પ્રથમ વિશ્વયુદ્ધને અંતે યુરોપના બુદ્ધિજીવીઓને એક નવો શબ્દ મળ્યો:
the lost generation
- ખોવાયેલી પેઢી. ખોવાયેલાં મૂલ્યો, નિરાશાભર્યો વર્તમાન અને અસ્થિર
ભવિષ્યમાં ફાંફાં મારતી ખોવાયેલી પેઢીને હેમિંગ્વે અને એના સમકાલિન લેખકોએ
અમર બનાવી દીધી. બીજા વિશ્વયુદ્ધે બુદ્ધિજીવીઓની જીભે નવો શબ્દ ચઢાવી દીધો -
અસ્તિત્વવાદ. પ્રયોગશીલ ફ્રાંસની સાહિત્યિક દુનિયામાં સેક્સ, સામ્યવાદ,
નિરાશા, નફરત બધું ભડકી રહ્યું હતું અને 1941ના એક જર્મન યુદ્ધકેદીઓની
કેમ્પમાંથી પાછા ફરેલા ઝ્યોં પોલ સાર્ત્રે કહેવા માંડ્યું કે આ દુનિયામાં
મૂલ્યો નથી, મરેલા ઈશ્વરના જગતમાં માણસ એકલો જ જીવી રહ્યો છે, જિંદગીનું
કોઈ ધ્યેય નથી અને દરેક વ્યક્તિએ પોતાની મેળે જ પોતાના અસ્તિત્વના જવાબો
શોધવાના છે. તૂટેલા ફ્રાંસના ભૂખ્યા, હતાશ જવાન બુદ્ધિજીવીઓને જ્ઞાનના
ઝબકારાની જેમ સાર્ત્ર (અને એની સ્ત્રીમિત્ર સીમોન દ' બુવ્વાર)ના શબ્દો ગળે
ઊતરી અયા. સાર્ત્ર અસ્તિત્વવાદનો લગભગ ધર્મગુરુ બની ગયો.
શ્રદ્ધા
નિરાશામાં પલટાઈ રહી હતી સાર્ત્રના ભૂતપૂર્વ શિષ્ય આબ્લેર કામ્યુએ કહ્યું,
'હિટલરના સિતમની સામે અમને કયાં મૂલ્યો સાંત્વન આપવાના હતાં? કોઈ મૂલ્યો ન
હતાં. જે બધું બની રહ્યું હતું એનો કર્તા માણસ હતો એની ના પાડી શકાતી ન
હતી... આપણને જે દુનિયામાં જીવવું પડ્યું હતું એ અસંગત દુનિયા હતી....'
કામ્યુએ અસંગત (absurd) શબ્દ આપ્યો.
અસ્તિત્વવાદ એક ફેશનેબલ શબ્દ બની ગયો અને એણે માણસના વિચારોની સીમાઓ પહોળી કરી નાખી.
અસ્તિત્વવાદ
એ કોઈ ધર્મ કે વાદ નથી; છતાં પણ એ ધર્મ, ફિલોસૉફી, મનોવિજ્ઞાન,
માનસશાસ્ત્ર, વિજ્ઞાન બધાંને સ્પર્શે છે. એ બહુ જ સીધી વસ્તુ છે અને એની
જટિલતાઓનો પાર નથી. એને સમજાવવો ઘણો કઠિન છે, પણ દરેકની વ્યક્તિગત
વિચારધારા પર એની પકડ આવી જાય છે. આજના ઘણા ખરા સન્માનનીય દાર્શનિકો
અસ્તિત્વવાદીઓ છે. કવિઓ, લેખકો, આનંદપ્રમોદમાં ડૂબી ગયેલા બોહેમિયનો,
માનસશાસ્ત્રીઓ, જાતજાતના માણસો એના પડછાયામાં હોય છે. કોલિન વિલ્સન એના
Outsider નામના પુસ્તકમાં રામકૃષ્ણ પરમહંસને પણ અસ્તિત્વવાદી ગણાવે છે. અને
ધર્મનીતિજ્ઞ (theologian) પૉલ ટીલીચ માને છે કે ચિત્રકલામાં આધુનિક
અસ્તિત્વવાદ સીઝાનથી શરૂ થાય છે અને વાન ગૉગના 'સ્ટેરી નાઈટ' (તારાભરી
રાત્રિ) ચિત્રમાં એ વાસ્તવિકતાનાં ઊંડાણ સુધી પહોંચે છે.
સીધીસાદી
ભાષામાં આધુનિક અસ્તિત્વવાદી કોને કહેવો? જે આવા મોટા સવાલો પૂછી નાંખે છે
- 'હું કોણ છું?', 'હું અહીં શા માટે છું?' અને આ પ્રશ્નોના જવાબ મળતા નથી
ત્યારે ચિંતા (anxiety) અને દોષની ભાવના (guilt) તેમ જ ભય પેદા થાય છે અને
ફિલોસૉફિકલ અસ્તિત્વવાદ મનોવૈજ્ઞાનિક સ્વરૂપમાં ફેરવાઈ જાય છે.
અસ્તિત્વવાદ
નવી વસ્તુ નથી. ફિલોસૉફરોના આદિપિતા સોક્રેટીસના 'Know Thyself' (તારી
જાતને સમજ)થી એ શરૂ થાય છે. પ્રત્યેક મનુષ્યનો એ જીવંત પ્રશ્ન બની રહે છે.
19મી સદીના મહાન ધર્મવિચારક સોરેન કિર્કગાર્ડે પ્રચલિત ધર્મ પર કરેલા
પ્રહારોમાં એ વિસ્તરે છે, 20મી સદીના ચિંતાગ્રસ્ત માણસનું એ હથિયાર બને છે,
નિત્શે અને દોસ્તોએવસ્કી પોતપોતાની ખાસ વિચારધારાઓથી એનું વહેણ બદલે છે,
હેમિંગ્વે એમાં વેદના અને મૃત્યુ (suffering and death)ના રંગો પૂરે છે,
કામ્યુ અસંગતતા (absurdity) ઉમેરે છે, સાર્ત્ર ઊલટી (nausea)ની કલ્પના લાવે
છે. સાહિત્યના એલિયટ, જૉયસ, કાફકા, ફિલોસૉફીના માર્ટિન હાઈડગર, ગેબ્રિયલ
માર્સલ, ઉનામુનો, મનોવિજ્ઞાન (metaphysics)નો કાર્લ જેસ્પર - બધાના
વિચારોનું એક કચુંબર બને છે અને નવા રસાયણ જેવો આધુનિક માણસ રજૂ થાય છે.
એના સંબંધીઓ ચિત્રવિચિત્ર છે - કાફકાનો જોઝફ કે દોસ્તોએવસ્કીનો ઈફાન
કારામેઝોવ, હેમ્લેટ, ફોસ્ટ, ડૉન ક્વીક્ઝોટ, જૉયસનો લિયોપોલ્ડ બ્લૂમ,
પાસ્તરનાકનો યુરી ઝિવાગો, સાર્ત્રનો રોક્વેન્ટીન, હાસનો સિદ્ધાર્થ,
કામ્યુનો 'આઉટસાઈડર', મ્યુર સોલ્ટ, એલિયટનો પ્રુફ્રોક, આંદ્રે માલરોના ક્યો
અથવા કેટોવ - સૌ પોતપોતાની રીતે અસ્તિત્વને જુએ છે અને સમજવા પ્રયત્ન કરે
છે. આધુનિક માણસને પણ જુદા જુદા લેબાસોમાં રજૂ કરવામાં આવે છે - ઈંગ્લંડની
નેન્સી મિટફોર્ડ 'યુ' અને 'નોન-યુ' (U and Non-U)ના ભાગ પાડે છે. અમેરિકાએ
organisation manની સંસ્થા સ્વીકારવા માંડી છે, અને વીસમી સદીના ન્યુક્લિયર
મોત અને ICBM (Inter-continental Ballistic Missiles) એક ખંડથી બીજા ખંડના
લક્ષ્યસ્થાન પર ફેંકી શકાય એવાં રોકેટો)ના જમાનામાં માણસ અને એના
અસ્તિત્વનો પ્રશ્ન એ સૌથી મોટી સમસ્યારૂપ બની ગયો છે.
અસ્તિત્વવાદ
અભ્યાસની દ્રષ્ટિએ ધર્મ, ફિલોસૉફી અને માનસશાસ્ત્ર બધાંને સ્પર્શે છે અને
એની ઉત્પત્તિ જુદી જુદી રીતે થઈ છે. ફ્રેંચ સાહિત્ય પર ઐતિહાસિક નજરે જોતાં
સમજાય છે કે છેલ્લાં ત્રણસો વર્ષથી ફ્રાંસની એક મહાન ચર્ચા રહી છે -
શ્રદ્ધા (faith) અને બુદ્ધિ (reason) વચ્ચે. એક તરફ પાસ્કલ, બીજી તરફ
ડેકાર્ત (I think, Therefore I exist - હું વિચારું છું, માટે જ હું છું.)
બુદ્ધિના પક્ષમાં વોલ્ટેર અને રુસો આવ્યા. એ ચર્ચા 27 વર્ષના
પત્રવ્યવહારમાં આગળ વધી - કેથેલિક (ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર) પૉલ
ક્લોડેલ અને પ્રોટેસ્ટંટ (વ્યક્તિમાં વિશ્વાસ રાખનાર) આન્દ્રે જીદ વચ્ચે.
ધીરે ધીરે આ બુદ્ધિ વિશેના વિચારો સંશય (doubt)માં પરિણમ્યા. બીજા
વિશ્વયુદ્ધે સંશયને વિચારશીલ માણસોના વિચારોમાં વધુ ઘનીભૂત કરી નાંખ્યું.
(જો કે આ પહેલાં નિત્શે, કાફકા અને દોસ્તોએવસ્કીએ શ્રદ્ધા પર પૂરતા પ્રહારો
કરી લીધા હતા.)
ધાર્મિક અસ્તિત્વવાદ (Christian
Existentialism) એ વ્યક્તિ અને ઈશ્વર વચ્ચેનો ઝઘડો છે, અને એમાં ડેનિશ
ફિલસૂફ સોરેન કિર્કગાર્ડનો ફાળો ઘણો મોટો છે. કિર્કગાર્ડનો 'હીરો'
સોક્રેટીસ હતો. સોક્રેટીસ એક ચર્ચાસ્પદ વ્યક્તિ છે. ફિલસૂફોના આદિપિતા હોવા
છતાં એણે કોઈ સંગીન ફિલોસૉફીને જન્મ આપ્યો નથી. એનું બધું જ ડહાપણ એના
અજ્ઞાનને સમજવામાં પસાર થયું. કિર્કગાર્ડ પણ સોક્રેટીસને ઘણો મળતો આવતો હતો
અને એણે એ જમાનાના ખ્રિસ્તી ધર્મ અને ધર્મની બીજી સંસ્થાઓ પર પ્રહાર કર્યા
હતા. એના કહેવા પ્રમાણે ધર્મ મનુષ્ય અને ઈશુ ખ્રિસ્તની વચ્ચે આવી ગયો હતો.
એણે ઘણી ચોપડીઓમાં ઘણા વિચારો હિંમતથી પ્રકાશિત કર્યા છે અને પ્રત્યેક
અભ્યાસીને માટે એ અસ્તિત્વવાદની પહેલી ચાવીરૂપ થઈ પડે છે.
સ્પેનિશ
ફિલસૂફ ઉનામૂનોના વિચાર ધ્યાન ખેંચે એવા છે. એ માનતો કે જિંદગીનો ખરો અર્થ
વિષાદગ્રસ્ત સંઘર્ષ (agonic struggle)માં છે. ધર્મ એની દ્રષ્ટિએ ઈશ્વર
સાથેનો સંઘર્ષ હતો. માણસ ઈશ્વર અને અમરત્વને ઈચ્છતો રહે છે. જેમના
અસ્તિત્વને એની બુદ્ધિ સાબિત કરી શકતી નથી. એટલે જિંદગી એટલાં ઊંચા મૂલ્યો
અને સારાઈ (goodness)થી જિવાવી જોઈએ કે જ્યારે કયામત આવે ત્યારે એ એક
અન્યાય જેવું લાગવું જોઈએ - જિંદગીની ઈતિ આમાં રહેલી છે.
અસ્તિત્વવાદ
વિષે જાતજાતના ખ્યાલ પ્રવર્તે છે. થોડી સનસનાટીભરેલી સૅક્સ, થોડો
યથાર્થવાદ, થોડી નિરાશા, થોડો વ્યક્તિવાદ, થોડા સામ્યવાદના છાંટા - આ બધું
મળીને આધુનિક અસ્તિત્વવાદ બને છે એવો કંઈક સામાન્ય ખ્યાલ છે. આ બધું સાચું
પણ છે અને ખોટું પણ છે.
સૌથી પહેલું એ માણસના વિચારો
(moods)ને માનભર્યું સ્થાન આપે છે. ભય, થથરાટ, ગુનેગાર મનોવૃત્તિ, મોત - આ
બધાં મનુષ્યના એની આસપાસની શૂન્યતા (void)નો મુકાબલો કરવાના સંબંધો છે.
માણસ એના અંધકારને સમજવાનો નિશ્ચય કરે છે અને એ દ્રષ્ટિએ આ એક પ્રક્રિયા
(action)ની ફિલોસૉફી છે. સાર્ત્રની દ્રષ્ટિએ તો એ આશાવાદી પણ છે. એ માણસનો
પ્રયત્ન છે. એના અસ્તિત્વને અને અસ્તિત્વના સંઘર્ષોને સમજાવવાનો. એ
સંઘર્ષોની ઉત્પત્તિ અને નિકાલના પ્રશ્નો પણ અસ્તિત્વવાદમાં આવી જાય છે.
અસ્તિત્વવાદને
સમજવા માટે થોડા દાર્શનિકો અને ચિંતકોને ધ્યાનથી સમજવા જરૂરી છે. આમાં
પ્રથમ આવે છે ડેનિશ ધર્મવિચારક સૉરેન કિર્કગાર્ડ.
અસ્તિત્વવાદના
પ્રથમ 'હીરો' કિર્કગાર્ડનો સમય 1818-55નો છે અને એણે ઘણાં પુસ્તકો લખ્યાં
છે.
આ પુસ્તકોમાંથી એની વિચારધારા મળી રહે છે. વ્યવહારું (rationalist)
પ્રણાલિકાઓ સામે એણે બળવો પોકાર્યો અને કહ્યું કે યથાર્થતા અને સત્ય
માણસમાં પોતાનામાં જ છે, પછી ભલે એ વ્યવહારું હોય કે ન હોય. માણસ વિષેનું
સૌથી મહત્ત્વનું સત્ય છે એવું અસ્તિત્વ. માણસ એક જ એવું પ્રાણી છે જે
પોતાના વિષે સભાન છે (self-conscious) અને આથી જ એને એના અન-અસ્તિત્વની
શક્યતાઓ ખ્યાલ (awareness) આવે છે અને આના પરિણામે ચિંતા (anxiety) પેદા
થાય છે.
કિર્કગાર્ડે ઘણી વસ્તુઓ પર ઘણા વિચારો પ્રગટ
કર્યા છે. નિરાશાનું ખરું કારણ નસીબ જેવું કોઈ બાહ્ય સાધન નથી પણ 'સંકલ્પનો
પક્ષઘાત' (paralysis of will) છે. બાહ્ય અસરો મેં મારા હાથે પસંદ કરી નથી,
અને હું મારો ભૂતકાળ બદલાવી શકતો નથી. એક વિચારશીલ નિષ્ફળ-નિરાશા
(intellectual skepticism) આવે છે. આનો માર્ગ શું? કિર્કગાર્ડે Either
Orમાં જણાવ્યું કે સંપૂર્ણ પતન અથવા પૂરેપૂરું ધર્મતરફી વલણ. (આ પુસ્તકના
પહેલા ભાગમાં અંત આવે છે એક પ્રેમીની ડાયરીથી અને બીજા ભાગના શેષમાં એક
ધર્મપ્રવચન આવે છે.)
એના Concept of Dread (જેને માટે
માનસશાસ્ત્રમાં angst શબ્દ વપરાય છે)માં એણે પદ્ધતિસર માણસની છણાવટ કરી છે,
અને એ નિર્દોષતાથી દોષ તરફ કેવી રીતે જાય છે એ બતાવ્યું છે. 'વર્તમાન'
વિષે એ માને છે કે ગતિ અને સ્થૈર્ય વચ્ચેનું એ એક અસંગત જ્યોમેટ્રિકલ ટપકું
છે અને એ સમય લેતો નથી. 'ક્ષણ' એ એવું બિંદુ છે કે જ્યાં અનંત (eternity)
સમયને સ્પર્શે છે. મૃત્યુ એ સ્વાભાવિક ક્રિયા છે, પણ પાપી માણસ માટે એ
ભયંકર બની જાય છે. કિર્કગાર્ડ શ્રદ્ધાને ઘણું મહત્વ આપે છે. અને અનુભૂતિ
(feeling)થી એને જુદી પાડે છે. શ્રદ્ધા એ જ્ઞાનનો પ્રકાર કે ભાગ નથી. માણસે
સાચા અર્થમાં પૂરા માણસ બનવું જોઈએ. નહિ તો આ સંક્રાંતિ (evolution)નાં
હજારો વર્ષોનો કંઈ અર્થ થતો નથી. અને દરેક માણસ પોતાનું સાચું સ્વત્વ (true
self) શોધી શકે તો એક પણ માણસ નકામો નહિ રહે.
આધુનિક
અસ્તિત્વવાદમાં સ્વાતંત્ર્ય, ચિંતા અને શૂન્યતા (freedom, anxiety and
nothingness)ના સંબંધો એ મુખ્ય વસ્તુ બની ગઈ છે અને એ વિષે કિર્કગાર્ડના
વિચારો સ્પષ્ટ છે. સામાન્ય માણસ જે વ્યક્તિત્વની ભયંકર આઝાદીમાંથી ભાગી
છૂટવા મથે છે એ સુરક્ષિતતા (security) ઈચ્છતો હોય છે, અને બાહ્ય દુનિયાને
અનુરૂપ થઈ જાય છે. જે ક્ષણે માણસ સ્વાતંત્ર્ય મરી જાય છે અને એક પૂરી
પરિસ્થિતિ (the total situation) ઉત્પન્ન થાય છે.
ફિલસૂફ
હેગલ (Hegel)ના ઐતિહાસિક નિયતિ (historical determinism)ના સિદ્ધાંતોનો
કિર્કગાર્ડે વિરોધ કર્યો એ સિદ્ધાંત હતો: ઉત્થાન - લયના ગ્રાફની જેમ ઈતિહાસ
નક્કી કરેલા માર્ગે જ ચાલે છે અને બધી વાસ્તવિકતા (reality)ને વ્યવહારુ
ચોકઠામાં બેસાડી શકાય. કિર્કગાર્ડે કહ્યું કે વ્યક્તિનું જીવન એ નિયતિ અને
સ્વાતંત્ર્ય વચ્ચેની રમત છે.
પાગલપણાની છણાવટ કર્યા પછી
એણે નિરાશાને સમજાવી છે - Sickness unto Death, મૃત્યુ સુધીની બીમારી.
માણસની ખરી તકલીફ કિસ્મતના બળોને લીધે નથી આવતી, પણ એના પોતાના અંતરમાંથી
આવે છે અને તેથી મૃત્યુ સુધીની બીમારી છે. એનું મધ્યબિંદુ છે 'સ્વ' (self).
ઈશ્વરથી માણસ જેટલો દૂર જાય છે (estrangement) એટલી નિરાશા થતી જાય છે.
માનસશાસ્ત્ર જેને નિરાશા કહે છે અને ધર્મનીતિ પાપ કહે છે, એ બન્ને એક જ
વસ્તુ છે. પાપનો વિરોધી શબ્દ પુણ્ય (virtue) અથવા સદગુણ નથી, પણ શ્રદ્ધા
છે.
કિર્કગાર્ડ પ્રામાણિક હતો અને ધર્મથી દૂર એવો
ખ્રિસ્તી હતો. એણે 19મી સદીમાં ચાલતા ધાર્મિક પાખંડો પર પ્રહાર કર્યા છે.
એણે એના 'હીરો' સોક્રેટીસની જેમ કોઈ દાર્શનિક પદ્ધત્તિ સર્જી નથી અને એ
ચેલાઓ રાખવામાં માનતો ન હતો. ચિંતા એ સ્વાતંત્ર્યની સાથે જ સંકળાયેલી વસ્તુ
છે, દોષની ભાવના એક સ્થિતિ છે, મૃત્યુ પ્રત્યેક ક્ષણે ઝૂલી રહ્યું છે અને
વ્યક્તિની આંખે એ જોવાવું જોઈએ, ખરું સ્વત્વ (selfhood) એ આ દૈનિક ચહલપહલની
દુનિયા છોડવામાં છે અને માણસનો મુખ્ય પ્રશ્ન જ્ઞાનનો અભાવ નથી, પણ સંકલ્પ
(resolve)નો અભાવ છે. અંતત: કિર્કગાર્ડ ધર્મનો નહિ પણ શ્રદ્ધાનો હિમાયતી
હતો.
માર્ટિન હાઈડગર, જર્મન અસ્તિત્વવાદી
દાર્શનિક કૉલેજમાં સાર્ત્રનો સમકાલીન હતો. આધુનિક અસ્તિત્વવાદીઓ પર એની
મોટી અસર છે. સાર્ત્રની શૂન્યતા (nothingness)ની કલ્પના પર હાઈડગરની સીધી
અસર છે. એનો મુખ્ય ગ્રંથ છે: Being and Time (Sein and Zeit) - અસ્તિ અને
સમય. એની વિચારધારાનું પહેલું બિંદુ છે માણસ. એ માણસ શબ્દ પણ વાપરતો નથી,
પણ Desein-being there - 'ત્યાં હોવું' એવા મતલબનો જર્મન શબ્દ વાપરે છે. એ
બે ભાગ પાડે છે: માણસ અને વસ્તુ (thing). માણસ એ આ દુનિયામાં એક વસ્તુ નથી,
પણ 'અસ્તિ' (being) છે.
હાઈડગર કહે છે કે માણસ આસપાસની અને
ચીલાચાલુ દુનિયા તેમજ એના પ્રત્યાઘાતોમાં ડૂબી જાય છે અને ‘હું’ (I) પણ રહેતો નથી, પણ અજ્ઞાત (anonymous) બની જાય છે. એનું
અસ્તિત્વ ખોટું (unauthentic) બની જાય છે. આ ખોટું અસ્તિત્વ એટલે સ્વત્વ (selfhood) તરફથી વસ્તુત્વ (thinghood) તરફ જાય છે.
કિર્કગાર્ડ અને
ફ્રૉઈડની જેમ હાઈડગરે ભય (fear) અને ચિંતા (anxiety) વિશે વિચાર પ્રગટ કર્યો
છે. ભયને વિષય (object) હોય છે, ચિંતાને વિષય હોતો નથી. એ માને છે કે મૃત્યુ વિના અસ્તિત્વ સંપૂર્ણ
બનતું નથી અને મારું મરવાનું મારે પોતે જ કરવું પડે છે. એણે જીવનના ટૂંકગાળા (temporality) વિશે કહ્યું છે કે જીવનનો
અર્થ ટૂંકગાળાની શક્યતાઓ સાથે જડાયેલો છે અને મૃત્યુ એક જ અંતિમ શક્યતા છે.
કિર્કગાર્ડે શાશ્વતતા (eternity)ને માણસના અંતિમ સ્વરૂપ તરીકે બતાવ્યું હતું, પણ હાઈડગર ટૂંકગાળાને અને
મનુષ્યના નિશ્ચયને મહત્ત્વ આપે છે. શૂન્યતા સાથેના મુકાબલા વિષે એણે લખ્યું છે,
કિર્કગાર્ડ પછીનો
બીજો અસ્તિત્વવાદી ‘હીરો’ છે જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિત્શે. નિત્શેનું એક ભયંકર
વ્યાક્તિત્વ હતું. 19મી અદીના વિનાશવાદ (nihilism) અને 20મી સદીના સિતમ (નાઝીઝમ, ફાસીઝમ) વગરેથી ધ્રૂજી ઊઠેલા આલ્બેર કામ્યુએ
જાહેર કર્યું કે આજના યુરોપની કલંકિત મેધાઓ (evil geniuses) છે હેગલ, માર્ક્સ અને
નિત્શે. ધર્મના ભુક્કા બોલાવી દેનાર નિત્શે છેવટે એના વિચારોમાંથી પાગલ બની ગયો
હતો, પણ એ વિચારો અસ્તિત્વવાદી વિચારધારા પર કાતિલ અસર મૂકતા ગયા છે.
નિત્શે એના superman ‘મહામાનવ’ના સિદ્ધાંત
માટે મશહૂર છે, જે સિદ્ધાંતે હિટલરના નાઝીઝમના ઉત્થાનમાં પણ ભાગ ભજવ્યો હતો, એ
સિદ્ધાંત વિષે વિચાર કરવો અયોગ્ય નથી.
‘Joyful
Wisdom’ નામના પુસ્તકમાં નિત્શેનું એક પાગલ પાત્ર શહેરના ચોક પર ફાનસ હાથમાં લઈને
લોકોને પૂછતું ફરે છે કે, ‘ઈશ્વર ક્યાં છે? હું ઈશ્વરને શોધું છું.’ લોકો હસે છે.
પાગલને ઉત્તર મળતો નથી અને નિત્શે એના પાગલ પાસે કહેવડાવે છે કે, ‘આ બધા દેવળો
ઈશ્વરની કબરો અને સમાધિઓ નથી તો શું છે?’ આગળ વધીને નિત્શે કહે છે કે God is dead (ઈશ્વર મરી ગયો છે). આ
પૂર્વભૂમિકા પછી નિત્શેના વિચારો સમજવા સરળ પડશે.
નિત્શે માનતો કે અપાર્થિવ શિવ (transcendent
goodness), સત્ય અને સૌંદર્ય વિષેનાં
જૂનાં ધોરણો મરી પરવાર્યાં છે અને આધુનિક માણસે એ બધાંનો અસ્વીકાર કરવો જોઈએ.
જૂનાં મૂલ્યો ખતમ થઈ ગયાં છે અને અત્યારે એક વચગાળાનો સમય (transitional Period) ચાલી રહ્યો છે જેના અંતે માણસ પોતાની મેળે જ પોતાનાં
મૂલ્યો સર્જશે (જેને માટે નિત્શે શબ્દ વાપરે છે: transvaluation of values – મૂલ્યોનું મૂલ્યાંકન). તે મૂલ્યો જીવનના સંઘર્ષો વચ્ચે
જીવનને ટકાવશે અને ઉચ્ચતર બનાવશે. આ વખતે નક્કી કરેલાં ધોરણો નહિ હોય.
આપણાં ધ્યેયો એ આપણા જીવનની ગતિ અને પ્રયાસોના પડઘારૂપ
હશે અને સમસ્ત અસ્તિત્વમાં એક વિચાર પ્રધાનસ્થાને હશે: will to Power – શક્તિની ઈચ્છા. પણ આનો અર્થ છે બેલગામ સક્રિયતા નહિ, પણ
શિસ્તબદ્ધ પ્રક્રિયા. માણસે પોતાની જાત અને શક્તિઓના માલિક થવું પડશે. સૌથી પહેલાં
આ ફેરફાર કલા દ્વારા દ્રષ્ટિગોચર થશે. (કલા માટેની નિત્શેની વ્યાખ્યા : લલિતકલાઓ
અને પ્રજનનથી માંડીને આપણે સર્જેલી વિરાટ સંસ્થાઓ સુધીની દરેક સર્જનાત્મક ક્રિયા.)
આપણાં નૈતિક ધોરણો આપણે જેનો સ્વીકાર કરીએ અને નફરત કરીએ એનાથી જુદાં ન હોવાં
જોઈએ. આપણને આપણી મેળે સાચું શું છે એ
જોવા-સમજવાનો સ્વતંત્ર અધિકાર છે. એનાથી સંકલ્પ (will) સંતોષાય છે અને શક્તિ (Power) વધે છે.
ઈશ્વરને આ દુનિયામાંથી મરી જ જવાનું હતું. માણસ પોતે મૂલ્યો નક્કી કરે છે અને
સ્થાપે છે; અને, આગળ ઉલ્લેખ થયો તે વચગાળાના સમયની બીજી બાજુએ પૃથ્વી પરનું
સાર્વભૌમત્વ સ્વીકારવા માટેનો મહામાનવ (superman) ઊભેલો છે. આ કોઈ રાજનૈતિક વિજેતા
(દા.ત. નાઝીઓ) નથી. જગતમાં કોઈ અપાર્થિવતા (transcendence) નથી અને માણસે પોતે સ્વ-પ્રકાશ (self-realization)
શોધવાનો હોય છે.
ઈશ્વરના મરી જવાથી મનુષ્યની સ્વતંત્રતા ભયાવહ બની જાય છે. (‘Freedom is terror’ Sartre) અને એનો બોજ અસહ્ય બની જાય છે. ઈશ્વર એ માણસના સવાલોનો
ઉત્તર રહેતો નથી અને વ્યવહારુપણા (rationalism)થી વિચારશક્તિ અવરોધાય છે. આ ક્ષણે સ્વતંત્રતા,
અસ્તિત્વની શૂન્યતા, ચિંતા અને માણસના નકામાપણાના (wretchedness) પ્રશ્નો ઊભા થાય છે અને
અસ્તિત્વવાદના રંગમંચ પર ઝ્યોં પોલ સાર્ત્ર આવે છે.
સાર્ત્રનો અભ્યાસ જરા લંબાણ માગી લે છે એ બહુ વિરોધાભાસી અને ચર્ચાસ્પદ
વ્યક્તિ છે. અમુકની દ્રષ્ટિએ એ આ સદીનો સૌથી મેધાવી વિચારક છે. અસ્તિત્વવાદી
ગેબ્રિયલ મારસલ માને છે કે એનામાં બદનામ થવાની ખાસ લાક્ષણિકતા છે (Propensity for scandal). અમુક માને છે કે સાર્ત્રનો અસ્તિત્વવાદ લડાઈ પછીનાં થોડાં
વર્ષો બુદ્ધિજીવીઓના મગજ પર પકડ જમાવી ગયો, પણ હવે એ મરી પરવાર્યો છે. એણે ટૂંકી
વાર્તાઓ, નાટકો, ઉપન્યાસો, દર્શનના ગ્રંથો ઘણું લખ્યું છે અને અસ્તિત્વવાદને
પ્રચલિત બનાવવામાં એનો ફાળો ઘણો મોટો છે. ધાર્મિક મનોવૃત્તિવાળા વિચારકો સાર્ત્રની
સામે આંગળી ચીંધી કહે છે કે નાસ્તિકતા અને નિરીશ્વરવાદ માણસને કઈ અધોગતિ સુધી લઈ
જઈ શકે એનું સાર્ત્ર જીવતું પ્રમાણ છે. માણસમાં વિશ્વાસ રાખનાર નવા વિચારકોમાં
સાર્ત્ર સ્વતંત્રતાનો ફિરસ્તો બની જાય છે (કિર્કગાર્ડ જેમ ‘શ્રદ્ધા’ને મહત્વ આપતો
હતો એમ). પણ સાર્ત્ર હમેશાં ચર્ચાસ્પદ રહ્યો છે, અને અસ્તિત્વવાદી વિચારસરણીમાં
એનું સ્થાન અમર છે, ખાસ કરીને એના હિંમતભર્યા નેગેટિવ વિચારોનું. આજના ફ્રાંસમાં
સાર્ત્ર કોઈપણ નવા પ્રયત્નની પીઠ થાબડે છે ત્યારે એનું તકદીર ખૂલી જાય છે. (આંદ્રે
ગોર્ઝના The Traitorની 36 પાનાંની ભૂમિકા સાર્ત્રે લખી આપી હતી અને હમણાં એણે
ફ્રાંસના new-wave ફિલ્મ ડાયરેક્ટર ઝ્યોં લુક ગોડાર્ડની પ્રશંસા કરી હતી).
અત્યાર સુધી પશ્ચિમના વિચારો ચાર દ્વૈત (dichotomy)માં માનતા હતા: (1) વિચાર
વિરુદ્ધ વસ્તુ, (2) વાસ્તવિકતા વિરુદ્ધ બનાવટ, (3) નિયતિને અનુરૂપ શરીર વિરુદ્ધ
ઈચ્છાશક્તિ, (4) વ્યવહારુપણું વિરુદ્ધ અવ્યવહારુંપણું. સાર્ત્રે ‘સ્વ’ના અનુભવને
નવો રંગ આપ્યો છે જે Phenomenology
કહેવાય છે. આ બધા દ્વૈત ભૂતકાળમાં માર્ગદર્શાન આપી શક્યા
ન હતા અને એક બંધમાર્ગ (dead-end) સુધી જઈને અટકી જતા હતા. સાર્ત્ર દ્વૈતમાં માનતો નથી,
પણ અલિપ્તતા (estrangement)માં માને છે. આ અલિપ્તતા દ્વૈત કરતાં પણ ખરાબ છે.
Being-itself, જેને હાઈડગર મનોવ્યાપારની દુનિયાથી બહાર ગણે છે, એને જ
સાર્ત્ર કંઈક અંશે અપાર્થિવતા ( transcendence) કહે છે. આ અપાર્થિવતા નકામી
કલ્પના છે અને સાર્ત્ર માને છે કે અપાર્થિવતા જેવી વસ્તુ જ નથી, પણ બે જ વસ્તુઓ
શક્ય છે: સભાનતા (consciousness) અને જગત. માણસ પોતે જે
અર્થો ગોઠવે એ જ અર્થપૂર્ણ છે. મનુષ્યના અર્થો અને અસ્તિ (being)ના અર્થો વચ્ચે કોઈ સંબંધ નથી. અ-મનુષ્ય નિરર્થક છે.
સભાનતા એ વસ્તુ નથી. એ કોઈ ચીજનો (something) ખ્યાલ (awareness) છે. અને સભાનતા ‘પોતે એ
વસ્તુ નથી’ એવા ખ્યાલને પણ કહેવાય. આ સભાનતા સાર્ત્રની વિચારધારામાં એક અગ્રિમ ભાગ
ભજવે છે.
સાર્ત્ર બધા વિરોધાભાસી દ્વૈતનો અસ્વીકાર કરે છે. સ્વજ્ઞાનના
પ્રતિબિંબની પાછળ એક પૂર્વ-પ્રતિબિંબિત સભાનતા (Prereflective consciousness) નિહિત
છે. ‘હું મારા વિષે સભાન છું’ એમ નહિ પણ ‘હું જ
એક સભાનતા છું’ એ વધુ સાચું છે.
બધા દ્વૈતોને નકારીને સાર્ત્ર
પોતાનું એક દ્વૈત પ્રસ્તુત કરે છે. (1) len-soi (લોં સ્વા) જેને મૂળ ફ્રેંચમાંથી
અનુવાદ કરતાં ‘in itself’ એમ થાય. અંગ્રેજી અનુવાદ the thing as it is in itself
કરવામાં આવ્યો છે. (2) le pour soi (લ પુ સ્વા) ‘the for itself’ - something which is myself, the human consciousness – માણસની સભાનતા. આ તબક્કે
ફિલસૂફ ગેબ્રિયલ મારસલ કહે છે કે સાર્ત્ર વસ્તુવાદી (materialist) છે.
પહેલો વિચાર ‘લોં સ્વા’ એ વસ્તુ સાથેનો માણસનો મુકાબલો
છે. એ વિષે સાર્ત્રે પોતાની પહેલી નવલકથા ‘નોશિયા’ (ઊલટી)માં હીરો રૉક્વેન્ટીનનો
એક વિશિષ્ટ પ્રસંગ ચીતરે છે. રૉક્વેન્ટીન એક ચેસ્ટનટના ઝડની સામે બેસે છે અને જોયા
કરે છે. વૃક્ષની સામે એ બેંચ પર બેઠો છે અને વૃક્ષ ‘ત્યાં’ છે. વૃક્ષનું
‘ત્યાં-પણું’ (thereness) એ એક હકીકત છે. એ વૃક્ષ ત્યાંથી ખસતું નથી. એ વૃક્ષ એક
સ્થિતિ, એક વસ્તુ, એક સજ્જડ રજૂઆત છે જેનું અસ્તિત્વ નકારી શકાય એવું નથી. ધીરે
ધીરે રૉક્વેન્ટીન એ વૃક્ષના ઉપયોગના, બાહ્ય સૌંદર્યના, એની દ્રશ્ય અને અદ્રશ્ય
અસરોના બધા ‘માનુષ્યિક’ વિચારો ખંખેરી નાંખે છે અને વૃક્ષ વસ્તુના
સ્વરૂપમાં, પોતાના જ અસ્તિત્વની રૂએ ઊભું રહે છે. આ એક ક્રૂર મુકાબલો (encounter) છે અને એક અસંગતતા છે. અહીં
સાર્ત્રના હીરોને આ અસંગતતા ઊબકા-ઊલટીની ભાવના (nausea) પેદા કરાવે છે,
આ પ્રસંગનું મહત્વ શું? માણસ અને ઝાડ વચ્ચે શો સંબંધ, શું
સાતત્ય? માણસનું પણ ‘માનુષ્યિક’ સ્વરૂપ ખંખેરી નાખતાં એ પણ આ દુનિયામાં એક સામાન્ય
‘ત્યાં’ બની જાય છે, રૉક્વેન્ટીન પણ સામાન્ય રીતે ‘ત્યાં’ છે. આ બધું ઘોર
અસંગતતાઓનો ખ્યાલ આપે છે અને એક અપરિચિત વાતાવરણ (alien environment) પેદા કરાવે
છે.
બીજો વિચાર સભાનતાને વધુ સ્પષ્ટ કરે છે. બહારની લક્ષ્યવાદી (objective) દુનિયાનો પ્રત્યાઘાત એ
સભાનતા. જો બહારની દુનિયા ન હોય તો સભાનતા સંભવી શકે નહિ. એટલે સાર્ત્ર સભાનતાને
ઊંધી રીતે શરૂ કરે છે. એ અસ્તિના આકારમાંનું એક કાણું છે.
હવે પ્રશ્ન ઊઠે છે: અસ્તિત્વ ખરેખર આકસ્મિક (contingent) અને અસંગત (absurd) છે?
માણસના પ્રત્યાઘાતો વાસ્તવિકતાને તરાશે છે અને આ દુનિયા
ત્યાં છે, ત્યાં ટકી રહી છે, દુનિયાના ‘ત્યાં-પણા'ની તીવ્રતા ખટકે એટલી સત્ય છે.
એટલે સાર્ત્ર માને છે કે એક અલિપ્તતા આવી જાય છે (estrangement) આ એક પૂર્ણ પરિસ્થિતિ (the total predicament) છે જેમાંથી માનસિક નિરાશા, સર્જનાત્મક બળો વગેરે ઉત્પન્ન
થાય છે. ફલત: એક જુદાઈ (alienation) આવે છે, આ જુદાઈને કઈ રીતે પહોંચી વળવું? શ્રદ્ધાથી શાંતિ
મેળવવી કે નાસ્તિકતાના ઊબકા ખાવા? અહીં ધર્મવિચારકો દલીલ કરે છે કે ઝાડની અસ્તિ એ
જે છે તે જ છે. માણસ જે છે એ જ નથી, દુનિયાના મશીનનો એ એક પુર્જો નથી, એ
જુદો પડે છે. પણ સાર્ત્ર ‘સ્વ-અપાર્થિવતા’ (self-transcendence)નો પોતાનો
દ્રષ્ટિકોણ આપે છે.
અલિપ્તતા એ સાર્ત્રની ફિલોસૉફીનો એક મોટો સિદ્ધાંત છે અને એની એણે સારી છણાવટ
કરી છે. એ એક બુનિયાદી સ્થિતિ છે: (1) માણસ અને દુનિયાના સંબંધોની, અને (2) માણસ અને અન્ય માણસોના
સંબંધોની. જ્યારે હું કોઈ વસ્તુની સંમુખ ઉપસ્થિત થાઉં છું ત્યારે કંઈ જ બનતું નથી,
પણ જ્યારે હું અન્ય વ્યક્તિ કે માણસની સામે આવું છું ત્યારે એ મારી સામે જુએ છે
અને કંઈક બને છે. હવે આ સામેનો માણસ એક વિરુદ્ધ દ્રષ્ટિકોણ (counter-perspective) છે, જે મારા દ્રષ્ટિકોણને ચેલેન્જ કરે છે. હું એનું
લક્ષ્ય બની જાઉં છું અને એની સભાનતામાં એક વસ્તુ બની જાઉં છું અર્થાત બીજો માણસ
મારો કર્તા બની જાય છે અને મારા વસ્તુપણાનો ખ્યાલ મને આવે છે. આ એક આંતર-વ્યક્તિગત
પરિસ્થિતિ છે. હું આ સ્થિતિનો વિરોધ કરું છું, એટલે હું દૂર થતો જાઉં છું અને
સંઘર્ષ થાય છે. મારી દ્રષ્ટિ આનો ઉકેલ સૂચવે છે: મારે કર્તા થવાનો અને સામેના
માણસને વસ્તુ બનાવી દેવાનો, જે વૃત્તિ પણ સંઘર્ષ પેદા કરનારી છે.
કાંઈક અંશે આજ
દષ્ટિએ સાર્ત્રે પ્રેમના પ્રશ્નને સમજવાની કોશિશ કરી છે. અસ્તિત્વની જેમ પ્રેમ પણ
એક સતત નિરાશ થવા સર્જાયેલો છે. પ્રેમનો અર્થ છે જુદાઈ દૂર કરવાનો એટલે કે અન્ય
વ્યક્તિનાં સ્વાતંત્ર્યને દબાવી દેવાનો. જો પ્રેમ સફળ થાય તો અન્ય વ્યક્તિનું
સ્વાતંત્ર્ય અટકી જાય છે, ક્રમશ: નાશ પામે છે; જો અસફળ થાય તો જુદાઈ ચાલુ રહે છે.
આ દ્રષ્ટિએ પ્રેમમાં એક વિચિત્ર વિરોધાભાસ છે, આ બુનિયાદી વિરોધાભાસનો ખાસ પ્રકાર
આ છે – માણસ જ્યારે બે ‘સ્વ’ (selves)ને એકબીજામાં ઓતપ્રોત થઈ
જવાની કલ્પના કરે છે ત્યારે તેને અંત કે અર્થ નથી હોતાં. બીજા કર્તા
અથવા બીજા સ્વ સાથે ઓતપ્રોત (merge) થઈ શકવાની અશક્યતાને લીધે કારુણ્ય આવે છે. સાર્ત્ર કહેવા
માગે છે કે પ્રેમનું પરિણામ નિરાશા જ હોઈ
શકે.
આ પ્રેમ બે માનસિક સ્વરૂપો પણ લઈ શકે છે: masochistic – હું જ્યારે વસ્તુ બની
જાઉં છું, હું સહન કરું છું અને અન્ય ‘સ્વ’નું સહન કરવામાં મને આનંદ આવે છે; અથવા sadistic – જ્યારે હું કર્તા બનીને
અન્ય ‘સ્વ’ને વસ્તુમાં પલટાવી નાખું છું, એના પર જુલ્મ કરું છું અને એ જુલ્મમાંથી
મને આનંદ મળે છે. આ પ્રેમનો sadomasochistic ધ્વનિ સાર્ત્રનાં લખાણોમાંથી મળી રહે છે.
માણસની નિરાશાનાં
થોડાં કારણો છે – પોતાના દોષની ભાવના, એક દુન્યવી (physical) દુનિયાનું અસ્તિત્વ, બીજા
‘સ્વ’નું સ્વાતંત્ર્ય, બીજાઓનો ખ્યાલ. સાર્ત્ર ‘આપણે’ની ભાવના (wefeeling) વિષે કહે છે કે એ
કૃત્રિમતા છે અને એનાથી જવાબદારીમાં વૃદ્ધિ થતી નથી, પણ એમાંથી એક છૂટકારો થાય છે.
એ સ્વાતંત્ર્યને એક આહવાન છે. ઈશ્વરમાં શ્રદ્ધા પણ સ્વાતંત્ર્યથી ભાગી છૂટવાનો એક
પ્રયત્ન છે. સભાનતાની સાથે સાથે જ સ્વાતંત્ર્ય આવી જાય છે. ‘માણસને સ્વાતંત્ર્ય
છે’ એના કરતાં ‘મનુષ્યનું અસ્તિત્વ એ જ સ્વતંત્રતા છે’ એ વધારે ખરું છે.
સાર્ત્રે અસ્તિત્વ અને સ્વતંત્રતાના વિચારોનું વિશ્લેષણ કર્યું છે, જે થોડો
અભ્યાસ માગી લે છે.
માણસની બાબતમાં ‘અસ્તિત્વ સત્વની પહેલાં આવે છે અને સત્ત્વને તરાશે છે.’ (existence precedes
and conditions essence) આ અસ્તિત્વ અને સત્ત્વના ઝઘડા
વિષે (કોણ પહેલું) ઘણા વાદવિવાદ થયા છે. સાર્ત્રે વારંવાર પોતાનો દ્રષ્ટિકોણ સાફ
સાફ કહ્યો છે: Man is a
being…whose existence precedes his essence અને Man’s
existence is man’s essence. પહેલું અસ્તિત્વ, પછી સત્ત્વ.
અહીં બે શ્રદ્ધાઓ વચ્ચેનું ઘર્ષણ છે – માણસના સ્વાતંત્ર્યમાં વિશ્વાસનું અને
ઈશ્વરના વિશ્વાસનું. જો આ બધું જ ફાની (finite) અસ્તિત્વ ઈશ્વર પર નિર્ભર હોત તો નિયતિનું (determinism) તત્ત્વ
અનિવાર્ય બની જાત. જો માણસનું સત્ત્વ એના અસ્તિત્વની પહેલાં આવતું હોત તો ઈશ્વરે
માણસોને એક પદ્ધત્તિ મુજબ, કારીગરની જેમ, બનાવ્યા હોત. પણ એ ખોટું છે, અને માણસ
અનાયાસે અસ્તિત્વમાં ફેંકાતો હોય છે.
સભાન થવું અને પસંદ કરવું (to choose) એ બે વચ્ચે સંબંધ છે. જે
મૂલ્યો હું મેળવું છું એ પસંદગીમાંથી આવે છે માટે સ્વાતંત્ર્ય સ્વ-ચલિત (arbitrary) છે.
ઘણાં કારણોને લીધે મારી ‘સ્થિતિ’ બને છે, પણ મને મારી
સ્થિતિમાં ઢાળી નાખવાનું કે અનુરૂપ બનાવવાનું (identical) મારાથી થઈ શકતું નથી. હું જે
કરવા માગું (project) તે કરું છું. ભૂતકાળ બદલાતો નથી અને વર્તમાન ‘સ્વ’ એ
ભૂતકાળનું શારીરિક અને માનસિક વહન (continuity) છે. આ બધું પણ આગળથી નક્કી કરી રાખેલા કોઈ
સિદ્ધાંતો-નિયતિ (determinism)
પ્રમાણે ચાલતું નથી, કારણ કે સભાનતા ભૂત અને વર્તમાનના
‘સ્વ’થી પર છે.
આ દુનિયાની એક વિચિત્રતા એ છે કે બીજો મારા અસ્તિત્વ માટે
અનિવાર્ય છે. મારા વિષે કોઈ સત્ય, બીજો એ વિષે વિચારવિમર્શ (meditation) ન કરે ત્યાં સુધી, હું મેળવી
શકતો નથી. હું અ-સ્વયં (de-personallize)
થતો જાઉં છું. કોઈ શું કરે છે એ મારી જિંદગીની કસોટી (criterion) છે, અને આ કસોટી સર્જવામાં મારા સ્વાતંત્ર્યનો ઉપયોગ થતો
નથી.
અહીં અસ્તિત્વની વાસ્તવિકતા થોડા પ્રશ્નો ઊભા કરે છે. હું
એક યહૂદી છું અથવા હોટલનો વેઈટર કે પ્રોફેસર છું. બીજા માણસોની આવી વ્યાખ્યાઓ મને
બાંધી નાંખે છે. એ વ્યાખ્યાઓના અર્થ હું મારી મેળે પસંદ કરી કે સ્વીકારી શકતો નથી.
બીજો ‘મને’ ઓળખતો નથી અને બીજાનું મારા વિષેનું આ કટાક્ષ-ચિત્ર (caricature) મેં પસંદ કર્યું નથી. બીજાને
મારા વિષે આ પ્રકારનું જ્ઞાન કે અસર છે એ મારી સભાનતામાં ઘોંચાય છે. એટલે એકનું
અસ્તિત્વ એ બીજાના અસ્તિત્વનો ભંગ (violation) છે. એકનું સ્વાતંત્ર્ય બીજાને
ધમકીરૂપ છે. આ વિચારને અનુલક્ષીને સાર્ત્ર એના No Exit નાટકમાં એક પ્રખ્યાત લીટી લખે
છે – Hell is other people.
હવે મુદ્દો ઊઠે છે મનુષ્યની દુ:સ્થિતિનો (predicament). એની આ સ્થિતિનાં કારણો છે:
(1) અસ્તિ માટે એ જવાબદાર નથી, (2) સભાન થવા માટે પણ દાયિત્વ નથી, (3) એ પ્રકૃતિ,
સમાજ, બીજી વ્યક્તિઓ અને મૃત્યુથી ઘેરાયેલો છે અને (4) જિંદગીના અર્થ માટેની
સંપૂર્ણ જવાબદારી એની પોતાની છે. ચિંતા અને સ્વાતંત્ર્ય વચ્ચેની ઘનિષ્ઠતા
કિર્કગાર્ડ અને હાઈડગરની જેમ સાર્ત્રે પણ બતાવી છે.
સાર્ત્રનું કહેવું છે કે હું માત્ર મારી જિંદગીનો અર્થ જ નક્કી કરતો નથી, પણ
સમસ્ત માનવજીવનનો અર્થ નક્કી કરવાનો ભાર મારા પર છે; અર્થાત, જ્યારે હિટલરે યુદ્ધ
જાહેર કર્યું ત્યારે એની સાથે મેં પણ યુદ્ધ જાહેર કરવાની અનુભૂતિ મેળવી છે, અથવા
યુદ્ધકેદીઓની છાવણીમાં એક કેદી સિતમ સહે છે ત્યારે એ બધા માટે સહતો હોય છે.
માણસ શું થવાની કોશિશ કરતો હોય છે? સાર્ત્ર કહે છે કે એ ધ્યેય મેળવવું અશક્ય
છે. માણસ ઈશ્વર બની શકતો નથી, કારણ કે ઈશ્વરનું અસ્તિત્વ નથી. માણસ en soi (ઓં સ્વા - the thing in itself) અને pour soi (પુ સ્વા - human consciousness)નો સંયોગ
(harmony) શોધતો હોય છે. આ સંયોગ અસંબદ્ધ છે, કારણ કે માણસ બન્ને
છે; અને તેથી અસ્તિત્વ નિરર્થક છે.
સ્વતંત્રતા જન્મજાત છે, એ માણસને અપાયેલી છે. માણસને
‘સ્વતંત્ર ન થવાની’ પણ સ્વતંત્રતા નથી. ઈશ્વર વગરની દુનિયામાં માણસ એ
સ્વાતંત્ર્યનો ઉપયોગ કરે છે; અને હું બધા જ માણસો માટે મૂલ્યો સર્જું છું, આથી મને
ચિંતા (anxiety) પેદા થાય છે કે ખરેખર હું સાચે માર્ગે છું કે નહિ. આ
મુદ્દો આગળ વધે છે ત્યારે ઈશ્વર વગરની દુનિયામાં સ્વતંત્રતા બેલગામ બને છે અને
સાર્ત્ર પોકારે છે: ‘સ્વાતંત્ર્ય ભયાવહ છે’ – Freedom is terror.
અને આ સ્વાતંત્ર્યથી ભાગી જતાં શું પરિણામ આવે છે? માણસ એના મર્તબા (dignity)થી દૂર જાય છે અને સ્વાતંત્ર્યનો
ભય થોડી ભ્રમજાળો ઉત્પન્ન કરે છે. દા.ત. યહૂદી-વિરોધવાદ (anti-semitism) એ એક ‘હોળીના નાળિયેર’ જેવી
કોમ પર બધો આરોપ ઢોળે છે અથવા ફ્રોઈડની જેમ મા-બાપ અને લીબીડો (libido)ને હંમેશાં દોષિત ગણે છે અથવા
સામ્યવાદની જેમ એક જુલ્મનું વિષચક્ર ફેરવે છે અને જૂઠને સ્વીકાર્ય (justified) કરે છે. સ્વાતંત્ર્યથી ભાગી
જવાનાં આ પરિણામો છે. ગંભીરતા અહીં પ્રવેશે છે. માણસે વિચારવાનું છે: મારું
સ્વાતંત્ર્ય અને બીજાઓનું સ્વાતંત્ર્ય. Total
Engagement (પૂરેપૂરો સહયોગ) એ સાર્ત્રનો
પ્રખ્યાત સિદ્ધાંત છે. આ સહયોગ માણસે સ્વાતંત્ર્યના પ્રેમીઓ સાથે કરવાનો છે.
સ્વાતંત્ર્યના શત્રુઓનો પ્રતિકાર કરતાં માણસનું જીવન એકલતાથી ભરપૂર અને બેબુનિયાદ
બને છે, અને એની કરુણતા નિવારવાનો એક જ માર્ગ છે, બીજા માણસોની સાથે સ્વાતંત્ર્યની
પ્રવૃત્તિ (enterprise)માં સહયોગ (engagement
or commitment) આપવાનો.
મનુષ્ય સ્વભાવ (nature) જેવું નથી. પણ દરેક યુગ પોતાના પ્રાકૃતિક સિદ્ધાંતો
પ્રમાણે વિકાસ કરે છે (dialectical
laws) માણસ પોતાના સ્વભાવ પર નહિ, પણ યુગ ઉપર નિર્ભર કરે છે.
નિરીશ્વરવાદ કેવી ભયંકર પરિસીમા પર લઈ જાય છે એનું સાર્ત્ર પ્રમાણ છે? જિંદગી
એકાએક ઊપજે છે અને અસંગત રહે છે. પોતાના નિરીશ્વરવાદને અંત સુધી વળગી રહેવાની
સાર્ત્રમાં ભયાનક હિંમત છે એ હિંમત પ્રામાણિક પણ છે.
સાર્ત્ર પછીના મહત્ત્વના અસ્તિત્વવાદી ચિંતકો છે કાર્લ જેસ્પર અને ગેબ્રિયલ
મારસલ. મારસલ ફિલસૂફ છે અને જેસ્પર મનોવૈજ્ઞાનિક (metaphysician). જેસ્પર ફિલોસૉફી
અને મનોવિજ્ઞાનના કિનારા પર ઊભો છે. એની પ્રખ્યાત વિચારધારા Boundary Situations (સીમાન્તસ્થિતિઓ)ની
છે. એનું કહેવું છે કે સંઘર્ષ, સંવેદન, દોષની ભાવના, મૃત્યુ વગેરે સીમાન્ત સ્થિતિઓ
છે અને એ સ્થિતિઓ ઐતિહાસિકતા (historicity)એ જન્માવેલી છે. આપણને એ સ્થિતિઓનો મુકાબલો કરવો પડે છે
અને એ વખતે સ્વત્વનો ખ્યાલ (awareness of
self-hood) આવે છે.
બુદ્ધિ બધાં જ સ્વીકૃત સત્યોને આહવાન આપે છે. વિનાશવાદ (nihilism) જિંદગીને અસંગત બનાવે છે અને
‘અસ્તિનું વિજ્ઞાન’ (metaphysics) સત્ય અને મૂલ્યોની ખરી ભૂમિકા શોધે છે.
આજનો અસ્તિત્વવાદ મનોવિજ્ઞાનની સીમા સુધી આવી પહોંચ્યો છે
અને કાર્લ જેસ્પરનાં વિધાનો એ ઘટનાના પ્રકાશમાં સંગત બની રહે છે. ‘હું’નું મૃત્યુ
એ પ્રશ્ન જેસ્પરે સમજવા કોશિશ કરી છે. મારે જ એ પ્રશ્નનો ઉત્તર મેળવવાનો છે. ટૂંક
સમયનો એશ અથવા મનુષ્યજીવનની જટિલતા અકળ છે એમ માનીને પ્રયત્ન છોડી દેવો એ બધું
પ્રશ્નથી દૂર ભાગવા બરાબર છે. એ ક્રૂર સત્ય છોડી શકાતું નથી અને મૃત્યુને લીધે
જીવન અર્થ વગરનું થઈ રહે છે. આ શૂન્યતાનો પ્રતિકાર જેસ્પર ‘courageous faith’ (હિમ્મતભર્યો
વિશ્વાસ)થી આપે છે. વર્તમાનમાં જ (ભવિષ્યનું અમરત્વ કે મોક્ષ નહિ) આ શૂન્યતાને
હિંમતભર્યા વિશ્વાસથી સમજવાની અને જીતવાની છે. કબરમાં દટાઈ ગયા પછી કોઈ ભવિષ્ય નથી
અને અમરત્વ ખોટું છે. અમરત્વમાં માનવું એ આપણી મર્યાદા (finitude) છે અને ઐતિહાસિકતાને (historicity) નકારવા
જેવું છે.
મનુષ્યના પ્રશ્નો જીવનના કારુણ્ય પર ઘસાતા જાય છે અને
વિપ્લાવક તણખા ઝરતા જાય છે. માણસ ખોટા ઉકેલોનો (Pseudo-solutions) અસ્વીકાર
કરીને અસ્તિત્વની સામે બળવો પોકારતાં શીખે છે. વેદના, દુ:ખ, દોષ, ખરાબી આ બધાંનો
માણસ પાસે એક જ ઉત્તર છે – એની સ્વતંત્રતા. જિંદગી સુયોગ્ય બની શકે. અહીં
નાસ્તિકતા આવે છે અને હું મારો પોતાનો ઉત્તર બની જાઉં. (સંસ્કાર, સમાજ, ધર્મ કોઈ
મને સંતોષ આપી શકતા નથી.) જેસ્પરની દ્રષ્ટિએ નાસ્તિકતા એ એક પ્રામાણિક ધર્મ છે, જે
ખરાબ (evil)ને સારું કહી શકતો નથી.
સાર્ત્રનું સહયોગનું દ્રષ્ટિબિંદુ (engagement) એ સાર્ત્ર અને કામ્યુની
જુદાઈનું કારણ હતું. સાર્ત્ર સ્વતંત્રતાનાં સહયોગમાં માનતો હતો. આનો અર્થ
મૂડીવાદની સામે લડતા સામ્યવાદના સહયોગમાં કરી શકાય. કામ્યુએ કહ્યું કે પીડીતો (Proletariat)ના જે અપ્રાપ્ય સ્વર્ગ માટે
સહયોગની જરૂર છે અને માટે મારે મારા ભાઈઓનાં માથાં ભાંગવાં પડે એ હું સ્વીકારતો
નથી. (For a far away
city which I am not sure, I will not strike the faces of my brothers.)
માણસ એક નિષ્ફળતા છે અને એ નિત્ય અપૂર્ણ રહે છે. માણસને
પોતાની દુ:સ્થિતિમાંથી ઉગારવા માટે કોઈની મદદ મળતી નથી. કિસ્મતની
દયા પર એને જીવવું પડતું હોય તો એણે ફક્ત એની નિહિત શક્તિઓનો વિચાર કરવો રહ્યો.
એનાથી સ્વતંત્રતા અને મહત્તા મળશે, અને બુદ્ધિ (reason)ની અંદર રહીને એ બધું કરી શકે
છે.
અસ્તિત્વવાદનાં ઈતિહાસ અને નિયતિ વિષેનાં વિધાનો, એનાં
પોતાનાં મૂલ્યો, વ્યક્તિત્વવાદ, મનુષ્યના સ્વાતંત્ર્ય અને દોષની ભાવના વિષેના
સંધાનો, શૂન્યતા અને એકલતાના દ્રષ્ટિકોણો – આ બધું જ સ્વીકાર્ય હોવું જરૂરી નથી,
પણ એ બધા પર રચાયેલી અસ્તિત્વવાદની ઈમારત નક્કર તો છે જ. જીવનને સમજાવવાનો એ એક
જૂનો અને છતાં પણ નવો દ્રષ્ટિકોણ આપે છે.
(પુસ્તક: આભંગ)