June 16, 2013

રૂપા નામની એક કાળી છોકરી....

વિકલ્પ કૉલમ લગભગ 1000 શબ્દોની, એક પાનાની કૉલમ છે અને એના ફોર્મેટ વિશે મારા મનમાં સ્પષ્ટતા છે. એમાં વ્યક્તિગત વાતો ન આવવી જોઈએ, માહિતી અને મૌલિક તર્ક પ્રધાન હોવા જોઈએ. વાચકોના પત્રો બેશુમાર આવતા રહેતા હોય છે, લગભગ દરરોજ, અને એ વાંચીને ઉત્તરો આપવાનું વર્ષોથી અશક્ય થઈ ગયું છે. અને મારા લક્ષ્ય વાચકવૃન્દ કે ટાર્ગેટ-ઑડિયન્સ વિષે પણ હું સ્પષ્ટ છું : મધ્યવર્ગીય, શિક્ષિત, નાગરિક, યુવા સ્ત્રીપુરુષો. અને એ વાચકોમાં પણ સ્ત્રીઓ વિશેષ. અને એમાં પણ બૌદ્ધિક, વિદુષી સ્ત્રીઓ સવિશેષ.

આજે વિકલ્પની એક સ્ત્રી-વાચકના પત્ર વિષે જ વાત કરવી છે. નામ રૂપા, ગામ અમદાવાદ. અને આ બંને સાચાં નથી. પત્રકારિતાની એક ભદ્રતા એ હોય છે કે નામો અને સરનામાં ગુપ્ત રાખવાં જોઈએ. નામ સંચિતા કે અલકનંદા, અને ગામ વડોદરા કે સુરેન્દ્રનગર પણ હોઈ શકે છે. એ બિલકુલ મહત્ત્વનું નથી, જે મહત્ત્વનું છે એ કથ્ય છે. રૂપાએ વિજ્ઞાનમાં ડબલ ગ્રૅજ્યુએશન કર્યું છે, પરિવાર સંપન્ન છે, પિતા અને ભાઈ છે, નાની બહેન છે અને સ્વરૂપવાન છે. મોટા ભાઈ પરિણીત છે, નાની બહેન અભ્યાસ કરે છે. રૂપા લખે છે : છેલ્લા ત્રણ વર્ષથી હું કેટલાય મુરતિયાઓ આગળ શણગાર સજીને પેશ થઈ... પરિણામ છોકરી કાળી છે ! ભગવાને માત્ર શ્યામ વર્ણથી જ વેર વાળ્યું હોત તો વાંધો ન હ્તો પણ મને ભગવાને બોનસ પૉઇંટમાં ચશ્માના નંબર પણ આપ્યા છે, માઈનસ 4 અને માઈનસ 3.5! આ બે કારણોસર હું દુનિયાની સૌથી દુ:ખી વ્યક્તિ હોઉં એવું મને લાગે છે!... રૂપા લખે છે:... શ્યામવર્ણી યુવતી 1998માં મિસ યુનિવર્સ બની શકે છે પણ ગુજરાતની... ચશ્માંવાળી કાળી છોકરી મનપસંદ યુવક સાથે લગ્ન નથી કરી શકતી. (ભાષા પત્રની જ રાખી છે.)

રૂપા ફર્સ્ટ ક્લાસમાં સતત પાસ થતી રહી છે, જુદા જુદા કોર્સ કર્યા છે, રસોઈ, ઘરકામમાં લાજવાબ છે, પ્રકૃતિ સૌમ્ય છે, ડ્રાઇવિંગ કરે છે... (અનુભવી ડ્રાઇવરને પણ શાબાશ કહેવાનું મન થાય એવું..., પ્લેટોથી પન્નાલાલ પટેલ સુધીના લેખકો-કવિઓની કૃતિઓની ઊંડા રસથી વાંચી છે. પણ સગાઈ થતી નથી. બે મુખ્ય કારણો : હું કાળી છું. મારે ચશ્માં છે.

રૂપાએ સ્પર્ધાત્મક પરીક્ષા આપી છે, એક વાર નિષ્ફળ ગઈ છે, ફરીથી આપી છે, એને પરિણામનો ઇન્તજાર છે. ખૂબ જ મહેનત કરી છે. જો સફળ થઈ જશે તો આ સમાજથી બહુ દૂર જતી રહેશે, અને જો અસફળ જશે તો... હું આત્મહત્યા કરી લઈશ. રૂપા લખે છે : ...મેં મારા મોતનો પ્લાન અને સામાન તૈયાર રાખ્યા છે. મને ખબર  છે કે કેટલી ઊંઘની ગોળીઓ લેવાથી કેટલા કલાક પછી અસર ચાલુ થઈ જાય. હું ગોળીઓ ગળી મારી કાર લઈને નીકળી પડીશ. લોકો માનશે કે રૂપાનું અકસ્માતમાં મોત થયું... જ્ઞાતિવાળા કેવા છે? શાંતિથી જીવવા તો નથી દેતા પણ મરવાય નથી દેતા. વાતો કરશે જુવાન દીકરી મરી ગઈ.

અંતે, રૂપા લખે છે : હું અપેક્ષા રાખું છું કે તમે મારા વિચારો કે વાત લોકોને કરો, તમને પત્ર મળશે ત્યારે હયાત હોઈશ કે નહીં, ખબર નથી. અને છેલ્લે લખ્યું છે :

                                                                                                                             લિ : રૂપાના વંદન !

રૂપા 25ની છે કે 30ની છે કે 35ની છે, એ પણ ગૌણ છે. પણ રૂપાનો પ્રશ્ન આપણા દોગલા સમાજની વિષમ કરુણતાની ઊપજ છે. પણ એક તેજસ્વી સ્ત્રીને માત્ર શ્યામવર્ણ અને ચશ્માંને લીધે, તથા કથિત કુરૂપતા માટે, આત્મહત્યાનો વિચાર પણ કરવો પડે એ વાત જ અફસોસનાક છે. સલાહ આપવાની મારી ક્યારેય કોઈ યોગ્યતા હોય એવા ભ્રમમાં હું જીવતો નથી. પણ રૂપાબહેન, આ ચિંતાઓ એટલી દુશ્વાર નથી. ચશ્માંને સ્થાને કૉન્ટેક્ટ લેન્સ (સૉફ્ટ અથવા હાર્ડ) વાપરી શકાય છે. હવે તો રંગીન ઝાંયવાળા કોઝમેટિક લેન્સ પણ મળે છે. ડૉક્ટરની સલાહ લઈને એ વાપરવા શરૂ કરવા. બીજી વાત, જે બંદર માત્ર તમારી ચામડીનો રંગ જોઈને તમને પસંદ કરવા નીકળ્યો છે, એને પરણવાનો મતલબ પણ શું છે? એણે તમારા દાંત ગણી લીધા નથી? (ગુલામો એ રીતે ખરીદાતા હતા) જરૂર છે આત્મવિશ્વાસની ! તમારી જિંદગીને 25 કે 30 કે 35ના આયુષ્ય સુધી લઈ જવામાં કેટલા માણસોનો પ્યાર અને પસીનો તમારે માટે કુરબાન થયો છે? તમારું જીવતા રહેવું એ તમારું એમના માટેનું એક દાયિત્વ બની જાય છે ! લાખો છોકરીઓ (કાળીથી ગોરી સુધીની હજારો રંગછાયાઓવાળી) આજીવન લગ્ન કરતી નથી, અથવા લગ્ન પછી નિસ્સંતાન કે સસંતાન, પતિથી અલિપ્ત કે મુક્ત થઈ જાય છે. આપઘાત કરતી નથી. આપઘાતમાંથી વીરત્વનો આયામ કાઢી નાંખો પછી આપઘાતમાં તમારે માટે શું રહી જાય છે? ફયઝ અહમદ ફયઝનો એક શેર મને હંમેશા ગમ્યો છે, લખું છું, ક્ષમા સાથે : 

દિલ ના-ઉમ્મીદ હી સહી, નાકામ તો નહીં 
લંબી હૈ ગમ કી શામ, મગર શામ હી તો હૈ !

હતાશાની સાંજ  લાંબી છે, પણ આખિરકાર એ સાંજ જ છે. ઢળી જશે. સાંજને ઢળવું જ પડે છે.

હું કાળી અને તેજસ્વી છોકરીઓનો તરફદાર રહ્યો છું, 1955માં મારી પ્રથમ નવલકથા 'પડઘા ડૂબી ગયા' લખતો હતો ત્યારથી 1998માં પ્રકટ થયેલી છેલ્લી નવલકથા 'સમકાલ' સુધી, (આમાં માત્ર એક જ નવલકથા 'રોમા' અપવાદ છે). સફેદ છોકરી માટે મેં ધોવાયેલી લાશ અને કોલ્ડ સ્ટોરેજ જેવા શબ્દો વાપર્યા છે, કાળી છોકરી ડાઇનેમો છે. લંગૂરછાપ મુરતિયાઓને ભૂલી જાઓ, એમની હૂપાહૂપને લીધે તમારી જિંદગી અસ્થિર નહીં કરો. કાળી છોકરીઓના પક્ષમાં, સમર્થનમાં મેં ઘણું અને વારંવાર લખ્યું છે. મારી સર્વકાલીન હીરોઇન...દ્રોપદી, કાળી હતી. મારા સર્વકાલીન મહાન આદર્શ લેખકો વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ કાળા હતા. મારી આદર્શ દેવીમાતાઓ દુર્ગા (ધૂસર, રાખોડી), અને કાલિ ગોરી નથી. હિંદુઓનાં સર્વમાન્ય મહાનતમ આદર્શ પાત્રો કૃષ્ણ, રામ, લક્ષ્મણ, અર્જુન કાળા હતા અને પુરાતત્ત્વવિદ હસમુખ સાંકળિયા રાવણને પણ કાળો માનતા હતા. ખૂબસૂરત સ્ત્રી માટે કાલિદાસની વ્યાખ્યા હતી 'તન્વી શ્યામા', એટલે કે પાતળી અને કાળી, અને મલ્લિનાથે આ શબ્દ પર ભાષ્ય કરતાં શ્યામા શબ્દની વ્યાખ્યા આપી હતી : શ્યામા એટલે એ સ્ત્રી જે ઉનાળામાં ઠંડક અને શિયાળામાં ગરમી આપે! ફારસીમાં હિંદુનો અર્થ 'કાળો' થાય છે. 

સર્જનહારે આ પૃથ્વી પર કોઈ જ વસ્તુ નિરાશય કે નકામી બનાવી નથી એવું મારું માનવું છે. ચામાચીડિયાથી સાપ સુધી, તમાકુથી પેટ્રોલિયમ સુધી, રેતીના કણથી ફાટતા જ્વાલામુખી સુધી, ચિમ્પાન્ઝી જેવા ગુજરાતી મુરતિયાઓથી કેશુભાઈ પટેલ સુધી અને સફેદ વાળથી કાળી ચામડી સુધી દરેકની કોઈક જરૂર છે, દરેકની કોઈક ભૂમિકા છે, દરેકનો એક સ્લોટ છે જેમાં એણે ફિટ થવાનું છે. જીવનનો નાનામાં નાનો અનુભવ પણ મને જરૂર કંઈક શીખવી જાય છે. મારામાં કદાચ એક બાહ્ય 'અશક્તિ' એટલા માટે મૂકવામાં આવી છે કે બે ગુહ્ય 'શક્તિઓ' પ્રકટ થાય, અને આ સર્જનહારનું રહસ્ય છે, એવી મારી સમજ છે.

હું કાળો છું, ઠીંગણો છું, ચહેરા પર શિતળાના ડાઘ છે, નાનપણમાં માર ખાતા રહેવામાં મારો પહેલો નંબર હતો. પછી ગ્રંથિઓ તોડી નાંખી, ખૂબ કસરત કરીને પત્થર જેવું શરીર બનાવ્યું, એક વાર મારાથી મોટા અને તગડા છોકરાને પીટી નાંખ્યો, પછી મારાથી મોટા અને તગડા છોકરાઓને પીટતા રહેવાની મજા પડી ગઈ ! ઊણપો અને કમીઓને લીધે ક્રૂરતા અને ઝનૂનના 'ગુણો' વિકસતા ગયા. આજે ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં પણ મને એ જ ગુણો કામ આવી રહ્યા છે ! મુડદાલ છોકરાઓ મોટા થઈને મિસ્ટર યુનિવર્સ બને છે એની પાછળ આ કિલર-ગ્રંથિ જ કામ કરતી હોય છે.

એક સ્ત્રી બૅંક મેનેજર તરીકે કૅબિનમાં બેઠી હશે અને બહાર 'ઉદ્યોગપતિ'ઓ લાળ ટપકાવતા, લોન માટેની અરજીઓ હાથમાં પકડીને લાઇનમાં બેઠા હશે, અને અડધો કલાક પછી એમને કૅબિનમાં પ્રવેશ અપાશે, ત્યારે ટેબલથી દોઢ ફીટ દૂરથી એમને મૅડમ 'ગોરી' દેખાશે! કારણ કે, એની સહીથી પાંચદસ લાખ રૂપિયા મળવાના છે. હાથમાં સૅલ્યુલર ફોન, બહાર દરવાજો ખોલીને ઊભેલો યુનિફૉર્મ પહેરેલો શૉફર, કપાળની ઉપર વાળ પર ચડાવેલા સનગ્લાસીસ... એ સ્ત્રી કાળી છે? રૂપાબહેન, જિંદગી બહુ રંગીન છે...

ક્લોઝ-અપ: 

ભય સામાન્ય અંધકારને પણ રાક્ષસોથી ભરી દે છે. 
                                                                           - જૂની જાપાનીઝ કહેવત
(જાપાનીઝ ફિલ્મ દિગ્દર્શક અકીરા કુરોસાવાની આત્મકથા 'સમથિંગ લાઈક ઍન ઑટોબાયૉગ્રાફી'માંથી : પૃષ્ઠ 51) 

(અભિયાન : ડિસેમ્બર 19, 1998)

(સ્ત્રી અને કવિતા)

1 comment: