ક્યારેક અસ્પષ્ટ અને બેજવાબદાર રીતે વપરાતા શબ્દો છે : યુવાન, યુવક, યુવતી, જવાન, યુવા, યૌવન, યુવતા! યુવા એટલે શું? ખૂણામાં ઘૂસીને એક કિસ કરી લો એટલે યુવાવસ્થા? પાનવાળાની દુકાને એક સિગારેટ ખરીદીને આયનામાં જોઈને પીવા લાગો એટલે યુવાની? હું ધારું છું કે કેટલાક દમિત સેક્સગ્રંથિથી પીડિત ગુજરાતીઓની યુવતાની વ્યાખ્યા ક્રિકેટની રેડિયો કૉમેન્ટરીથી અનિલ કપૂરના ભુસ્કાથી ડ્રગની વાતોની નિર્વીર્ય બીભત્સ રમૂજો સુધી જ ફેલાયેલી હોય છે. યુવતાને સેક્સ સાથે કેટલો સંબંધ છે? અંગ્રેજીમાં એક સરસ વિધાન છે : ચર્ચા કરતાં પહેલાં વ્યાખ્યાઓ વિશે સ્પષ્ટ થઈ જાઓ ! યુવા એટલે શું...એ કરોડ રૂપિયાનો પ્રથમ પ્રશ્ન છે. યુવાવસ્થાની વ્યાખ્યા?
આયુષ્ય એટલે જન્મથી મૃત્યુ સુધીનો કાળ, પણ અવસ્થા એટલે જન્મથી વર્તમાન સુધીનો કાળ. આયુષ્ય વિભિન્ન અવસ્થાઓમાં વિભાજિત છે.
શૈશવ એટલે શિશુકાળ, જ્યારે બાળક ઊભું થઈને દોડતું નથી એ અવસ્થા. એ શૈશવાવસ્થા છે, અને શિશુનો પર્યાયવાચી અંગ્રેજી શબ્દ છે ઈન્ફન્ટ. એ કાળ છે ઈન્ફન્સી. પછી આવે છે બાલ્યાવસ્થા અથવા ચાઈલ્ડહૂડ. બાળક કે બચ્ચાનો નિકટતમ શબ્દ છે : ચાઈલ્ડ. આ પછીની એક અવસ્થા છે કિશોરાવસ્થા. કિશોર એ છે જેનો બુદ્ધિવિકાસ શરૂ થયો છે. કિશોર જુલે વર્ન વાંચે છે, પરાક્રમકથાઓ વાંચે છે. કિશોરી એનિડ બ્લિટનની રોમાંસકથાઓ તરફ ઝૂકે છે. કિશોર એ અંગ્રેજીમાં પ્રિ-ટિન્સ અને આરંભિક ટિન્સ છે. અંગ્રેજીમાં થર્ટીનથી નાઈન્ટીન (13થી 19) એ ટિનએજર કહેવાય છે. અમેરિકનો તો હવે 'ટિન' શબ્દ સીધો જ વાપરતા થયા છે. કિશોર પ્રેમ કરતો નથી. એ સ્કૂલના નવમા-દસમા ધોરણમાં છે, એને ખૂબ ભૂખ લાગે છે, મનના વિકાસ કરતાં એના તનનો વિકાસ વધારે ઝડપી છે. પછી આવે છે કુમારાવસ્થા. છોકરીઓમાં કૌમાર્ય! કુંવારી શબ્દ આ કાળનો છે, પણ એ શબ્દ વધારે દૈહિક છે. હવે પેન્ટ છ મહિનામાં ટૂંકું પડે છે. હવે સ્કૂલની જુનિયર કૉલેજની પિકનિકમાં જવાની મમ્મી રજા આપે છે. શેવિંગ કરવું એ ગર્વની વાત છે. છોકરીઓ માટે આ પશ્ચાતકિશોરાવસ્થા અને આરંભ-કુમારાવસ્થા માટે બે સરસ, સૂચક સંસ્કૃત શબ્દો છે : કન્યા અને તરુણી ! કન્યા શબ્દની ધાતુ વિશે વિવિધતા છે. કન એટલે ઈચ્છા કરવી, જે ઈચ્છા કરે છે એ કન્યા છે. બીજો એક અર્થ છે: કેન ઈયમ નેયા ઈતિ ન નિશ્ચિતમ, કોણ એને સ્વીકારશે એ નિશ્ચિત નથી. એક ત્રીજો અર્થ પણ છે, કમનીયા ઈતિ કન્યા. જે કમનીય છે એ કન્યા છે. માટે કહેવાયું છે કે નિર્દોષન કન્યાદર્શન એટલે કે કન્યાનું દર્શન એક નિર્દોષ ક્રિયા છે. તરુણી શબ્દ તૃ પરથી આવે છે. જેના પરથી તરુ અથવા વૃક્ષ શબ્દ બન્યો છે. તૃ એટલે ઊગવું, વિસ્તરવું, ઓળંગવું. એ છોકરી જેણે બાલ્યાવસ્થા ઓળંગી લીધી છે એ તરુણી છે.
આ યુવાવસ્થા નથી, કુમારી એ યુવતી નથી. પંદર વર્ષની છોકરી સત્તર વર્ષના છોકરાને 'પ્રેમ' કરે એ પ્રેમ નથી, એને અંગ્રેજીમાં 'કાફ લવ' (વાછરડાંઓનો પ્રેમ) કહેવાય છે. સોળ વર્ષની છોકરી કે સત્તર વર્ષનો છોકરો ભાગીને પકડાય તો એમને માટે 'જ્યુવેનાઈલ ડિલિક્વન્સી' (છોકરડાંની છોકરમસ્તી) શબ્દો વપરાય છે. એ એડલ્ટ કે વયસ્ક કે પુખ્ત કે સગીર કે બાલિગ નથી, એ ડિલિક્વન્ટ છે, એમણે ઍડલ્ટરી (વ્યભિચાર) કરી નથી. માત્ર ઍડલ્ટ જ ઍડલ્ટરી કરે છે; છોકરડાં નહીં. આ છોકરમસ્તી માટે એમને સુધારગૃહો અથવા કરેક્શનલ હોમ્સમાં મુકાય છે. અઢાર વર્ષનું કોઈ છોકરડું ('કિડ' એક સરસ અમેરિકન શબ્દ છે.) સેક્સના ઠેકડાઓની વાતો કૉલર ઊંચો કરીને કરવા માંડે તો એ ભયાનક કંટાળાજનક અને નિંદાપ્રેરક વિષય છે... આ બધા યુવાન નથી.
કૉલેજનું છેલ્લું વર્ષ યુવતાનું પહેલું વર્ષ છે. 21, 22 કે પછી યુવતા શરૂ થાય છે. એમાં સિગારેટ દર ત્રણ સેકંડે એક વાર ખંખેરવી પડતી નથી, રાખ એની મેળે જ પડી જાય છે. એ અવસ્થામાં મોટરસાઈકલને કિક માર્યા પછી સ્પીડોમીટર તરફ જોવાતું નથી. એ દિવસો જીવનની પ્રથમ ગંભીર ચિંતાના દિવસો છે. જે મૂર્ખ માણસો એમ સમજે છે કે જવાની એટલે 24 કલાક ઈશ્કબાજી કરવાની મૌસમ છે એ મૂર્ખ માણસો બાયોલૉજિકલી અથવા વંશવિજ્ઞાનની દ્રષ્ટિએ વ્યવસ્થિત નપુંસક માણસો હશે. યુવાવસ્થા એ સ્થિતિ છે જ્યારે દરેક વ્યક્તિ પુરુષ કે સ્ત્રી બને છે, અને જીવનના ત્રણ અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રશ્નોથી સંઘર્ષ કરે છે:
(1) સાથીની પસંદગી, (2) કારકિર્દીની પસંદગી, (3) ધર્મ કે વિચારધારાની પસંદગી. જવાની, મારી દ્રષ્ટિએ, માત્ર ફિલ્મી નટનટીઓના ફોટાઓ જોઈને ખુશખુશાલ થઈ જવાની સીઝન નથી. યુવાવસથા એક કઠિન કાલખંડ છે, કારણ કે ગુજરાતીઓ (લેખકો અને પત્રકારો પણ) કુમારાવસ્થા અને કિશોરાવસ્થાને જ યુવાવસ્થા સમજીને વર્ત્યા કરે છે. અમેરિકન સ્લેંગમાં કહું તો : ધે આર ક્રેઝી મિક્ષ્ડ અપ કિડ્ઝ ! કાફ-લવ પાછળ રહી ગયો છે. સિગારેટ અને એક પૅગ વ્હીસ્કીનો ચાર્મ હવે જૂનો થઈ ગયો છે. હવે જે યુવતીને પરણવું છે, એની સાથે એક ઘર બનાવવું છે અને એ ઘર લેવા માટે જવાનીનાં પાંચ-દસ વર્ષોની કાળી મજૂરી, કાળો ઑવરટાઈમ, કાળો પસીનો બધું જ મોરગેજ મૂકી દેવું પડે છે! કારણ કે એ સ્ત્રી સાથે ચાંદનીમાં 'આઈ લવ યૂ!' કહેવાનું નથી, પંખા વિનાના રસોડામાં સ્ટવ જલાવી આપવાનો છે. જવાની નવું ઘર છે, પુરુષ માટે; અને જવાની નવું ઘર,, નવો વિસ્તાર, ક્યારેક નવું શહેર કે નવો દેશ છે, સ્ત્રી માટે. યુવાવસ્થા જ આ સાહસ આપે છે. 20 કલાકનો પરિશ્રમ અથવા દરિયાપાર પહેલી વાર જઈને એક અજનબી પુરુષ સાથે 20 વર્ષ જીવવાની શરૂઆત. જ્યારે હું યુવકો અને યુવતીઓનું અપરિચિતના વિશ્વમાં કૂદી પડવાનું સાહસ જોઉં છું ત્યારે માત્ર એમને સલામ કરી શકું છું. યુવાવસ્થા મર્દની મર્દાઈ અને ઔરતની સવાઈ-મર્દાઈનો વિષય છે.
સાથીની પસંદગી એ પ્રથમ યુવા ચેલેન્જ છે. કારકિર્દી કે ધંધાની પસંદગી યુવતાની બીજી ચેલેન્જ છે. મજૂરી કરતા રહેવાનું છે, સાંજના તૂટીને ઘેર જઈને ઘરનો બૅલ વગાડીને હસતા રહેવાનું છે. તરક્કી કરવાની છે. એ સ્ત્રી તમારી સાથે છે, તમારા દુ:ખમાં, અને એ સ્ત્રી તમારી સાથે રહેશે તમારા સુખમાં. જો તમારામાં ખાનદાની હશે તો સ્ત્રી માટે પતિ અને સંતાનો એક તરફ, ઑફિસની બદગુમાં, બદનુમા, બદઝુમાં દુનિયા બીજી તરફ, અને એ યુવતીએ પૂરા ઘરની આધારશિલા બનીને ખડકની જેમ ઊભા રહેવાનું છે. હું આને યુવાન સમજું છું. ત્રીજી પસંદગી છે રાજનીતિક, ધાર્મિક, આર્થિક, સામાજિક. તમે હિંદુ છો કે મુસ્લિમ, સ્વામિનારાયણ છો કે શિયા. એકાદશી કરો છો કે જુમ્માની નમાઝમાં જાઓ છો? તમે ભાજપપક્ષી છો કે કૉંગ્રેસી કે જનતાદલીય કે સામ્યવાદી? તમે મૂડીવાદી સમાજરચનામાં માનો છો કે સમાજવાદમાં? તમારું કોઈ દાયિત્વ છે તમારી અપરિણીત મામાની છોકરી માટે કે મિત્રની વિધવા માટે કે દૂધ આપવા આવનારની સ્ત્રીની વિકલાંગ પુત્રી કે વૉચમૅનના આંધળા પિતા માટે? પશ્ચિમના સમાજશાસ્ત્રીઓ આ ત્રીજી પસંદગીને ફેઈથ અથવા શ્રદ્ધાની પસંદગી કહે છે.
બસ, આ ત્રણ પ્રશ્નો જો તમારી સામે હોય... પતિ કે પત્નીની પસંદગી, નોકરી કે ધંધાની પસંદગી, શ્રદ્ધાની પસંદગી... તો તમે મારી આંખોમાં યુવાન કે યુવતી છો. આ જ યુવતા છે. બાકી હુસ્ન, ઈશ્ક, ઉલ્ફત, મુહબ્બત, મેરી જાન...ભૂક્ખડ ફાલતુઓની દુનિયાના શબ્દો છે.
ક્લૉઝ અપ:
જો તું એક મિનિટને સાઠ સેંકડોની દોડથી ભરી શકે તો આ પૃથ્વી અને એમાંનું બધું જ તારું છે. અને એથી પણ વધારે - તું માણસ બનશે, મારા પુત્ર !
- રુડયાર્ડ કિપ્લિંગની કવિતા 'જો'માંથી
(દિવ્ય ભાસ્કર : જાન્યુઆરી 25, 2004)
(શબ્દપર્વ)