ગુજરાતીનો નથી. મારી ભાષા પણ સાફ નથી. મને વ્યાકરણ આવડતું નથી, જરૂર પણ નથી. પણ મારી ભાષા, મારી વાત, મારો અનુભવ, મારી દ્રષ્ટિ ઈમાનદાર છે. નવલકથાકાર પાસે એક વસ્તુ હોવી જ જોઈએ - ઈમાનદારી! ઈમાનદાર લેખક વાચકના દિલ સુધી પહોંચી શકે છે, વાચક એને વફાદાર રહે છે. લેખકની ઈમાનદારી અને વાચકની વફાદારી એક એવો સંબંધ છે જે લેખકની આંખો મીંચાઈ ગયા પછી અને લેખકની ખાક ઊડી ગયા પછી પણ જીવે છે. નવલકથાના લેખક અને વાચકનો સંબંધ ફક્ત ઉઘાડી આંખોની શરમનો વ્યવહાર તો નથી! બૂઢાપામાં લેખક થાકતો હોય તો પણ વાચક એની ખાનદાની રાખતો હોય છે, માફ કરી દેતો હોય છે એવો મારો અનુભવ છે....
ગુજરાતી નવલકથાનો ઈતિહાસ એકસો વર્ષ જેવો કહી શકાય. ત્રીસ વર્ષ પહેલાં હું નવલકથામાં આવ્યો અને આવતીકાલે આંખો મીંચાશે ત્યારે મને કોઈ રંજ નહીં હોય. ત્રીસ વર્ષ પહેલાંની અને આજની નવલકથામાં જે ફર્ક હશે એમાં મારું એક યોગદાન હશે. અને મારા વિશે એક લીટી પણ ન લખાય તો મને વાંધો નથી. પૂરા ગુજરાતી સાહિત્યના ફલક પર મેં ફક્ત ત્રણ માણસો સામે ગર્દન ઝુકાવી છે: નર્મદ, મુનશી અને મેઘાણી. એ મારા પૂર્વજો છે...અને એકલવ્યની જેમ મેં મારો અંગૂઠો આ પ્રતિમાઓના ચરણમાં મૂકી દીધો છે...
(મે 10, 1984) ('લીલી નસોમાં પાનખર'ની પ્રસ્તાવના)